ડૉલર સામે રૂપિયાની કફોડી સ્થિતિ પાછળ આ કારણો જવાબદાર

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

- ડૉલરની તુલનામાં રૂપિયો સૌથી નીચા સ્તરે

- પહેલી વખત ડૉલરનો ભાવ 69 રૂપિયાને પાર કરી ગયો

- આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયાની કિંમત 8ટકા ઘટી

- ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને અમેરિકામાં વધતા વ્યાજ દરના કારણે બગડતી રૂપિયાની સ્થિતિ

ઑગસ્ટ 2013, સ્થળ-લોકસભા, નેતા-સુષમા સ્વરાજ

"આ કરન્સી સાથે દેશની પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે અને જેમ-જેમ કરન્સીની સ્થિતિ કમજોર થાય છે. એમ-એમ દેશની પ્રતિષ્ઠા ઘટે છે."

ત્યારે લોકસભામાં ભાજપાના નેતા હતાં અને અત્યારે વિદેશ મંત્રી છે એ સુષમા સ્વરાજે આ ભાષણ ઑગસ્ટ 2013માં આપ્યું હતું.

રૂપિયાનો ભાવ ડૉલરની તુલનામાં સતત ઘટતો હતો, રૂપિયાની કિંમત 68ની પાર પહોંચવા અંગે નાણાં મંત્રી પી ચિદમ્બરમની સ્પષ્ટતાથી સુષમા સ્વરાજ સંતુષ્ટ નહોતા અને વડા પ્રધાન મનમોહન સિંઘ પાસે આ અંગે જવાબ માંગ્યો હતો.

ઑગસ્ટ 2013, સ્થળ-અમદાવાદ, નેતા-નરેન્દ્ર મોદી

"આજે જુઓ, રૂપિયાની કિંમત કઈ હદે કથળી રહી છે. ક્યારેક ક્યારેક તો લાગે છે કે દિલ્હી સરકાર અને રૂપિયા વચ્ચે સ્પર્ધા ચાલે છે કે કોની આબરૂ પહેલાં ખતમ થશે. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક રૂપિયો અને એક ડૉલર સમાન હતા."

"જ્યારે અટલજીએ પહેલી વખત સરકાર બનાવી, ત્યાર સુધીમાં સ્થિતિ 42 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જ્યારે અટલજીનો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે 44 રૂપિયા હતા. પણ આ સરકારમાં અને અર્થશાસ્ત્રી વડા પ્રધાનના શાસન દરમિયાન સ્થિતિ 60 રૂપિયા સુધી પહોંચી ગઈ."

નરેન્દ્ર મોદીનું આ ભાષણ પાંચ વર્ષ જૂનું છે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પણ ત્યારબાદ ભારતના રાજકારણમાં ઘણાં ફેરફાર થયા છે, આર્થિક સ્થિતિમાં પણ ઊથલપાથલ થઈ છે.

ડૉલરની સામે કમજોર થઈ રહેલા રૂપિયા અંગે મનમોહન સરકારને ઘેરનાર આ નેતા અત્યારે રૂપિયાની નબળી સ્થિતિ અંગે મૌન છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે મોદી સરકાર મે 2014માં સત્તામાં આવી ત્યારે ડૉલરની તુલનામાં રૂપિયો 60ની આસપાસ હતો. પણ ત્યારબાદ રૂપિયાની સ્થિતિ બગડી રહી છે.

છેલ્લાં કેટલાક મહિનાઓથી આ સ્થિતિ વધારે બગડી રહી છે અને હાલમાં ડૉલરની સ્થિતિ 15 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. છેલ્લાં એક મહિનામાં ડૉલરની તુલનામાં રૂપિયાની કિંમત 2 રૂપિયા 29 પૈસા જેટલી ઘટી છે.

ગુરુવારે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટી 69.09 સુધી પહોંચી ગયો. પહેલી વખત ડૉલરનો ભાવ 69 રૂપિયાથી વધ્યો છે.

જોકે રૂપિયાનું આ અગાઉ સૌથી નીચું સ્તર પણ મોદી સરકારના સમયમાં જ જોવા મળ્યું હતું. નવેમ્બર 2016માં રૂપિયો ડૉલરની તુલનામાં 68.80ના સ્તરે પહોંચી ગયો હતો.

જોકે ડૉલર ફક્ત રૂપિયા પર જ ભારે પડી રહ્યો છે એવું નથી. આ વર્ષે મલેશિયન રિંગિટ, થાઈ બ્હાટ સહિતના ઘણાં દેશોનું ચલણ નબળું પડ્યું છે.

રૂપિયાની કહાણી

એક જમાનો હતો જ્યારે આપણો રૂપિયો ડૉલરને જોરદાર ટક્કર આપતો હતો. જ્યારે ભારત 1947માં આઝાદ થયું ત્યારે ડૉલર અને રૂપિયાની સ્થિતિ એક સરખી હતી.

જોકે ત્યારે દેશ પર કોઈ દેવું પણ નહોતું, પછી 1951માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ થઈ તો સરકારે વિદેશો પાસે લૉન લેવાનું શરૂ કર્યું અને પછી રૂપિયાની શાખ પણ ઓછી થવા લાગી.

1975 સુધીમાં તો એક ડૉલરની કિંમત 8 રૂપિયા થઈ ગઈ અને 1985માં ડૉલરનો ભાવ 12 રૂપિયા થઈ ગયો.

1991માં નરસિંહા રાવના શાસન સમયે ભારત ઉદારીકરણના રસ્તે ચાલ્યું અને રૂપિયાની કિંમત ઝડપથી ઘટવા લાગી. 10 વર્ષમાં જ રૂપિયાની કિંમત 47-48 રૂપિયા જેટલી થઈ ગઈ.

રૂપિયાનો શું ખેલ છે?

રૂપિયો અને ડૉલરના ખેલને આ રીતે સમજી શકાય. ધારો કે, આપણે અમેરિકા સાથે કોઈ કારોબાર કરીએ છીએ, અમેરિકા પાસે 67 હજાર રૂપિયા છે અને આપણી પાસે 1000 ડૉલર છે. ડૉલરનો ભાવ 67 રૂપિયા છે તો બન્ને પાસે સરખી રકમ છે એવું કહી શકાય.

જો આપણે અમેરિકાથી ભારત કોઈ એવી ચીજવસ્તુ મંગાવવી છે, જેનો ભાવ આપણી કરન્સી પ્રમાણે 6,700 રૂપિયા છે તો આપણે એ માટે 100 ડૉલર ચૂકવવા પડશે.

હવે આપણા વિદેશી મુદ્રા ભંડારમાં 900 ડૉલર બચ્યા છે અને અમેરિકા પાસે 73,700 રૂપિયા થઈ ગયા છે. એ હિસાબે અમેરિકાના વિદેશી મુદ્રા ભંડારમાં ભારતના જે 67 હજાર રૂપિયા હતા, એ તો છે જ.

આ ઉપરાંત ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં જે 100 ડૉલર હતા એ પણ હવે એમની પાસે જતા રહ્યા છે.

આ બાબતમાં ભારતની સ્થિતિ ત્યારે જ સારી થઈ શકે જ્યારે ભારત અમેરિકાને 100 ડૉલરનો સામાન વેચે. જે આજે પણ થતું નથી. એટલે કે આપણે આયાત વધારે કરીએ છીએ અને નિકાસ ઓછી કરીએ છીએ.

કરન્સી એક્સપર્ટ એસ સુબ્રમણ્યમ કહે છે કે, આ સ્થિતિમાં ભારતીય રિઝર્વ બૅન્ક વિદેશથી ડૉલર ખરીદે અને પોતાના ભંડારમાંથી પણ આપીને બજારમાં તેનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ કરાવે છે.

રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

કરન્સી એક્સપર્ટ એસ સુબ્રમણ્યમનું કહેવું છે કે રૂપિયાની કિંમત સંપૂર્ણ રીતે તેની ડિમાન્ડ અને સપ્લાય પર આધાર રાખે છે. ઇમ્પૉર્ટ અને ઍક્સ્પૉર્ટની પણ તેની પર અસર થાય છે.

દરેક દેશ પાસે વિદેશી મુદ્રા ભંડાર હોય છે, જેનાથી તે લેવડદેવડ કરે છે. વિદેશી મુદ્રા ભંડાર ઘટવા અને વધવાથી એ દેશની કરન્સીની કિંમત નક્કી થતી હોય છે.

અમેરિકન ડૉલરને વૈશ્વિક કરન્સી ગણવામાં આવે છે અને મોટાભાગના દેશ આયાતનું બિલ ડૉલરમાં જ ચૂકવે છે.

રૂપિયો કેમ કમજોર?

ડૉલર સામે હાલમાં રૂપિયો ન ટકી શકવાના કારણો સમય સાથે બદલાઈ રહ્યા છે. ક્યારેક રૂપિયો આર્થિક સ્થિતિનો શિકાર બને છે, તો ક્યારેક રાજકીય સ્થિતિનો અને ક્યારેક તો બન્નેનો શિકાર બને છે.

દિલ્હી સ્થિત એક બ્રોકરેજ ફર્મના રિસર્ચ હેડ આસિફ ઇકબાલનું માનવું છે કે હાલની સ્થિતિમાં રૂપિયો કમજોર થયો છે, એની પાછળ અનેક કારણો છે.

પહેલું કારણ છે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો - રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે એનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો છે.

ભારત ક્રૂડ ઓઇલના મોટા આયાતકારોમાંથી એક છે. ક્રૂડ ઓઇલની કિંમત સાડા ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે અને 75 ડૉલર પ્રતિ બૅરલની આસપાસ પહોંચી ગઈ છે. ભારત મોટાભાગે ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને તેનું બિલ પણ ડૉલરમાં જ ચૂકવે છે.

વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી - વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શૅર બજારોમાં વેચવાલી કરી છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 46,197 કરોડ રૂપિયાથી વધારે વેચવાલી કરી છે.

અમેરિકામાં બૉન્ડ્સથી થતી કમાણી વધી - હવે અમેરિકાના રોકાણકારો ભારતમાંથી તેમનું રોકાણ પોતાના દેશમાં લઈ જઈ રહ્યાં છે અને ત્યાં બૉન્ડ્સમાં રોકાણ કરે છે.

રૂપિયો ગગડે તો શું અસર થાય?

પ્રશ્ન એ છે કે ડૉલરની તુલનામાં રૂપિયાની કિંમત જો આ રીતે જ ઘટતી રહી તો ભારતની સ્થિતિ પર શું અસર થશે?

કરન્સી એક્સપર્ટ સુબ્રમણ્યમના પ્રમાણે સૌથી મોટી અસર એ થશે કે મોંઘવારી વધી જશે. ક્રૂડ ઓઇલ જો મોંઘા ભાવે આયાત કરાશે તો મોંઘવારી પણ વધી જશે. પરિવહન મોંઘું થશે તો શાકભાજી અને ખાવાપીવાની ચીજો પણ મોંઘી થશે.

એ સિવાય ડૉલરમાં કરાતી ચુકવણી પણ અસર થશે, એ સિવાય વિદેશ મુસાફરી પણ મોંઘી થશે અને વિદેશોમાં અભ્યાસ કરવા જવું પણ મુશ્કેલ થશે.

રૂપિયો કમજોર થવાથી કોને ફાયદો?

તો શું રૂપિયો કમજોર થવાથી ભારતને કોઈ ફાયદો થશે? સુબ્રમણ્યમ તેના જવાબમાં કહે છે કે, "હા ચોક્કસ, આ તો સીધો જ નિયમ છે, જ્યાં નુકસાન છે ત્યાં ફાયદો પણ છે.

ઍક્સ્પૉર્ટર્સને ફાયદો થઈ જશે...તેમણે પેમેન્ટ મળશે ડૉલરમાં અને પછી તેને રૂપિયામાં ફેરવીને તે ફાયદો ઉઠાવશે."

આ સિવાય જે આઈટી અને ફાર્મા કંપનીઓ પોતાનો માલ વિદેશોમાં વેચે છે તેમને પણ ફાયદો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો