ક્રિસમસ પાર્ટી! ગોવા ગયા હશો પરંતુ આ વાનગીઓ વિશે જાણો છો?

    • લેેખક, મનસ્વિની પ્રભુણે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ડિસેમ્બરમાં કેટલાય લોકો પહોંચે છે ગોવા. કારણ છે નાતાલનો તહેવાર. ગોવાનાં રંગ કંઈક અનોખા જ જોવા મળે છે.

ગોવાની ક્રિસમસ ઉજવણી ગોવાને અલગ વાતાવરણમાં ભરી દે છે. આ બધા માટેની તૈયારી ખૂબ પહેલાંથી કરવામાં આવે છે.

ડિસેમ્બર શરૂ થતા જ ઘરોમાં રંગ કરવામાં આવે છે. વિવિધ સુશોભનની વસ્તુઓથી ઘર સજાવવામાં આવે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ દિવસોમાં મહિલાઓનો ઉત્સાહ તો અવર્ણનીય છે. કૂકીઝ અને કેકની સુગંધ સમગ્ર ઘરમાં ફેલાઈ જાય છે.

આ ઉપરાંત કેટલીક પરંપરાગત વાનગીઓ ઘરે જ બનાવવામાં આવે છે.

આ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં મહિલાઓ વ્યસ્ત બની જાય છે. ત્યારબાદ એ જ ઉત્સાહથી આ વાનગીઓ પીરસવામાં પણ આવે છે.

પોર્ટુગીઝ ગોવા આવ્યા ત્યારથી ગોવાની વાનગીઓ પણ તેમનાથી પ્રભાવિત થઈ છે.

બેકરી તેમની જ દેન છે. ભારતમાં પ્રથમ બેકરી ગોવામાં શરૂ થઈ. બ્રેડ, પેસ્ટ્રી, કેક, અને બેકરી ધીમે ધીમે વિકસવા લાગ્યાં. હવે આ બધું જ ઘરમાં બનાવવામાં આવે છે.

ક્રિસમસ સ્પેશિયલ ગોઅન વાનગીઓ

દર વર્ષે ગોવામાં ઉત્તમ પ્રકારના કૂકીઝ બનાવવામાં આવે છે. 'કલકલ' કૂકી ખાસ કરીને નાતાલ માટે બનાવવામાં આવે છે.

'દોદોલ', 'બેબિંકા', 'દોસ' અને 'સાંના' પણ પરંપરાગત રીતે ખાસ ક્રિસમસના સમયે બનાવવામાં આવે છે.

હવે દુકાનમાં પણ કેટલીક વાનગીઓ મળી રહે છે. પરંતુ નાતાલ પહેલાં ઘરમાં આ બધી વાનગીઓ બનાવવાનો આનંદ છે તે દુકાનની વાનગીમાં ક્યાં!

1. દોદોલ

દોદોલ રાગીના લોટમાંથી બનતી પૌષ્ટિક વાનગી છે. જે પૂર્ણ રીતે શાકાહારી વાનગી છે.

દોદોલ વાનગી ઘણી નરમ હોય છે.

વાનગીનો સ્વાદ મૂળભૂત રીતે ગોળ પર આધારિત હોય છે.

જો તે નાળિયેર તેલ સાથે બનાવવામાં આવે તો તે કંઈક અનોખો જ સ્વાદ આપે છે.

2. બેબિંકા

બેબિંકા એક પ્રકારની પુડિંગ અથવા પેસ્ટ્રી છે. આ પરંપરાગત ગોઅન પ્રકારની મીઠાઈ પણ છે.

આ વાનગી ઇન્ડો-પોર્ટુગીઝ શૈલીની કહી શકાય. બેબિંકા પોર્ટુગલ અને મોઝામ્બિકમાં પણ બનાવવામાં આવે છે.

પુડિંગને બનાવવા માટે ઘણો સમય લાગે છે. પરંતુ આખરે જે વાનગી બને છે, તે બધી જ મજૂરી ભૂલાવી દે છે.

મૂળ રીતે બેબંકા 16 સ્તરોની વાનગી છે. હવે ઓછામાં ઓછા સાત સ્તરોની બનાવવામાં આવે છે.

કેટલાક લોકો 7 સ્તરોને જુદા જુદા રંગ આપે છે. એટલે આ વાનગી ઇન્દ્રધનુષ જેવી દેખાય. આ પણ પરંપરાગત ગોઅન મીઠાઈ છે.

3. કલકલ

કલકલ એક પ્રકારનાં કૂકીઝ છે, બસ નામ અલગ છે.

પરંતુ આ કૂકીઝ બનાવવા માટે આવડત પણ એટલી લાગે છે. કલકલ બનાવવા માટે ઘણો સંયમ રાખવો પડે છે.

આ કૂકીઝને શંખનો આકાર આપવામાં આવે છે. જે ઘણું સુંદર દેખાય છે. બાળકો કલકલને પસંદ કરે છે.

4. દોસ

દોસ એ ચણાની દાળમાંથી બને છે.

આ ઘણી નરમ વાનગી છે. જે બે દિવસ સુધી ખરાબ થતી નથી.

આવી પરંપરાગત વાનગીઓ વિના ગોવામાં નાતાલની ઉજવણી કરી શકાતી નથી.

5. સાંના

સાંનાને બે રીતે બનાવવામાં આવે છે. આ વાનગીની અંદર ખાંડ અથવા ગોળનું પૂરણ કરવામાં આવે છે. જ્યારે બીજી રીતમાં આવું કોઈ પૂરણ થતું નથી.

આ એક પ્રકારની ઈડલી છે. પરંતુ થોડી અલગ રીતે બને છે.

ગોવા, કર્ણાટક અને કેરળમાં આ વાનગી બનાવવામાં આવે છે. પરંતુ માત્ર તેમનાં નામ અલગ છે.

ગોવામાં ખાસ કરીને કેથોલિક ઘરોમાં આ વાનગી બનાવવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો