You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકાર અને RBI વચ્ચેનો સંઘર્ષ કેમ વધી ગયો?
કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની વચ્ચે કડવાશ અને નીતિગત મતભેદના અહેવાલ આવતા રહે છે. તેની ચર્ચાના કેન્દ્રમાં વચ્ચે આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 ઉપર ચર્ચાનું બજાર ગરમ છે.
ઘણાં મીડિયા અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 લાદવાનું વિચારી રહી છે.
આ એવો પ્રથમ પ્રસંગ છે, જયારે સ્વતંત્ર ભારતની કોઈ પણ સરકારમાં આરબીઆઈ વિરુદ્ધ સૅક્શન-7 લાગુ કરવા ઉપર ચર્ચા ચાલી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સોશિયલ મીડિયા ઉપર પણ આની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે અને ટ્વીટર ઉપર RBI Act ટ્રૅન્ડમાં રહ્યા.
નાણાં મંત્રાલયે એ વાતની ખાતરી કરી છે કે, ગત કેટલાક અઠવાડિયામાં સૅક્શન-7ની જોગવાઈઓનો ઉપયોગ કરીને રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલને ઘણાં પત્રો મોકલ્યા હતાં.
આ પત્રોમાં રોકડ પ્રવાહથી માંડીને એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ), નોન-બૅન્ક ફાઈનાન્સ કંપનીઓ અને મુડીની જરૂરિયાત જેવા તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ સ્થિતિમાં અગત્યનો સવાલ એ છે કે આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 છેવટે છે શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો, રિઝર્વ બૅન્ક પોતે એક સ્વાયત્ત સંસ્થા છે અને સરકારથી અલગ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે, પરંતુ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એને સરકારના નિર્દેશો અનુસરવા પડે છે.
- આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 સરકારને એ અધિકાર આપે છે કે તે રિઝર્વ બૅન્કને નિર્દેશો આપી શકે.
- સૅક્શન-7 કહે છે કે કેન્દ્ર સરકાર વખતો-વખત જનતાના હિતોને ધ્યાનમાં રાખતા અને રિઝર્વ બૅન્કના ગવર્નર સાથે વાત કરીને તેઓને નિર્દેશો આપી શકે છે.
- સૅક્શન-7 લાગુ થયા બાદ બૅન્કના વેપાર સાથે સંલગ્ન નિર્ણયો આરબીઆઈના ગવર્નરને બદલે રિઝર્વ બૅન્કના 'બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ' લેશે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો સેકશન-7 ક્યાંકને ક્યાંક આરબીઆઈ ગવર્નરના અધિકારોને નબળા પાડે છે.
- ગવર્નર અને તેમના દ્વારા નિયુક્ત ડેપ્યુટી ગવર્નરની ગેરહાજરીમાં પણ 'સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ' એ તમામ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોય છે, જે સમાન્ય સંજોગોમાં રિઝર્વ બૅન્ક લે છે.
નાણાં મંત્રાલયનો ખુલાસો
આ દરમિયાન નાણાં મંત્રાલયે એક નિવેદન પ્રકાશિત કરીને કહ્યું છે કે આરબીઆઈની સ્વાયત્તતા આરબીઆઈ ઍક્ટની જોગવાઈઓ મુજબ જ નક્કી થશે.
મંત્રાલયે કહ્યું છે કે સ્વાયત્તતા જરૂરી છે અને સરકાર તેનો સ્વીકાર પણ કરશે.
ગત સપ્તાહે આરબીઆઈના ડેપ્યુટી ગવાર્નર વિરલ આચાર્યએ કહ્યું હતું કે આરબીઆઈની સ્વાયત્તતા ઉપર પ્રહાર કરવામાં આવશે તો એ વિનાશક બનશે.
ઘણાં વિશ્લેષકોનું કહેવું છે કે આગામી વર્ષે થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આરબીઆઈ ઉપર દબાણ કરી રહી છે કે તે નીતિઓને મુદ્દે ઉદારતા દાખવે.
નાણાં મંત્રી અરુણ જેટલી આરબીઆઈ ઉપર એવો આરોપ મૂકી ચૂક્યા છે કે કેન્દ્રીય બૅન્ક વર્ષ 2008થી વર્ષ 2014 દરમિયાન બૅન્કોને મનફાવે તેમ કરજા આપતી અટકાવવામાં નિષ્ફળ રહી છે અને આ જ કારણસર બૅન્કોની એનપીએ વધીને 150 અબજ ડૉલર થઈ ગઈ છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો(પીઆઈબી) તરફથી પણ એક નિવેદન પ્રકાશિત કરીને કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા રિઝર્વ બૅન્ક સાથે જનહિતના તમામ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચાઓ ચાલુ છે.
આરબીઆઈ અને સરકારમાં ચાલતી આ અથડામણ વચ્ચે મંગળવારે ભારતીય મુદ્રા, રૂપિયામાં 43 પૈસાનું ગાબડું પડ્યું અને ડૉલર રૂ. 74.11 સુધી પહોંચી ગયો.
સમાચાર એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)નું કહેવું છે કે અમેરિકન ડૉલરની માગ સતત વધી રહી છે એટલે રૂપિયો દબાણમાં છે. કહેવાય છે કે સરકાર અને આરબીઆઈ વચ્ચેના આ કલહની અસર રોકાણકારો ઉપર પણ પડી રહી છે.
કજિયાનું મૂળ શું છે?
કહેવાય છે કે આરબીઆઈ અને સરકારની વચ્ચે સંબંધોમાં કડવાશ તો ઘણાં મહિનાઓથી હતી, પરંતુ હાલમાં અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને લીધે આ કજિયો સપાટી ઉપર આવી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વધતી કિંમત, નબળો પડતો રૂપિયો અને બૅન્કિંગ સૅક્ટરમાં સતત વધતી એનપીએને કારણે ભારતીય અર્થવ્યવસ્થા ચારેય તરફથી ઘેરાયેલી છે.
ગત સપ્તાહે શુક્રવારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પોતાના ભાષણમાં આર્જેન્ટિનાના વર્ષ 2010ના આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા ચેતવ્યા હતા. કહેવાય છે કે વિરલ બહુ ગુસ્સામાં હતાં અને તેમનું ભાષણ દર્શકોને અચંબિત કરનારું હતું.
આર્જેન્ટિનાના કેન્દ્રીય બૅન્કના ગવર્નરને સરકારને જમા મૂડી આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતાં.
આર્જેન્ટિનાને સાવ ડિફૉલ્ટર થવું પડ્યું હતું. વિરલ આચાર્યે કહ્યું હતું કે આર્જેન્ટિનાએ સરકારી દરમિયાનગીરીની ભારે કિંમત ચૂકવવી પડી હતી.
આચાર્યએ કહ્યું હતું, "જે સરકારો કેન્દ્રીય બેંકોની સ્વતંત્રતાનું સન્માન નથી કરતી એ ત્યાંના બજાર તત્કાલ અથવા તો પછીથી ભારે મુશ્કેલીમાં મૂકાઈ જાય છે."
"અર્થવ્યવસ્થા ભડકે બળે છે અને અગત્યની સંસ્થાઓની ભૂમિકા ખોખલી બનીને રહી જાય છે."
આર્જેન્ટીનામાં વર્ષ 2010માં અદ્દલ આવું જ બન્યુ હતું.
વિરલ આચાર્ય ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં ફાઈનાન્સના પ્રોફેસર હતા.
વિરલનું કહેવું છે કે તેમનું ભાષણ ગવર્નર ઊર્જિત પટેલની સહમતિ સાથે હતું, કારણ કે તેઓએ જ સ્વાયત્તતાને મુદ્દે પોતાની વાત કહેવાની વકીલાત કરી હતી.
સરકારની ટીકા
આ તમામ વિવાદો અને સમાચારો વચ્ચે સરકારની ટીકાનો દોર ચાલુ છે.
ભૂતપૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું,
"અહેવાલોથી ખબર પડે છે, સરકારે આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 લાગુ કરીને રિઝર્વ બૅન્કને એવા 'નિર્દેશો' આપ્યા છે જે અગાઉ ક્યારેય અપાયા નથી."
"મને ડર છે કે આજે બીજા ઘણાં ખરાબ સમાચારો સંભાળવા મળશે."
ચિદમ્બરમે લખ્યું, "અમે 1991, 2008 અને 2013માં પણ સૅક્શન-7 લાગુ કરી નહોતી."
"હાલના સમયમાં એને લાગુ કરવાની જરૂર શું છે. આનાથી ખબર પડે છે કે સરકાર અર્થવ્યવસ્થાને લગતા તથ્યો છુપાવી રહી છે અને તે માટે ખરાબ રીતે હાથ-પગ મારી રહી છે."
તણાવયુક્ત પરીસ્થિતિ વચ્ચે રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલના રાજીનામાંની પણ આશંકા છે.
સમાચાર એજન્સી રૉઈટર્સના અનુસાર, જો સ્થિતિ નિયંત્રણમાં નહીં રહે તો ઊર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર પદેથી રાજીનામું પણ આપી શકે છે.
ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઉર્જિત પટેલને રાજીનામું સોંપતા રોકવા જોઈએ.
સ્વામીએ ટ્વીટ કર્યું " જો આરબીઆઈના ગવર્નર રાજીનામું સોંપે તો, નાણામંત્રી દ્વારા એનપીએ મુદ્દે કરાયેલું દોષારોપણ તેનું નિમિત્ત બનશે. ઉર્જિત પટેલ સ્વમાની છે તેમને રાજીનામું સોંપતા રોકવા જોઈએ."
આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલ અને નાણાં મંત્રાલય વચ્ચે પત્રોની આપ-લે પણ થઇ છે.
સરકારે પટેલને પૂછ્યું છે કે આર્થિક તંગી સાથે ઝઝૂમી રહેલી સરકારી કંપનીઓ અને માર્કેટમાં રોકડની અછતની બાબતે તેમનું શું મંતવ્ય છે.
બ્લૂમબર્ગનું કહેવું છે કે સરકાર જનહિતનો હવાલો આપીને આરબીઆઈ ઉપર સૅક્શન-7 લાદી શકે છે.
જોકે, એ બાબતે પણ વિવાદ છે કે જે સૅક્શન ક્યારેય લાગુ કરવામાં નથી આવી તેને લાગુ કરવાની રીત શું હશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો