You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્યાં ક્યાંથી થઈ શકે છે પરીક્ષાનું પેપર લીક?
- લેેખક, સરોજ સિંહ અને કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માં તેમજ 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દીધી છે. બોર્ડે દસમા ધોરણની ગણિતની પરીક્ષા તેમજ બારમાં ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરી છે.
બુધવારે CBSEએ નોટિસ જાહેર કરી બન્ને વિષયોની પરીક્ષા ફરી લેવાની ઘોષણા કરી હતી. બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ગરબડની સૂચના મળી હતી.
ગણિત અને અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવા મામલે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી.
પ્રકાશ જાવડેકરે કહ્યું, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. હું બાળકો તેમજ માતા-પિતાની મુશ્કેલીઓ સમજું છું. જેની પણ આ પેપર લીકમાં સંડોવણી હશે, તેણે પરિણામ ભોગવવું પડશે. પોલીસ જલદી આરોપીઓને ઝડપી પાડશે."
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ પર તેમને ભરોસો છે. CBSEની વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત છે, પરંતુ આ ઘટનાથી તેના પર દાગ લાગ્યો છે. આ મામલે આંતરિક તપાસ પણ ચાલી રહી છે. પેપર લીક વિરુદ્ધ કડક નિયમ બનાવવામાં આવશે.
શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પરીક્ષાની નવી તારીખ ગુરુવારે જ જાહેર થઈ જશે. પણ પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પરીક્ષા ક્યારે થશે તેનો નિર્ણય CBSE કરશે.
મહત્ત્વનું છે કે 10મા ધોરણની ગણિતની પરીક્ષા 28 માર્ચે થઈ હતી. પરંતુ પરીક્ષા પૂર્ણ થઈ તેના એક કલાકની અંદર જ CBSEએ આ પરીક્ષા ફરી લેવાની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
26 માર્ચે બારમા ધોરણની લેવાયેલી અર્થશાસ્ત્રની પરીક્ષા પણ ફરી લેવાની વાત કરવામાં આવી હતી. તેની પાછળનું કારણ પેપર લીક ગણાવવામાં આવ્યું છે.
જોકે, CBSEએ પોતાની પ્રેસ રિલીઝમાં પેપર લીક હોવાનો ઉલ્લેખ કર્યો નથી.
CBSEએ કહ્યું, "પરીક્ષાઓ દરમિયાન કેટલીક ગડબડની સૂચના પર બોર્ડે પગલું ભર્યું છે. બોર્ડની પ્રતિબદ્ધતા કાયમ રાખવા અને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરાયો છે."
આ વચ્ચે સવાલ ઊઠે છે કે પેપર બનવાથી માંડીને વિદ્યાર્થીઓ સુધી પહોંચવા સુધી CBSE પ્રશ્નપત્રોને કેટલી અને કેવી સુરક્ષા મળે છે? આખરે ક્યાં-ક્યાંથી પેપર લીક થઈ શકે છે?
સ્કૂલ સુધી કેવી રીતે પહોંચે છે પ્રશ્નપત્ર?
દિલ્હીની બાલ મંદિર સિનિયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ સંતોષ આહૂજાના જણાવ્યા અનુસાર સ્કૂલ સુધી પ્રશ્ન પત્ર બૅન્કથી લાવવામાં આવે છે.
બીબીસીને તેમણે જણાવ્યું, "બૅન્કમાં પ્રશ્ન પત્ર CBSE દ્વારા પહોંચાડવામાં આવે છે. જે દિવસે જે વિષયની પરીક્ષા હોય છે તે દિવસે સવારે સ્કૂલના પ્રતિનિધિ, બૅન્ક પ્રતિનિધિ અને CBSEના પ્રતિનિધિ ત્રણેયની હાજરીમાં પ્રશ્ન પત્રને બૅન્કના લૉકરમાંથી કાઢવામાં આવે છે."
સંતોષ આહૂજાની માહિતી અનુસાર જે સ્કૂલે બોર્ડની પરીક્ષાનું સેન્ટર બનાવવામાં આવે છે, બૅન્ક તે સ્કૂલની ખૂબ નજીક હોય છે. આ પ્રકારની બૅન્કને કસ્ટોડિયન બૅન્ક તરીકે ઓળખવામાં આવે છે.
કસ્ટોડિયન બૅન્ક કઈ બૅન્ક હશે, તેની પસંદગી પણ CBSE જ કરે છે અને તેની સૂચના સ્કૂલને મોકલી દેવામાં આવે છે.
પ્રશ્નપત્ર બૅન્કમાંથી નીકળીને જ્યારે સ્કૂલે પહોંચે છે, ત્યારે રસ્તામાં તે ગાડીમાં સુરક્ષા ગાર્ડ, એક CBSEના પ્રતિનિધિ અને સ્કૂલ પ્રતિનિધિ હોય છે.
બોર્ડની પરીક્ષા શરૂ થાય તેના અડધા કલાક પહેલા સ્કૂલના પ્રિન્સિપાલ, બોર્ડના હેડ એક્ઝામિનર અને પરીક્ષાના નિરિક્ષણમાં સામેલ થનારા શિક્ષકોની હાજરીમાં પ્રશ્નપત્રને ખોલવામાં આવે છે.
આ પૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે છે અને તુરંત CBSEને મોકલવામાં આવે છે.
દરેક વખતે એ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે પ્રશ્નપત્રનું સીલ ખુલું ન હોય.
પછી ક્લાસરૂમમાં શિક્ષક પ્રશ્નપત્ર વહેંચવા માટે નીકળે છે અને નક્કી સમયે ઘંટી વાગવા પર દરેક ક્લાસમાં એક સાથે એક સમયે પ્રશ્નપત્ર વહેંચવામાં આવે છે.
જોકે, આ પ્રક્રિયા પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલાં પૂર્ણ થઈ જાય છે.
જ્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે બારમા ધોરણનું અર્થશાસ્ત્ર અને દસમાં ધોરણનું ગણિતનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા અને વૉટ્સએપ પર પરીક્ષાના એક દિવસ પહેલાં જ લીક થઈ ગયું હતું.
એટલે કે પ્રશ્નપત્ર સેટ થવાથી માંડીને બૅન્ક સુધી પહોંચવામાં આખી રમત રમી લેવામાં આવી.
કેવી રીતે તૈયાર થાય છે પ્રશ્નપત્ર?
પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા દર વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં શરૂ થાય છે.
પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે CBSE દર વર્ષે દરેક વિષય માટે ત્રણ કે ચાર વિશેષજ્ઞોની પસંદગી કરે છે. આ વિશેષજ્ઞોમાં કૉલેજ અને સ્કૂલના શિક્ષકોનો સમાવેશ થાય છે.
દરેક પ્રશ્નપત્રના ત્રણ સેટ બનાવવામાં આવે છે. આ શિક્ષકો પ્રશ્નપત્રોને એક સીલ બંધ કવરમાં બોર્ડને મોકલે છે.
ત્યારબાદ ઉચ્ચ સ્તરીય સમિતિ એ વાતની તપાસ કરે છે કે પ્રશ્નપત્ર બોર્ડના માપદંડો પ્રમાણે છે કે નહીં. આ સમિતિમાં વિશ્વવિદ્યાલય તેમજ સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ સામેલ હોય છે.
આ સમિતિ દરેક વિષયના અલગ અલગ સેટને અંતિમરૂપે પસંદ કરે છે અને ત્યારબાદ CBSEને સીલબંધ કૉપીઓ મોકલવામાં આવે છે.
કેટલા પ્રશ્નપત્ર બનાવવામાં આવે છે?
દિલ્હીની સ્કૂલો, દિલ્હી બહારની સ્કૂલો અને CBSE માન્યતા પ્રાપ્ત ભારત બહારની સ્કૂલો માટે પ્રશ્નપત્રના અલગ અલગ ત્રણ સેટ તૈયાર કરવામાં આવે છે.
આમ તો દરેક સેટના સવાલ લગભગ એક જેવા જ હોય છે. પરંતુ તેમનો ક્રમ અલગ અલગ હોય છે.
જેમ કે, જ્યાં એક સેટમાં કોઈ સવાલ પહેલા નંબર પર છે તો બીજા સેટમાં પાંચમા નંબર પર હોઈ શકે છે.
પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન એટલી ગોપનિયતા રાખવામાં આવે છે કે પ્રશ્નપત્ર તૈયાર કરનારા વિશેષજ્ઞોને જ ખબર હોતી નથી કે તેમનું પ્રશ્નપત્ર પરીક્ષામાં વાપરવામાં આવશે.
ભારત બહાર લોકો મૂંઝવણમાં
ફરી પરીક્ષા લેવાના સમાચાર આવ્યા બાદ ભારત બહાર રહેતા લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે. તેમને એ ખબર ન પડી શકી કે ભારતમાં પેપરમાં ગરબડ થવા પર ભારતની બહાર પણ પરીક્ષા રદ્દ થશે કે નહીં.
કેટલાક લોકો રજાઓમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ હવે તેમણે પોતાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.
એક ટ્વિટર યૂઝર શ્રુતિએ લખ્યું, "હું દુબઈથી 12માં ધોરણની વિદ્યાર્થિની છું. તમે કહી રહ્યા છો કે અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષાના અડધા કલાક પહેલાં લીક થયું. તમે કેવી રીતે વિચારી શકો છો કે તે પેપર આખી દુનિયામાં 30 મિનિટમાં પહોંચી જશે. શા માટે મારે ફરી એક વખત બોર્ડની પરીક્ષા આપવાની જરૂર છે?"
રૉકિથ કહે છે, "હું દુબઈથી છું. શું મારે ફરીથી પેપર આપવું જોઈએ?"
વધુ એક યૂઝર એન્ડ્ર્યૂએ લખ્યું, "મારો પરિવાર અને હું બહેરીનમાં રહીએ છીએ અને અમે અમારી નાની દીકરીની દસમા ધોરણની પરીક્ષા બાદ પરત ફરવાનું વિચારી રહ્યા હતા. દિલ્હીમાં પેપર લીક થવાના કારણે GCC (ગલ્ફ કૉર્પોરેશન કાઉન્સિલ)ના વિદ્યાર્થી કેમ પ્રભાવિત થવા જોઈએ?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો