આ રીતે માસિકનું ચક્ર મહિલાનાં મગજને ફાયદો કરાવે

    • લેેખક, ઝેરિયા ગોવેટ
    • પદ, બીબીસી માટે

સૌ પહેલાં તો હતી એક સમસ્યા 'હિસ્ટીરિયા'ની. ઇજિપ્તના તબિબિ જાદુગરોથી શરૂ કરીને દાઢીધારી ક્લાસિકલ ગ્રીસ ફિલોસોફર સુધીના પુરુષોએ આ સ્થિતિ વિશે સદીઓ સુધી વિચાર કર્યો હતો.

બાહ્ય ચિહ્નો બહુ સ્પષ્ટ હતા; તેમાં ચિંતા અને ઇરોટિક કલ્પનાઓ પણ હતી, પણ એક વાત સ્પષ્ટ હતીઃ આવી સ્થિતિ માત્ર સ્ત્રીની થાય છે.

પ્લેટોનું માનવું હતું કે રૂદન કરી રહેલા ગર્ભાશયને કારણે હિસ્ટીરિયા થાય છે.

બાળક ધારણ ના કરી શકે ત્યારે ગર્ભાશયને દુઃખ થાય.

તેમના સમકાલીન વિચારકો કહેતા હતા કે શરીર ફરતે અંગ ઘૂમે તેના કારણે આવું થાય છે.

અંગ ચારેતરફ ફરે અને પછી શરીરના કોઈ અંગમાં ફસાઈ જાય. આવી માન્યતા છેક 19મી સદી સુધી ચાલતી રહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તે પછી હિસ્ટીરિયાની સારવાર માટે નવાં-નવાં શોધાયેલા વાઇબ્રેટરનો ઉપયોગ કરીને સ્ત્રીને ઓર્ગેઝમ (જાતીય ચરમસુખ) સુધી પહોંચાડવાનું શરૂ થયું હતું.

આજે પણ પારંપરિક માન્યતા એવી જ છે કે સ્ત્રીની શારીરિક સ્થિતિ તેના મગજને અસર કરે છે.

સ્ત્રીનો મૂડ ખરાબ દેખાય એટલે તરત પૂછવામાં આવે, 'શું માસિકનો સમય થઈ ગયો છે?'

સ્ત્રી ઉત્તેજિત થઈ હોય તો તેને જણાવાશે કે સ્ત્રીબીજ તૈયાર થઈ રહ્યા હશે.

આ વાત સાવ ખોટી પણ નથી એવું સમજાયું છે - માસિક દરમિયાન કેટલીક મહિલાઓ ખરેખર વધારે ચીડાયાપણું અને અસ્વસ્થતા અનુભવે છે.

એ વાત પણ સાચી કે સ્ત્રીબીજ તૈયાર થાય ત્યારે સેક્સ માટેની ઇચ્છા તીવ્ર બનતી હોય છે.

(જોકે, હંમેશા તે જ કારણ નથી હોતું તે ધ્યાન રાખવું રહ્યું. મહિલાઓની માનસિક સ્થિતિની ફરિયાદને માત્ર 'હિસ્ટીરિયા' ગણી લેવાને કારણે જોખમી સ્થિતિ ઊભી થઈ શકે છે.)

જોકે એ વાત બહુ ઓછી જાણીતી છે કે માસિકચક્ર મહિલાઓના મગજને હકારાત્મક રીતે પણ અસર કરી શકે છે.

એવું પણ જણાયું છે કે આ સમયગાળા દરમિયાન સ્ત્રી તેની આસપાસની ભૌતિક સ્થિતિને વધારે સારી રીતે સમજી શકે છે.

ત્રણ અઠવાડિયા પછી તેમની સંવાદશક્તિ પણ ખીલી ઊઠે છે.

નવાઈ લાગે એવી વાત એ છે કે અન્ય વ્યક્તિ ભયભીત છે કે કેમ તે વધારે સારી રીતે પારખતી પણ થઈ જાય છે.

સૌથી મજાની વાત, આ સમયગાળામાં તેમનું મગજ ખરેખર મોટું થઈ જાય છે. આખી વાત છે શું?

સમગ્ર મામલામાં મુશ્કેલી ઊભી કરનાનું ગર્ભાશય નથી, પણ અંડાશય છે.

પિરિયડ દરમિયાન અંડાશયમાંથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જુદા જુદા પ્રમાણમાં નીકળતા રહે છે.

આ હોર્મોન્સનું કામ ગર્ભાશયની દીવાલોને જાડી કરવાનું અને સ્ત્રીબીજ ક્યારે છોડવા તે નક્કી કરવાનું છે.

પરંતુ આ હોર્મોન્સની મહિલાઓના મગજ અને વર્તન પર જબરી અસર થાય છે.

1930ના દાયકાથી વિજ્ઞાનીઓ માસિકચક્રનો અભ્યાસ કરતા આવ્યા છે.

અભ્યાસ માટેનો આ લોકપ્રિય વિષય રહ્યો છે અને તેના કારણે જાતભાતની વાતો આપણને જાણવા મળી છે.

મહિલાઓ ધૂમ્રપાન છોડી શકવા નિર્ણય કરી શકે કે નહીં, ત્યાંથી માંડીને રાત્રે તેને કેવા સપનાં આવશે, ત્યાં સુધીની બાબતો સાથે માસિકચક્ર જોડાઈ જાય છે.

સ્ત્રીની જૈવિક રચનામાં રસ પડ્યો હોવાને કારણે આટલી જાણકારી એકઠી થઈ છે એવું પણ નથી.

સંશોધનો પાછળનો હેતુ એ જાણવાનો છે કે સ્ત્રી અને પુરુષ એકબીજાથી કઈ હદે જુદા છે - અને શા માટે.

બંને વચ્ચે ફરકનું એક ઉદાહરણ આપણા મગજમાં જ મળે છે.

મગજની રચનામાં સ્ત્રી-પુરુષ પ્રમાણે ફરક દેખાય છે, જેનું કારણ હોર્મોન્સ હોવાનું વિજ્ઞાનીઓ વર્ષોથી માનતા આવ્યા છે.

યુનિવર્સિટી ઑફ ડરહામના ન્યુરોસાયન્ટિસ્ટ માર્કસ હોઝમેન કહે છે, "કુદરતી રીતે સેક્સ હોર્મોન્સમાં જે ફેરફારો થાય છે તેના આધારે અમે તારણો કાઢી લેતા હોઈએ છીએ.

"મહિલાઓમાં તે માસિકચક્ર હશે, જ્યારે પુરુષોમાં ઋતુ પ્રમાણે ટેસ્ટોસ્ટેરોનમાં આવતા ફેરફારોને કારણે તેમ થતું હશે. આ એક કુદરતી રીતે થતા પ્રયોગો છે."

સ્ત્રીઓ એક રીતે અલગ પડે છે - તેઓ વધારે સારી સામાજિક કુશળતા ધરાવે છે.

મહિલાઓમાં સહાનુભૂતિ વધારે હોય છે અને મનોવલણોને (થિયરી ઑફ માઇન્ડને) વધારે સારી રીતે સમજે છે.

અન્ય વ્યક્તિ આપણા કરતા અલગ વિચારો ધરાવતો હોય છે તે સમજવાની ક્ષમતા સ્ત્રીમાં વધારે હોય છે.

તેમનામાં સંવાદની કુશળતા પણ વધારે સારી હોય છે.

સંવાદની કુશળતાને કારણે જ એવું થાય છે કે છોકરીઓ કરતાં છોકરાઓમાં ચાર ગણું વધારે હાઇ-ફન્ક્શનિંગ ઓટિઝમનું નિદાન થાય છે.

તેનું કારણ એ કે છોકરીઓ પોતાના લક્ષણોને છુપાવવામાં વધારે કુશળ હોય છે.

"પુરુષ કરતાં સ્ત્રી વધારે ઝડપથી બોલતી થાય છે, પુરુષ કરતાં તેની વાણી વધારે પ્રવાહી હોય છે અને સ્પેલિંગની બાબતમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સજાગ હોય છે," એમ શિકાગોની યુનિવર્સિટી ઑફ ઇલિનોઇના માનસશાસ્ત્રી પૌલાઈન મેકી કહે છે.

સામાજિક કુશળતા પ્રાપ્ત થવાનું કારણ કદાચ એ છે કે હજારો વર્ષ પહેલાં નારીએ પોતાના સંતાનોને અગત્યની માહિતી સારી રીતે આપવી જરૂરી હતી - જેમ કે અમુક ઝેરી વનસ્પતિ ના ખાવી.

પણ તેમાં હોર્મોન જવાબદાર છે ખરા? અને હા, તો કઈ હદે?

હોર્મોનનું સંતુલન

2002માં પૌલાઇન મેકી અને બાલ્ટીમોરના જેરોન્ટોલૉજી રિસર્ચ સેન્ટરના તેમના સાથીઓએ એ જાણવા પ્રયોગો કર્યા હતા કે એસ્ટ્રોજનના પ્રમાણમાં ફેરફારથી દર મહિને સ્ત્રીઓની ક્ષમતા પર કેવી અસર થાય છે.

પ્રયોગમાં સામેલ દરેક સ્ત્રીનું બે પાર પરીક્ષણ થયું હતુંઃ માસિક પછીના તરતના જ ગાળામાં, જ્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ નીચું હતું અને એક અઠવાડિયા બાદ જ્યારે બંને હોર્મોન્સનું પ્રમાણ ઊંચું હતું.

આ એક નાનકડો અભ્યાસ હતો, જેમાં માત્ર 16 મહિલાઓ જોડાઈ હતી. તેમને કેટલાક માનસિક કસરતના કાર્યો આપવામાં આવ્યા હતા.

નાના પ્રયાગો છતાં જે તારણો મળ્યા તે નોંધપાત્ર હતા.

પ્રયોગ દરમિયાન જોવા મળ્યું કે સ્ત્રી હોર્મોન્સનું પ્રમાણ ઊચું હોય ત્યારે પુરુષો સારી રીતે કરી શકે તેવા સામાન્ય કાર્યોમાં પણ સ્ત્રી નબળી પડતી હતી (જેમ કે આસપાસની ભૌતિક સ્થિતિ વિશે સજાગતા); જ્યારે સ્ત્રીની કુશળતા ગણાય તેવા કાર્યોમાં વધારે નિપુણતા દેખાડતી હતી (જેમ કે નવા શબ્દો શોધી કાઢવા).

સ્ત્રી હોર્મોન્સનું પ્રમાણ ફરી નીચે આવી ગયું, ત્યારે ભૌતિક સ્થિતિની સજાગતા પૂર્વવત્ થઈ ગઈ હતી.

સ્ત્રી હોર્માન્સનું પ્રમાણ ઊંચું હોય ત્યારે 'અજાગ્રત સ્મરણશક્તિ' વધી જતી હતી.

મેકી આ ક્ષમતાને એ રીતે સમજાવે છે કે અજાગ્રતપણે અને કશા પ્રયત્ન વિના પણ યાદશક્તિ તેજ થઈ જાય છે.

"દાખલા તરીકે હું પહેલાં એમ પૂછીશ કે - છેલ્લે ઉબરને Fare ( ફેઅર) ચૂકવ્યું, તે લાયફ્ટના Fare ( ફેઅર) કરતાં ઓછું હતું કે વધારે? તે પછી હું પૂછીશ કે Fare નો સ્પેલિંગ શું છે? મોટા ભાગના લોકો Fair એવું લખતા હોય છે, પણ તમે કદાચ સાચો Fare એવો સ્પેલિંગ લખશો, કેમ કે તમારા મનમાં તે બરાબર રીતે યાદ રહી ગયો હોય છે."

આ રીતે અજાણપણે શબ્દોને યાદ રાખવાની વાત સંવાદની ક્ષમતા કેળવવા માટે જરૂરી છે.

તેના કારણે જ આપણે ઘણીવાર ઓછા જાણીતા કે છેલ્લે સાંભળેલા શબ્દો વાપરતા હોઈએ છીએ.

છેલ્લે કોઈ શબ્દ આપણે સાંભળ્યો હોય કે વાંચ્યો હોય તેને સહજ રીતે વાપરતા હોઈએ છીએ.

મેકી માને છે કે આ પ્રકારના ફેરફારો મુખ્યત્વે એસ્ટ્રોજનને કારણે થાય છે.

હોર્મોન મગજમાં બાજુ બાજુમાં રહેલા બે પડોશી કેન્દ્રોને અસર કહે છે.

એક છે દરિયાઈ ઘોડાના આકારનું હિપ્પોકેમ્પસ, જે યાદોને સંઘરવાનું કામ કરે છે.

એવા પુરાવા વધી રહ્યા છે કે સામાજિક ક્ષમતા માટે હિપ્પોકેમ્પસ અગત્યનું છે, કેમ કે તમને થયેલા અનુભવો તમે યાદ રાખી શકો તો તમે અન્ય લોકોના ઇરાદા વધારે સારી રીતે સમજી શકો.

મહિલાઓમાં દર મહિને હોર્મોન્સનું પ્રમાણે વધે ત્યારે મગજનો આ હિસ્સો મોટો થઈ જાય છે.

બીજો હિસ્સો છે અમિગ્ડલા, જે લાગણીઓને સંભાળવાનું કામ કરે છે.

ખાસ કરીને ભયની લાગણી જગાવવાનું અને નાસી જવાનું પ્રેરવા માટેનું કામ આ હિસ્સામાંથી થાય છે.

મજાની વાત એ છે કે અમિગ્ડલા સામાજિક રીતે ગેરવર્તન ના થાય તેને અટકાવવાનું મહત્ત્વનું કામ પણ કરે છે.

કોઈ વ્યક્તિ શા માટે ભયભીત થઈ છે તે આપણે સમજી શકીએ તો આપણે પણ તે સ્થિતિમાં ભય પામીએ છીએ.

આ સ્થિતિમાં સામી વ્યક્તિની લાગણીને સમજવાનું આપણા માટે શક્ય બને છે.

અન્યને સમજી શકવાની ક્ષમતા હોય તે આપણે અન્ય રીતે પણ, આપણને લાભ થાય તે રીતે પણ વાપરતા થઈએ છીએ.

દાખલા તરીકે આપણે નૈતિક રીતે વિચારીશું અને સામી વ્યક્તિને સમજીને તેને સારું લગાડવા ખોટું પણ બોલીશું.

એવું જોવા મળ્યું છે કે એસ્ટ્રોજનનું પ્રમાણ વધે ત્યારે ભયને પારખવાની સ્ત્રીની શક્તિ પણ તેજ થઈ જાય છે.

જો હોર્મોન જ તેના માટે જવાબદાર હોય તો એ પણ સમજી શકાશે કે શા માટે નારી સામાજિક રીતે વધારે કુશળ હોય છે.

આ વિચારને એટલા માટે પણ અનુમોદન મળ્યું છે કે જ્યારે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન ઓછું હોય ત્યારે તે ભયને પારખવામાં ઓછી કુશળ હોય છે તેવું પણ જોવા મળ્યું છે.

સાથોસાથ સામાજિક બાબતમાં તેવી સ્ત્રીની કુશળતા પણ ઓછી થતી દેખાય છે.

મેકી માને છે કે માસિકચક્રના કારણે આપણા મગજ પર જે અસર થાય છે તે મહદ અંશે એક અકસ્માત સમાન છે.

વર્ષો સુધી સંશોધકો એમ માનતા હતા કે માસિકચક્રથી ઉત્ક્રાંતિને લગતા કોઈ ફાયદા થતા હશે.

જેમ કે, વ્યાપક પ્રસિદ્ધિ પામેલા સંશોધનો અનુસાર મહિલાઓ ફળદ્રુપ અવસ્થામાં હોય ત્યારે તેને સૌથી વધુ મર્દાના પુરુષો પસંદ પડે છે.

જોકે આ વાત સાચી નથી, કેમ કે વિશાળ પાયે થયેલા પ્રયોગોમાં પણ આવી કોઈ કડી સ્થાપિત થતી જોવા મળતી નથી.

મગજ શક્તિ

માસિક ચક્ર અને તેના પરિવર્તનો જે પણ કારણે હોય, પણ તેના કારણે મહિલાઓના મગજને ફાયદો થઈ શકે છે.

તેનું કારણ છે સ્ત્રી અને પુરુષના મગજમાં રહેલા અન્ય એક મોટા તફાવતને કારણે એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ મગજની માત્ર એક જ બાજુ વાપરવાના બદલે બંને બાજુ વાપરવાનું વધારે પસંદ કરે છે.

પુરુષની જેમ અમુક સંકુલ કાર્યો માટે (જેમ કે કોઈ ગાણિતિક કોયડો ઉકેલવા માટે), એક જ તરફના મગજનો ઉપયોગ કરવાના બદલે, સ્ત્રીઓ બંને તરફના મગજનો ઉપયોગ કરે તેવી શક્યતા વધુ હોય છે.

મગજના ડાબા અને જમણા ભાગ વચ્ચેનું આ વિભાગીકરણ આમ સ્થાપિત થઈ ચૂક્યું છે.

હોઝમેન કહે છે, "મોટા ભાગના લોકો હાથની બાબતમાં ડાબા કે જમણા હિસ્સાનો ઉપયોગ કરવાની પદ્ધતિ અપનાવતા હોય છે, જેમ કે હું જમોડી છું.

તેના કારણે મગજમાં ભાષાનો હિસ્સો કઈ બાજુથી સંચાલિત થતો હશે તે પણ નક્કી થઈ જાય. ડાબોડી લોકોથી વિપરિત મોટા ભાગના જમોડી લોકોમાં ભાષાને સંચાલિત કરતો હિસ્સો મગજમાં ડાબા હિસ્સામાં હોય છે."

આ રીતે ડાબા-જમણા વિભાગ પ્રમાણે કામની વહેંચણી ઉપયોગી છે તેમ માનવામાં આવતું રહ્યું છે, કેમ કે મોટા ભાગના પ્રાણીઓમાં મગજની રચના આ રીતે જ થયેલી છે.

તો પછી સ્ત્રીઓનું મગજ શા માટે એવી રીતે નથી બનેલું તે એક મોટું રહસ્ય છે.

જોકે તેમાં પણ ફેરફાર થતો રહે છે.

2002માં હોઝમેનને ખ્યાલ આવ્યો કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ દર મહિને વધી જાય ત્યારે સ્ત્રીઓમાં મગજના બંને હિસ્સાનો ઉપયોગ એકસાથે કરવાની વૃત્તિ વધી જાય છે.

તેનો એક ફાયદો કદાચ એ છે કે બંને હિસ્સાનો ઉપયોગ કરવાથી વિચારપ્રક્રિયામાં વધારે લવચિકતા આવે છે.

એમ હોઝમેન કહે છે, "મહીના દરમિયાન વ્યક્તિના મગજમાં પદ્ધતિ બદલાય અને બંને હિસ્સાનો ઉપયોગ કરતી થાય, તેના કારણે ચોક્કસ સમસ્યાના ઉકેલ માટે જુદા જુદા વ્યૂહ અપનાવવાનું શક્ય બને છે."

"એથી સમસ્યાના ઉકેલ માટે મગજના ડાબા હિસ્સાનો ઉપયોગ કરનારા લોકો વધારે તાર્કિક રીતે તેનો ઉકેલ લાવશે, જ્યારે જમણા હિસ્સા પર આધાર રાખનારા લોકો વધારે વ્યાપક પદ્ધતિએ ઉકેલ માટે કોશિશ કરશે.", તેઓ કહે છે.

હવે તમને કોઈ પૂછે કે શું માસિકનો સમય ચાલી રહ્યો છે, ત્યારે હા પાડી શકો છો, કેમ કે તેનો અર્થ કોઈ સમસ્યા છે એવો બિલકુલ થતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો