You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GST : ખરેખર મોદી સરકારના દાવાઓ જેટલો સફળ થયો આ ટેક્સ?
દિલ્હીમાં આવેલા સંસદ ભવનમાં ગત વર્ષની 30 જૂન અને પહેલી જુલાઈ વચ્ચેની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય પ્રધાનો અને અન્ય તમામ પક્ષોના નેતાઓ એકઠા થયા હતા.
રાત્રે બાર વાગ્યે એક એપ્લિકેશન (એપ) મારફત અમલી બનાવવામાં આવેલા ગૂડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી)ને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકારે 'ગૂડ ઍન્ડ સિમ્પલ ટેક્સ' ગણાવ્યો હતો.
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ રાજ્યોના 17 જૂના ટેક્સ અને 23 ઉપકર પર પૂર્ણવિરામ મૂકીને એક નવી કરવ્યવસ્થા અમલી બનાવી હતી, જેનો દર આખા દેશ માટે સમાન હતો.
અરુણ જેટલીના જણાવ્યા મુજબ, એક દેશ, એક ટેક્સનો હેતુ સામાન્ય લોકો પર તેની માઠી અસર ન થાય એ સુનિશ્ચિત કરવાનો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
આ કરવ્યવસ્થાને સરકારે સ્વતંત્રતાના 70 વર્ષ પછીનો સૌથી મોટો કરસુધારો ગણાવી હતી.
જીએસટીને એક ઐતિહાસિક પગલું ગણાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતની પ્રગતિનો માર્ગ તેની સાથે જોડાયેલો છે.
જીએસટી અમલી બન્યાને આ રવિવારે એક વર્ષ પૂરું થઈ ગયું. આ કરવ્યવસ્થા અમલી બન્યાની ખુશી વ્યક્ત કરવા માટે સરકાર આ વર્ષની પહેલી, જુલાઈએ 'જીએસટી ડે'ની ઊજવણી કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાવા, વાયદા અને આશા
નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જીએસટીને લીધે ભારતમાં રોકાણ કરનારાઓને લાભ થશે અને નિકાસ વધારવામાં મદદ મળશે.
એ ઉપરાંત અલગ-અલગ રાજ્યોના વિકાસમાં જે ખામી રહી ગઈ છે તેનું નિવારણ થઈ શકશે.
જોકે, સરકારે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે જીએસટીના અમલના પ્રારંભિક સમયમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેટલીક સમસ્યા જોવા પણ મળી હતી.
અનેક વસ્તુઓ પર લાદવામાં આવેલા જીએસટીનો દર 2017ના અંત પહેલાં જ ઘટાડવામાં આવ્યો હતો અને એ આ વર્ષે પણ ચાલુ રહ્યું છે.
આ બધાની વચ્ચે અરુણ જેટલીએ શુક્રવારે સ્વીકાર્યું હતું કે જીએસટીના અમલના પહેલા વર્ષમાં પ્રત્યક્ષ કર પર તેની કોઈ અસર જોવા મળી નથી.
અલબત, વ્યક્તિગત ઇન્કમ ટેક્સ કેટેગરીમાં પહેલા ત્રિમાસિક ગાળામાં 44 ટકા વધારે ઍડવાન્સ ટેક્સ જમા થયો છે.
જીએસટીની સકારાત્મક તથા દૂરગામી અસર જરૂર જોવા મળશે તેવી અને નોટબંધી તથા જીએસટીના ફટકા સામે ઝઝૂમી રહેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિ સુધરવાની આશા છે.
સવાલ એ છે કે ખરેખર અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે?
આર્થિક બાબતોના જાણકાર એમ. કે. વેણુ શું માને છે?
આ 'ગૂડ ઍન્ડ સિમ્પલ ટેક્સ' તો નથી જ. આ વાત અમે કે સરકારની ટીકા કરતા લોકો નથી કહેતા, પણ સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર ડો. અરવિંદ સુબ્રમણ્યમે કહી હતી.
તેમણે અખબારોમાં લેખો લખ્યા હતા અને નાણા મંત્રાલયે આંતરિક નોંધમાં પણ લખ્યું હતું કે જીએસટી બહુ જ જટીલ ટેક્સ છે.
તાજેતરમાં આર્થિક સલાહકારપદેથી રાજીનામું આપ્યા બાદ ડો. અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારતમાં કેટલીક ચીજો પર 28 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે.
હકીકતમાં દુનિયાના જે દેશોમાં જીએસટીનો અમલ ચાલુ છે ત્યાં જીએસટીનો આટલો ઊંચો દર નથી.
કોઈ પણ દેશમાં એ 20 ટકાથી વધારે નથી. ભારતમાં જીએસટીનો દર ઘટાડવો પડશે.
સરકારે ડો. અરવિંદ સુબ્રમણ્યમના સૂચનનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે જીએસટીના જે પાંચ સ્લેબ છે તેમાં ઘટાડો કરવામાં આવશે.
12 અને 18 ટકાના સ્લેબને મેળવીને 15 ટકાનો સ્લેબ કરવાની વિચારણા ચાલી રહી છે.
જોકે, નાણા મંત્રાલયે જણાવ્યું છે કે હાલ આવું કરવું શક્ય નથી, કારણ કે જીએસટી સ્થિર થયો નથી.
રાજ્યો અને કેન્દ્રને જેટલી સરકારી મહેસૂલ મળવાની અપેક્ષા હતી એટલી મહેસૂલી આવક કદાચ અત્યારે થતી નથી.
જટિલ પ્રક્રિયા, મુશ્કેલ ટેક્નૉલૉજી
હું તમને કહી શકું કે જીએસટી માટે એક કરોડ લોકોએ રજિસ્ટ્રેશન તો કરાવ્યું છે, પણ એ પૈકીના 50 ટકા પણ અત્યારે જીએસટી ચૂકવતા નથી. તેમાં ટેક્નૉલૉજી મોટી સમસ્યા છે.
નાણા મંત્રાલયના ટોચના એક અધિકારી હસમુખ અઢિયાએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે જીએસટીમાં ટેક્નૉલૉજી એક મોટું જોખમ છે અને નવી સિસ્ટમ લાવવાની જરૂર છે.
તેમનું કહેવું છે કે સરકાર ટેક્નૉલૉજી અને પ્રક્રિયા બન્ને સરળ બનાવવા બાબતે વિચાર કરી રહી છે.
જીએસટી અમલી બન્યાના એક વર્ષ પછી પણ અનેક નાના વેપારીઓ કહે છે કે દર મહિને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અને વકીલોને ફી ચૂકવી શકાય એટલી કમાણી તેઓ કરતા નથી.
જીએસટીને કારણે તેમનો ખર્ચ વધ્યો હોવાનું નાના વેપારીઓ જણાવી રહ્યા છે.
સ્વિસ બૅન્કો અને ભારતીયોનાં નાણાં
ગયા સપ્તાહે સ્વિસ બૅન્કનો એક રિપોર્ટ આવ્યો હતો. તેમાં જણાવ્યા મુજબ, સ્વિસ બેન્કોમાં જમા થતા ભારતીયોનાં નાણાંનું પ્રમાણ ત્રણ વર્ષથી ઘટી રહ્યું હતું, પણ 2017માં પ્રવાહ પલટાયો છે.
સ્વિસ બૅન્કોમાં જમા થતા ભારતીયોનાં નાણાનું પ્રમાણ ગયા વર્ષે 50 ટકા વધીને એક અબજ સ્વિસ ફ્રાન્ક એટલે કે અંદાજે 7,000 કરોડ રૂપિયાનું થઈ ગયું હતું.
અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી હતી કે સ્વિસ બૅન્ક જે નાણાંની વાત કરી છે તે બ્લૅક મની નથી અને તેનાથી ડરવાનું કોઈ કારણ નથી.
આર્થિક બાબતોના જાણકાર પ્રોફેસર અરુણ કુમારે પણ બીબીસીને કહ્યું હતું, "જે નાણાંની વાત કરવામાં આવી રહી છે એ ડિક્લેર કરવામાં આવેલા છે, બ્લૅક મની નથી.
"જોકે, પાછલા કેટલાક સમયમાં ભારતમાં ધમાચકડી વધુ થઈ છે. તેને કારણે રોકાણકારો ડરેલા છે અને તેમણે તેમના કેટલાક પૈસા દેશ બહાર રાખ્યા છે, એ વાત પણ સાચી છે."
ભારતમાં રોકાણ ખરેખર વધ્યું છે?
એમ. કે. વેણુના જણાવ્યા મુજબ, સ્વિસ બૅન્કમાં જમા થતા નાણાંમાં થયેલો વધારો દર્શાવે છે કે ભારતમાં બિઝનેસ કરવાના વિશ્વાસનું સ્તર ઘટ્યું છે.
દેશની કેન્દ્રીય બૅન્ક એટલે રિઝર્વ બૅન્કનો સર્વે પણ જણાવે છે કે બિઝનેસ કરવાના વિશ્વાસનું સ્તર ઘટ્યું છે.
એક અમેરિકન કંપની મોર્ગને આપેલા આંકડા મુજબ, દેશના ધનવાન બિઝનેસમેન, ડોલર મિલ્યોનર ગણાતા લોકો પૈકીના કમસેકમ 50 ટકા લોકોએ 2017માં ભારત છોડીને અન્ય દેશોનું નાગરિકત્વ લીધું છે.
તેમનું કહેવું છે કે ભારતમાં બિઝનેસ કરવાનું મુશ્કેલ થઈ ગયું છે.
ગગડતો રૂપિયો અને પેટ્રોલ
આજની વાત કરીએ તો ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીએ ગગડી રહ્યો છે અને છેલ્લાં ચાર વર્ષમાં પહેલીવાર ભારતની નિકાસ નેગેટિવ થઈ છે.
જીડીપી અને નિકાસનો રેશિયો 17 ટકાથી ઘટીને 12 ટકા થઈ ગયો હતો. ઘણાં રાજ્યોએ તેના વિરોધમાં ફરિયાદો શરૂ કરી દીધી છે.
આ ઉપરાંત પેટ્રોલને પણ જીએસટીના દાયરામાં લાવવાની માગણી થઈ રહી છે.
અરુણ જેટલીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યું હતું, "કેન્દ્ર સરકાર પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવા ઇચ્છે છે, પણ રાજ્યોની સંમતિની રાહ જોઈ રહી છે."
અલબત, રાજ્યોને પેટ્રોલમાંથી સારી એવી મહેસૂલી આવક થાય છે. તેથી તેઓ હાલ તેને છોડવા ઇચ્છતાં નથી. જીએસટીથી ટેક્સની આવક થતી નથી ત્યારે તેમની પાસે આ એક જ રસ્તો છે.
તેથી જીએસટી સ્થિર નહીં થાય ત્યાં સુધી સરકાર પેટ્રોલને તેના દાયરામાં લાવી શકશે નહીં.
વૈશ્વિક અર્થતંત્ર માટે ખરાબ વર્ષ
વૈશ્વિક અર્થતંત્ર પર નજર રાખતા જાણકાર પોલ ક્રુગમેને જણાવ્યું છે કે આ વર્ષ વૈશ્વિક અર્થતંત્ર માટે ખરાબ રહેશે.
એશિયાના ઘણા દેશોના ચલણનું મૂલ્ય ઘટી રહ્યું છે.
પોલ ક્રુગમેનના જણાવ્યા મુજબ, 1998માં એશિયામાં જે આર્થિક સંકટ સર્જાયું હતું, તેવું એક ગંભીર સંકટ આ વર્ષે સર્જાઈ શકે છે. તેને કારણે પણ અર્થવ્યવસ્થા થોડી ડામાડોળ થઈ શકે છે.
(બીબીસીનાં સંવાદદાતા માનશી દાશ સાથે થયેલી વાતચીતને આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો