You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અપાચે: સેનાના તાકતવર હેલિકૉપ્ટરની આ છે ખાસિયતો
મંગળવારે અમેરીકાના વિદેશમંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, આ કરારના પ્રસ્તાવને અમેરિકી સંસદની મંજૂરી મળી ચૂકી છે.
સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા મુજબ, આ પહેલા બોઇંગ અને ભારતીય સહયોગી કંપની ટાટાએ મળીને ભારતમાં અપાચે AH-64E હેલિકૉપ્ટરનાં નિર્માણ અંગે નિર્ણય લીધો હતો.
930 મિલિયન ડૉલરની ડીલ
જે કરારને મંજૂરી મળી છે તે મુજબ અમેરીકી કંપની છ તૈયાર હેલિકૉપ્ટર ભારતને વેચશે, જેની કિંમત 930 મિલિયન ડૉલર રહેશે.
અમેરીકાની ડિફેન્સ સિક્યુરિટી કૉર્પોરેશન એજન્સીનું કહેવું છે, ''અપાચે AH-64E હેલિકૉપ્ટર ભારતીય સેનાની રક્ષાત્મક ક્ષમતાને વધારશે.
''આનાથી ભારતીય સેનાને જમીન પરનાં જોખમ સામે લડવામાં મદદ મળશે, સાથેસાથે સેનાનું આધુનિકીકરણ પણ થશે."
તમે આ વાંચ્યું કે નહીં?
આ પહેલાં, સપ્ટેમ્બર 2015માં ભારતીય સંસદે લગભગ અઢી બિલિયન ડૉલરનાં એક કરારને મંજૂરી આપી હતી, જે મુજબ અમેરીકી કંપની બોઇંગ પાસેથી ભારત 37 સૈન્ય હેલિકૉપ્ટર ખરીદવાનું હતું.
એ વખતે કહેવામાં આવ્યું હતું કે ભારત 22 અપાચે હેલિકૉપ્ટર અને 15 ચિનૂક હેલિકૉપ્ટર અમેરીકા પાસેથી ખરીદશે, જે ભારતીય સેનામાં તહેનાત જૂના રશિયન હેલિકૉપ્ટર્સનું સ્થાન લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું ખાસિયત છે 'અપાચે'માં?
- લગભગ 16 ફૂટ ઊંચા અને 18 ફૂટ પહોળા અપાચે હેલિકૉપ્ટરને ઉડાડવા માટે બે પાઇલટ હોવા જરૂરી છે.
- અપાચે હેલિકૉપ્ટરની મોટી વિંગને ઉડાડવા માટે બે એન્જિન હોય છે આ કારણે એની ઝડપ ખૂબ વધારે હોય છે.
- મહત્તમ ગતિ: 280 કિલોમીટર પ્રતિ કલાક
- અપાચે એન્જિનની ડિઝાઇન એવી છે કે એને રડાર પર ઓળખવું મુશ્કેલ છે.
- બોઇંગનાં જણાવ્યા મુજબ ,બોઇંગ અને અમેરિકી સેના વચ્ચે સ્પષ્ટ કરાર છે કે કંપની આની સારસંભાળ માટે હંમેશા સેવા પૂરી પાડશે, પણ એ મફત નહીં હોય.
- સૌથી જોખમકારક હથિયાર: 16 ઍન્ટિ-ટૅન્ક મિસાઇલ છોડવાની ક્ષમતા
- હેલિકૉપ્ટરની નીચે લગાડવામાં આવેલી રાઇફલમાં એક વખતમાં 30 એમએમની 1,200 ગોળીઓ ભરી શકાય છે.
- ફ્લાઇંગ રેન્જ: લગભગ 550 કિલોમીટર
- એક વખતમાં પોણા ત્રણ કલાક સુધી ઉડી શકે છે.
(ઇનપુટ: બોઇંગ કંપનીની વેબસાઇટ પરથી)
અપાચેની વાતો એક પાયલેટનાં મોઢે.
જાન્યુઆરી, 1984માં બોઇંગ કંપનીએ અમેરિકન સેનાને પહેલું અપાચે હેલિકૉપ્ટર આપ્યું હતું, ત્યારે આ મૉડલનું નામ હતું AH-64A.
ત્યારથી માંડીને અત્યાર સુધી બોઇંગ કંપની 2,200થી વધુ અપાચે હેલિકૉપ્ટર વેચી ચૂકી છે.
ભારત પહેલાં આ કંપનીએ, અમેરિકન સેના દ્વારા ઇજિપ્ત, ગ્રીસ, ભારત, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જાપાન, કુવૈત, નેધરલૅન્ડ્સ, કતાર, સાઉદી અરબ અને સિંગાપુરને અપાચે હેલિકૉપ્ટર વેચ્યા છે.
બ્રિટનની વાયુસેનામાં પાઇલટ રહી ચૂકેલાં એડ મેકીએ પાંચ વર્ષ સુધી અફઘાનિસ્તાનાં સંવેદનશીલ વિસ્તારોમાં અપાચે હેલિકૉપ્ટર ઉડાડ્યા છે.
તેઓ શાંતિ સેનામાં એક બચાવ દળનો ભાગ હતા.
બીબીસીને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું, "અપાચેને ઉડાડવું એવું હતું કે જાણે કોઈએ તમને 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલતી ગાડીની છત પર દોરડા વડે બાંધી દીધા હોય. આ ખૂબ ઝડપી હેલિકૉપ્ટર છે."
મૈકીનાં જણાવ્યા અનુસાર, અપાચે હેલિકૉપ્ટર દુનિયાની સૌથી અદ્યતન, જીવલેણ મશીન છે. જે પોતાના દુશ્મનો પર ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે.
અપાચેનાં આ ફાયદા પણ છે...
મૈકીએ જણાવ્યું કે કોઈ નવા પાઇલટને અપાચે હેલિકૉપ્ટર ઉડાડવા માટે આકરી અને લાંબી તાલીમ લેવી પડતી હોય છે, જેમાં ઘણો ખર્ચ આવે છે.
સેનાએ એક પાઇલટની તાલીમ માટે ત્રણ મિલિયન ડૉલર (અંદાજે 19 કરોડ રૂપિયા) સુધીનો પણ ખર્ચ કરવો પડતો હોય છે.
અપાચે હેલિકૉપ્ટર પર પોતાનો હાથ બેસાડવા માટે પાઇલટ એડ મૈકીને 18 મહિના સુધી તાલીમ લેવી પડી હતી.
મૈકી ઉમેરે છે, "આને કંટ્રોલ કરવું ઘણું મુશ્કેલ છે. બે પાઇલટ ભેગા મળી આને ઉડાડે છે. મુખ્ય પાઇલટ પાછળ બેસે છે.
"એની સીટ થોડી ઊંચી હોય છે, તે હેલિકૉપ્ટરને કંટ્રોલ કરતો હોય છે. આગળ બેસેલો બીજો પાઇલટ નિશાન લગાડે છે અને ફાયર કરે છે.
"આનું નિશાન એકદમ ચોક્કસ છે. આનો સૌથી મોટો ફાયદો થાય છે કે યુદ્ધક્ષેત્રમાં, દુશ્મન પર નિશાન તાંકતી વખતે સાધારણ લોકોને નુકસાન નથી થતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો