અટલ બિહારી વાજપેયી 14 વર્ષથી એકાંતવાસમાં દરરોજ શું કરતા હતા?

    • લેેખક, સિદ્ધનાથ ગાનૂ
    • પદ, બીબીસી મરાઠી

બુધવારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનોની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સંસ્થાના તબીબો પાસેથી પૂર્વ વડા પ્રધાન વાજપેયીની તબિયત વિશે માહિતી મેળવી હતી.

છેલ્લાં ઘણાં વર્ષોથી વાજપેયી રાજકીય જીવનથી દૂર રહ્યા હતા, એટલું જ નહીં છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ જાહેર જીવનમાં પણ દેખાયા નહોતા. લોકોના મનમા એક પ્રશ્ન હતો કે વાજપેયી આટલા સમયથી ક્યાં હતાં, શું કરતા અને કઇ સ્થિતિમાં હતાં.

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે તેમનાં મિત્ર શિવકુમાર શર્માએ બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથેની વાતમાં કહ્યું હતું કે, તેઓ દરરોજ સવારે વાજપેયીને મળવા જતા હતા.

તેમણે વાજપેયીના રોજિંદા જીવન અંગે કેટલીક રસપ્રદ બાબતો કહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કેવું હતું વાજપેયીનું રોજિંદું જીવન?

  • હવે તેઓ ખૂબ ઓછું બોલે છે, પણ અટલજીના હાવભાવથી ખ્યાલ આવે છે કે તેઓ ઓળખી ગયા છે.
  • વાંચવા-લખવાની સ્થિતિમાં નથી, પણ ખૂબ ટીવી જુએ છે.
  • જૂની ફિલ્મો અને જૂનાં ગીતો સાંભળવું અટલજીની ગમે છે, એ જ જોયા કરે છે અને ખુશ રહે છે.

અટલજીને ખીચડી બહુ ભાવે છે

  • અટલજીને ખીચડી ખૂબ ભાવે છે કેમકે, તે જલ્દી બની જાય છે અને પચાવવી સરળ છે.
  • ચાલવામાં તકલીફ પડતી હોવાથી ઓછું ચાલે છે. જરૂર હોય તો ટેકો લઈને ચાલે છે.
  • જન્મદિવસે અટલજી પહેલાં પૂજા કરે છે અને બધાને પ્રસાદ આપે છે.
  • વડાપ્રધાન બન્યા એ પહેલાં તેઓ નજીકના લોકો સાથે જ જન્મદિવસ ઉજવતા હતા, પણ વડા પ્રધાન બન્યા બાદ સાર્વજનિક રીતે તેમનો જન્મદિવસ ઉજવવો શરૂ કર્યો હતો.
  • તેમની એક ખાસિયત એવી પણ હતી કે જો તેઓ એક વખત કોઈ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારી લે તો તેઓ ચોક્કસ હાજરી આપતા હતા. તબિયત સારી ન હોય કે વાહન ન મળે તો પણ તેઓ કાર્યક્રમમાં હાજર રહેતા હતા.

14 વર્ષનો એકાંતવાસ

13 મે 2004 ગુરૂવારે કૅબિનેટની છેલ્લી બેઠક પતાવીને અટલ બિહારી વાજપેયી રાષ્ટ્રપતિભવન તરફ જવા નીકળ્યા હતા. તેમની આગેવાની હેઠળ સંસદીય ચૂંટણીમાં હાર થઈ હતી.

તેઓ સાંજે રાજીનામું આપવા માટે રાષ્ટ્રતપતિ ભવન ગયા ત્યારે ઔરંગઝેબ રોડ સ્થિત કૉંગ્રેસ કાર્યાલયમાં વિજયોત્સવ ચાલી રહ્યો હતો.

રાજીનામું આપ્યા બાદ અટલજી બહાર આવીને બોલ્યા હતા, "અમારા પક્ષ અને ગઠબંધનની હાર થઈ છે, દેશ જીતી ગયો છે... અમે આ પોસ્ટ છોડી છે પણ જવાબદારી છોડી નથી."

વાજપેયી વિરોધ પક્ષના નેતા બનવાના હતા, સુષ્મા સ્વરાજે એવી જ જાહેરાત કરી હતી, પણ બધાં જ અજાણ હતા કે વાજપેયી રાજનીતિમાંથી નિવૃત્તિ લેશે, જેમના શબ્દો સાંભળવા માટે આખો દેશ આતુર હતો. એ વાજપેયીનો અવાજ હવે શાંત થઈ જવાનો હતો.

2004 પછીના વર્ષોમાં જાણે કે વાજપેયીના જીવનમાં એકાંતવાસ શરૂ થઈ ગયો. વાજપેયી રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેશે કે નહીં આ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી.

આખરે નિવૃત્તિની જાહેરાત કરી

આખરે 2005માં મુંબઈના શિવાજી પાર્કમાં ભાજપની રજતજયંતી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વાજપેયીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં પક્ષની જવાબદારી અડવાણી અને પ્રમોદ મહાજનને સોંપી હતી.

વાજપેયી લખનૌ બેઠકથી લોકસભાના સાંસદ હતા, પરંતુ સ્વસ્થ ન હોવાથી સંસદની કામગીરીમાં નિયમિત રીતે ભાગ નહોતા લઈ શકતા.

2007માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે વાજપેયી વ્હિલચૅર પર બેસીને આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું.

2007માં વાજપેયી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર માટે આવશે કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. છેવટે લખનૌમાં બેઠક યોજી અને તેમણે કહ્યું કે હું મતદાન માટે નહીં આવી શકું.

2007માં વાજપેયીએ મહારાષ્ટ્રની મુલાકાતા લીધી, તેઓ સંઘ પરિવારના એક કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા.

ડૉક્ટરે ચાલવા પર મનાઈ ફરમાવી હોવાથી તેઓ વ્હિલચૅર પર બેસીને આવ્યા હતા. વ્હિલચૅરમાં સ્ટેજ પર જઈ શકે એ માટે લિફ્ટની વ્યવસ્થા કરાઈ હતી.

2009માં સાંસદ તરીકેના તેમના પાંચ વર્ષ પૂર્ણ થયા અને એ સાથે સક્રિય રાજનીતિમાંથી તેમણે વિદાય લીધી હતી.

વાજપેયીને શું બીમારી હતી?

2000માં જ્યારે તેઓ વડાપ્રધાન હતા, ત્યારે મુંબઈના બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં તેમની ની-રિપ્લેસમન્ટ સર્જરી થઈ હતી. 2004 પછી તેમનું હલનચલન ઘટ્યું હતું.

એમના મિત્ર એન એમ ઘટાટે કહે છે કે, 2009માં વાજપેયીને ઍટેક આવ્યો અને ત્યારબાદ બોલવાનુ બંધ થઈ ગયુ. એ વખતે તમને દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર પર રાખ્યા હતા.

ત્યારબાદ વાજપેયીને ડિમેન્શિયા અને અલ્ઝાઇમર થયું હોવાના સામાચાર માધ્યમોમાં હતા, પણ આ અંગે અન્ય મત પણ હતો.

એ વખતે તેઓ બોલી શકતા નહોતા એ સ્પષ્ટ છે. તેમની નજીક રહેલા લોકો એવું પણ કહે છે કે તેઓ ઘણી બાબતો ભૂલી જાય છે.

15 વર્ષથી તેમની સારવાર કરી રહેલા એમ્સના સંચાલક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ અનેક વખત કહ્યું છે કે વાજપેયી ઘણી વાતો ભૂલી જતા હતા, પણ ડિમેન્શિયા હોવાની વાતને નકારી કાઢી હતી.

વાજપેયીને ચાઇનિઝ ભોજન પસંદ હતું અને મીઠાઈ માટે આકર્ષણ હતું. ડાયાબિટીસ, કિડનીની સમસ્યા અને યુરિન ઇન્ફૅક્શનના કારણે તેમનો આહાર પણ મર્યાદિત કરી દેવાયો હતો.

હાલમાં વાજપેયીને યુરિન ઇન્ફૅક્શનની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારતરત્ન વાજપેયી લોકો સામે આવ્યા

માર્ચ 2015માં વાજપેયીને તેમના નિવાસસ્થાને ભારતરત્નનું સન્માન આપવામાં આવ્યું, આ ઘડીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધઆન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ફરી એકવખત તેઓ વ્હિલચૅર પર જોવા મળ્યા. તેમને ભારતરત્ન આપવાની માગ ઘણાં સમયથી કરાતી હતી.

આખરી દિવસોમાં વાજપેયી ક્યાં હતાં?

ધી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઘણાં વર્ષોથી તેઓ ક્રિષ્ના મેનન માર્ગ સ્થિત પોતાના નિવાસસ્થાને દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય અને અનેક વર્ષોથી તેમની સાથે રહેલાં મિસિસ કૌલ સાથે રહેતા હતા.

વાજપેયીને મળવા માટે તેમના ડૉક્ટર્સ, તેમના મિત્ર અને વકીલ એન. એમ. ઘટાટે, લાલકૃષ્ણ અડવાણી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બી સી ખંડુરી આવતા હતા.

છેલ્લાં 14 વર્ષોથી 25 ડિસેમ્બરે વાજપેયીના જન્મદિવસે ઘણાં નેતાઓ તેમને મળવા માટે જતા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પણ તેમના નિવાસસ્થાને જવાનું ચૂકતા નહતા.

અડવાણી પણ વાજપેયીની મુલાકાત માટે તેમના ઘરે જતા હતા. તેમણે અનેક વખત વાજપેયીને પોતાના ગુરુ ગણાવ્યા હતા. તેમની જોડી ઘણાં વર્ષો સુધી 'રામ-લક્ષ્મણ' તરીકે જાણીતી હતી.

લક્ષ્મણ એટલે કે અડવાણી ભાજપના માર્ગદર્શક મંડળના સભ્ય છે.

(સિદ્ધનાથ ગાનૂ, બીબીસી સંવાદદાતાના રિપોર્ટ આધારે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો