દૃષ્ટિકોણ : શું સંસદમાં ચર્ચાનો માહોલ બનાવવામાં મોદી નિષ્ફળ ગયા?

    • લેેખક, અનિલ જૈન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે

'જ્યારે રસ્તા સૂમસામ થઈ જાય છે, ત્યારે સંસદ આવારા અથવા વાંઝ થઈ જાય છે.' આ વાત ડૉક્ટર રામમનોહર લોહિયાએ છ દાયકા પહેલાં કહી હતી.

પણ દેશની હાલની રાજનૈતિક સ્થિતિ અને સંસદની ભૂમિકા વિશે તે આજે પણ સટીક રીતે લાગુ થાય છે.

ગત પાંચ માર્ચે શરૂ થયેલું સંસદનું બજેટ સત્રનો બીજો તબક્કો પણ ગૃહમાં ધાંધલને કારણે લગભગ પૂરી રીતે બિન-ઉપજાઉ રહ્યું.

સત્રના પ્રથમ તબક્કામાં પણ રાષ્ટ્રપતિના અભિવાદન ભાષણ પર કર્કશ ચર્ચા અને તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટાક્ષયુક્ત ભાષણ સિવાય કંઈ પણ ઉલ્લેખનીય નથી થઈ શક્યું.

કેન્દ્રમાં સરકાર કોઈ પણ પાર્ટીની હોય, તેમની કોશિશ સંસદ બને તેટલી ઓછી ચલાવવાની હોય છે.

તેની ઉપેક્ષા કરવી અથવા તેમાં પોતાની મનમાની કરવી તેવી જ કોશિશ કરતી હોય છે.

તેમની આ જ પ્રવૃતિને કારણે દેશની સૌથી મોટી પંચાયતમાં ધાંધલ અને સૂત્રોચ્ચાર હવે આપણા સંસદીય લોકતંત્રનો સ્થાયી સ્વભાવ બની ગયો છે.

પાછલા કેટલાક દાયકાઓ દરમિયાન કદાચ જ સંસદનું કોઈ એવું સત્ર રહ્યું હશે, જેનો અડધાથી વધુનો સમય ધાંધલમાં ગયો હતો.

માત્ર ખાનાપૂર્તિ

દેશના 70 વર્ષના સંસદીય ઇતિહાસમાં આ પ્રથમ અવસર છે, જ્યારે દેશનું સામાન્ય બજેટ અને નાણાં બિલ વગર ચર્ચાએ જ પસાર થઈ ગયું હતું.

આવો જ એક ઇતિહાસ છ મહિના પૂર્વે પણ રચાયો હતો. જ્યારે સંસદનું શિયાળું સત્ર સરકારે કોઈ પણ કારણસર નિર્ધારિત સમય કરતા લગભગ દોઢ મહિના પછી ઓયાજિત કર્યું હતું.

વળી વિપક્ષના દબાણને કારણે માત્ર ખાનાપૂર્તિ માટે સત્રને ફક્ત 14 દિવસનું જ રાખ્યું હતું.

સંસદીય લોકતંત્રમાં સંસદ ચાલે અને જનહિતના મુદ્દા પર ચર્ચા થાય એ જવાબદારી વિપક્ષની પણ હોય છે.

પણ સરકારની જવાબદારી વિપક્ષ કરતા પણ વધુ હોય છે. જોકે, સમગ્ર દરમિયાન સરકારે આ મામલે કોઈ પણ પ્રકારની ના ઇચ્છા દર્શાવી કે ના કોશિશ કરી.

મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ સિવાય આન્ધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોના પ્રાદેશિક પક્ષોના સાંસદો પોતપોતાના ક્ષેત્ર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાની માંગને લઈને હંગામો કરતા રહ્યા.

બીજી તરફ બન્ને ગૃહના અધ્યક્ષ તેમને શાંતિ જાળવવાની ઔપચારિક અપીલ કરીને ગૃહની કાર્યવાહી સ્થગિત કરતા રહ્યા.

લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ તરફથી પણ આ વિશે કોઈ પણ ગંભીર પહેલ ન કરવામાં આવી જેથી ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકે.

વિપક્ષના સવાલોનો સામનો

બન્ને ગૃહમાં કાર્યવાહી વારંવાર સ્થગિત થવું સરકારની મનમાની જેવું જ હતું. જો આવું નહીં થયું હોત, તો સરકાર ઘણા મોરચે ઘેરાઈ શકી હોત.

નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા, બેરોજગારી, નવા નવા બૅન્ક કૌભાંડ, આવા કૌભાંડના સામેલ લોકો સાથે શાસક પક્ષના લોકોની સાંઠગાઠ અને કૌભાંડ આચરનારાઓનું વિદેશ ભાગી જવું, રફાલ વિમાનનો વિવાદીત સોદો, દેશના વિવિધ ભાગોમાં જાતિય અને સાંપ્રદાયિક તણાવ, ચીનની ઘુસણખોરી, કાશ્મીરમાં વકરી રહેલી સ્થિતિ વગેરે મુદ્દાઓ પર વિપક્ષના સવાલોનો સરકારે સામનો કરવો પડ્યો હોત.

આથી આ બાબત સરકાર માટે પડકાર બની શકી હોત અને તે સરળ નહીં હોત.

આ સિવાય એસસી-એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે દેશમાં થયેલા આંદોલન થયા.

શું આટલા મોટા મુદ્દા પર સંસદમાં ચર્ચા ન થવી જોઈએ? બિલકુલ થવી જોઈએ પણ ચર્ચા ન થઈ.

વળી આ સિવાય વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધ મહાભિયોગની ચર્ચાએ પણ સરકારની મુશ્કેલીમાં વધારો જ કર્યો હોત.

સ્વાભાવિક વાત છે કે સરકાર પણ નહોતી ઇચ્છતી કે સંસદમાં કામકાજ થાય, અલબત્ત સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી અને વરિષ્ઠ મંત્રી એક નિવેદન આપતા રહ્યા કે સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.

સરકારના આ વલણ પર વરિષ્ઠ નેતા શરદ યાદવ કહે છે, "આ સરકાર જે રીતે અન્ય બંધારણીય સંસ્થાને અપ્રાસંગિક બનાવવા મથી રહી છે, તે જ રીતે સંસદને પણ બિન-પ્રભાવશાળી બનાવવા માંગે છે."

...કેમ આ વખતે જ ફેંસલો!

પોતાના સભ્યપદ મામલે કાનૂની લડાઈ લડી રહેલા શરદ યાદવનું માનવું છે કે દેશ આજે ઘણા નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

આથી સરકાર નથી ઇચ્છતી કે સંસદ સુચારુ રીતે ચાલે અને તેમની નિષ્ફળતાઓ ઉઘાડી પડી જાય.

આ કારણસર જ સંસદ પ્રતિ પોતાની ગંભીરતા પ્રદર્શિત કરવા માટે સરકારે પોતાના ગઠબંધનના સાંસદો પાસે નિર્ણય કરાવ્યો કે તેઓ બજેટ સત્ર દરમિયાન બીજા તબક્કામાં 23 દિવસોનો પગાર નહીં લેશે.

ઘણા દિવસો કામકાજ ઠપ્પ રહ્યું

આથી સવાલ એ છે કે સંસદમાં ધાંધલ તો છેલ્લા ચાર વર્ષથી થાય છે, તો ઘણા દિવસો કામકાજ ઠપ્પ રહ્યું છે. તો પગાર ન લેવાનો નિર્ણય આ વખતે જ કેમ કરવામાં આવ્યો?

આ બાબત પાછળનું કારણ સ્પષ્ટ છે. ખરેખર સરકારે સંસદ ઠપ્પ થવાનું દોષનું ઠીકરું વિપક્ષ પર ફોડવાની કોશિશને પગલે આવું કર્યું.

ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના સાંસદ ડી. રાજા કહે છે કે સત્તાપક્ષની હઠને કારણે સંસદનું કામકાજ ન થઈ શક્યું અને આ જ અપરાધ ભાવના કારણે તેમના ગઠબંધનના સાંસદોએ પગાર-ભથ્થા નથી લીધા.

સરકારની જ જવાબદારી

સંસદનાં જે રીતે આ સત્રમાં ગતિરોધ જોવા મળ્યો, તેને ધ્યાને લેતા દોઢ દાયકા જુનો એક કિસ્સો યાદ આવે છે.

વર્ષ 2003ની વાત છે, એ સમયે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી.

અમેરિકીએ ઈરાક પર હુમલો કર્યો હતો, ત્યારે કોંગ્રેસ સહિતના પક્ષોએ વિપક્ષમાં રહેલા પક્ષોએ સંસદમાં અમેરિકા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવાની માગણી કરી હતી.

જોકે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આ હુમલાની નિંદા કરી હતી.

પણ તત્કાલીન વિદેશમંત્રી યશવંત સિંહા વિપક્ષની માંગ મામલે સંસદમાં નિંદા પ્રસ્તાવ લાવવાના પક્ષમાં ન હતા.

આથી કેટલાક દિવસો સુધી હંગામાને કારણે સંસદમાં ગતિરોધ રહ્યો હતો.

આખરે વાજપેયીએ સિંહા અને તત્કલીન સંસદીય કાર્યમંત્રી સુષમા સ્વરાજને બોલાવીને સમજાવ્યું કે સંસદ સુચારું રૂપે ચાલે તેની જવાબદારી સરકારની હોય છે.

આથી આપણે વિપક્ષ સાથે માત્ર મીડિયાના માધ્યમથી જ સંવાદ નહીં કરવો જોઈએ પણ સંસદમાં અનૌપચારિક રીતે પણ વાત કરવી જોઈએ.

વાતચીતના આ સિલસિલામાં જ ગતિરોધનો ઉકેલ છુપાયેલો હોય છે.

વાજપેયીની આ સલાહ બાદ યશવંત સિંહા અને સુષમા સ્વરાજની સ્પીકરના કક્ષમાં વિપક્ષના નેતાઓ સાથે બેઠક થઈ હતી.

આ બેઠકમાં થયેલી વાતચીતમાં જ નિંદા પ્રસ્તાવ મામલે સંમતિ સધાઈ ગઈ હતી.

જ્યારે ગતિરોધ ખતમ થઈ ગયો

આ રીતે ગતિરોધ ખતમ થઈ ગયો અને રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દે સંમતિ થઈ.

વાજપેયીના સમયના આ કિસ્સાના અનુસંધાને જો હાલની સરકારના વલણને ધ્યાને લઈએ, તો કોઈ પણ રીતે નથી લાગતું કે સરકારમાં બેઠેલા લોકો પોતાના રાજકીય પૂર્વજ અટલ બિહારી વાજપેયીની શીખ પ્રમાણે વિપક્ષ સાથે અનૌપચારિક સંવાદ કરીને સંસદ ચલાવવાની ઇચ્છા ધરાવતા હોય.

જે સંસદના પગથિયાં પર માથું ટેકવીને વડાપ્રધાન મોદીએ આંસુ સાર્યા હતા, તે જ મોદી જો સંસદમાં ચર્ચાને લાયક માહોલ બનાવવાની કોશિશ કરતા જોવા મળ્યા હોત, તો લોકતંત્રના ભવિષ્યને લઈને આટલી આકાંક્ષાઓ વેઠવી ન પડી હોત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો