You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું એ રાજ્ય જ્યાં વધારે બાળકો પેદા કરવા માટે ઇનામની જાહેરાત થઈ!
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, ગુવાહાટીથી બીબીસી ગુજરાતી માટે
ચાર કે તેથી વધુ બાળકો પેદા કરનારા મિઝો દંપત્તિઓને પ્રોત્સાહનરૂપે નાણાં આપવાની જાહેરાત ઈશાન ભારતીય રાજ્ય મિઝોરમના એક ચર્ચે કરી છે.
મિઝોરમમાં ઘટતા જન્મદરમાં સુધારો લાવવા માટે ચર્ચે આ પગલું લીધું છે.
જોકે, મીડિયામાં આ વિશે ચર્ચા થયા બાદ ચર્ચે પોતાના નિર્ણયની સમીક્ષા કરવાનું જણાવ્યું છે.
મિઝોરમમાં ખાસ કરીને મિઝો જનજાતિઓમાં ઘટતા જન્મદરને કારણે સ્થાનિક મિઝો સંગઠનો તથા ચર્ચ ચિંતિત છે.
તેથી પ્રદેશનાં બે મોટા ચર્ચ-પ્રેસ્બિટેરિયન અને ધ બેપ્ટિસ્ટ ચર્ચ ઓફ મિઝોરમ તેમનાં સભ્યોને વધુ બાળકો પેદા કરવાની અપીલ સતત કરી રહ્યાં છે.
તમને આ વાંચવું પણ ગમશે:
લુંગલેઈ શહેરના બેપ્ટિસ્ટ ચર્ચની બાઝાર વેંગ શાખાએ તેના વિસ્તારમાંના અને ખાસ કરીને મિઝો દંપત્તિઓને ચારથી વધુ બાળકો પેદા કરવા બદલ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
કેટલું મળશે ઈનામ?
ચોથું બાળક પેદા કરવા માટે 4,000 રૂપિયા, પાંચમા માટે 5,000 રૂપિયા અને એ પછીના બાળકોના ક્રમાનુસાર એટલા હજાર રૂપિયા ચૂકવવાની જાહેરાત ચર્ચે કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલબત, ચર્ચના આ પગલાં બાબતે અલગ-અલગ સામાજિક સ્તરે મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે.
કેટલાક લોકોએ ચર્ચની પહેલનું સ્વાગત કર્યું છે, જ્યારે કેટલાક લોકોએ ચર્ચનું પગલું અત્યંત બેજવાબદારીભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
બેપટિસ્ટ ચર્ચના ચેરમેન દુલાએ બીબીસીને જણાવ્યું હતું, "આ પ્રકારની જાહેરાત વિશે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી."
"ચર્ચ તેની સમિતિના સભ્યો સાથે બેઠક યોજીને આ પગલાંની સમીક્ષા કરશે."
દુલાએ ઉમેર્યું હતું, "મિઝોરમમાં જન્મદર ઘણો ઓછો છે, જે અહીંના મિઝો લોકો માટે ચિંતાનો મુદ્દો છે."
મિઝો લોકોના જીવનની તમામ પાસાંઓમાં સ્થાનિક ચર્ચની ભૂમિકા હંમેશા મહત્ત્વની હોય છે.
લુંગલેઈ બાઝાર વિસ્તારમાં બેપટિસ્ટ ચર્ચનો દબદબો છે.
"જેમણે બાળકો પેદા કરવાં હોય એ કરે"
મિઝોરમની રાજધાની આઈજોલમાં વકીલાત કરતાં 29 વર્ષનાં એમિલી છાંગતે ચર્ચના આ પગલાંને ટેકો આપે છે.
અલબત, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે સરકારે આ પ્રકારનાં કામમાં ચર્ચને સહયોગ આપવો જોઈએ એવું પણ એમિલી છાંગતેએ જણાવ્યું હતું.
એમિલી છાંગતેએ કહ્યું હતું, "અમે ખ્રિસ્તી છીએ અને બાઈબલમાં લખ્યું છે કે કોઈની પણ હત્યા કરવી ન જોઈએ."
"તેથી જે મિઝો દંપત્તિઓ વધારે બાળકો પેદા કરવા ઈચ્છતાં હોય તેમણે એવું કરવું જોઈએ, કારણ કે એ બાઈબલ અનુસારનું કામ હશે."
"મિઝોરમ નાનું રાજ્ય છે અને અહીં મિઝો લોકોની વસતી બહુ વધતી નથી. તેથી ચર્ચનો નિર્ણય યોગ્ય છે."
આઈજોલમાં ખુદની ટ્રાવેલ એજન્સી ચલાવતાં મિરિયમ બોચુંગે કહ્યું હતું, "મિઝોરમમાં બિન-મિઝો સમુદાયોના લોકોની વસતી વધી રહી હોવાથી પણ મિઝો સમુદાયની ઓછી વસતી ચિંતાનો વિષય છે."
શું કહે છે આંકડા?
વર્તમાન વિવાદને ધ્યાનમાં રાખીને મિરિયમ બોચુંગે કોઈ જનજાતિનું નામ લીધું ન હતું, પણ ગ્રામીણ વિસ્તારોમાં ચકમાસ અને બ્રૂસ જેવી લઘુમતી કોમોના લોકો પણ રહે છે.
2011ની વસતીગણતરી અનુસાર, મિઝોરમમાં પ્રત્યેક એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં બાવન લોકો રહે છે. એ પ્રમાણ દેશમાં અરૂણાચલ પ્રદેશ પછી સૌથી ઓછું છે.
મિઝોરમના આંકડાકીય રેકોર્ડ અનુસાર, વર્તમાન દાયકામાં વસતીમાં 23.48 ટકા વધારો થયો છે. આગલા દાયકામાં એ પ્રમાણ 29.18 ટકા હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો