મહિલાઓ જ્યારે મા-બહેનની ગાળો આપે છે...

    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

**** ********** ***********

મેં જૉબ કરુંગી તો તેરે લિયે રો રાજમા- ચાવલ કૌન બનાએગા એનઆરઆઈ ચૂ*?

કિતના ભી પઢલો, લેકીન ભેન** જબ તક ગલે મેં મંગલસૂત્ર ન પડે, લાઇફ કમ્પલિટ નહીં હોતી.

અચ્છા, તો તેરી લેને કે લિયે ડિગ્રી ભી ચાહિયે?

આ આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ'ના કેટલાક ડાયલૉગ છે કે જે ફિલ્મની હિરોઇન્સ પાસે બોલાવવામાં આવ્યા છે.

ફિલ્મ ચાર આધુનિક અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી યુવતીઓની વાત કરે છે જે પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે.

આ છોકરીઓ લગ્નની અનિવાર્યતા પર સવાલ ઉઠાવે છે, પાર્ટી કરે છે, સેક્સ અને ઑર્ગેઝમની વાતો કરે છે અને કદાચ એ દરેક કામ કરે છે કે જે પુરુષો કરે છે.

અહીં સુધી તો ઠીક છે. પણ આ આધુનિક અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી છોકરીઓ મા-બહેનની ગાળો પણ આપે છે.

ક્યારેક ગુસ્સામાં, ક્યારેક હલકી ફૂલકી વાતચીતમાં અને ક્યારેક એમ જ મસ્તીમાં. ફિલ્મનું ટ્રેઇલર રિલીઝ થયું તેને હજુ અઠવાડિયું પણ થયું નથી અને યૂ-ટ્યૂબ પર તેને 1 કરોડ 90 લાખ વ્યૂઝ મળી ગયા છે.

ટ્રેઇલરના વખાણ તો થઈ રહ્યા છે, પરંતુ સાથે જ કેટલાક સવાલ પણ ઊઠી રહ્યા છે. સવાલ મા-બહેનની ગાળોને લઇને છે જે ફિલ્મમાં મહિલાઓના પાત્રોએ આપી છે.

ગાળ આપીને કૂલ દેખાવાનો પ્રયાસ?

ફિલ્મ બનાવવા વાળા એ કહીને બચી જાય છે કે તેઓ એ જ બતાવી રહ્યા છે કે જે સમાજમાં થઈ રહ્યું છે, પરંતુ મહિલાઓ મહિલા વિરોધી ગાળો શા માટે આપે છે?

તેનું કારણ એ હોઈ શકે છે કે કદાચ તેઓ પોતાને 'કૂલ' કે પુરુષો જેવી સાબિત કરવા માગે છે. તેમને લાગે છે કે જો પુરુષ ગાળ આપી શકે છે તો અમે કેમ નહીં?

અને જો પુરુષોના ગાળ બોલવા પર કોઈ સવાલ ઉઠાવાતા નથી તો મહિલાઓના ગાળ બોલવા પર કેમ સવાલ ઉઠે છે?

તમે આ વાંચ્યું કે નહીં?

પુરુષોના દારૂ- સીગરેટ પીવા તેમજ ગાળ આપવાને કેમ મહત્ત્વનું માનવામાં આવે છે અને જો મહિલા એ કરે તો તેને અનૈતિકતાનું નામ આપી દેવામાં આવે છે?

એ વાત તો ઠીક છે કે એક જ પ્રકારની ભૂલ માટે પુરુષને ઓછા તેમજ મહિલાઓને વધારે જવાબદાર ગણાવવી અયોગ્ય છે.

અહીં વાત નૈતિકતાની પણ નથી. વાત બસ એટલી છે કે આજની સ્વતંત્ર વિચાર ધરાવતી મહિલાઓ બધું જાણી- સમજીને પણ એ જ ખાડામાં કેમ પડી જાય છે જેમાંથી નીકળવા તે વર્ષોથી પ્રયાસ કરે છે?

એવું પણ નથી કે માત્ર શહેરોની શિક્ષિત મહિલાઓ જ ગાળ આપે છે. ગામડાની મહિલાઓ પણ ખૂબ ગાળો આપે છે.

પરંતુ ગામડાની અને ઓછું ભણેલી ગણેલી મહિલાઓની સમજ કદાચ એટલી હોતી નથી કે તેઓ પિતૃસત્તા, પુરુષોના વર્ચસ્વ અને મહિલાવિરોધી શબ્દોનો મતલબ સમજી શકે.

નવી પેઢીની મહિલાઓ અને 'વીરે દી વેડિંગ'ના પાત્રો જેવી છોકરીઓ આ બધા શબ્દો અને તેનો મતલબ સારી રીતે સમજે છે.

આથી જ્યારે તેઓ એમ કરે છે ત્યારે આશ્ચર્ય પણ થાય છે અને સવાલ પણ ઉઠે છે.

જોકે, એ જરૂરી નથી કે છોકરીઓ હંમેશા 'કૂલ' કે અલગ દેખાવા માટે જ ગાળો આપે છે.

ટેવ બની ગઈ છે ગાળો

જેએનયૂમાં સંશોધન કરી રહેલાં ઋષિજા સિંહ એ વાતનો સ્વીકાર કરે છે કે તેમણે જાણતા-અજાણતા ઘણી એવી ટેવ કેળવી લીધી છે, જે પિતૃસત્તાના ષડયંત્રનો ભાગ છે અને ગાળ આપવી પણ તેમાંથી એક છે.

તેઓ કહે છે કે મહિલાઓ પણ એ જ માહોલમાં જીવે છે કે જેમાં પુરુષ.

તેમણે કહ્યું, "પિતૃસત્તા કોઈ બાયોલૉજિકલ વસ્તુ નથી જે માત્ર પુરુષોમાં જ હોય છે. તેનાથી એક મહિલા પણ તેટલી જ પ્રભાવિત થઈ શકે છે જેટલો એક પુરુષ."

હરિયાણાનાં રહેવાસી પત્રકાર જ્યોતિ પૂછે છે, "પુરુષ ગાળ આપે છે તો અમે કેમ નહીં, આ કેવો તર્ક છે? પુરુષ યુદ્ધને સમર્થન આપશે તો તમે પણ આપશો?"

જોકે, આ સવાલ ખૂબ મોટો છે. સવાલ એ છે કે કેમ બધી ગાળો મહિલાઓનું જ અપમાન કરે છે? કેમ તેમનાં ચરિત્ર પર સવાલ ઉઠે છે?

મનીષા પૂછે કે ગાળ શબ્દનો ઉલ્લેખ થતા જ મા, બહેન અને દીકરીઓનો જ વિચાર આવે છે કેમ કે પુરુષો માટે તો કોઈ ગાળ બની જ નથી. તન્વી જૈન આ ગાળોને મહિલાઓ વિરુદ્ધ 'શાબ્દિક હિંસા' માને છે.

ઉત્તર ભારતમાં લગ્ન-પ્રસંગના અવસર પર 'ગાલી ગીત' ગાતા ગાયિકા વિભા રાણી કહે છે, "આપણે હંમેશાં આપણાથી નબળા જે લોકો હોય છે તેમને ગાળ આપીએ છીએ. પુરુષો મહિલાઓને પોતાનાથી નબળી સમજે છે. એ માટે તેમને નિશાન બનાવી ગાળો આપે છે."

તેમણે કહ્યું, "આ ઘણા લાંબા સમયથી ચાલે છે કે આજે 'સાલા' જેવી ગંદી ગાળ સામાન્ય બોલચાલમાં એ રીતે ભળી ગઈ છે કે તેને ગાળ સમજવામાં જ આવતી નથી."

ઘણી વખત લોકો ગાળ દેવાને ગુસ્સો વ્યક્ત કરવાની એક રીત ગણાવે છે. પરંતુ શું ગાળ આપ્યા વગર ગુસ્સો વ્યક્ત કરી શકાતો નથી?

તેનો જવાબ આરતી પાસે છે. તેઓ કહે છે, "કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ માટે શબ્દોની ખામી નથી. ગાળ આપવી એવું જ છે જેવું આપણે વાત કરવાની બદલે મારવાનું શરૂ કરી દઈએ છીએ."

શું ગાળોને માત્ર કેટલાક શબ્દો માનીને તેની અવગણના કરી શકાય છે?

હાં.

મનોવૈજ્ઞાનિક ડૉ. નીતૂ રાણાના જણાવ્યા પ્રમાણે,"ગાળની મનુષ્યના મગજ પર ઊંડી અસર પડે છે."

તેમણે કહ્યું, "જો અસર નથી પડતી તો આપણે ગાળ સાંભળીને આટલા ક્રોધિત કેમ થઈ જઈએ છીએ?"

ડૉ. નીતૂ જણાવે છે, "કોઈ વ્યક્તિ શબ્દોને લાંબા સમય સુધી યાદ રાખે છે. ખાસ કરીને એ શબ્દોને જે તેનું અપમાન કરવા માટે કહેવામાં આવ્યા હોય. જેમ કે ગાળો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો