આરબીઆઈ પાસે જરૂરથી વધારે પૈસા હોવાનું સત્ય શું?

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

બે વર્ષ પહેલાં આજના દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

કેટલાક લોકો માને છે કે નોટબંધી અને આરબીઆઈના હાલના વિવાદને કોઈ સબંધ છે. હવે આ વિવાદમાં વધુ એક વાત જોડાઈ ગઈ છે કે સરકારે આરબીઆઈ પાસે 3.61 લાખ કરોડ રૂપિયા માગ્યા છે.

આર્થિક બાબતોના નિષ્ણાત પ્રિયરંજન દાસ જણાવે છે, "મોદી સરકારે આરબીઆઈ પાસે જે 3.61લાખ કરોડ માગ્યા છે, તેની કડી નોટબંધી સાથે જોડી શકાય છે."

તેમણે જણાવ્યું, " સરકાર આરબીઆઈ પાસે પૈસા માગે છે કારણકે તેઓ વિચારતા હતા કે નોટબંધીથી ત્રણ કે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા જેટલું કાળું નાણું પકડશે, જે સિસ્ટમમાં પાછું નહીં આવે."

"સરકારને એમ હતું કે આ રકમ તેઓ આરબીઆઈ પાસેથી લઈ લેશે. તેથી હવે સરકાર બૅન્કોની મદદ કરવાના બહાને આરબીઆઈ પાસેથી એ રકમ વસૂલ કરવાનું વિચારે છે."

શું આરબીઆઈને પૈસા આપવા પડશે?

જોકે, ઇકૉનૉમિક ટાઇમ્સના તંત્રી ટી.કે. અરૂણ આ વાત સાથે સંમત નથી. તેઓ માને છે કે નોટબંધીને સરકારના આરબીઆઈ પાસેથી ફંડ ઉઘરાવવાની બાબત સાથે કોઈ જ સંબંધ નથી.

ટી.કે. અરૂણે જણાવ્યું, "નોટબંધી પહેલાં જ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયમે પોતાના આર્થિક સર્વેમાં લખ્યુ હતું કે, દુનિયાની અન્ય કેન્દ્રિય બૅન્કોની સરખાણીએ આરબીઆઈ પાસે જરૂરથી વધારે નાણાં જમા છે."

"આ રકમ સરકારને સોંપી શકાય, જેમાંથી સરકાર કોઈ સારું કામ કરી શકે છે."

આરબીઆઈએ સરકારને પૈસા આપવા જોઈએ કે નહીં, એ બાબતે નિષ્ણાતો સ્પષ્ટ નથી. પરંતુ એવું ચોકક્સ માને છે કે સરકાર સામે આરબીઆઈ બહુ જલ્દી ઝૂકી જશે.

પ્રિયરંજન દાસના મતે આરબીઆઈએ સરકારને પૈસા આપવા જ પડશે.

તેમના મતે આરબીઆઈ જેવી સંસ્થાઓ સ્વાયત્ત હોવી જોઈએ, પરંતુ નોટબંધી જેવો નિર્ણય કરતાં પહેલાં સરકારે તેમની સાથે કોઈ જ પરામર્શ કર્યો નહોતો.

તેના પરથી સમજી શકાય છે કે, આરબીઆઈની સ્વાયત્તતાને સરકારે બોદી કરી નાખી છે.

તેઓ કહે છે કે, આરબીઆઈ નાણામંત્રાલયનો જ એક ભાગ છે.

જ્યારે અરૂણના મતે આરબીઆઈ પાસે સરકારને પૈસા આપવા સિવાય કોઈ રસ્તો જ નથી.

વડા પ્રધાન મોદીએ જ્યારે નોટબંધીની જાહેરાત કરી ત્યારે તેની ખૂબ ટીકા થયેલી.

જેના જવાબમાં તેમણે કહેલું કે, ભાઈઓ બહેનો, મેં તમારી પાસે માત્ર 50 દિવસ માગ્યા છે. 50 દિવસ. મને માત્ર 30 ડિસેમ્બર સુધીનો સમય આપો."

"જો 30 ડિસેમ્બર પછી કોઈ કમી રહી જાય, મારી કોઈ ભૂલ સામે આવે કે મારો હેતુ ખરાબ હતો એવું લાગે તો તમે મને જે પણ ચાર રસ્તે ઊભો રાખશો, ત્યાં ઊભો રહી જઈશ."

"દેશ મને જે સજા આપે તે ભોગવવા તૈયાર છું."

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાના આ નિર્ણયથી દેશવાસીઓને આંચકો આપનાર પીએમ મોદીએ ત્યારે કહ્યું હતું કે નોટબંધી કાળાનાણાં વિરુદ્ધ મોટી ઝુંબેશ છે.

તેમણે નોટબંધીને ઉગ્રવાદ અને આતંકવાદ વિરુદ્ધ એક સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી હતી. સાથે જ કૅશલેસ અર્થવ્યવસ્થા અને ડિજિટલ સોસાયટી તરફ એક મોટું પગલું ગણાવ્યું હતું.

બે વર્ષ પછી નરેન્દ્ર મોદીની સરકાર એવો દાવો કરે છે કે નોટબંધીના તેમના બધા જ ઉદ્દેશ્ય પૂર્ણ થયા છે.

નોટબંધી પર વિપક્ષનો પ્રશ્ન

કોંગ્રેસે નોટબંધીના ભારત સરકારના નિર્ણયને મોદી નિર્મિત આપદા ગણાવી હતી.

કોંગ્રેસે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે સરકારને કાળુંનાણું ન મળ્યું કારણ કે 99 ટકા નોટ રિઝર્વ બૅન્કને પરત મળી ગઈ છે.

કોંગ્રેસના મતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવી અપેક્ષા હતી કે, જે લોકો આ નોટ પરત નહીં કરી શકે તેવા લોકો પાસેથી ચાર લાખ કરોડનો લાભ મેળવી શકશે.

તેથી નુકસાન એ ગયું કે નવી નોટ છાપવામાં દેશનું 21 હજાર કરોડનું નાણું ખર્ચાઈ ગયું.

એક નિષ્ફળ નિર્ણય

નોટબંધીનું એક વર્ષ પૂરું થયું ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે તેનાથી ટૅક્સ નેટ વધી છે અને વિકાસ દરમાં પણ વૃદ્ધિ થઈ છે.

ગયા વર્ષે જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, 99.3 ટકા નોટ પરત આવી ગઈ છે.

તેનો અર્થ એવો થયો કે, રિઝર્વ બૅન્કના મતે નોટબંધી વખતે દેશમાં 500 અને 1000 રૂપિયાની કુલ 15 લાખ 41 હજાર કરોડ રૂપિયાની ચલણી નોટ હતી, તેમાંથી હવે 15 લાખ 31 હજાર કરોડની નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ છે.

જ્યારે દસ હજાર કરોડ રૂપિયાની નોટ પાછી ન મળી, હજી ભૂતાન અને નેપાળની નોટ ગણવાની બાકી છે.

તેનો અર્થ એ થયો કે લોકો માટે કૅશ સ્વરૂપે કાળુંધન ન બરાબર હતું.

આર્થિક બાબતોના નિષ્ણાત પ્રિયરંજન દાસ જણાવે છે કે લોકો કાળુંનાણું પોતાનાં ઘરોમાં રાખે છે, એ મોદી સરકારનો વિચાર જ ખોટો હતો.

તેમના મતે કાળુંનાણું જમીન અને અન્ય મિલકતમાં રોકાય છે.

પ્રિયરંજન ભારપૂર્વક કહે છે કે નોટબંધી તદ્દન નિષ્ફળ રહી. તેઓ કહે છે કે એ સરકારનું એક અયોગ્ય પગલું હતું.

એ એકતરફી આદેશ હતો, જેણે અર્થતંત્રને લાંબા ગાળાનું નુકસાન કર્યુ.

તેનાથી ગૃહઉદ્યોગોમાં 2 ટકા ઘટાડો થયો. જે 3 કે 3.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું કહી શકાય.

રાજકીય માસ્ટર-સ્ટ્રોક

ટી.કે. અરૂણ કહે છે કે આર્થિક રીતે નોટબંધી નિષ્ફળ રહી પણ રાજકીય રીતે એક મોટી સફળતા હતી, આ મોદી સરકારનો એક રાજકીય માસ્ટર સ્ટ્રોક હતો.

અરૂણનો દાવો છે કે ઘણા નિષ્ણાતો આવું જ માને છે.

તેમણે જણાવ્યું, "આ નિર્ણયનો અસલી હેતુ લોકોને એ સંદેશ આપવાનો હતો કે ભાજપ માત્ર વાણીયા વેપારીઓની પાર્ટી નથી."

"તે સામાન્ય જનતાની પણ પાર્ટી છે અને મોદી સરકાર કાળાનાણાંનો અંત લાવવા માગે છે."

"આ સંદેશ લોકો સુધી પહોંચ્યો અને એટલે જ લોકોએ નોટ પાછી આપવા બૅન્કોમાં લાંબી લાઇનો લગાવી."

"તેઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા કારણ કે તેમને લાગતું હતું કે તેઓ સરકારને એક નિર્ણયમાં સાથ આપી રહ્યા છે."

અરૂણ જણાવે છે કે મોદી નહીં પણ સામાન્યજનતા મૂર્ખ છે. લોકોની ગેરસમજ અને વિશ્વાસનો સરકારે ફાયદો ઉઠાવ્યો અને તેનાથી સરકારને રાજકીય લાભ થયો પણ દેશને આર્થિક નુકસાન થયું.

પ્રિયરંજને આ વિચાર સાથે સંમત થતા કહ્યું કે આ અર્થતંત્ર પર સર્જિકલ સ્ટ્રાઇક હતી. આ બધું જ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ માટે હતું. તેમના મતે નોટબંધીનો મુખ્ય હેતુ જ એ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો