મોદી સરકારની ટીકા બાદ યશવંત સિંહા પર નાણામંત્રી જેટલીના પ્રહાર

ભાજપના નેતા યશવંત સિંહાએ અર્શવ્યવસ્થા મામલે મોદી સરકારની ટીકા કરી તેની સામે હવે નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રતિક્રિયા આપી છે.

જેટલીએ યશવંત સિંહાને '80 વર્ષીય નોકરી ઉમેદવાર' કહ્યા છે. તેમણે સિંહા વિશે કહ્યું કે સિંહા પોતે પોતાનો રેકોર્ડ ભૂલી ગયા છે અને નીતિના બદલે વ્યક્તિઓ પર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

અત્રે નોંધવું કે યશવંત સિંહાએ એક અંગ્રેજી અખબારમાં લેખ લખીને મોદી સરકારની આર્થિક નીતિઓની ભારે ટીકા કરી હતી.

તેમણે તો ત્યાં સુધી લખી દીધું હતું કે વડાપ્રધાને ગરીબી નજીકથી જોઈ છે એટલે તેમના નાણામંત્રી સુનિશ્ચિત કરી રહ્યા છે કે બધા જ ભારતીયો ગરીબીને નજીકથી નિહાળે.

ચિદમ્બરમ સાથે મીલિભગત

આ મામલે જેટલીએ આરોપ લગાવ્યો કે સિંહા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ સાથે મળી ગયા છે.

સમાચાર એજન્સી પાટીઆઈના અનુસાર એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે જેટલીએ નામ લીધા વગર સિંહા પર પલટવાર કર્યો હતો.

તેમણે કહ્યું કે મારી પાસે પૂર્વ નાણામંત્રી હાવોનું સુખ નથી તથા પૂર્વ નાણામંત્રીમાંથી કટારલેખક થઈ ગયા હોવાનું સુખ પણ નથી.

એજન્સી અનુસાર, જેટલીનો ઈશારો સિંહા અને ચિદમ્બરમ પર હતો.

પુસ્તકનું યોગ્ય નામ

જેટલીએ કહ્યું, " પૂર્વ નાણામંત્રી હોવાને કારણે હું સહેલાઈથી નીતિગત નિર્ણયો ન લેવાયા હોવાની વાતને ભૂલી શકું છું. 1998 અને 2002માં ( સિંહાના નાણામંત્રી તરીકેના કાર્યકાળ)માં 15 ટકા એનપીએ ભૂલી શકું છું."

"મારી અનુકૂળતા અનુસાર હું 1991માં બચેલું ચાર બિલિયન અમેરિકી ડોલરનું રિઝર્વ ભૂલી શકું છું. હું આખી વાર્તા જ બદલી શકું છું."

તેમણે વઘુમાં ઉમેર્યું, "સાંઠગાંઠ કરી લેવાથી તથ્યો નથી બદલાઈ જતાં."

પુસ્તક વિમોચનના પ્રસંગે જેટલીએ સિંહા પર પ્રહાર કરતા કહ્યું કે કદાચ પુસ્તકનું યોગ્ય નામ ઇન્ડિયા@70, મોદી@3.5 અને એક નોકરીનો ઉમેદવાર@80 રાખી શકાયું હોત.

84 વર્ષીય યશવંત સિંહાએ એખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં 'I need to speak up now' એટલે કે 'મારે હવે બોલવું જ પડશે' શીર્ષક હેઠળ લેખ લખ્યો હતો.

તેમણે સરકારના જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયોની ટીકા કરતા લખ્યું કે નાણામંત્રીએ અર્થવ્યવસ્થાને ખાડામાં ધકેલી દીધી છે.

એપ્રિલથા જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ઘટીને 5.7 ટકા પર આવી ગયો છે. જે ગત ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)