Top News: અમેરિકાના જંગી ટેરિફ સામે ચીને અપનાવી ‘જેવા સાથે તેવા’ની નીતિ

‘ફાયનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર બે મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ટ્રેડ વોરનો સિલસિલો ચાલુ થયો છે.

અમેરિકાએ ચીનના માલસમાન પર 25 ટકા ટેરિફ લગાવતા ચીને પણ વળતો હુમલો કર્યો છે.

ચાઇનીઝ સરકારે અમેરિકાના 50 અબજ ડૉલરની માલસામાનની યાદીને ટાર્ગેટ કરવાની જાહેરાત કરી છે.

અત્રે નોંધવું રહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 50 અબજ ડૉલરના માલસામાન પર 25 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય બાદ ચીને આ પ્રતિક્રિયા આપી છે.

ચીને ટેરિફ લગાવવા માટે એપ્રિલ મહિનામાં માલસામાનની યાદી જાહેર કરી હતી. તેમાં સોયાબિન, હલકા વજનના ઍરક્રાફ્ટ, ઑરેન્જ જ્યુસ, વ્હિસ્કી અને બીફ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

શું તમે આ વાંચ્યું?

ચીનનાં આ પગલાંની અસર ખાસ કરીને ટ્રમ્પના ગ્રામીણ ક્ષેત્રના સમર્થકોને થશે.

વધુમાં ચીન અમેરિકાનાં ખેત ઉત્પાદનો અને તેના અન્ય નિકાસ સંબંધિત સોદા પર પણ કાપ મુકવાની તૈયારીમાં છે.

ગુજરાત : બૅન્કોનું એનપીએ 15 ટકા વધીને 35,220 કરોડ રૂપિયા

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2007-18 દરમિયાન ગુજરાતમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બૅન્કોના 'નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ' (એનપીએ)માં અગાઉના નાણાકીય વર્ષ કરતા 15 ટકાનો વધારો નોંધાયો છે.

આ સાથે જ ગુજરાતની આ બૅન્કોમાં 'બેડ-લોન્સ'નો કુલ આંકડો 35 હજાર 220 કરોડ રૂપિયાને આંબી ગયો છે.

સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટી-ગુજરાતના તાજેતરના રિપોર્ટ અનુસાર સૌથી વધુ ‘બેડ લૉન્સ’નું પ્રમાણ માઇક્રો, સ્મોલ અને મિડિયમ સ્તરની એન્ટરપ્રાઇઝમાં વધુ જોવા મળ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2017-18માં આવું બીજી વખત થયું છે જ્યારે રાજ્યમાં બૅન્કોનું એનપીએ 35 હજાર કરોડ રૂપિયાની સપાટી કૂદાવી ગયું છે.

કેમ કે વર્ષ 2017ના સપ્ટેમ્બરમાં તે 35 હજાર 342 કરોડ રૂપિયા હતું, જ્યારે માર્ચ-2018ના અંતે તે કુલ 35 હજાર 220 કરોડ રૂપિયા હતું. આમ તેમાં અગાઉ કરતા નજીવો ઘટાડો જોવા મળ્યો.

આ ઘટાડો બૅન્કો દ્વારા આ સમયગાળામાં આપવામાં આવેલી લૉનના 6.53 ટકા જેટલો છે.

ભારતીય બૅન્કોને 2 લાખ પાઉન્ડ ચૂકવવા માલ્યાને લંડન કોર્ટનો આદેશ

‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર યુનાઇટેડ કિંગડમની હાઈકોર્ટે લૉન ડિફોલ્ટર વિજય માલ્યાને ભારતીય બૅન્કોને બે લાખ પાઉન્ડ (લગભગ 1.81 કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ભારતીય બૅન્કોનો સમૂહ માલ્યા સામે લૉન રિકવરી માટે કાનૂની લડાઈ લડે છે તેના વળતર તરીકે આ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

ગત મહિને ન્યાયમૂર્તિ એન્ડ્ર્યૂ હેનશોએ વિશ્વભરમાં વિજય માલ્યાની સંપત્તિ સીલ કરી દેવાનો નિર્ણય ફેરબદલ કરવા ઇન્કાર કરી દીધો હતો.

માલ્યા પાસેથી 1.145 બિલિયન ડૉલરની રિકવરી વસૂલવાના ભારતીય કોર્ટના ચૂકાદાને પણ ગ્રાહ્ય રાખ્યો હતો.

આદેશમાં કહેવાયું છે કે વિજય માલ્યાએ બૅન્કો નાણાની વસૂલાત માટે જે કાનૂની ખર્ચ ઉઠાવી રહી છે અને ઉઠાવ્યો છે તેને ચૂકવવાનો છે.

સ્ટાન્ડર્ડ આદેશ મુજબ કોર્ટ આ ખર્ચનું મૂલ્યાંકન કરશે નહીં તો બન્ને પક્ષની સંમતિ અનુસાર એક આંકડો નક્કી થશે તેટલી ચૂકવણી કરવામાં આવશે.

પરંતુ તે પહેલા એકંદરે 'લીગલ કોસ્ટ લાયાબલિટી' માટે બે લાખ પાઉન્ડ ચૂકવવા પડશે એવું આદેશમાં કહેવાયું છે.

દારૂની પરમિટ રિન્યૂ કરાવવા વ્યસનમુક્તિ કેન્દ્રમાં રહેવું પડશે

'ગુજરાત સમાચાર'ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ત્રીજી વખત દારૂની પરમિટ રિન્યૂ કરાવવા માટે પરમિટધારકે પંદર દિવસ વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેવું પડશે.

નશાબંધી વિભાગ દ્વારા દારૂ માટેની હેલ્થ પરમિટના નિયમોમાં સુધારો કરાતો મુસદ્દો તૈયાર કરી રાજ્યના ગૃહ અને કાયદા વિભાગને મોકલી આપવામાં આવ્યો છે.

પ્રસ્તુત નિયમ અનુસાર વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈ વ્યક્તિએ સારવાર લેવી પડશે અને જો વ્યસન મુક્તિ કેન્દ્ર વ્યક્તિ દારૂની બંધાણી નથી તેનું પ્રમાણપત્ર આપશે પછી જ પરમિટ રિન્યૂ કરવામાં આવશે.

વળી પરમિટ સંબંધિત ફોર્મની ફી એક હજારથી વધારી પાંચ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.

HIVની સારવાર માટે રસી શોધવાનો દાવો

સમાચાર સંસ્થા 'રૉયટર્સ'ના અહેવાલ અનુસાર હૉંગકૉંગના વૈજ્ઞાનિકોએ એચઆઈવીની સારવાર માટેની દવા શોધી હોવાનો દાવો કર્યો છે.

હૉંગકૉંગમાં એચઆઈવી પર સંશોધન કરતી વૈજ્ઞાનિકોની ટીમ અનુસાર તેમના નવા સંશોધનમાં એચઆઈવીની સારવાર માટે 'એન્ટિબોડી ડ્રગ' (એક પ્રકારની દવા) શોધવામાં આવી છે.

આ દવાનું પરીક્ષણ પહેલાં ઉંદરો પર કરવામાં આવ્યું હતું. તેમાં તારણ મળ્યું કે તે એચઆઈવીની ‘ફંક્શનલ સારવાર’ માટે ઉપયોગી થઈ શકે છે.

જેનો અર્થ કે એચઆઈવી (એઇડ્સ) માટે જવાબદાર વાઇરસ પર અંકુશ માટે આ નવી દવાનો ઉપયોગ થઈ શકે છે.

વૈજ્ઞાનિકોની ટીમનું કહેવું છે કે આ નવી દવા સારવાર અને રક્ષણ બન્ને હેતુ માટે ઉપયોગી હોઈ શકે છે.

ચીનન જર્નલ ઑફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશનમાં આ સંશોધન પ્રકાશિત થયું છે.

યુ.એન.ના આંકડાઓ અનુસાર ચીનમાં 5.5 લાખ લોકો એચઆઈવીગ્રસ્ત છે.

હૉંગકૉંગ યુનિવર્સિટીના પ્રોફેશર ચેન ઝીવેઈ આ સંશોધકોની ટીમના વડા હતા.

તેમના જણાવ્યા અનુસાર ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં તેમને જોવા મળ્યું કે આ નવી દવા એચઆઈવીના વાઇરસને અંકુશમાં લેવા અને ખરાબ કોષને દૂર કરવામાં મદદ કરી શકે છે.

અહેવાલ અનુસાર તે દરેક પ્રકારના એચઆવી ચેપ માટે કામ કરી શકે છે. ફંક્શલન સારવારનો અર્થ છે કે શરીરમાં તે વાઇરસનું પ્રમાણ ખુબ જ ઓછું થઈ જાય છે.

જ્યારે હાલની સામાન્ય સારવારમાં આવું નથી થતું. તેમાં એવું પણ કહેવાયું છે કે આ દવાનું ક્લિનિકલ ટ્રાલય ત્રણથી પાંચ વર્ષની અંદર કરવાનું લક્ષ્ય રખાયું છે.

તેનાથી દર્દીનું આયુષ્ય વધુ લાંબુ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો