કોણ છે આઈએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ?

હાવર્ડ યુનિવર્સિટીમાં ભારતીય મૂળનાં પ્રોફેસર ગીતા ગોપીનાથની આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(આઈએમએફ)નાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આઈએમએફએ આ સંબંધે ટ્વિટર પર જાણકારી આપી છે. તેઓ મૌરી ઓબ્સફેલ્ડનું સ્થાન લેશે. મૌરી આ વર્ષનાં અંતમાં રિટાયર થઈ જશે.

ગીતા ગોપીનાથ અત્યારે હાવર્ડ યુનિવર્સિટીમાં ઇંટરનેશનલ સ્ટડીઝ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રોફેસર છે. એમણે ઇંટરનેશનલ ફાઇનાન્સ અને માઇક્રોઇકૉનૉમિક્સમાં રિસર્ચ કર્યું છે.

ગીતાએ બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલાં ઇન્ટર્વ્યૂમાં મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નોટબંધીની ટીકા કરી હતી અને કહ્યું હતું, 'એટલો સમય જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ)ને વધુ સારી રીતે લાગુ કરવામાં લગાડવો જોઈતો હતો.'

આઈએમએફનાં પ્રમુખ ક્રિસ્ટન લગાર્ડેએ સોમવારે ગીતા ગોપીનાથની નિમણૂક અંગે જાણકારી આપતાં કહ્યું, ''ગીતા દુનિયાના ઉત્તમ અર્થશાસ્ત્રીઓમાંનાં એક છે. એમની પાસે જબરદસ્ત શૈક્ષણિક જ્ઞાન, બૌદ્ધિક ક્ષમતા અને બહોળો આંતરરાષ્ટ્રીય અનુભવ છે.''

આઈએમએફના પદ પર પહોંચનાર તેઓ બીજા ભારતીય છે. આ પહેલાં ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે.

કેર સરકારમાં ભૂમિકા

કેરલ સરકારે ગીતાની ગત વર્ષે રાજ્યના નાણાકીય સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. ગીતાનો જન્મ કેરળમાં જ થયો હતો.

જ્યારે કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને ગીતાની નિમણૂક કરી હતી, ત્યારે એમના જ પક્ષનાં કેટલાંક લોકો નારાજ પણ થયાં હતાં.

ઇંડિયન એક્સપ્રેસની એક માહિતી અનુસાર, એ વખતે ગીતાએ કહ્યું હતું કે આ પદ મળવાથી તે ગૌરવની લાગણી અનુભવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હાવર્ડ યુનિવર્સિટીના સ્કૉલર

ગીતા અમેરિકન ઇકોનૉમિક્સ રિવ્યૂના સહ-સંપાદક અને નેશનલ બ્યૂરો ઑફ ઇકોનૉમિક્સ રિસર્ચ (એનબીઆર)માં ઇંટરનેશનલ ફાઇનાન્સ ઍન્ડ મેક્રોઇકોનૉમિક્સની સહ નિદેશક પણ છે.

ગીતાએ વેપાર અને રોકાણ , આંતરરાષ્ટ્રીય નાણાંસંકટ, મુદ્રાનીતિ, દેવું અને ઊચકાઈ રહેલાં બજારોની સમસ્યાઓ અંગે લગભગ 40 રિસર્ચ લેખ પણ લખ્યાં છે.

ગીતા વર્ષ 2001 થી 2005 સુધી શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટંટ (મદદનીશ) પ્રોફેસર હતાં.

ત્યાર બાદ વર્ષ 2005માં હાવર્ડ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી.

અર્થશાસ્ત્રમાં પીએચડી

વર્ષ 2010માં ગીતા આ જ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યાં અને પછી 2015માં તેઓ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રોફેસર બની ગયાં.

ગીતાએ સ્નાતક સુધીનું શિક્ષણ ભારતમાં જ પૂરું કર્યું હતું. વર્ષ 1992માં દિલ્હી વિશ્વવિદ્યાલયની લેડી શ્રીરામ કોલેજમાંથી અર્થશાસ્ત્રની ઑનર્સની ડિગ્રી મેળવી હતી.

ત્યાર બાદ તેમણે દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં જ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વર્ષ 1994માં ગીતા વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે જતાં રહ્યાં હતાં.

વર્ષ 1996થી 2001 સુધી તેમણે પ્રિંસટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો