જૈન મુનિની 'બનાવટી' સ્ટોરી પ્રસારિત કરનાર તંત્રીની ધરપકડ

મુસ્લિમો દ્વારા જૈન મુનિ પર હુમલાના 'બનાવટી સમાચાર' છાપવાના આરોપસર વેબસાઇટ પોસ્ટકાર્ડ ન્યૂઝના સંપાદક મહેશ હેગડેની ધરપકડ કરવામાં આવી છે.

હેગડે દ્વારા તા. 18મી માર્ચના આ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી હતી.

જોકે, લોકોએ 'હકીકતદોષ' તરફ ધ્યાન દોરતા તેમણે સ્ટોરી ડિલીટ કરી નાખી હતી.

જોકે, તેમણે આવું શા માટે કર્યું, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી.

આ અહેવાલ અંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુરૂવારે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, જેના આધારે સંતોષ હેગડેની ધરપકડ કરવામાં આવી હતી.

બનાવટી સમાચાર છાપ્યા હતા

વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી પ્રતિનિધિ ઈમરાન કુરૈશીને જણાવ્યું હતું, "જૈન મુનિ એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા.

"તેમના અનુયાયીઓએ આ સંદર્ભની તસવીર લીધી હતી. તેમણે [હેગડે]એ આ તસવીરનો ઉપયોગ કરીને સમાચાર પ્રકાશિત કર્યા હતા.

"જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમો દ્વારા જૈન મુનિ પર હુમલો કરવામાં આવ્યો છે. આથી તેમની ધરપકડ કરવામાં આવી છે."

ભારતમાં 'બનાવટી સમાચાર' પ્રકાશિત સંદર્ભે કોઈ કાયદો નથી.

જોકે, કોમવાદી, જાતીવાદી કે બદનક્ષી સમાચારોના પ્રકાશન સંદર્ભે કાયદાકીય જોગવાઈઓ છે.

મે મહિનામાં કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેના અનુસંધાને 'ફેક ન્યૂઝ' તથા 'પેઇડ ન્યૂઝ' સંદર્ભે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો