85 કિલોની યુવતીએ આવી રીતે બનાવ્યાં સિક્સ પૅક ઍબ્સ

    • લેેખક, નવીન નેગી
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું ખૂબ જ ફૂડી હતી અને જે મન ફાવે તે ખાતી હતી. જંક ફૂડ મને ખૂબ જ પસંદ હતું અને મને આલ્કોહોલ લેવાની આદત પણ હતી. એક સમયે મારું વજન 85 કિલો થઈ ગયું હતું."

આ શબ્દો છે મધુ ઝાના છે. ચાની ઑફર કરતા તેમણે જણાવ્યું, "મારા ઘરમાં ખાંડ નથી આવતી કારણ કે હું ખાંડ નથી ખાતી."

મધુનાં ઘરમાં રહેલી ટ્રૉફીઓ પરથી લાગે છે કે તેઓ કોઈ સામાન્ય મહિલા નથી. થોડાં સમય બાદ તેમણે પોતાની બૅગ લીધી અને જિમ તરફ નીકળી પડ્યાં.

મધુનું ફિઝિક અન્ય મહિલાઓ કરતાં અલગ તરી આવે છે. રસ્તા પર જતી વખતે લોકો તેમની તરફ નજર કરે છે.

મધુ તેમને જોઈને હસે છે અને કહે છે, "જ્યારે હું જિમ જઉં છું, ત્યારે લોકો આવી જ રીતે જુએ છે. ક્યારેક તો તેઓ મારી સાથે સેલ્ફી લેવા માટે આવી જાય છે."

બૉડી બિલ્ડર મધુ

ટ્રૅક-પેન્ટ અને સ્કિન ફિટ ટી-શર્ટ પહેરેલાં 30 વર્ષનાં મધુ જિમમાં જઈને કરસત કરવા લાગ્યાં.

જ્યારે તેમની નજર અમારી સામે પડી, ત્યારે તેમણે કહ્યું, "હું મૂળ બિહારની છું. કોલકાતાથી ગ્રૅજ્યુએશન કર્યું છે અને આઠ વર્ષ પહેલાં દિલ્હી આવી હતી. હું નોઇડાના એક ઇન્સ્ટિટ્યૂટમાં ડિઝાઇનિંગ ટીચર છું."

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાના ફિઝિક અંગે મધુએ જણાવ્યું કે તેમને આવું શરીર બનાવતા ત્રણ વર્ષનો સમય લાગ્યો.

પરંતુ આ પહેલાં તેઓ જાડાં હતાં અને તેમને તેમનાં જાડાપણાંથી પ્રેમ પણ હતો. આ અંગે મધુએ જણાવ્યું કે લોકો તેમના વિશે શું બોલતા તેનો ફરક તેમને નહોતો પડતો.

જો ફરક નહોતો પડતો તો બૉડી બિલ્ડિંગ શા માટે શરૂ કર્યું? આ સવાલનો જવાબ આપતા મધુ જણાવે છે,

"મને તો ફરક નહોતો પડતો પણ મારા પરિવારને પડતો હતો. મારો ભાઈ મને 'છોટા હાથી' કહીને ચીડવતો હતો. મારી બહેન કહેતી કે મારું શરીર એવું છે કે ફૂટબૉલ નીચે બે ટાયર લગાવી દીધા હોય."

"રોજિંદા જીવનમાં સીડી ચડતા મારો શ્વાસ ફૂલી જતો હતો અને કમરમાં દુખાવો થવા લાગતો. એટલા માટે મારા પરિવારે બળજબરીથી મને જિમ શરૂ કરાવ્યું. તેમણે એક વર્ષની ફી ભરીને કહ્યું કે હવે જિમ જવું જ પડશે."

21 દિવસો બદલ્યું જીવન

મધુ કહે છે, "પહેલાં દિવસે જ્યારે હું જિમ ગઈ તો મારા ટ્રેઇનરે હળવું વૉર્મઅપ કરાવ્યું. ત્યારે હું માત્ર 20 મિનિટમાં જ થાકી ગઈ. આગલા દિવસે ઘરે જિમનું બહાનું કરીને હું મિત્રો સાથે પાર્ટી કરવા માટે જતી રહી."

તેમણે એવું પણ જણાવ્યું કે બીજા દિવસે તેમના ટ્રેઇનરે ગંભીર થઈને કહ્યું કે તેઓ માત્ર 21 દિવસ સતત જિમ આવે. જો આ બાદ પણ તેમને એવું લાગે કે જિમ કરતાં પાર્ટી સારી છે, તો તેમને વર્ષની ફી પરત કરી દેવામાં આવશે.

એ 21 દિવસોએ મધુની જિંદગી બદલીને રાખી દીધી. કસરત દરમિયાન તેમનું વજન ઓછું થવા લાગ્યું અને શરીરમાં થાકની જગ્યાએ નવી ઊર્જા ભરાવા લાગી.

બૉડી બિલ્ડિંગ

એક સમય એવો આવ્યો કે મધુએ તેમનું વજન ઘટાડીને 50 કિલો કરી નાખ્યું હતું.

મધુના જણાવ્યા અનુસાર તેમને જિમ જવાની આદત પડી ગઈ હતી. તેઓ કહે છે, "હું જિમ ન જઉં તો મને બેચેની થવા લાગે છે. ધીરે-ધીરે મારા ટ્રેઇનરે મને બૉડી બિલ્ડિંગ કરવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે મારી મુલાકાત રજત સર અને બિંદિયા મેડમ સાથે કરાવી."

અહીંથી શરૂ થઈ મધુ બૉડી બિલ્ડિંગની સફર. મધુ કહે છે, "બૉડૂ બિલ્ડિંગને ધ્યાનમાં રાખીને હું દરરોજ ઓછામાં ઓછી બે કલાક પ્રૅક્ટિસ કરતી હતી. મારા ડાયટમાં પ્રોટીન અને કાર્બ્સ પણ વધારી દેવામાં આવ્યું હતું"

મધુએ વર્ષ 2018માં પહેલીવાર બૉડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તેઓ આ વર્ષે નોઇડામાં આયોજિત ફિટલાઇન ક્લાસિક ફિટનેસ સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યાં.

તેના એક અઠવાડિયા પહેલાં જ તેઓ ભારતના પ્રથમ મહિલા એનબીબીયુઆઈ (નેચરલ બૉડી બિલ્ડિંગ યુનિયન ઇન્ટરનેશલ)ના પ્રો-કાર્ડ હોલ્ડર બની ગયાં.

તેનો મતલબ છે કે તેઓ હવે પ્રૉફેશનલ બૉડી બિલ્ડિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સમર્થ છે.

મધુને સિક્સ પૅક ઍબ્સ છે જે સામાન્ય રીતે યુવતીઓની તસવીરથી અલગ તરી આવે છે.

પહેલીવાર પહેરી બિકિની

નોઇડામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં મધુએ બિકિની રાઉન્ડમાં ભાગ લીધો હતો. એ સમયને યાદ કરતા મધુ જણાવે છે, "મેં ક્યારેય કોઈ સામે બિકિની પહેરી નહોતી. બિહારની એક યુવતી બિકિની રાઉન્ડમાં ભાગ લેશે આ વિચારીને જ હું નર્વસ હતી."

"સ્પર્ધા સમયે મારી સાથે મારા બન્ને ટ્રેઇનરો હતાં. મેં તેમની સામે જોયું અને પર્ફોર્મ કરતી રહી. એ સ્પર્ધામાં હું ચોથા ક્રમે આવી હતી."

મધુ કહે છે કે તેઓ જે ઇન્સ્ટિટ્યૂટમાં બાળકોને ભણાવે છે, ત્યાં બધા તેમને બૉડી બિલ્ડિંગ અંગે પૂછે છે. સાથે જ યુવકો અને યુવતીઓ તેમની પાસેથી બૉડી બિલ્ડિંગની સલાહ પણ માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો