ઉત્તર પ્રદેશની 19 વર્ષની યુવતીએ બનાવી ‘રેપ પ્રૂફુ પેન્ટી’

    • લેેખક, મીના કોટવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારની માત્ર 19 વર્ષની યુવતીએ 'રૅપ પ્રૂફ પેન્ટી' બનાવી છે.

તેમને આશા છે કે આનાથી વિશ્વભરની યુવતીઓ સામે થતા બળાત્કાર રોકી શકાશે.

સીનૂ કુમારી નામની આ યુવતીએ એક પેન્ટી તૈયાર કરી છે, જેમાં એક પ્રકારનું લૉક લગાવેલું છે.

આ લૉક મહિલાઓને બળાત્કાર સામે રક્ષણ આપે છે. સીનૂ તેને 'રૅપ પ્રૂફ પેન્ટી' કહે છે.

પેન્ટીમાં 'બ્લેડ પ્રૂફ' કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમાં એક સ્માર્ટ લૉક, એક જીપીઆરએસ અને એક રેકોર્ડર પણ લગાવવામાં આવ્યું છે.

19 વર્ષની સીનૂ કુમારી ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના એક મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા ખેડૂત છે.

તેમનું કહેવું છે કે આ પેન્ટી બનાવવા બદલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં પ્રધાન મેનકા ગાંધીએ તેની પ્રશંસા કરી છે.

હવે તે આ પેન્ટીને 'પેટન્ટ' કરાવવાની કોશીશ કરી રહી છે.

શું છે તેની વિશેષતા?

'રૅપ પ્રૂફ પેન્ટી'ની વિશેષતા અંગે બીબીસી સાથેની વાતચીતમાં સીનૂ કુમારીએ કહ્યું કે આ પેન્ટીને ન તો સરળતાથી કાપી શકાય છે ન તો તેને સરળતાથી બાળી શકાય છે.

તેમાં એક સ્માર્ટ લૉક પણ લગાવવામાં આવ્યું છે જે માત્ર પાસવર્ડથી જ ખુલી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પેન્ટીમાં એક એવું બટન લગાવવામાં આવ્યું છે જેને દબાવતા તરત જ 'ઇમર્જન્સી' અથવા 100 નંબર ડાયલ થઈ જશે.

તેમાં લાગેલા જીપીએસની મદદથી પોલીસને તમારું લોકેશન મળી જશે અને રેકોર્ડરની સીસ્ટમથી આસપાસ જે પણ થઈ રહ્યું હોય, તેનો અવાજ રોકોર્ડ પણ થઈ જશે.

શું પોલીસ સિવાય પરિવારની કોઈ વ્યક્તિનો નંબર પણ તેમાં સેટ કરી શકાય છે?

આ પ્રશ્ન અંગે તેમણે કહ્યું, "આ બાબત સેટિંગ્ઝ પર આધાર રાખે છે, કે 'ઇમર્જન્સી' વેળા પહેલાં ફોનકોલ કોને જશે."

"કેમ કે 100 અને 1090 નંબર હંમેશાં સુરક્ષા માટે સક્રિય-ઉપલબ્ધ હોય છે."

"વધુમાં પોલીસ પણ બધી જગ્યાએ હોય છે અને પોલીસ સ્ટેશન પણ તમામ જગ્યાએ આવેલાં હોવાથી આ નંબર સેટ કરવામાં આવેલા છે."

આ મામલે વધુ જણાવતા તેમણે કહ્યું કે પેન્ટીને બનાવવા પાછળ ચાર હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

જેમાં તેમને પરિવાર તરફથી સંપૂર્ણ ટેકો મળ્યો હતો.

'હજી પણ મદદની જરૂર'

સીનૂનું કહેવું છે કે તેમણે જાતે સંશોધન કરીને આ પેન્ટી તૈયાર કરી છે.

તદુપરાંત તે અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે. આ માટે સસ્તા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જે તેમાં કાપડ અને લૉક સારી ગુણવત્તાનું લગાવવામાં આવે તો તે હજી વધુ સારું બની શકે છે. પણ પછી તેનો ખર્ચ વધી જશે.

તેમની ઇચ્છા છે કે કોઈ કંપની અથવા સરકાર મદદ કરે તો તેના 'ઇનોવેશન' ('રૅપ પ્રૂફ પેન્ટી')ને તે વધુ સારું બનાવી શકે.

તે કહે છે, "હાલ આ એક મૉડલ છે અને મારી પ્રથમ શરૂઆત છે."

વધુમાં તેમણે ઉમેર્યું કે તે તેમના પૈતૃક નિવાસસ્થાનથી દૂર નાના ભાઈ-બહેન સાથે રહે છે. દરરોજ ટીવી પર મહિલાઓની છેડતી અને બળાત્કારના સમાચાર તેને ડરાવે છે. બહાર નીકળવામાં દર વખતે એક ડર રહે છે.

સાંસદ તરફથી સહયોગ

સીનૂના જણાવ્યા અનુસાર ફર્રુખાબાદમાં ભાજપના સાંસદ મુકેશ રાજપૂતે કેન્દ્રીય મંત્રાલયને સત્તાવાર રીતે આ સંબંધે એક પત્ર લખ્યો છે.

તેમનું કહેવું છે કે મેનકા ગાંધીએ તેમની કોશિશ બદલ પ્રશંસા પણ કરી છે.

પેન્ટીની પેટન્ટ કરાવવા સીનૂ કુમારીએ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન- અલ્હાબાદને અરજી સુપરત કરી છે.

તે એમ પણ કહે છે કે, બજારમાં ઉપલબ્ધ થતા પહેલા તેમાં સુધારાની જરૂર છે.

વળી મહિલાઓએ તેને હંમેશાં પહેરવાની જરૂર નથી.

તેમના અનુસાર, "આ પેન્ટી ત્યારે જ પહેરવી જ્યારે તમે કોઈ સ્થળે એકલા જઈ રહ્યા હોવ."

"જે રીતે બુલેટપ્રૂફ જેકેટ હંમેશા નથી પહેરવામાં આવતું, તે જ રીતે આ પેન્ટીને પણ હંમેશાં પહેરવાની જરૂર નથી."

આંકડાઓ શું કહે છે?

દેશમાં બળાત્કારના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો 'નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો'ના અનુસાર દરરોજ 79 મહિલાઓ પર બળાત્કાર થાય છે.

મધ્ય પ્રદેશમાં સ્થિતિ સૌથી ખરાબ છે. વર્ષ 2016ના આંકડા મુજબ દેશમાં 28,947 મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ નોંધાઈ છે.

જેમાં સૌથી વધુ 4882 ઘટના મધ્ય પ્રદેશમાં નોંધાઈ છે.

જ્યારે ઉત્તર પ્રદેશમાં 4816 અને મહારાષ્ટ્રમાં 4189 ઘટનાઓ નોંધાઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો