‘બૌદ્ધ બનવું અર્થપૂર્ણ છે કારણ કે તેનાથી હિંદુ ધર્મ પ્રત્યેનો આક્રોશ દર્શાવી શકાય છે’

    • લેેખક, મયુર વાઢેર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મારું નામ મયુર વાઢેર છે. હું ગુજરાતના કોડિનારમાં શિક્ષક તરીકે કામ કરું છું.

હું જ્યારે નાનો હતો ત્યારે મને ખબર નહોતી કે જાતિ શું હોય છે? પણ હું જે સરકારી શાળામાં ભણતો હતો ત્યાં મધ્યાહન ભોજનની બે પંગત બેસાડાતી.

એક વણકર, વાલ્મિકી, ચમાર, હાડી જેવા સમુદાયના વિદ્યાર્થીઓની અને બીજી ગામની અન્ય જાતિઓના વિદ્યાર્થીઓની.

જાતિવાદ સાથે પડેલો એ મારો પ્રથમ પનારો હતો. હું જેમજેમ મોટો થતો ગયો તેમતેમ જાતિગત ભેદભાવના અનુભવ વધતા ગયા.

મને એ સમજાતું ગયું કે કેમ લોકો મને અલગ સમજે છે. મારે કેમ બીજા લોકોથી દૂર રહેવાનું હોય છે.

પિતાનો અનુભવ

જોકે, મારા પિતા આ વાત ક્યારનાય સમજી ગયા હતા. મારા પિતાએ એમના જીવનમાં ડગલેને પગલે જાતિવાદનો અનુભવ કર્યો છે.

આખરે એ એવા નિર્ણય પર આવ્યા કે તેમને જાતિવાદનો અનુભવ એટલા માટે કરવો પડે છે કારણ કે ઉજળિયાત હિંદુઓ તેમને હિંદુ નથી ગણતા.

તેમને વિચાર આવ્યો કે જો તેઓ હિંદુ ના હોય તો હિંદુ ધર્મમાં રહેવાનો શો ફાયદો?

બસ! મારા પિતાએ બાબા સાહેબ આંબેડકરે ચીંધેલા રસ્તે હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું.

જે રીતે બાબા સાહેબ આંબેડકરે હિંદુ ધર્મ પ્રત્યેના આક્રોશના ભાગરૂપે મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

એ જ રીતે મારા પિતાએ પણ વર્ષ 2013માં જૂનાગઢમાં 80 હજાર દલિતો સાથે બુદ્ધનો ધર્મ અપનાવી લીધો.

શું તમે આ વાંચ્યું?

વર્ષ 2013માં મારા પિતાએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.

મેં પિતાને તેમના બૌદ્ધ બનવાનો આશય અને બૌદ્ધ બન્યા પછી બીજા લોકોના તેમના પ્રત્યેના વલણ અંગે પૂછ્યું તો તો તેમણે કહ્યું:

“ડૉ. આંબેડકરની પ્રેરણાએ મને બૌદ્ધ બનવા માટે આકર્ષિત કર્યો છે. બૌદ્ધ બનવાથી બીજા લોકોના વલણમાં કોઈ જ બદલાવ આવ્યો નથી.”

“પણ, ધર્મ પરિવર્તનથી મને આત્મસંતોષ છે કે મેં એવા ધર્મનું શરણ લીધું છે, જેના સ્થાપક બુદ્ધે તેમના અનુયાયીઓને તર્ક અને વિવેકબુદ્ધીને આધારે જીવન વ્યતિત કરવાનો ઉપદેશ આપ્યો હતો.”

કેટલું બદલાયું જીવન?

ધર્મ બદલવાથી અમારા જીવનમાં કોઈ ખાસ ફેરફાર નથી આવ્યો. અમે બૌદ્ધ બન્યાના પાંચ વર્ષ પહેલાંથી જ અમારી જીવનશૈલી બદલી રહ્યા હતા.

મારા મમ્મી જયશ્રીબેન હિંદુ દેવી-દેવતાઓમાં માનતાં અને તેમની પૂજા પણ કરતાં. અમારા ઘરમાં ગણપતિ પણ સ્થાપિત હતા.

જોકે તેમને શ્રદ્ધાને બદલે તર્કથી વિચારવા માટે તૈયાર કરવામાં અમને પાંચ વર્ષ લાગ્યાં. એ પછી જ્યારે તેમણે તૈયારી બતાવી ત્યારે જ અમારા પરિવારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

બૌદ્ધ એ ધર્મ નથી, જીવનનો સિદ્ધાંત છે. એટલે અમે કોઈ પૂજા વિધિઓ હવે નથી કરતા.

મારા બિન-દલિત મિત્રો સાથેની મિત્રતા પહેલા જેવી જ તંદુરસ્ત છે.

એ મને પૂછે કે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી અમે અનામતના લાભ લેવાનું કેમ નથી છોડ્યું?

મારે એમને સમજાવવું પડે છે કે, મેં મારી માન્યતા બદલી છે, પરંતુ સામાજિક વ્યવસ્થા કે સમાજનું અમારા પ્રત્યેનું વર્તન નથી બદલાયું.

વળી, ભારતમાં જાતિ વ્યવસ્થા સાથે આર્થિક વ્યવસ્થા પણ જોડાયેલી છે. એટલે કે ચોક્કસ જ્ઞાતિને આજીવિકા કમાવવા માટે ચોક્કસ કામ સોંપાયેલું છે.

એટલે ધર્મ પરિવર્ત કરવાથી કામનું પરિવર્તન નથી થઈ જતું.

મેં કેમ બૌદ્ધ ધર્મ અંગીકાર ના કર્યો?

વ્યક્તિગત રીતે અને બાબા સાહેબના જીવનસંઘર્ષને વાંચીને મને અનુભવાયું છે કે માત્ર ધર્મ પરિવર્તન કરવાથી જાતિવાદની આ સમસ્યા દૂર થાય એમ નથી.

એનું કારણ એ છે કે ધર્મ પરંપરાગત રીતે મળે છે. મારા પિતાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એટલે મને પણ એમની પાસેથી ધર્મ મળી ગયો છે.

જોકે, મારા ઘરમાં બુદ્ધની કોઈ મૂર્તિ નથી કે બીજી કોઈ પૂજા વિધિ થતી નથી. હા અમે બુદ્ધ અને ડૉ. આંબેડકરનો ફોટોગ્રાફ પ્રેરણા માટે રાખ્યો છે, આસ્થા માટે નહીં.

હું બૌદ્ધ વિહારમાં પણ જતો નથી. કારણ કે બૌદ્ધ એ ધર્મ નથી. બુદ્ધે જીવન જીવવાના 24 સિદ્ધાંતો આપ્યા છે, તે પ્રમાણે અમે જીવીએ છીએ. એ તર્ક આધારિત સિદ્ધાંતો છે.

સામાન્ય રીતે દલિતોના બૌદ્ધ બનવાથી તેના ભૌગોલિક ક્ષેત્રમાં જ્યાં તેમની દલિત હોવાની ઓળખ છે તે દૂર થતી નથી કે અન્ય લોકોના તેમના પ્રત્યેના વલણમાં ફેર પડતો નથી.

જોકે, ડૉ. આંબેડકરે પણ એવો દાવો કર્યો નથી કે દલિતોના બૌદ્ધ બનવાથી હિંદુઓનું તેમના પ્રત્યેનું વલણ બદલાઈ જશે.

તો પછી ધર્મ પરિવર્તનનો અર્થ શું?

મારા પિતાએ ધર્મ પરિવર્તન કર્યા પછી અમે હિંદુ તહેવારોની ઉજવણી બંધ કરી દીધી છે. અમે દીવાળીમાં ફટાકડા નથી ફોડતા કે અમારા ઘરે દીવડાં પણ નથી મૂકતા.

જેને કારણે લોકોને આશ્ચર્ય પણ થાય છે. જેમ પહેલાં અમારી જાતિ જણાવવી પડતી હતી, હવે અમારે તેમને બૌદ્ધ ધર્મ વિશેના જવાબો આપવા પડે છે.

હા, લોકોને બૌદ્ધ ધર્મ વિશે ખાસ ખબર ન હોવાથી જાતિગત ભેદભાવ ઓછો થયો છે, પણ બંધ નથી થયો.

ખુદ બાબા સાહેબની વાત કરીએ તો તેમણે આખું જીવન હિંદુ ધર્મના જાતિવાદના દૂષણને દૂર કરવાનો પ્રયાસ કર્યો છતાં જ્યારે હિંદુઓ તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળ્યો ત્યારે તેમણે હતાશ થઈને હિંદુ ધર્મ છોડવાનું મન બનાવ્યું.

બાબા સાહેબે હિંદુ ધર્મ છોડ્યો એ પાછળનું કારણ એ હતું કે તેમને હિંદુ ધર્મ વિરુદ્ધ આક્રોશ હતો.

આમ છતાં હું માનું છું કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો એ અમારા માટે ખૂબ જ અર્થપૂર્ણ છે, કારણ કે અમે તેનાથી અમારો હિંદુ ધર્મ પ્રત્યેનો આક્રોશ બૌદ્ધ ધર્મમાં ભળી જઈને દર્શાવી શકીએ છીએ.

મને એવી પણ આશા છે કે, આજે નહીં તો અમારી આગામી એક-બે પેઢીને સવર્ણો તરફથી જાતિગત ભેદભાવનો સામનો નહીં કરવો પડે.

કારણ કે વખતે અમારા સંતાનો અને સવર્ણોના સંતાનો વચ્ચે જાતિ નહીં આવે કારણ કે એ વખતે અમારા સંતાનો કોઈ જાતિના નહીં પરંતુ બૌદ્ધ હશે. આખરે એ વખતે આ દલિત હોવાનું પૂંછડું નીકળી જશે.

હિંદુઓને શો ફેર પડે?

ડૉ. આંબેડકરમાથી પ્રેરણા લઈને તેના અનુયાયીઓ પણ બૌદ્ધ ધર્મની દિક્ષા લઈ તેના જીવનમા બૌદ્ધ સંસ્કારને અપનાવી રહ્યાં છે.

ભારતમાં 1951ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં બૌદ્ધોની વસ્તી માત્ર 1,41,426ની હતી.

ડૉ. આંબેડકરના નેતૃત્વમાં થયેલા ઇતિહાસના સૌથી મોટા ધર્માંતરણનાં માત્ર પાંચ વર્ષ પછી 1961માં બૌદ્ધોની વસ્તી 32,06,142 જેટલી થઈ.

એ પછી ભારતમાં બૌદ્ધ વસ્તીમા સતત વધારો થતો રહ્યો છે પણ મૂળ એ સવાલ તો રહે જ છે કે દલિતો હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ બને તે પછી તેની સાથે ઉજળિયાત હિંદુઓના સામાન્ય વ્યવહારમાં ફેર પડે છે કે કેમ?

જાતિવાદનો ઉકેલ શો?

એવી બહુ વાતો સાંભળવા મળે છે કે આંતરજ્ઞાતિય લગ્નો અને આંતરજ્ઞાતિય ભોજન એ જ જાતિવાદને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પણ, હું આ વાત સાથે સહમત નથી.

મારા પિતરાઈ ભાઈએ બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કર્યા છે. પણ એનો સાસરીયા પક્ષ હજુ સુધી એને અપનાવી શક્યો નથી.

બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન થયા હોવા છતાં એ આજે પણ ડગલે ને પગલે જાતિવાદનો ભોગ બને છે.

એટલે જ મારું માનવું છે કે જાતિવાદની સમસ્યા ત્યારે જ દૂર થઈ શકશે કે જ્યારે જાતિવાદથી પીડિત અને જાતિવાદને વકરાવનાર, એમ બન્ને પક્ષના લોકો સાથે મળશે અને સહિયારો પ્રયાસ હાથ ધરશે.

જો આવું થશે તો જ જાતિવાદ દૂર થઈ શકે એમ છે. બાકી જાતિવાદ આ દેશમાંથી દૂર થાય એવા મને કોઈ જ અણસાર દેખાતા નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો