અમદાવાદનો એવો વિસ્તાર જ્યાં 65 શહીદ સ્મારક

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બુધવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઊજવણી થઈ રહી છે. દેશને 1947માં આઝાદી મળી. 1857માં સ્વાતંત્ર્યતાનો પહેલો સંગ્રામ થયો અને 1942માં 'હિંદ છોડો' આંદોલને અંગ્રેજ સરકારને હચમચાવી નાખી.

એ દરેક સંગ્રામ, ચળવળ કે આંદોલનોમાં અમદાવાદના ખાડિયા વિસ્તારનું પ્રદાન રહ્યું છે. તેના શહીદોનાં 65 જેટલા સ્મારક અહીં મળે છે.

લગભગ દોઢ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલાં ખાડિયામાં 179 પોળ અને ખડકીઓ આવેલી છે.

અર્થાત્, દર ત્રીજી પોળમાં એક શહીદ સ્મારક.

'હિંદ છોડો' આંદોલનના શહીદ

1942ની 'હિંદ છોડો' આંદોલન દરમિયાન ગુજરાતના પ્રથમ શહીદ ઉમાકાન્ત કાડિયા શહીદ થયા હતા. તેઓ જે સ્થળે શહીદ થયા તે જ સ્થાને તેમનું સ્મારક બનાવાયું છે.

ખાડિયા ગેટ પાસે પ્રસ્થાપિત શહીદ સ્મારકમાં વિવિધ આંદોલનો દરમિયાન શહીદ થયેલા સ્થાનિકોની યાદી કંડારાયેલી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નવનિર્માણ આંદોલનના શહીદોનું સ્મારક

ખાડિયા ઇતિહાસ સમિતિના સંયોજક અને અમદાવાદ મ્યુનિસિપલ હેરિટેજ ટ્રસ્ટના સભ્ય ડૉ. હેમંત ભટ્ટ કહે છે, "સ્વતંત્ર સંગ્રામ અને આઝાદી બાદ મોંઘવારી, ભ્રષ્ટચાર વિરુદ્ધ થયેલા આંદોલનોમાં કોઈ અને કોઈ રીતે ખાડિયાનું યોગદાન રહ્યું છે અને અહીંના યુવકોએ બિલાદન આપ્યાં છે.”

સાંઇઠના દાયકાની શરૂઆતમાં મુંબઈ રાજ્યથી અલગ ગુજરાતની માગ સાથે 'મહાગુજરાત આંદોલન' અને 1973-74 દરમિયાન ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે 'નવનિર્માણ' આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતાની પહેલી ચળવળમાં યોગદાન

ડૉ. ભટ્ટ ઉમેરે છે, “1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન 1863માં અહીંના સારંગપુર સ્થિત વિઠ્ઠલ મંદિરના મહંત નારાયણસ્વામીએ અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ કરનારા તાત્યા ટોપે, રાવસાહેબ પેશ્વા સહિતના ક્રાંતિકારીઓને મંદિરમાં આશરો આપીને ક્રાંતિમાં યોગદાન આપ્યું હતું.”

અલબત્ત, નારાયણસ્વામી ઝડપાઈ જતા તેમને 14 વર્ષની સજા થઈ હતી.

ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી કહે છે, "અમદાવાદના મોટાભાગના ઘડવૈયાઓ ખાડિયાની જુદી-જુદી પોળોમાં રહેતા હતા."

"૧૯૦૫માં 'સ્વદેશી આંદોલન'થી લઈ ૧૯૨૦માં 'અસહયોગ આંદોલન'માં ખાડિયાવાસીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું."

"તો ૧૯૨૪માં ખાડિયાવાસીઓ એ સરદાર પટેલને મ્યુનિસિપાલિટીમાં બિનહરીફ ચૂંટીને મોકલ્યા હતા."

મહિલાઓનું યોગદાન

ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સના ઇતિહાસ વિભાગના પૂર્વ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ શીરીનબેન મેહતા કહે છે, " વિવિધ આંદોલનોમાં ખાડિયાની મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે."

"૧૯૨૦માં અહીંની ગર્લ્સ હાઈસ્કૂલની છત પર વિદ્યાર્થિનીઓ અને તેમની શિક્ષિકાઓએ ભારતીય ઝંડો લહેરાવી સ્વતંત્રતા સંગ્રામમાં જોમ પૂર્યું હતું."

૧૯૦૯માં દેશભરમાં પ્રથમ વખત અંગ્રેજ વાઇસરોય લોર્ડ મિન્ટોના કાફલા પર બૉમ્બ રાયપુર દરવાજા પાસે ફેંકાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો