You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૂપુર શર્મા વિવાદ : રાંચી હિંસામાં માર્યા ગયેલા બંને યુવકોનાં માતાનો સવાલ, 'મારો દીકરો ગુનેગાર નહોતો...'
- લેેખક, આનંદ દત્તા
- પદ, બીબીસી હિન્દી માટે, રાંચીથી
રાંચીમાં શુક્રવારની નમાજ બાદ ફાટી નીકળેલી હિંસામાં બે યુવકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે અન્ય બે-ત્રણ લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારની ઘટનાને બે દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ માહિતી બહાર આવી નથી કે ગોળીબાર કેમ કરવામાં આવ્યો.
ઝારખંડ પોલીસના પ્રવક્તા અમોલ વી. હોમકરે બીબીસીને આ મૃત્યુની પુષ્ટિ કરી છે.
તેમણે શનિવારે બીબીસીને કહ્યું, "ગઈકાલની હિંસા દરમિયાન અમને પ્રદર્શનકારીઓ તરફથી પણ ગોળીબારની માહિતી મળી છે. પોલીસે ઉગ્ર લોકોને કાબૂમાં લેવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો."
"આ દરમિયાન 12 પોલીસકર્મીઓ અને 12 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. એક પોલીસકર્મી સહિત કેટલાક લોકોને ગોળીથી ઇજાઓ થઈ હતી."
આ મામલે બીબીસીએ જે યુવકોનાં મૃત્યુ થયાં, એમના પરિવારજનો સાથે મુલાકાત કરી.
15 વર્ષના મુદસ્સીરનાં માતાનું દર્દ
"તું રડીશ નહીં અમ્મી, અમે ક્યાંય નહીં જઈએ. અમે તને ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. અમે કાલથી સુધરી જઈશું. અહીં જુલૂસ નીકળ્યું છે. બસ! અમે અહીંથી નીકળીએ છીએ અમ્મી."
રાંચીની હિંસામાં માર્યા ગયેલા 16 વર્ષના મુદસ્સીર આલમની માતા નિખત પરવેઝ સાથે છેલ્લીવાર આ વાત થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલું જણાવતાં જ નિખત રડવા લાગે છે. રાંચીની હિંસામાં તેમના પુત્ર મુદસ્સીર આલમનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.
હિંસા દરમિયાન તેને માથામાં ગોળી વાગી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
રાંચીના હિંદપીઢી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાં નિખત બીબીસી સાથે વાત કરી રહ્યાં હતાં, ત્યારે નજીકની મસ્જિદમાં સાંજની નમાજ અદા કરવામાં આવી રહી હતી.
પતિ પરવેઝ આલમે આંસુ લૂંછતાં કહ્યું કે નમાઝ પઢવામાં આવી રહી છે, 'અલ્લાને યાદ કર. રડવાનું બંધ કર.'
નમાજ પૂરી થતાં જ નિખત ફરી તેમના ભાઈને પકડીને રડવાં લાગ્યાં. તેમણે કહ્યું કે, "છેલ્લી વાતચીતના થોડા સમય પછી મુદસ્સીરના મિત્રનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મુદસ્સીરને ગોળી વાગી છે."
રડતાં-રડતાં તેઓ કહે છે, "ગોળી કેવી રીતે વાગી, હમણાં તો વાત કરી રહ્યો હતો? આટલો મોટો દુશ્મન કોણ હતો? રસ્તામાં બીજું કોઈ નહોતું. નિશાન લઈને શું કામ મારી નાખ્યો? મારા માસૂમ દીકરાનો શું વાંક હતો? મારો દીકરો ગુનેગાર નહોતો. તેની અમ્મા પણ ગુનેગાર નથી, બાપ પણ સીધાસાદા છે, તો પછી મારા બાળકને કેમ મારી નાખ્યો?"
મુદસ્સીર તેનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. માતાએ ભલે તેને જન્મ આપ્યો પણ એનો ઉછેર કાકીના હાથે થયો હતો.
મજૂર પિતાનો આ પુત્ર તેના સંબંધીઓમાં બહુ વહાલો હતો. આ જ કારણ હતું કે શનિવારે દિવસભર તેમના ઘરે સંબંધીઓની આવન-જાવન ચાલુ હતી.
ફોઈ સન્નો પરવીન પોતાની ભાભીને શાંત પાડીને કહે છે, "અમે જ ઉછેર્યો હતો. જ્યારે મારી તબિયત બગડતી, ત્યારે તે મારી સાથે રહેતો હતો. ઘટના પહેલાં મેં જોયું તો તે ઘરથી નીકળી રહ્યો હતો. અમે ના પાડી, તો બોલ્યો કે દાદીના ઘરે જઈને આવું."
મુદસ્સીર પિતા પરવેઝ આલમ પત્ની અને બહેનને સાંત્વના આપી રહ્યા હતા.
તેમણે કહ્યું કે જો સરકારને 'અમારી ચિંતા હોય તો અમને ન્યાય અપાવે. મારા પુત્રને ગોળી મારનાર વ્યક્તિને સમાજની સામે લાવવામાં આવે.'
કાકા મહમદ શાહિદ અયૂબીએ બીબીસીને કહ્યું, "બહુ સીધો છોકરો હતો, આ વખતે તે બોર્ડની પરીક્ષા આપવાનો હતો, પરિવારમાં બધા સાથે હળીમળીને રહેતો હતો, બધાને સલામ-દુઆ કરતો રહેતો હતો. ગઈકાલે તે કેવી રીતે ગયો, કોઈ જાણતું નથી. ગોળી એવી વાગી કે તેનું માથું ફાટી ગયું હતું."
તેમણે એમ પણ કહ્યું, "પોલીસ એવી રીતે ફાયરિંગ કરી રહી હતી કે જાણે કોઈ આતંકવાદી, ઉગ્રવાદી સામે લડાઈ ચાલતી હોય. જેએમએમ સરકાર પણ આરએસએસની માનસિકતાવાળી બની ગઈ છે. સવાલ એ છે કે ગોળી કોના કહેવાથી ચલાવવામાં આવી હતી? અત્યાર સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ મળવા પણ નથી આવ્યો."
તેઓ વધુમાં કહે છે, "અહીં મુસ્લિમો પ્રત્યેની નફરતને ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવી છે. આ બધું તેનું પરિણામ છે. મારો ભત્રીજો તેનો શિકાર બન્યો હતો. મારો ભાઈ તેનું આગળનું જીવન કેવી રીતે જીવશે, અલ્લા જાણે!"
દિવસ પહેલા માની સર્જરી, બીજા દિવસે પુત્ર ગયો
રાંચી હિંસામાં માર્યા ગયેલા અન્ય યુવક મહમદ સાહિલનાં માતા સોની પરવીનનું એક દિવસ પહેલાં ઑપરેશન કરવામાં આવ્યું હતું. પેટમાં પથરી હોવાનું નિદાન થયું હતું.
શુક્રવાર, 9 જૂનના રોજ ઑપરેશન કરાવ્યા બાદ માબાપ બપોરે ઘરે પહોંચ્યા હતાં. સાહિલ પણ સાથે જમીને મોબાઈલની દુકાને કામ પર ગયો હતો.
'ડેઈલી માર્કેટ' નામનો આ એ જ વિસ્તાર છે, જ્યાં પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી.
પિતા સાથે ફોન પર થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે મુખ્ય માર્ગ પર હુલ્લડ ફાટી નીકળ્યું હતું. તે હેમખેમ નીકળીને જલદી ઘરે આવી જશે. થોડી વાર પછી તેના મિત્રનો ફોન આવ્યો કે સાહિલને ગોળી વાગી છે.
કરબલાચોકમાં પોતાના નાના ઘરમાં બીબીસી સાથે વાત કરતી વખતે રિક્ષાચાલક પિતા મહમદ અફઝલ જણાવે છે, "અમે રોજ કમાઈને ખાવાવાળા લોકો છીએ. આ બધી બાબતો સાથે અમારે શું લેવાદેવા? મારો દીકરો તો એ ભીડમાં પણ નહોતો. એ તો ઘરે પરત ફરી રહ્યો હતો. હવે મારા દીકરાને કોણ પાછો આપશે."
તેઓ ઉમેરે છે, "હું તો એટલું જ કહું છું કે સરકારે ગુનેગારોને કડકમાં કડક સજા આપવી જોઈએ, જેથી મારો દીકરો જે રીતે ગયો તે રીતે કોઈ ગરીબનો દીકરો ન જાય. આ મારો વચેટ દીકરો હતો. અમે તેનાં લગ્નનું આયોજન કરી રહ્યા હતા પણ આટલું જ એનું જીવન હતું. હવે શું કરીએ?"
પિતાએ પૂછ્યું - તમે ગોળી કેમ મારી?
તેમણે એમ પણ જણાવ્યું કે હૉસ્પિટલ લઈ જતી વખતે તે વાતો કરતો હતો. સાડા ચાર કલાક સુધી તેને ઑપરેશન થિયેટરમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તે બચી ન શક્યો.
તેઓ નૂપુર શર્મા વિશે કહે છે કે તેઓ તેમને ઓળખતા નથી. પરંતુ પ્રદર્શન શા માટે થઈ રહ્યું હતું તેની તેમને જાણ છે.
અફઝલ સમજાવે છે, "કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. અમે દરરોજ કમાઈને ખાવાવાળા ગરીબ વર્ગના લોકો છીએ. એટલો સમય નથી હોતો કે ભૂખ હડતાળ પર બેસીએ. પેટે પાટા બાંધીને એને 26 વર્ષ સુધી ભણાવ્યો. તે આતંકવાદી તો નહોતો તો પછી તેને ગોળી કેમ મારવામાં આવી."
ઑપરેશન બાદની પરિસ્થિતિ અને પુત્રના મૃત્યુને કારણે માતા સોની પરવીન કંઈ કહી શકવાની સ્થિતિમાં નહોતાં.
મોટા દીકરાએ તેમને ખુરશીમાં બેસાડ્યાં પછી તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
તેમણે કહ્યું, "મારો દીકરો ગયો, આખા ઘરને ટેકો આપતો હતો, હવે કોણ આપશે? એ તો જતો રહ્યો. અમે સરકાર પાસે માત્ર ન્યાય માંગીએ છીએ. જેણે ગોળી ચલાવી તેને પણ સજા મળવી જોઈએ. દીકરાને લઈને ઘણાં સપનાં હતાં. દીકરાને જ પૂરો કરી દીધો તો સપનાંનું શું કરવાનું?"
જ્યારે સાહિલના મોટા ભાઈ મહમદ સાકિબે કહ્યું , "અમને અમારો ભાઈ પાછો આપી દો બસ! અમને કોઈ પણ સંજોગોમાં ન્યાય જોઈએ. ત્રણેય ભાઈઓ વચ્ચે માત્ર એ જ કમાતો હતો. હેમંત સોરેન અમને ન્યાય આપે. હવામાં ફાયરિંગ ઉપર થાય છે, છાતીમાં નહીં."
આ પહેલા શનિવારે બપોરે ત્રણ વાગ્યે તેમના ઘરેથી જનાજો નીકળ્યો હતો અને કાંટાટોલીસ્થિત કબ્રસ્તાનમાં મૃતકને દફન કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસદળ પણ એ વખતે સાથે હતું. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
બંને મૃતકોના સંબંધીઓ ઓછી આવક ધરાવતા વર્ગમાંથી આવે છે. એકના પિતા છૂટક મજૂરી કરે છે અને બીજાના રિક્ષા ચલાવે છે.
મુદસ્સીર પરિવારનું એકમાત્ર સંતાન હતું, જ્યારે સાહિલ ત્રણ ભાઈઓમાં એક જ કમાનાર. આ પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો