You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેના મામલે RBI અને મોદી સરકાર વચ્ચે તણાવ પેદા થયો તે રિઝર્વ કૅપિટલ શું છે?
ભારતીય રિઝર્વ બૅન્ક અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ અને મતભેદની સ્થિતિ પેદા થઈ છે.
હજી પણ આ સ્થિતિ ખતમ થવાનું નામ નથી લેતી. હજી એ પણ સ્પષ્ટ થયું નથી કે આ સમગ્ર વિવાદ ખરેખર કઈ દિશામાં જઈ રહ્યો છે.
શરૂઆત એ આરોપથી થઈ કે કેન્દ્ર સરકાર આરબીઆઈની સ્વાયત્તતામાં દખલ દઈ રહી છે.
ત્યારબાદ સમાચાર આવ્યા કે સરકાર આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 લાગુ કરીને રિઝર્વ બૅન્કની તાકાત ઓછી કરવા માગે છે.
આ બધાની વચ્ચે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાની અટકળો પણ આવવા લાગી.
જોકે, ત્યારબાદ નાણાવિભાગે એક અધિકારીના હવાલાથી કહ્યું કે સરકાર ઉર્જિત પટેલને રાજીનામું આપવા માટે મજબૂર નહીં કરે.
આ તમામ 'ટ્વિસ્ટ અને ટર્ન'ની વચ્ચે સૌથી મોટો ટર્ન આવ્યો જ્યારે સમાચાર આવ્યા કે આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં 3.6 લાખ કરોડ રૂપિયા છે.
શું હતા એ સમાચાર?
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે નાણાવિભાગે આરબીઆઈને કહ્યું હતું કે તે તેમની પાસે જમા રહેલા 3.6 લાખ કરોડ રૂપિયા તેમને આપી દે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આરબીઆઈએ આ રૂપિયા આપવાની ના પાડી દીધી.
અહેવાલ મુજબ આ પૈસા સરકારને આપવાથી અર્થવ્યવસ્થામાં અસ્થિરતા પેદા થવાનો ખતરો હતો.
આ કારણ છે કે રિઝર્વ બૅન્કે સરકારને આ રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો.
તમે આ વાંચ્યું કે નહીં?
આ પહેલાં 2017-18માં નાણાવિભાગે મૂડીની જરૂરિયાતનો હવાલો આપીને રિઝર્વ બૅન્ક પાસે કુલ જમા રકમ માગી હતી ત્યારે પણ આરબીઆઈએ આ પ્રસ્તાવ નકારી દીધો હતો.
જોકે, નાણાવિભાગે આ અહેવાલોનું ખંડન કર્યું છે.
નાણાવિભાગના આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ મામલે ટ્વીટ કરીને સ્પષ્ટા કરી હતી.
તેમણે કહ્યું, "મીડિયામાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. સરકારનો આર્થિક હિસાબકિતાબ એકદમ યોગ્ય રસ્તા પર છે. જેવું મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે, એવો કોઈ પ્રસ્તાવ નથી જેમાં આરબીઆઈ પાસે 3.6 લાખ કરોડ અથવા 1 લાખ કરોડ ટ્રાન્સફર કરવાના હોય."
"પ્રસ્તાવ માત્ર એક છે અને તે છે આરબીઆઈ માટે એક નક્કી ધનરાશિ નિર્ધારિત કરવાનો."
હવે મુખ્ય સવાલો એ છે કે આ રિઝર્વ કૅપિટલ શું છે? જેને લઈને ઘમસાણ મચ્યું છે. આરબીઆઈ કેટલા રૂપિયા રાખી શકે? શું તેની કોઈ મર્યાદા છે? શું આને લઈને કોઈ કાયદો છે?
આવા જ કેટલાક સવાલોના જવાબ મેળવવા માટે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરે આર્થિક મામલાના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર શિશિર સિન્હા સાથે વાત કરી. તેમની વાત તેમના જ શબ્દોમાં.
રિઝર્વ બૅન્ક અને સરકાર વચ્ચે તણાવ છે અને એ તણાવ વધી રહ્યો છે. કારણ કે હવે અહીં એક નવો મુદ્દો આવી ગયો છે.
નવો મુદ્દો એ છે કે આરબીઆઈ પાસે તેના રિઝર્વમાં કેટલા રૂપિયા હોવા જોઈએ.
આરબીઆઈના આ વર્ષના વાર્ષિક રિપોર્ટ મુજબ તેની પાસે 9.59 લાખ કરોડ રૂપિયા છે.
સરકારને લાગી રહ્યું છે કે રાશિ વધારે છે. આરબીઆઈ પાસે વધારેમાં વધારે કેટલા પૈસા હોઈ શકે, આ મામલે કોઈ લેખિત નિયમ કે કાયદો નથી.
હવે એવી આશા છે કે આગામી 19મી નવેમ્બરે મળનારી આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે.
આરબીઆઈ કેટલું નાણું રિઝર્વમાં રાખી શકે તેના વિશે પણ આ બેઠકમાં જ ચર્ચા થાય તેવી શક્યતા છે.
રિઝર્વ અંગે શું નિયમ છે?
સેન્ટ્રલ બૅન્કની થાપણમાંથી કેટલો ભાગ રિઝર્વ હોવો જોઈએ?
વિશ્વના કેટલાક દેશોમાં અનામત થાપણની ટકાવારી 12થી14 ટકા છે.
ભારતીય રિઝર્વ બૅન્ક પાસે 27 ટકા થાપણ રિઝર્વમાં રહે છે. વૈશ્વિક ધારાધોરણ મુજબ આ આંકોડ વધારે છે.
આરબીઆઈના રિઝર્વમાં રહેલી થાપણ કોની છે? તે જાણવું પણ જરૂરી છે.
આ રૂપિયા આરબીઆઈ દ્વારા જુદા-જુદા સ્રોતમાંથી એકઠા કરાયા છે.
આ રૂપિયા સામાન્ય વર્ગના છે. સરકારના મતે આ રૂપિયા લોકો માટે વપરાવા જોઈએ.
જોકે, સરકારને કેટલા રૂપિયા મળવા જોઈએ તેની વ્યાખ્યા સ્પષ્ટ નથી.
આ કારણોસર એવી ચર્ચા છે કે સરકાર કેટલા રૂપિયાનો ઉપયોગ કરી શકે અને આરબીઆઈ કેટલા રૂપિયા રાખી શકે તેનું પરિમાણ નક્કી થવું જોઈએ.
જોકે, સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટમાં કહ્યું હતું કે અમે આરબીઆઈ પાસે પૈસા માગ્યા નથી.
આ આક્ષેપ પાયાવિહોણો છે. અમે ફક્ત એવું જ કહ્યું છે કે માપદંડ નક્કી થવો જોઈએ.
આ શરૂઆત છે, ત્યારબાદ નક્કી થઈ જશે કે આરબીઆઈ કેટલી થાપણ રાખી શકે.
થાપણ અંગેના માપદંડ નક્કી થઈ ગયા બાદ જે રકમ વધારાની હશે તેને મેળવવા માટે સરકારનો રસ્તો સાફ થઈ જશે.
શા માટે માગ થઈ?
આ માગ અગાઉ પણ થઈ હતી.
દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ઇકૉનૉમિક સર્વેમાં ઉલ્લેખ કર્યો હતો કે આશરે ચાર લાખ કરોડ રૂપિયાનું અનામત ભંડોળ સરકારને ફાળવવું જોઈએ.
જોકે, ઇકૉનૉમિક સર્વે સરકારી અર્થશાસ્ત્રીઓએ એકત્રીત કરેલ આંકડાનો દસ્તાવેજ છે, આ સર્વે સરકારની નીતિ હોતો નથી.
આ સર્વેના કારણે જ આ મુદ્દે ચર્ચા થઈ હતી પરંતુ ત્યારે વાત આગળ વધી નહોતી. હવે આ દિશામાં નક્કર પ્રયાસો થઈ રહ્યા છે.
અગાઉ થયેલી ચર્ચાની દરખાસ્ત મજબૂત નહોતી.
હવે દરખાસ્ત મજબૂત હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બેઠક થશે અને આશા છે કે આ બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો