You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રૂડઑઇલના ઉત્પાદકોની મનમાની સામે ભારત-ચીન એકજૂટ થશે?
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
પેટ્રોલિયમ પેદાશોના ભાવ ચાર વર્ષની ઉચ્ચત્તમ સપાટીએ છે. તેનો માર ક્રૂડઑઇલની સૌથી વધુ આયાત કરનારા ચાર દેશો ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા પર પડી રહ્યો છે. આ ચારેય એશિયન દેશ છે.
એક તરફ ક્રૂડઑઇલ સપ્લાય કરતા દેશો તરફથી સપ્લાય પણ ઓછી હોવાને કારણે ક્રૂડના ભાવ વધી ગયા છે.
જ્યારે બીજી તરફ એશિયન દેશો પર તેની બેવડો માર પડી રહ્યો છે.
'ઓપેક' એશિયન દેશો પાસેથી પ્રતિ બેરલે ત્રણથી ચાર ડૉલર વધુ ભાવ વસૂલે છે.
60 ટકા ક્રૂડઓઇલ માટે ઓપેક પર નિર્ભરતા
ભારત તેના ઇંધણની જરૂરિયાત પૂરી કરવા માટે 80 ટકા ક્રૂડઑઇલની આયાત કરે છે.
જ્યારે ચીન 50 ટકા, જાપાન અને દક્ષિણ કોરિયા 100 ટકા ક્રૂડઑઇલની આયાત કરે છે.
એપ્રિલ 2018માં ભારતે 45.1 લાખ બેરલ ક્રૂડઑઇલ ખરીદ્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ 2.5 ટકા વધારે છે.
એટલે કે ભારતમાં ક્રૂડઑઇલની માગ વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
ભારત જે દેશો પાસેથી ક્રૂડઑઇલની આયાત કરે છે તેમાં ઇરાક, ઈરાન, સાઉદી અરેબિયા, વેનેઝુએલા સામેલ છે. આ તમામ ઓપેકના સભ્યો દેશો છે.
આ દેશ ભારતની જરૂરિયાતના 60 ટકા સપ્લાય પૂરી પાડે છે પણ તેના પર અલગથી 'એશિયન પ્રીમિયમ' લગાવે છે.
એટલે એશિયન દેશો પાસેથી તેઓ પ્રતિ બેરલ ત્રણથી ચાર ડૉલર વધુ ભાવ વસૂલે છે.
'ઓઇલ બાયર્સ ક્લબ'નો નવો વિચાર
ક્રૂડઑઇલની વધતી કિંમતો અને ઓપેક દેશોની મનમાનીને પહોંચી વળવા ભારતે ચીન સાથે મળીને ઑઇલ બાયર્સ ક્લબ બનાવવા ચર્ચા કરી છે.
જેથી ક્રૂડઑઇલ નિકાસ કરતા દેશો સાથે ક્રૂડની કિંમત મામલે ભાવતાલ કરી શકાય.
સાથે સાથે ઑઇલ બ્લોકમાં ઓપેકનું વર્ચસ્વ ઓછું કરવા માટે એમેરિકા પાસેથી વધુ ક્રૂડઑઇલ મંગાવી શકાય.
એનર્જી મામલાના નિષ્ણાત અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નરેન્દ્ર તનેજા કહે છે, "ક્રૂડની આયાત કરતા દેશોમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન મોખરે છે. ઓપેક પાસેથી તેમની ક્રૂડની આયાત સતત વધી રહી છે."
"આથી ભારત ચીન સાથે મળીને મોટા પાયે ક્રૂડઑઇલ કરતા દેશોની ક્લબ બનાવવા માગે છે."
"આ ક્લબ ઈરાન, સાઉદી અરેબિયા, ઇરાક અને રશિયા જેવા દેશો સાથે ભાવતાલ માટે વાટાઘાટો કરશે."
ઓપેક શું છે?
ઓપેક એટલે કે ક્રૂડઑઇલની નિકાસ કરતા દેશોનું સંગઠન. જેની સ્થાપના 1960માં કરવામાં આવી હતી.
14 દેશો આ સંગઠનમાં સામેલ છે. આ તમામ દેશો એક મંચ પર એટલા માટે આવ્યા કેમ કે તેઓ સપ્લાય પર નિયંત્રણ રાખી શકે અને તેમની મરજી મુજબ ભાવ નક્કી કરી શકે.
ઓપેક સંગઠનમાં ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, વેનેઝુએલા, કતાર, ઇન્ડોનેશિયા, લીબિયા, સંયુક્ત આરબ અમીરાત, અલ્જીરિયા, નાઇઝીરીયા, ઇક્વાડોર અને અંગોલાનો સમાવેશ થાય છે.
'ઑઇલ બાયર્સ ક્લબ' બની શકશે?
નરેન્દ્ર તનેજાએ કહ્યું,"ક્રૂડની આયાત, પ્રભાવને લઈને આ ક્લબમાં એ દેશો પરસ્પર વાતચીત કરી શકે છે."
"ચીન, જાપાન, દક્ષિણ આફ્રિકાનાં પોતાનાં હિતો છે. તેમની પોતાની કૂટનીતિ છે. ભારતનો પોતાનો અલગ દૃષ્ટિકોણ છે."
"તમામને એક મંચ પર એકજૂટ કરવા મુશ્કેલ છે. કોશિશ સારી છે પણ તે કેટલી સફળ રહેશે તે જોવું રહ્યું."
"ક્લબ બની તો જશે પરંતુ અનૌપચારિક હશે કે ઔપચારિક હશે. ભાવ વધે છે તો ઘણી વાતો સામે આવે છે, પણ જો ઘટે છે તો આ પ્રકારના પ્રયાસમાં કોઈ રસ નહીં દાખવે."
"વિચાર સારો છે પણ નવો નથી. ક્લબનો અર્થ અનૌપચારિક છે."
વધુમાં ક્રૂડઑઇલની માગ વિશે તેમણે કહ્યું,"ભલે વૈકલ્પિક ઊર્જા આવી ગઈ હોય પણ ભારત માટે ક્રૂડની માગ આગામી ત્રણ વર્ષોમાં ઓછી નહીં રહે."
"ભારત પાસે એટલું ઇંધણ નથી, તેણે એ જ દેશો પાસેથી તેને ખરીદવાનું રહેશે. ચીનની સ્થિતિ એટલી ખરાબ નથી. તે પણ 50 ટકા ક્રૂડઑઇલ આયાત કરે છે."
"જાપાન અને કોરિયા 100 ટકા આયાત કરે છે. ઊર્જા ક્ષેત્રનું આ ખૂબ જ મોટું માળખુ છે."
"તેમાં એટલી સરળતાથી કૂટનીતિ અથવા જૂથ બનાવવું સામાન્યરીતે સરળ નથી હોતું."
એશિયન પ્રીમિયમ શું છે?
મધ્યપૂર્વના દેશ ભારત, ચીન, જાપાન અને અન્ય એશિયન દેશોએ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ક્રૂડઑઇલની વધારે કિંમત ચૂકવવી પડે છે.
વરિષ્ઠ પત્રકાર સુષમા રામચંદ્રન કહે છે, "ક્રૂડઑઇલ નિકાસ કરતા દેશોનું કહેવું છે કે એશિયાના દેશો અંતરની દૃષ્ટિએ તેમનાથી અમેરિકા અને અન્ય દેશો કરતા નજીક છે. આથી તેમની સરખામણીમાં એશિયાના દેશોએ ટ્રાન્સપોર્ટેશનનો ઓછો ખર્ચ કરવો પડે છે."
"આથી ભારત, ચીન જેવા દેશો પાસેથી પ્રીમિયમ ભાવ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું"
વળી બીજી તરફ નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે,"આ દેશ પાંચથી સાત બિલિયન ડૉલર્સ એશિયન પ્રીમિયમ તરીકે જ કમાઈ લે છે."
"હાલ બધું જ ક્રૂડઑઇલ મધ્યપૂર્વના દેશોથી નથી આવતું. સમગ્ર વિશ્વમાં માત્ર 40 ટકા ઑઇલ જ ઓપેક દેશ સપ્લાય કરી રહ્યા છે."
"હવે ઑસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા, કેનેડામાં પણ ક્રૂડઓઇલનું ઉત્પાદન થાય છે. અમેરિકા ખુદ નિકાસકાર બની ગયું છે."
"તેનો અર્થ કે આખું ચિત્ર બદલાઈ ગયું છે. આથી એશિયન પ્રીમિયમને હટાવવાની માગ વધી ગઈ છે."
'...તો ક્રૂડઑઇલના ભાવ ઘટી શકે છે'
ભારત ક્રૂડઑઇલની આયાત કરતો ત્રીજો મોટો દેશ છે. અમેરિકાએ ક્રૂડની નિકાસના બજારમાં હાલમાં જ પ્રવેશ કર્યો છે.
ભારત તેની પાસેથી આયાત ઓછી કરે છે કેમ કે ત્યાંથી ઑઇલ મંગાવવામાં વધારે ખર્ચ થાય છે.
જ્યારે ઈરાન, ઇરાક, સાઉદી અને ઓમાન નજીક છે. ઉપરાંત પારંપરિક રીતે તેમની સાથે સંબંધો પણ સારા રહ્યા છે.
મધ્યપૂર્વમા અમેરિકાનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. આગામી પાંચ સાત વર્ષોમાં ભારતની વાત વધુ સાંભળવામાં આવશે.
નરેન્દ્ર તનેજા આ વિશે કહે છે, "આગામી વર્ષોમાં અમેરિકાનો પ્રભાવ ઓછો થશે, ચીનની વિશ્વસનિયતા જેવું તે ઇચ્છતું હતું એવી બની શકી નથી."
"આમ ક્રૂડઑઇલ સંબંધિત રાજકીય ખેલ બદલાઈ રહ્યો છે. વળી બાયર્સ ક્લબ બનવાની સફળતાનો મદાર કેટલીક હદે ચીન પર છે."
દરમિયાન સુષમા રામચંદ્રન કહે છે,"ભારત અને ચીન એક સાથે આવવાથી માત્ર એશિયન પ્રીમિયમ જ હટશે નહીં પણ ક્રૂડઑઇલની કિંમતમાં ઘટાડો પણ થઈ શકે છે."
"જો આ બન્ને દેશ થર્ડ કન્ટ્રીમાં એકજૂટ થઈને ઑઇલફિલ્ડ માટે બિડિંગ કરે તો તે ચીનની સાથે સાથે ભારત માટે પણ લાભદાયક છે."
તેલની આયાત મામલે ભારતનું નેતૃત્વ
ભારતને ક્રૂડઑઇલની જરૂર છે. આ માટે તે અમેરિકા પર આધાર ન રાખી શકે કેમ કે એક તરફ અમેરિકા મોટું ઉત્પાદક છે પણ આયાત પણ કરે છે.
એવો દાવો કરવામાં આવે છે કે ઇરાક પર ક્રૂડઑઇલના મામલે અમેરિકાએ હુમલો કર્યો હતો.
વળી એવું પણ કહેવાય છે કે એમેરિકાએ ક્રૂડઑઇલ માટે જ મધ્યપૂર્વના દેશોમાં પોતાની શાખ બનાવી રાખી છે.
મોટા નિકાસકારોમાં એ ધારણા રહી છે કે એશિયન પ્રીમિયમ યોગ્ય નથી. હવે તેનો સમય પૂરો થઈ ગયો છે. તેને આગામી સમયમાં પણ નાબૂદ તો કરવું જ પડશે.
આ મામલે નરેન્દ્ર તનેજા કહે છે,"આગામી બે ત્રણ વર્ષોમાં ભારતની સ્થિતિ અને અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે."
"તેની સ્થિતિ આ મામલે સારી રહેશે. હવે ભારત મોટું આયાતકર્તા બની રહ્યું છે. આથી બિઝનેસના હેતુથી તે હવે ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં આવી રહ્યું છે."
ભારતનો ફાયદો એ છે કે ક્રૂડઑઇલના એશિયન પ્રીમિયમ અને તેના ભાવ મામલે તે નેતૃત્વની ભૂમિકામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર તનેજા કહે છે,"ઑઇલના રાજકારણમાં ભારત એક લીડર તરીકે ઊભરી રહ્યું છે. ભારતની વાત સાંભળવામાં આવી રહી છે."
"આપણે નિયંત્રણ હટાવી લીધું છે, હવે તેને લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, માત્ર તેમાં સફળતાની પ્રતિક્ષા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો