કઈ રીતે ગગડતાં લીરાની રૂપિયા પર થઈ રહી છે અસર?

    • લેેખક, પૂજા અગ્રવાલ
    • પદ, બિઝનેસ રિપોર્ટર, મુંબઈ

સોમવારે ફરી એક વખત અમેરિકાના ડૉલરની સામે ભારતનો રૂપિયો ગગડ્યો હતો અને દિવસભરના કારોબારના અંતે રૂ. 69.93 પર બંધ આવ્યો હતો.

આ ઘટાડા પાછળ તુર્કીના ચલણ લીરાનું અવમૂલ્યન જવાબદાર માનવામાં આવે છે.

અમેરિકા દ્વારા તુર્કીનાં ઍલ્યુમિનિયમ તથા સ્ટીલ પર જકાત વધારી દેવામાં આવી છે, જેનાં કારણે આ સ્થિતિ વકરી છે.

લીરાની અસર રૂપિયા પર

છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને તુર્કીની વચ્ચે તણાવ વધ્યો છે, જેનાં કારણે તુર્કીની કંપનીઓને લોનની ચૂકવણી કરવામાં સમસ્યા ઊભી થઈ રહી છે.

તુર્કી આર્થિક સંકટની અસર અન્ય અર્થતંત્રો પર પણ થઈ રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારત તથા અન્ય વિકસતાં બજારોમાંથી નાણાં પાછા ખેંચી રહ્યાં છે અને ડૉલરમાં રોકાણ કરી રહ્યાં છે, કારણ કે રૂપિયાની સરખામણીમાં તે વધુ સલામત જણાય છે.

'ચિંતાનું કારણ નહીં'

યસ બૅન્ક સાથે જોડાયેલા વરિષ્ઠ ઇકૉનૉમિસ્ટ વિવેક કુમારના કહેવા પ્રમાણે :

"અમને નથી લાગતું કે લાંબા સમય સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે, પરંતુ જો તે ચાલુ રહે તો રિઝર્વ બૅન્ક (ઑફ ઇન્ડિયા) પાસે ચલણની લેવડ-દેવડને નિયંત્રિત કરવાના અનેક ઉપાય છે.”

"જેમાં વ્યાજના દર વધારવા તથા જરૂર પડ્યે નાણાં પુરવઠાનો ઉપયોગ કરવા જેવા ઉપાયોનો સમાવેશ થાય છે."

વેપારતુલાનું સંતુલન ખોરવાયું

રૂપિયો ગગડવા પાછળનું વધુ એક કારણ વેપાર તુલામાં આયાત અને નિકાસ વચ્ચેનું ખોરવાયેલું સંતુલન છે.

વેપારખાધ (નિકાસ કરતાં આયાત વધુ હોય તેવી સ્થિતિ) પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. આ આંકડો 16.6 અબજ ડૉલર (અંદાજે રૂ. 1,157 અબજ) પર પહોંચી ગયો છે.

ભારતની એંસી ટકા ખનીજ તેલની જરૂરિયાત આયાત દ્વારા પૂર્ણ થાય છે. વિશ્વભરમાં ભારત ઑઇલનો ત્રીજા ક્રમાંકનો આયાતકાર દેશ છે.

અમેરિકા દ્વારા ઈરાન પર ફરીથી નિયંત્રણો લાદવામાં આવ્યા, ત્યારથી ભારતનું ઑઇલ ઇમ્પૉર્ટ બિલ વધી ગયું છે.

એવું માનવામાં આવે છે કે ઈરાન પર નિયંત્રણોની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના પુરવઠા પર પડી શકે છે.

ડૉલર મજબૂત બનવાનું એક કારણ અમેરિકાના અર્થતંત્રમાં સુધાર છે. જ્યારે બીજું કારણ ભારતનું ઑઇલ ઇમ્પૉર્ટ બિલ છે.

કુમાર ઉમેરે છે, "પરંપરાગત રીતે જોવામાં આવે તો રૂપિયો નબળો પડે તો ફુગાવો ખાસ નહીં વધે. આયાત મોંઘી થશે. પરંતુ સાથે એક લાભ એ પણ થશે કે નિકાસક્ષેત્રે તેની સકારાત્મક અસર જોવા મળશે."

જોકે, વિદેશનો પ્રવાસ ખેડવા ઇચ્છતાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા જવા માંગતાં નાગરિકોને માટે સશક્ત ડૉલર એ સારા સમાચાર નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો