BBC Top News : હવે પ્રવાસી નાગરિકોનાં બાળકોને અમેરિકાની નાગરિકતા નહીં મળે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની નાગરિકતાને લઈને મોટ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છે. જેની અસર ભારતીય મૂળના અમેરિકામાં વસતા લોકો પર થશે.

'બ્લૂમબર્ગ'ની વેબસાઇટ પ્રમાણે તેમણે જાહેરાત કરી છે કે અમેરિકામાં જન્મેલાં પ્રવાસી નાગરિકોનાં બાળકોને અમેરિકાની નાગરિકતા ન મળવી જોઈએ એ પક્ષમાં તેઓ વિચાર કરી રહ્યા છે.

તેમના આ નિર્ણયને હાઉસ રિપબ્લિકને ગેરબંધારણીય ગણાવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્રમ્પે એક્સિઓસ નામની ન્યૂઝ વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું, "દુનિયામાં અમેરિકા જ એકમાત્ર દેશ છે જ્યાં પ્રવાસી નાગરિકોને બાળક જન્મે તો તેમને મૂળભૂત રીતે અમેરિકાનું નાગરિકત્વ મળે છે."

ટ્રમ્પે ઉમેર્યું હતું કે આ પ્રથા મૂર્ખામી ભરેલી છે, જે બંધ થવી જોઈએ.

જોકે, ટ્રમ્પે કરેલો દાવો ખોટો છે. અમેરિકા સહિત કૅનેડા, મેક્સિકો, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં જો કોઈ બાળક જન્મે તો તે બાળકને ત્યાંનું નાગરિકત્વ મળે છે.

હિંદુ ધર્મને ભાજપ કરતાં સારી રીતે સમજું છું - રાહુલ

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાબાદ તેમણે ભાષણમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, "ભાજપ સાચા અર્થમાં હિંદુ ધર્મને સમજતો નથી. હિંદુ ધર્મ પ્રત્યેની મારી સમજણ એ લોકો કરતાં વધારે સારી છે. હું હિંદુ ધર્મને ભાજપ કરતાં વધારે સારી રીતે સમજું છું."

ઉલ્લેખનીય છે કે ઉજ્જૈન સ્થિત મંદિર ખાતે રાહુલ ગાંધીની મુલાકાત બાદ ભાજપના નેતા સંબિત પાત્રાએ તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું હતું, "રાહુલ ગાંધી હિંદુઓને ગેરમાર્ગે દોરવા માટે શર્ટની ઉપર જનોઈ પહેરી રહ્યા છે. જો રાહુલ ગાંધી ખરેખર હિંદુ હોય તો પોતાનું ગોત્ર જણાવે."

'લૉનની એનપીએ માટે આરબીઆઈ જવાબદાર'

હજુ સીબીઆઈના આંતરિક વિવાદનો મામલો શાંત થયો નથી ત્યાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(આરબીઆઈ) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે તણાવની વાતો આવી રહી છે, 'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે નાણામંત્રી અરૂણ જેટલીએ રિઝર્વ બૅન્કની આલોચના કરી છે.

નાણામંત્રી જેટલીએ ભારતીય બૅન્કમા લૉનની એનપીએ મુદ્દે આરબીઆઈના જવાબદાર ઠેરવી છે.

એક કાર્યક્રમમાં રિઝર્વ બૅન્ક પર નિશાન સાધતા જેટલીએ કહ્યું, "2008થી 2014 દરમિયાન બૅન્ક પોતાની મનમરજીથી લૉન આપતી હતી, ત્યારે રિઝર્વ બૅન્કે આખ આડા કાન કર્યા હતા."

અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે આ અગાઉ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે આરબીઆઈની સ્વાયત્તતા અંગે આપેલા ભાષણ બાદ અરૂણ જેટલીએ આ નિવેદન કર્યું છે.

'મારી પાસે રાકેશ અસ્થાના વિરુદ્ધ પુરાવા છે'

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પ્રમાણે સીબીઆઈ અધિકારી રાકેશ અસ્થાનાના લાંચ કેસમાં તપાસ કરી રહેલા અધિકારી એ. કે. બસ્સીએ પણ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

આ તપાસ ચાલી રહી હતી એ દરમિયાન તેમની બદલી કરી દેવાઈ હતી. બસ્સીએ આ બદલીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

બસ્સીએ એવો પણ દાવો કર્યો છે કે અસ્થાનાએ 3.3 કરોડ રૂપિયાની લાંચ લીધાના પુરાવા તેમની પાસે છે.

અસ્થાના વિરુદ્ધ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની તપાસની માગ કરી છે.

બીજી તરફ આ કેસમાં રાકેશ અસ્થાના વિરુદ્ધ ફરિયાદ કરનાર સતીશ સનાને પણ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી.

94% પોલીસ સ્ટેશનમાં ઑનલાઇન FIR નોંધાય છે

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના નિદેશક ઈશ કુમારે જણાવ્યું કે દેશના 94 ટકા પોલીસ સ્ટેશનમાં ઑનલાઇન એફઆઈઆર નોંધવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના એક કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ દેશના પોલીસ સ્ટેશનને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (સીસીટીએનએસ)ની અંતર્ગત લેવાના આ પ્રયાસને આવકાર્યો છે.

આ કાર્યક્રમમાં ઈશ કુમારે જણાવ્યું હતું કે દેશના 12,200 પોલીસ સ્ટેશન ગુના અને ગુનેગારો સંબંધિત માહિતીને સહેલાઈથી એક્સેસ કરી શકે છે. આ વર્ષના અંતમાં બાકી રહેલા પોલીસ સ્ટેશનને પણ આ નેટવર્ક સાથે જોડી દેવામાં આવશે.

ગૃહ સચિવ ગૌબાએ જણાવ્યું કે આ પગલાંથી દેરેક ગનાહિત બાબતની માહિતી જેવી કે જેલ, કોર્ટથી લઈને વાહનવ્યહારને લગતી સહેલાઈથી ઉપલબ્ધ બની શકશે જેને કારણે પોલીસ તપાસમાં ઝડપ આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો