You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અટલબિહારી વાજપેઇનો ગુજરાત સાથે નાતો કેવો હતો?
- લેેખક, વિષ્ણુ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ પણ એક કરુણાંતિકા છે કે શતાયુના દશકમાં આયુષ્યને આગળ દોડતું અનુભવતા વાજપેઇ આજે કશું લખી શકતા હોત તો જરૂર પોતાના જન્મદિવસે એક કવિતા રચી હોત.
તેમના એવા ઘણા જન્મદિવસો હતા કે જ્યારે તેમણે મનાલી કે કાશ્મીરમાં, દિલ્હીની એ.એમ હોસ્પિટલમાં કે કટોકટીના કારાવાસમાં "કેદી કવિરાય" તરીકે સરસ કાવ્યો રચ્યા હોય.
તેમનું જીવન એકલું રાજકારણ જ નહીં, સંવેદનાના અનેક મોરચે પણ આકાશી પંખી જેવું રહ્યું છે.
વ્યક્તિ અટલજી, રાજકીય નેતા અટલજી, સત્યાગ્રહી અટલજી, વિપક્ષના નેતા અટલજી, અને વડાપ્રધાન અટલજી.... આ અને આવા બીજાં ઘણાં સ્વરૂપો છે તેમના.
તમને આ વાંચવું પણ ગમશે:
ગુજરાત સાથેના તેમના સંબંધમાં એક નવા ભારતના નિર્માણનું સપનું કાયમ જોડાયેલું રહ્યું તેની ભાગ્યે જ કોઈને જાણ હશે!
તેમના વિષે લખાયેલાં પુસ્તકો પણ આ મહત્ત્વનાં પ્રકરણને ભૂલી ગયાં છે.
ગુજરાતમાં એ પ્રથમ વાર આવ્યા ત્યારે જનસંઘનો હજુ ઉદય થઈ રહ્યો હતો. ટાંચા સાધનો અને થોડાક સમર્પિત કાર્યકર્તા..
આ સિવાય કોઈ સગવડ નહી. ચૂંટણી લડવાની તો ખરી પણ પરિણામ પછી એકઠા થવાનું અને કોણે કેટલી ટક્કર આપી અને અનામત જાળવી રાખી તેની ઉજવણી કરવાની!
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાવનગરમાં અટલબિહારી
એ વખતે જીતવાની તો વાત જ ક્યાં હતી? છેક ૧૯૬૦માં સમગ્ર ગુજરાતની બે નગરપાલિકા બોટાદ અને માણાવદરમાં બહુમતી મેળવી.
તેની નોંધ અખિલ ભારતીય અધિવેશનમાં લેવાય એટલે ગુજરાત જનસંઘ એકમ રાજી રાજી!
ભાવનગરમાં કાર્યકર્તાઓની બેઠકમાં અટલ બિહારી આવ્યા ત્યારે તદ્દન યુવાન! કાર્યકર્તાઓ કહે, 'અરે, આ તો સાવ નાનકડા..!'
અટલજી આ વિધાન સાંભળી ગયા, ને ખડખડાટ હાસ્ય સાથે કહે, 'હાં, છોટા તો હું. અગલી બાર બડા હો જાઉંગા!'
વક્તૃત્વ અને વિચારના ઉત્તમ પ્રતિનિધિ તરીકે વાજપેઇએ પોતાની જિંદગી ખર્ચી નાખી.
સાજા સારા હતા ત્યાં સુધીમાં સમગ્ર દેશમાં સોએક વાર ભ્રમણ કર્યું હશે અને જનસભાઓ? ગણતરી ના કરી શકાય એટલી, હજારોની સંખ્યામાં.
તેમનો જે હેતુ હતો એ તેમના જ કાવ્યમાં,
"ન દૈન્યમ, ન પલાયનમ,/હ
મે ધ્યેય કે લિયે / જીને, જૂઝ્ને ઔર / આવશ્યકતા પડને પર / મરનેકે સંકલ્પ કો દોહરાના હૈ/ આગ્નેય પરીક્ષા કી / ઇસ ઘડી મેં/આઈયે, અર્જુન કી તરહ / ઉદ્દઘોષ કરે/ ન દૈન્યમ ન પલાયનમ/
અને કટોકટીના કારાવાસ દરમિયાન લખ્યું:
"દાવ પર સબ કુછ લગા હૈ, રુક નહીં સકતે. ટૂટ સકતે હૈ, મગર હમ ઝૂક નહીં સકતે."
જનસંઘમાં આવા પ્રચંડ પુરુષાર્થ અને સમર્પણના મિજાજે પક્ષને છેક સત્તા સુધી પહોંચાડ્યો એ રાજકીય ઇતિહાસની અનોખી ઘટના છે.
આમ કરવા માટે જે શક્તિ સર્જવાની હતી તે આસન નહોતી. તેના બીજ પંજાબ, દિલ્હી અને ગુજરાતમાં અંકુરિત થયાં.
કચ્છમાં સત્યાગ્રહ
૧૯૬૮માં કચ્છમાં છાડ બેટ પાકિસ્તાનને સોંપવાનો ચુકાદો આવ્યો તેનો વિરોધ થયો.
ભારતીય સૈન્યે પાકિસ્તાનના આક્રમણને ખાળીને આ બેટને લીલોછમ બનાવ્યો હતો.
બન્ની વિસ્તારના ગોપાલકો માટે તે જીવન રેખા જેવો મુલક ગણાતો.
પાકિસ્તાનને આપી દેવાના ભારત સરકારના નિર્ણયની સામે તમામ વિરોધ પક્ષો એકઠા થયા અને સત્યાગ્રહ કર્યો.
એક મહિના સુધી કચ્છ સરહદ પર થયેલા સત્યાગ્રહમાં બેરિસ્ટર નાથપાયી, નાણા સાહેબ ગોરે, એસ. એમ. જોશી, રાજમાતા સિંધિયા, જયપુરના મહારાણી ગાયત્રી દેવી, મધુ દંડવતે, મધુ લીમયે, જગન્નાથ રાવ જોશી, અને અટલબિહારી વાજપેઇ મોખરે રહ્યા.
જ્યોર્જ ફર્નાન્ડીસ તો પછી પણ કચ્છમાં રહ્યા. તે સમયે વાજપેઇ કચ્છનાં ભુજ સહિતનાં નગરોમાં રાતે અન્ય વક્તાઓના બોલી લીધા પછી વ્યાખ્યાન માટે ઊભા થતા.
ભારત દર્શનના તેમના ગદ્ય કાવ્યથી શરૂઆત કરે,:
"યે દેશ કોઈ જમી કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ... " ત્યાંથી શરૂ કરીને છેલ્લી પંક્તિમાં ભાવનાની ટોચ પર અભિવ્યક્ત થતા.
"મરને કે બાદ હમારી હડ્ડિયા નદી મેં બહાઈ જાયેગી, તબ ઉસ મેં ભી એક હી સ્વર સુનાઈ દેગા-"ભારત માતા કી જય!"
અટલબિહારી વાજપેઇના સમગ્ર સાર્વજનિક જીવનનો આ મર્મ અને મંત્ર રહ્યા.
આંદોલન, મોરચાની રચના, ગઠબંધન. શાસન, વિશ્વપ્રવાસ, યુનોમાં હિન્દીમાં પ્રવચન, ચીન, પાકિસ્તાનના આક્રમણો, પક્ષની અંદર અને બહાર તેમણે રાષ્ટ્રને સર્વોપરી માન્યું.
ત્રણ વખત વડાપ્રધાન
એટલે જયારે જનતા પક્ષની સરકાર કેન્દ્રમાં રચાઈ ત્યારે તેમને વિદેશમંત્રી પદ અપાયું અને ભાજપ જીત્યો ત્યારે તેમને ત્રણવાર વડાપ્રધાન બનાવવાની પક્ષની ઈચ્છા રહી.
ત્રીજી વાર પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા તે પૂર્વે એક મતથી વડાપ્રધાન બની શક્યા નહીં ત્યારે તેમણે એક કવિતાની પંક્તિ સંભળાવી હતી:
"ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, જીવનપથ પર જો મિલા વહ ભી સહી, યહ ભી સહી."
૧૯૬૫ના કચ્છ સત્યાગ્રહે વિરોધ પક્ષની એકતા તરફ પ્રયાણ કર્યું.
૧૯૭૪માં ગુજરાતમાં નવનિર્માણ છાત્ર આંદોલન થયું અને જનસંઘ, સંસ્થા કોંગ્રેસ, સમાજવાદીઓ, વગેરેનો જનતા મોરચો રચાયો.
છેક સુધી સંસ્થા કોંગ્રેસ અને જનસંઘ રાજકીય ફલક પર સામસામે હતા.
હવે તેમણે ઇંદિરા ગાંધીની કોંગ્રેસ સામે ગુજરાતમાં મોરચો રચવાનો હતો. ભારે કઠીન કામ હતું. અટલજીએ તેને સૌહાર્દ અને કુશળતાથી પાર પાડ્યું.
'મુઝે મોરારજી ભાઈ સે મહોબ્બત હો ગઈ હૈ!'
મોરારજીભાઈ કોંગ્રેસના અડીખમ નેતા હતા. એક વાર મોરચાના ચૂંટણી પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જાહેર સભા. બન્ને વક્તા.
અટલજી તેમને માટે દિલ્હીથી અમદાવાદ આવ્યા તો વિમાન મથકે જ થોડાક કાગળ મારા હાથમાં પકડાવી દીધા.
કહે"દેખ લો, મૈંને એક છોટા સા લેખ લીખા હૈ, વિમાન સફર મેં!" આવા સમયે લેખ?
પણ હા, વાજપેઇ પાસે સંસ્થા કોંગ્રેસ મોરચામાં રહે તો વધુ લડત ઇંદિરાજીને આપી શકાય અને ગુજરાતમાં પહેલીવાર બિન-કોંગ્રેસી સરકાર રચાય એવી દીર્ઘ દ્રષ્ટિ હતી.
તેને માટે કલમનોય ઉપયોગ કર્યો, લેખનું શીર્ષક હતું, "મુઝે મોરારજી ભાઈ સે મહોબ્બત હો ગઈ હૈ!"
આ નાનકડા લેખમાં તેમણે રાજકીય ક્ષેત્રે સદા વિરોધી કોંગ્રેસી નેતા મોરારજીભાઈના ગુણદર્શન કરાવ્યા હતા. એક કાવ્ય પંક્તિ પણ તેમાં હતી:
"નજર ઊંચી, કમર સીધી, ચમકતા રોબ સે ચહેરા, ભલા માનો, બુરા માનો, વો હી તેજી, વો હી નખરા!"
મને કહે કે આ લેખ ગુજરાતી મીડિયા દ્વારા લોકો અને જનસંઘના કાર્યકર્તા સુધી પહોંચે એવી ઈચ્છા છે.
એટલે ગુજરાતી અનુવાદ વિવિધ અખબારોમાં બીજા દિવસે જ આવ્યો. તે લેખ વાંચીને સદા ગંભીર મોરારજીભાઈ પણ હસ્યા હતા.
ગુજરાત કોંગ્રેસમાં કેટલાક નેતાઓને જનસંઘ સાથે બેસવાની અવઢવ હતી તે દૂર થઈ ગઈ હતી.
મોરચો થયો અને જીત્યો. ગુજરાતથી વિપક્ષ સરકારનું સપનું સાચું પડ્યું. જયપ્રકાશના બિહાર આંદોલનને વેગ મળ્યો.
ગુજરાત સાથેનો નાતો
કટોકટી આવી તો ૧,૧૦, ૦૦૦ ને મિસા હેઠળ પકડવામાં આવ્યાં. એ વખતે વાજપેઇ બેંગલોર જેલમાં હતા.
૧૯૭૭મા ચુંટણી થઈ, જનતા પક્ષ બન્યો અને તેમાં જનસંઘનું વિલીનીકરણ થવું તેમાં વાજપેઇ સહુથી મહત્વની ભૂમિકામાં હતા.
એ વખતે સરકારમાં વડાપ્રધાન પદ માટે સ્પર્ધા થઈ તેનાથી ખિન્ન થઈને વિદેશપ્રધાન અટલબિહારી વાજપેઇએ રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી.
તેમણે મુસદ્દો અમદાવાદના એક કાર્યક્રમ દરમિયાન ઘડ્યો અને મને બતાવ્યો.
સાંજે પત્રકાર પરિષદ થઈ. જનસંઘ કેન્દ્ર સરકાર છોડે છે એ વાતે દેશ આખામાં વિસ્ફોટ સર્જાયો.
નવા કલેવર ધરવાની ઘડી આવી તો ભારતીય જનતા પાર્ટી રચાઈ.
મુંબઈમાં તેના પ્રથમ અધિવેશનમાં ન્યાયવિદ્દ એમ.સી. ચાગલાએ જાહેર વ્યાખ્યાનમાં કહ્યું, ''ભવિષ્યના ઉત્તમ વડાપ્રધાન તરીકે હું વાજપેઇને નિહાળી રહ્યો છું.''
તે પછીના ઘણા ઉતર ચડાવ દરમિયાન તેમનું ગુજરાત સાથેનું સંધાન કાયમ રહ્યું.
વિપક્ષમાં હતા ત્યારે તેમની કવિતા વિષે મારા બે પુસ્તકો પ્રકાશિત થયા અને ગાયત્રી જોશીની સાથે એક ફિલ્મ "મેરી અનુભૂતિ " પણ બની.
તેમાં તેમની ઉપસ્થિતિ હતી. હવે હું તેમના ગુજરાત કેંદ્રી જાહેર જીવન અંગે એક બૃહદ્દ પુસ્તક લખી રહ્યો છું અને તે નિશબ્દ અટલજીના હાથમાં મુકવાની અભિલાષા છે.
(લેખક ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો