You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોંગ્રેસની જનાક્રોશ રેલી, રાહુલના ભાષણની 10 ખાસ વાતો
દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી કોંગ્રેસની 'જન આક્રોશ રેલી' માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પોતાનું નિશાન તાક્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશમાં વધી રહેલી નફરત, બેરોજગારી, હિંસા અને મહિલાઓની અસલામતી જેવા દરેક મુદ્દે મૌન છે.
તેમણે કહ્યું કે આ દેશને આજે ભાજપ નહીં, કોંગ્રેસની જરૂર છે. તેમનો પક્ષ કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી જીતી બતાવશે અને સાથે સાથે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓ પણ જીતશે.
રાહુલ પહેલાં સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે પણ ભાષણ કર્યાં હતાં.
સોનિયા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના વાયદા ખોટા સાબિત થયા અને તેમની નીતિયોને કારણે અર્થતંત્ર ખોરવાઈ ગયું છે.
'સરકાર ખેડૂત વિરોધી'
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે કહ્યું કે ખેડૂતોને જે યોગ્ય કિંમતો આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તે પૂર્ણ કરવામાં નથી આવ્યો. આ સરકાર ખેડૂત વિરોધી છે.
શું તમે આ વાંચ્યું?
તેમણે કહ્યું કે ખેડૂતો દેવાં નીચે દબાઈ રહ્યા છે અને દેવાં માફ કરી દેવાના અવાજ ઊઠી રહ્યા છે. એટલે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશની સ્થિતિ બદલવામાં એમનો સાથ આપવો જોઈએ.
રાહુલ ગાંધીના ભાષણની ખાસ વાતો
- હું જ્યાં પણ જાઉં છું, લોકો સાથે વાત કરું છું. કાર્યકર્તા, ખેડૂત, મજૂર, બધાને સીધો પ્રશ્ન કરું છું કે ખુશ છો તો જવાબ મળે છે, અમને સરકાર સામે ગુસ્સો છે.
- હિંદુસ્તાન આસ્થાનો દેશ છે અને આસ્થાનું ઝાડ સત્ય પર ઊભું હોય છે. આપણા વડાપ્રધાન કોઈ પણ વાયદો કરી નાખે છે, પરંતુ તેમાં સચ્ચાઈ નથી હોતી.
- જનતા માત્ર સત્ય સામે માથું નમાવે છે. દેશ વડાપ્રધાનનું ભાષણ સાંભળીને સચ્ચાઈ શોધવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ પોતાના ભાષણમાંથી સચ્ચાઈ કાઢવાની કોશિશ કરે છે.
- મંચ પર ઊભા રહીને એ ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો કરે છે, જ્યારે કર્ણાટકમાં યેદિયુરપ્પા અને ચાર પૂર્વ મંત્રીઓ બેસેલા હોય છે, જે પોતે જેલ જઈ આવેલા છે. પીયૂષ ગોયલ મંત્રી બન્યા બાદ પોતાની કંપની વિશે નથી જણાવતા અને કંપની વેચી દે છે. આ બાબતે મોદીજીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો.
- નીરવ મોદી પૈસા લઈને ભાગી જાય છે અને વડાપ્રધાન કાળા નાણાં વિરુદ્ધ લડાઈની વાતો કરે છે. જનતાને લાઇનમાં લગાડી દે છે, પરંતુ દેશના ચોકીદારે નીરવ મોદી વિશે એક લાઇન કહી.
- સૈન્યના લોકો કહે છે, અમારી પાસે હથિયાર ખરીદવાના પૈસા નથી. રફાલ વિમાનને અમે 700 કરોડ રૂપિયામાં ખરીદ્યા અને મોદી ફ્રાંસ જઈને કોન્ટ્રાક્ટ બદલી નાખે છે અને 1500 કરોડમાં વિમાન ખરીદે છે.
- અમિત શાહના પુત્ર 50 હજાર રૂપિયાને 80 હજાર કરોડ રૂપિયમાં બદલી નાખે છે, પરંતુ દેશના ચોકીદાર એક શબ્દ નથી બોલતા.
- 70 વર્ષમાં પહેલી વખત હિંદુસ્તાનમાં સુપ્રીમ કોર્ટના જજ હાથ જોડીને હિંદુસ્તાનની જનતા પાસે આવે છે અને જનતા પાસે ન્યાયની માગણી કરે છે, પરંતુ મોદીજીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો.
- હિંદુસ્તાનના ઇતિહાસમાં 70 વર્ષમાં પહેલી વખત દેશના વડાપ્રધાનને વિદેશમાં કહેવામાં આવ્યું કે તમે હિંદુસ્તાનની મહિલાઓની રક્ષા નથી કરી રહ્યા. ઉન્નાવ અને જમ્મૂમાં બળાત્કારની ઘટનાઓ પર હિંદુસ્તાનના વડાપ્રધાન એક શબ્દ નથી બોલતા.
- દેશના ડીએનએમાં નફરત નથી. ત્રણ હજાર વર્ષોમાં ભારતે કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો, કારણ કે આપણામાં નફરત નથી અને આપણે ભાજપ-આરએસએસની નફરત વિરુદ્ધ લડવું છે. 70 વર્ષોમાં કોંગ્રેસે દેશને જોડવાનું કામ કર્યું છે અને મહિલાઓ, લઘુમતીઓ, દલિતો, આદિવાસીઓની રક્ષા કરવાનું કામ કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર