ગુજરાત સરકાર સિંહોનાં સંરક્ષણમાં નિષ્ફળ રહી છે?

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે મુકવામાં આવેલા 'કેગ'ના (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ) રિપોર્ટમાં સિંહો માટે નવો જંગલ વિસ્તાર બનાવવામાં અસફળ રહેલી રાજ્ય સરકારની કમ્પ્ટ્રોલર ઑડિટર જનરલે ઝાટકણી કાઢી છે.

ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસ સિંહોની સંખ્યા 2011માં 308 હતી. વર્ષ 2015માં આ સંખ્યા 356 સિંહોની હતી.

આ રિપોર્ટ પ્રમાણે સિંહોની વસતીમાં 2015 પ્રમાણે 54.6 ટકાનો વધારો થયો હતો. આ વધતી વસતીને કારણે સિંહો અભયારણ્યની બહાર નીકળી ગયા છે.

વસતી વધી પણ વિસ્તાર નહીં

ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, જૂનાગઢ રેન્જએ નવેમ્બર 2005માં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે સિંહોની સંખ્યા વધતી જતી હોવાથી નવા પ્રોટેક્ટેડ એરીયા બનાવવાની જરૂર છે.

જોકે આટલા વર્ષોથી રાજ્ય સરકાર આ રજૂઆત પર હજી સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી.

આ રજૂઆત પ્રમાણે ભાવનગર અને અમરેલી જીલ્લાના પાલીતાણા, મહુવા, તળાજા, ખાંભા, અને સાવરકુંડલાની આશરે 30,152 હેક્ટર જમીનને 'સર ધરમકુમારસિંહજી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચુઅરી' તરીકે જાહેર કરવામાં આવે.

જોકે સરકારે જૂનાગઢ જીલ્લામાં 2008માં 178.87 ચોરસ કિલોમીટર જગ્યા પ્રોટેક્ટેડ એરીયા તરીકે જાહેર કરી. એ સિવાય હજી સુધી સિંહો માટે કોઈ પણ વધારાની જગ્યા જાહેર કરવામાં આવી નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

આ રજૂઆત રાજ્ય સરકારમાં છેલ્લા અગિયાર વર્ષથી અનિર્ણિત હાલતમાં છે.

જોકે કેગ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જંગલ ખાતા દ્વારા નવેમ્બર 2010માં મહેસૂલ વિભાગને પ્રોટેક્ટડ એરીયા માટે ગૌચરની જમીન આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી પરંતુ મહેસૂલ વિભાગે કોઈ પણ પ્રકારે પહેલ કરી ન હોવાથી, સિંહોની સંખ્યા માનવ વિસ્તારોમાં વધી રહી છે.

સિંહોના મૃત્યુ વધ્યાં

સિંહોની આ વધતી વસતીમાંથી આશરે 32 ટકા સિંહો ગીર અભયારણ્યની બહાર રહે છે.

અભયારણ્યની બહાર રહેવાથી આ સિંહોના આકસ્મિક મૃત્યુ પણ થતા હોય છે.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોના મૃત્યુ થયા છે.

અમરેલી જિલ્લાના સિંહોના વિસ્તારમાં સેક્શન એ,બી અને સી એમ ત્રણ રેલવે લાઇન પસાર થાય છે.

કેગના રિપોર્ટ પ્રમાણે 2012થી 2014 વચ્ચે પાંચ અલગ-અલગ ઘટનાઓમાં સિંહોના મૃત્યુ થયા છે.

જોકે આ પ્રકારની ઘટના ટાળવા પચીસ કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે રેલવે ટ્રેક પર ફેન્સિંગ કરવામાં આવી છે.

જોકે ત્યારબાદ પણ આઠ અલગ-અલગ ઘટનાઓમાં સિંહો જે-તે સમયે ફેન્સિંગ પાર કરીને રેલવે ટ્રેક પર આવી ગયા હતા.

કેગના રિપોર્ટ પ્રમાણે આ ફેન્સિંગ સિંહોના રેલવે ટ્રેક પર થતા આકસ્મિક મૃત્યુ રોકવામાં નિષ્ફળ રહી છે.

શું કહે છે વિશેષજ્ઞો?

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SBWL)ના સભ્ય અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેટર ભૂષણ પંડ્યા કહે છે, “સિંહોની સંખ્યા વધી રહી છે તેમાં કોઈ શંકા નથી. અભયારણ્યની આસપાસનો ઇકો-સેન્સિટીવ ઝોન ઘટી જતા સિંહોને તકલીફ થઈ છે.”

તેઓએ વધુમાં જણાવ્યું “અભયારણ્યની બહારના વિસ્તારમાં વધારાનો ફોરેસ્ટ સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વેટરનરી હોસ્પિટલ, રેસ્ક્યુ સેન્ટર વગેરે બનાવવાની તાકીદની જરૂરિયાત છે.”

જંગલ ખાતાની સાથે સાથે કેગના રિપોર્ટમાં ગુજરાત સરકારની માઇનીંગ પોલીસીની પણ ઝાટકણી કાઢવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, માઇનીંગ લીઝને મોનિટર કરવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી.

2003 પછી ગુજરાત સરકારની માઇનિંગ પોલીસીની સમીક્ષા આજ દિન, 2018 સુધી થઈ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો