You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘સન્માન’ માટે ઉનાકાંડના દલિતોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા ઉના મોટા સમઢીયાળાથી
લગભગ બે વર્ષ પહેલાં ઉનામાં કથિત ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ બનેલા દલિત પરિવારો મોટા સમઢિયાળામાં આજે હિંદુ ધર્મ ત્યાગી દીધો છે અને હવે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે.
હિંદુ ધર્મમાં જાતિગત ભેદભાવ અને અત્યાચાર કરાઈ રહ્યાં હોવાની ફરિયાદ સાથે ગામના પીડિત પરિવારો ઉપરાંત સૌરાષ્ટ્રના અલગઅલગ વિસ્તારમાંથી અહીં આવેલા લગભગ 300 દલિત પરિવારોએ બુદ્ધના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામ નજીક મોટા સમઢિયાળા ગામમાં પીડિતોના ઘરની નજીક જ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટેની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે વર્ષ પહેલાં ઉનામાં જે સ્થળે દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો એ સ્થળ પણ અહીંથી નજીક છે.
કેટલા દલિતોનું ધર્મ પરિવર્તન?
ગામના 27 દલિત પરિવારો આ કાર્યક્રમ દરમિયાન બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગઅલગ વિસ્તારોથી પણ દલિતો અહીં આવ્યાં છે અને હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ બન્યા.
જોકે, જેવો દાવો કરાઈ રહ્યો હતો એટલા પ્રમાણમાં દલિતો ધર્મ પરિવર્તનના આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી.
ઉનાના દલિત આગેવાન કેવલસિંહ રાઠોડને આ સંખ્યામાં વધારો થાય એવી અપેક્ષા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, ''દલિતો આ કાર્યક્રમમાં હજુ પહોંચી રહ્યા છે.''
રાઠોડે એવું પણ ઉમેર્યું, “ઉના સિવાય અન્ય સ્થળોએ કે જ્યાં બૌદ્ધ વિહારો આવેલા છે, ત્યાં પણ દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યાં છે.”
“વળી, 30 એપ્રિલે બુદ્ધપૂર્ણિમા હોવાથી, દલિતો સોમવારે પણ બૌદ્ધ ધર્મ અપનાવી શકે છે.”
'હિંદુ ધર્મમાં નફરત જ મળી'
ઉના કાંડ દરમિયાન કથિત ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ બનેલા વશરામભાઈએ બીબીસીને જણાવ્યું, “હિંદુ ધર્મમાં ક્યારેય પણ અમને માનવથી માનવના પ્રેમની અનુભૂતિ નથી થઈ.”
તેમણે ઉમેર્યું, “હિંદુ ધર્મમાં હંમેશાં નફરત જ મળી છે. પણ, બૌદ્ધ ધર્મ એક વૈશ્વિક ધર્મ છે. એ ધર્મ અમને માનવ તરીકે દરજ્જો અપાવશે એવી આશા છે. અમે આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ બની રહ્યાં છીએ.”
શું તમે આ વાંચ્યું?
આ કાર્યક્રમમાં આવનારા દરેકનું સસ્મિત સ્વાગત કરી રહેલા બાલુભાઈએ કહ્યું, “અમે હવે નવેસરથી અમારૂં જીવન શરૂ કરીશું. અમે બધા, ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વ્યાપ વધારવા માટે કાર્યરત્ રહીશું અને ડૉ. આંબેડકરે દર્શાવેલા માર્ગ પર ચાલીશું.”
તેમણે એમ પણ કહ્યું કે, જે સ્થળે તેમના પર કથિત ગૌરક્ષકોએ અત્યાચાર કર્યો હતો તે જમીન સરકારે તેમના નામે કરી દીધી હોવાથી હવે તેઓ ત્યાં બૌદ્ધ વિહાર પણ બનાવશે.
બાલુભાઈના પત્નીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “એક સમય હતો કે હું હિંદુ દેવી-દેવતાઓની દિલથી પૂજા કરતી હતી. ઉપવાસ પણ કરતી હતી.”
“પણ હવે ખુશી છે કે એ બધાથી મુક્ત થઈ ગઈ છું. હું હવેથી ધર્મના રસ્તા પર ચાલીશ. આંબેડકરના રસ્તે ચાલીશ.”
બૌદ્ધ બનવાનું કારણ?
વશરામ સરવૈયા અને તેમના પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પાછળ અન્યાય અને સરકારે કશુંય ના કર્યું હોવાની ફરિયાદને જવાબદાર ગણાવી હતી.
તેમણે કહ્યું હતું, "અમે જાતિવાદ અને ભેદભાવ સહન કરતા હતા. અમને ધમકીઓ મળતી હતી. અને એટલે જ અમારા બાપદાદાનો જે મૂળ ધર્મ હતો તે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો અમે નિર્ણય લીધો."
"માણસ-માણસ સમાન છે અને જાતિવાદ સંબંધે કોઈ હકારાત્મક પરિવર્તન આવે તે માટે અમે આવું પગલું ભરવા જઈ રહ્યાં છીએ."
તેમણે ઉમેર્યું, "અમે બાબાસાહેબના માર્ગ પર ચાલીશું. તેમણે ભેદભાવના વિરોધમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને એટલે જ અમે ધર્મ પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો."
કેવલસિંહ રાઠોડે જણાવ્યું “હિંદુ ધર્મના શાસ્ત્રો અસમાનતા આધારીત છે. જેના વિરોધમાં ધર્મ પરિવર્તનનો આ માર્ગ અપનાવાઈ રહ્યો છે.”
ફરીથી હુમલો
તાજેતરમાં જ ઉનાકાંડના પીડિતો પર ફરીથી હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત અશોક સરવૈયા અને રમેશ સરવૈયા પર બુધવારના રોજ આ હુમલો કરવામાં આવ્યો હતો.
વસરામ સરવૈયાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમના ભાઈ અશોક અને રમેશ પર હુમલો કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું,"મારા બન્ને ભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેમને આંતરીને હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનારા લોકો દલિતકાંડ કેસના આરોપી જ હતા."
"હુમલાખોરોએ અમને ધમકી આપી છે કે જો અમે કેસ પરત નહીં લઈએ તો પરિણામ ભોગવવું પડશે અને જાનથી મારી નાખવામાં આવશે."
ગામમાં પોલીસ બંદોબસ્ત
મોટા સમઢિયાળામાં વધુ દલિતો ધર્મ પરિવર્તન કરશે એવો ઉનાના પીડિત પરિવારનો દાવો હતો.
પણ, આ આંકડો 50ની આસપાસ જ પહોંચ્યો હતો. જોકે, ગામમાં કોઈ અણછાજતો બનાવ ના બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ગીર-સોમનાથના જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, ઉનામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 350થી વધુ પોલીસકર્મીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. પીડિત પરિવારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. ત્રણ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને પોલીસ ઇન્સ્પેક્ટર્સની ટીમને અલગ અલગ સ્થાનો પર તહેનાત કરવામાં આવ્યા હતા.
શું થયું હતું ઉનામાં?
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર બાબુભાઈ સરવૈયા સહિતના પાંચ દલિતોને 2016ની અગિયારમી જુલાઈએ લાકડી વડે માર મારવામાં આવ્યો એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
ઘટનાને પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, એ સમયે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીનાં સર્વેસર્વા માયાવતી અને અન્ય નેતાઓની મુલાકાતને કારણે આ ઘટના પ્રત્યે દેશનું ધ્યાન ખેંચાયું હતું.
આ ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો.
બાલુભાઈ સરવૈયા સહિતના પાંચેય દલિત પુરુષોએ ગૌહત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો, પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા.
ઉના કાંડ પછી શું થયું?
ઉના કાંડ સંબંધે 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ એ પૈકીના માત્ર 11 લોકો જ જેલમાં છે. બાકીના જામીન પર છૂટી ગયા છે.
ઉના અત્યાચાર કાંડને પગલે દલિતોના ટેકામાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી અને આ કાંડનો ભોગ બનેલા લોકોને ટેકો આપ્યા બાદ જિજ્ઞેશ મેવાણી એક દલિત નેતા તરીકે જાણીતા થયા હતા. ત્યારબાદ તેમણે બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડી અને જીત્યા.
હવે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ઉના અત્યાચાર કાંડનો ભોગ બનેલાઓને વિશેષ લાભનું કોઈ વચન આપવામાં આવ્યું નથી.
દલિત કર્મશીલ માર્ટિન મેક્વાન માને છે કે આ ઘટના સંબંધે દલિતોનો જ નહીં, અન્ય અનેક કોમ તરફથી ટેકો તથા સહાનુભૂતિ પણ મળ્યાં હતાં.
માર્ટિન મેક્વાને કહ્યું હતું, "આજના ભારતમાં દલિતોની વાસ્તવિક હાલતનું ભાન ઉના અત્યાચાર કાંડે દેશને કરાવ્યું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો