You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છ વર્ષે દેશમાં પહોંચેલાં મલાલા પોતાના ઘરે જશે?
નોબલ પારિતોષિક વિજેતા મલાલા યૂસૂફજઈ તાલિબાનોએ તેમના માથામાં ગોળી માર્યાના છ વર્ષ બાદ પ્રથમ વખત પાકિસ્તાન પરત ફર્યાં છે.
મલાલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.
જોકે, અધિકારીઓએ સમાચાર સંસ્થા AFPને જણાવ્યું હતું કે, 'સંવેદનશીલતાને ધ્યાને લેતા' મલાલાની મુલાકાતનો કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, મલાલા ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. તેમની સાથે મલાલા ફંડ ગૃપના અધિકારીઓ પણ છે.
જોકે, પાકિસ્તાનના હિંસાગ્રસ્ત સ્વાત પ્રદેશની મુલાકાત લેશે કે કેમ તે અંગે ઔપચારિક રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. સ્વાતમાં તેમનું ઘર આવેલું છે.
કેમ થયો હતો હુમલો?
મલાલા માત્ર 11 વર્ષનાં હતાં ત્યારે તાલિબાનના પ્રભાવ હેઠળ જિંદગી કેવી છે તે વિશે બીબીસી ઉર્દૂ માટે અનામી રીતે ડાયરી લખતાં હતાં.
તેઓ હિંસાગ્રસ્ત સ્વાત ખીણપ્રદેશમાં છોકરીઓનાં અભ્યાસ માટે ચળવળ ચલાવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મલાલા 15 વર્ષનાં હતાં, ત્યારે તેમની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. મલાલાને માથામાં ગોળી મારવામાં આવી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
પાકિસ્તાની તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે, મલાલા 'પશ્ચિમ તરફી છે અને પશ્તો વિસ્તારમાં પશ્ચિમી સંસ્કૃતિ ફેલાવો કરી રહી છે.'
પાકિસ્તાનની સૈન્ય હોસ્પિટલમાં મલાલાને તત્કાળ સારવાર આપવામાં આવી હતી, ત્યાંથી તેમને ઇંગ્લૅન્ડના બર્મિંગહામમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આથી, આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન મલાલા તરફ ખેંચાયું હતું.
ભારતીય સાથે મળ્યો હતો નોબલ
હાલ મલાલા તેમના માતાપિતા સાથે બર્મિંગહામમાં જ રહે છે. આજે મલાલા વિશ્વભરમાં બાળ શિક્ષા અને અધિકાર માટે ચળવળ ચલાવી રહ્યાં છે.
મલાલાએ તેમના પિતા ઝૈયુદીન સાથે મળીને મલાલા ફંડની સ્થાપના કરી છે, જે બાળકીઓમાં શિક્ષાનો પ્રચાર કરવા પ્રયાસરત છે.
2014માં મલાલા નોબલ પારિતોષિક મેળવનારાં સૌથી યુવા અને પ્રથમ પાકિસ્તાની બન્યાં હતાં.
ભારતમાં બાળ અધિકાર ક્ષેત્રે કાર્યરત કૈલાસ સત્યાર્થીને મલાલા સાથે સંયુક્ત રીતે શાંતિ માટેનો નોબલ પારિતોષિક એનાયત હતો.
હાલમાં મલાલા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે.
ગત વર્ષે તેમણે જીન્સ અને હાઈ હિલ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી. જેના કારણે પાકિસ્તાનમાં મલાલા ટ્રોલ થયાં હતાં.
પાકિસ્તાનમાં અભ્યાસ જોખમી?
તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને તાલિબાન વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. આમ છતાંય તાલિબાન સક્રિય છે.
અનેક સ્કૂલ તથા કોલેજો પર સંખ્યાબંધ હુમલાઓમાં સેંકડો વિદ્યાર્થીઓનાં મૃત્યુ માટે તાલિબાનોને દોષિત માનવામાં આવે છે.
મલાલા વારંવાર પાકિસ્તાન પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
તાજેતરમાં એક ઇન્ટર્વ્યૂમાં મલાલાએ પાકિસ્તાનમાં તેમના વતન સ્વાત ખીણપ્રદેશને 'ધરતી પરનું સ્વર્ગ' ગણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો