પાકિસ્તાન : કુલભૂષણ જાધવે પત્ની અને માતા સાથે મુલાકાત કરી

પાકિસ્તાનમાં જાસૂસીના આરોપસર ફાંસીની સજા મેળવી ચૂકેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવે સોમવારના રોજ તેમનાં માતા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી.

કુલભૂષણ જાધવના માતા અને પત્ની સોમવારના રોજ ઇસ્લામાબાદ પહોંચ્યાં હતાં.

ઇસ્લામાબાદમાં હાજર બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરીએ જણાવ્યું કે ખૂબ જ ગંભીર દેખાતાં જાધવના માતા અને પત્નીએ મીડિયા સાથે કોઈ વાત કરી ન હતી.

તમને વાંચવું પણ ગમશે:

તેઓ માત્ર નમસ્તે કહીને આગળ વધી ગયાં હતાં.

આ મુલાકાતમાં ઇસ્લામાબાદમાં ભારતના ઉપ ઉચ્ચાયુક્ત જે.પી.સિંહ તેમની સાથે રહ્યા હતા.

પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે શનિવારની રાત્રે આ અંગે ટ્વિટર પર જાણકારી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સના આધારે જાધવની તેમના પરિવારજનો સાથે મુલાકાતનાં કાર્યક્રમ વિશે પાકિસ્તાને ભારત પાસે જાણકારી માગી હતી.

ઇસ્લામાબાદમાં સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે કુલભૂષણ જાધવના પરિવારજનોને ઇસ્લામાબાદે વિઝા આપી દીધા છે.

કુલભૂષણ જાધવની તેમના મા અને પત્ની સાથે મુલાકાત બાદ પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું :

  • કુલભૂષણ જાધવ એક આતંકવાદી અને વિદ્રોહી છે.
  • આ મુલાકાતનું ઇસ્લામિક પ્રથા અનુસાર માનવતાના ધોરણે આયોજન કરાયું હતું.
  • જાધવ પાકિસ્તાનમાં ભારતીય આતંકવાદનો ચહેરો છે. તેમની પાકિસ્તાનમાં મુસ્લિમ નામ ધરાવતા નકલી ઓળખપત્ર સાથે ધરપકડ કરાઈ હતી.
  • તેમણે કબૂલાત કરી છે કે તેમને RAWએ હુમલો કરવાની યોજના બનાવવાનું કામ સોંપ્યું હતું.
  • તેમની રંગે હાથ ધરપકડ કરાઈ છે.
  • ટ્રાયલ દરમિયાન કાયદા અનુસાર તેમની 'ડિફેન્ડીંગ ઑફિસર'ની જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી.
  • તેમણે કરાચીમાં SSPની હત્યામાં ભૂમિકા નિભાવવાની વાત સ્વીકારી છે.
  • કુલભૂષણ જાધવે ક્વેટા, કુર્બેટમાં IED હુમલામાં પણ હાથ હોવાનો સ્વીકાર કર્યો છે. તેમણે મિલિટ્રી પર હુમલાને સમર્થન આપ્યું હતું. તેઓ પાકિસ્તાનમાં ભારતીય આતંકવાદનો ચહેરો છે.
  • ભારતે તેમના પાસપોર્ટની કૉપી સોંપી છે જેમાં તેમનું નામ હુસૈન મુબારક પટેલ છે. ભારત એ વાત પર સ્પષ્ટીકરણ નથી આપી શક્યું કે 17 વખત શા માટે નકલી પાસપોર્ટનો ઉપયોગ થયો હતો.
  • ભારતનું મૌન દરેક વાત કહી રહ્યું છે.
  • જાધવનું સ્વાસ્થ્ય ઠીક છે.
  • પાકિસ્તાન કંઈ છૂપાવી નથી રહ્યું. અમે ભારતીય મીડિયાને પણ નિમંત્રણ આપ્યું છે.
  • અમે ઇચ્છતા હતા કે જાધવના માતા અને પત્ની પણ મીડિયા સમક્ષ વાત કરે.
  • જાધવના પત્ની અને માતાએ જાધવ સાથે મુલાકાત બાદ પાકિસ્તાનની સરકાર અને વિદેશ વિભાગનો ધન્યવાદ વ્યક્ત કર્યો છે.
  • તપાસ ચાલું હોવાને કારણે પહેલાં કૉન્સ્યુલર એક્સેસ આપી શકતા ન હતા. આ મુલાકાત પણ કૉન્સ્યુલર એક્સેસના ભાગરૂપે ન હતી.
  • ભારતીય ઉપ ઉચ્ચાયુક્તને મુલાકાત પર નજર રાખવા પરવાનગી અપાઈ હતી, પરંતુ તેમને જાધવ સાથે વાત કરવા કે તેમની વાત સાંભળવા પરવાનગી અપાઈ ન હતી.
  • આ મુલાકાત 40 મિનિટ સુધી ચાલી હતી.
  • જાધવ અને તેમના માતાએ મુલાકાતને 10 મિનિટ વધારવા વિનંતી કરી હતી.
  • આ મુલાકાત સકારાત્મક હતી. તેમણે ખુલ્લા મન સાથે વાત કરી. મુલાકાત દરમિયાન અમારા એક અધિકારી પણ ત્યાં હાજર હતા.
  • આ એક સકારાત્મક સંકેત છે.
  • જાધવ અને તેમના પરિવાર વચ્ચે આ છેલ્લી મુલાકાત ન હતી. આ મુલાકાત માનવતાના ધોરણે યોજવામાં આવી હતી.
  • જાધવના માતાએ પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનના લોકોનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
  • રાષ્ટ્રહિત અને કાયદાને ધ્યાનમાં રાખીને કૉન્સ્યુલર એક્સેસ મામલે નિર્ણય લેવામાં આવશે.
  • પાકિસ્તાનની સરકારે ભારતીય અધિકારીઓને માહિતી આપી હતી કે આ મુલાકાત કાચની દિવાલ પાછળથી થશે. આ પગલું સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું.

ક્યારે કુલભૂષણ જાધવની ધરપકડ થઈ હતી?

3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ જાધવની પાકિસ્તાનમાં ગેરકાયદેસર ઘુસણખોરી અને જાસૂસીના આરોપસર ધરપકડ કરી હતી.

પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસી અને ઉગ્રવાદ મામલે ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જાધવને ફાંસીની સજા સંભળાવી હતી.

પરંતુ મે મહિનામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસે ભારતની અપીલ પર આ સજા પર રોક લગાવી દીધી હતી.

પાકિસ્તાની મીડિયામાં આ વાતને લઇને ચર્ચા ચાલી રહી હતી કે આખરે કયા કારણોસર ઇસ્લામાબાદ જાધવને તેમના પરિવારજનોને મળવા દેવા માટે રાજી થયું.

કેવી રીતે રાજી થયું પાકિસ્તાન?

કેટલાક રિપોર્ટના આધારે બન્ને દેશો વચ્ચે થયેલી એક મીટિંગમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ભારતમાં પાકિસ્તાનના નવા ઉચ્ચાયુક્ત સોહૈલ મહેમૂદ સાથે આ મુદ્દાને ઉઠાવ્યો હતો.

પાકિસ્તાન કુલભૂષણ જાધવને કૉન્સુલર એક્સેસ આપવાની ભારતની અપીલને વારંવાર ફગાવતું રહ્યું છે.

જાધવે પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સમક્ષ ક્ષમાદાનની અપીલ કરી છે, જે હજુ પણ અનિર્ણીત છે.

ઑક્ટોબરમાં પાકિસ્તાનની સેનાએ કહ્યું હતું કે તેઓ જાધવ મામલે અરજી પર નિર્ણય આપવાની નજીક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો