એવી સ્કૂલ જે વિદ્યાર્થીઓને સેક્સિસ્ટ ભાષાની અસરો શીખવે છે

"આ પ્રકારના શબ્દો હું ઘણી વખત સાંભળું છું અને તેનાંથી મને કોઈ ચિંતા હવે થતી નથી. તે હવે રોજિંદા જીવનનો એક ભાગ છે, અને માત્ર એક સામાન્ય શબ્દ લાગે છે."

આ વિચાર છે નોટિંગહામ ફ્રી સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીના, જ્યાં વિદ્યાર્થીઓના એક સમૂહને સ્કૂલમાં અલગ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે.

અહીં તેમને શીખવાડવામાં આવે છે કે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉપયોગની શું અસર થઈ શકે છે.

પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આ પ્રકારનું શિક્ષણ કેમ આપવામાં આવે છે?

આ સવાલનો જવાબ મેળવવા બીબીસી-5 લાઇવે પ્રયાસ કર્યો અને તેમને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે ખાસ પરવાનગી આપવામાં આવી હતી, જેમાં શિક્ષકો અને વાલીઓની પણ સંમતિ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસી-5 લાઇવને જણાવવામાં આવ્યું કે સ્કૂલના આ પ્રયાસ પાછળ એક ચિંતા છૂપાયેલી છે. સ્કૂલને તેમની વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ વપરાતી અભદ્ર ભાષા અંગે ચિંતા હતી.

આ જ ચિંતાનો ઉકેલ લાવવા માટે સ્કૂલ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ઉદાહરણ પણ અપાય છે!

સ્કૂલમાં વિદ્યાર્થીઓને એ શબ્દોના ઉદાહરણ લખવાનું કહેવામાં આવે છે કે જે તેમને મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી સમાન લાગતા હોય અથવા તો પહેલી નજરે અપમાનજનક હોય.

કેટલાક ઉદાહરણો અહીં પણ રજૂ કરવામાં આવ્યા છે કે જે કેટલાક વાચકોને વાંધાજનક લાગી શકે છે.

14 વર્ષનો એક વિદ્યાર્થી જણાવે છે, "ઘણાં શબ્દો યુવાનો પોતાના સહપાઠીઓ માટે વાપરે છે. તે મજાક પણ હોઈ શકે છે, અથવા તો કોઈનું અપમાન કરવા માટે પણ હોઈ શકે છે."

"એ શબ્દો સામાન્યપણે એ રીતે વાપરવામાં આવે છે કે તમને એ ખબર પણ નથી હોતી કે તેના શું પરિણામ હોઈ શકે છે."

તે ઉમેરે છે, "મારી સાથે અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓ માટે મેં 'બિચ' (સ્ત્રી માટે વપરાતી અપમાનજનક ગાળ) શબ્દ વાપર્યો છે."

એક વિદ્યાર્થિની કહે છે, "છોકરાઓ સામાન્યપણે એવા વાક્યો કહે છે કે 'રસોડું સંભાળો', 'છોકરી જેવો' વગેરે. પરંતુ છોકરીઓ એકબીજાને 'બિચ', 'હૉર (વેશ્યા)' જેવી ગાળનો ઉપયોગ કરીને અપમાનિત કરતી રહે છે."

'વિદ્યાર્થીઓ વચ્ચે વપરાતી ભાષાથી આશ્ચર્ય થયું'

વિદ્યાર્થીઓને સેલરિન વિલ્કેન નામના શિક્ષક આ અલગ ભાષા અંગે પાઠ ભણાવે છે.

તેઓ પોતાનાં વિદ્યાર્થીઓને એ દરેક શબ્દો અને વાક્યો લખવાનું કહે છે કે જેનો તેઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે.

સેવરિન વિલ્કેનને એ જાણી ખૂબ આશ્ચર્ય થયું કે વિદ્યાર્થીઓએ રજૂ કરેલી શબ્દોની યાદીમાં અપમાનજનક શબ્દોની યાદી ખૂબ લાંબી હતી.

સેવરિન વિલ્કેન જણાવે છે, "વિદ્યાર્થીઓએ આપેલી શબ્દોની યાદી જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ હતી."

"એ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કે આપણા રોજિંદા જીવનમાં કેટલા અપમાનજનક શબ્દોનો ઉપયોગ થાય છે."

સ્કૂલના પ્રિન્સિપાલ જેની બ્રાઉન જણાવે છે કે લોકોની ભાષા પાછળ સોશિઅલ મીડિયા અને ઇન્ટરનેટ મોટી ભૂમિકા ભજવે છે.

જેની બ્રાઉને કહ્યું, "મને લાગે છે કે વિદ્યાર્થીઓ ઇન્ટરનેટને પોતાની એક ગુપ્ત દુનિયા તરીકે જુએ છે. ત્યાં તેઓ એવી વસ્તુઓ કરી શકે છે કે જે તેઓ પોતાના વાસ્તવિક જીવનમાં કરી શકતા નથી."

'છોકરી હોવા પર શરમ આવે છે'

વિદ્યાર્થીઓ જ્યારે શબ્દો લખી લે છે, ત્યારબાદ તેમને એ શબ્દો પર ચર્ચા કરવાનું કહેવામાં આવે છે.

વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેમના દ્વારા વાપરવામાં આવતા શબ્દોનાં પરિણામ શું હોઈ શકે છે.

મોટા ભાગની વિદ્યાર્થિનીઓ માટે આ ચર્ચા ખૂબ મહત્ત્વની સાબિત થઈ છે.

એક વિદ્યાર્થિની જણાવે છે, "એક છોકરી હોવા પર તમને પોતાના પર ધિક્કાર થાય છે. પોતાના પર શરમ આવવા લાગે છે અને તમે અસ્વસ્થ હોવાનું અનુભવ કરો છો."

"કેટલીક વખત તો એવું પણ થયું કે હું ઘરની બહાર પણ નીકળવા માગતી ન હતી. હું લોકો સાથે વાત કરવા માગતી ન હતી. મને ચિંતા રહેતી કે લોકો મારા વિશે શું વિચારતા હશે."

વધુ એક વિદ્યાર્થિની જણાવે છે, "હું ખૂબ ગુસ્સે થઈ જઉં છું. મને છોકરી થવા પર શરમ આવવા લાગે છે. છોકરાઓની સરખામણીએ મને લાગે છે કે હું ખૂબ નાની છું."

સ્કૂલના પ્રયાસની વિદ્યાર્થીઓ પર અસર

નોટિંગહામ ફ્રી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પર હવે આ અનોખા શિક્ષણની અસર પડવા લાગી છે.

સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જણાવે છે કે હવે તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા પહેલા એક વખત વિચારે છે કે તેની શું અસર પડી શકે છે.

એક વિદ્યાર્થી જણાવે છે, "જ્યારે તમે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરો છો, ત્યારે તમને ખબર નથી હોતી કે તેના પરિણામ શું હોઈ શકે છે."

"હવે જ્યારે અમને ખબર છે કે તે શબ્દોની શું અસર પડી શકે છે, તો અમે તેનો વપરાશ નહીવત્ કરી નાખ્યો છે."

શિક્ષક સેવરિન વિલ્કેન માને છે કે અન્ય સ્કૂલોમાં પણ આ પ્રકારના શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ.

તેઓ જણાવે છે, "અમે નોટિંગહામના ખૂબ ઓછા લોકોને આ શિક્ષણ પૂરું પાડી શકીએ છીએ."

"તેનાંથી વિદ્યાર્થીઓ ખુલ્લા મનથી કેટલાક ગંભીર મુદ્દાઓ અંગે ચર્ચા કરે છે. ખાસ કરીને છોકરીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે."

તેઓ ઉમેરે છે, "આ રીતે જ શરૂઆત થઈ શકે છે. માત્ર પાછળ બેસીને જોવાથી કંઈ નહીં થાય."

"જ્યારે હું સંશોધન કરી રહી હતી, મને એ જાણીને આશ્ચર્ય થયું હતું કે મહિલાઓ જે થાય છે તેને અપનાવી લે છે. કેમ કે તે જ જીવન છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો