You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેડી ઑફ હેવન': મુસ્લિમ દેશો પયગંબરનાં પુત્રી પરની ફિલ્મ પર પ્રતિબંધ કેમ ફરમાવી રહ્યા છે?
મુસ્લિમ દેશ મોરોક્કોની સરકારે તાજેતરમાં જ રજૂ થયેલી બ્રિટિશ ફિલ્મ 'ધ લેડી ઑફ હેવન' પર પ્રતિબંધ મૂક્યો છે.
'મોરોક્કન કાઉન્સિલ ઑફ રિલિજિયન્સ'ની સુપ્રીમ ઉલેમા કાઉન્સિલે ઇસ્લામનાં સત્યોને ખોટી રીતે રજૂ કરવાના આરોપસર ફિલ્મની નિંદા કરી છે.
નિર્માતા ફિલ્મ પયગંબર મહમદનાં પુત્રી ફાતિમાના કથાનક પર બની હોવાનું કહે છે. આ ફિલ્મ પર ઇજિપ્ત, પાકિસ્તાન, ઈરાન અને ઇરાકમાં પહેલાંથી જ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
મોરોક્કનના મીડિયાના અહેવાલ અનુસાર, સુપ્રીમ ઉલેમા કાઉન્સિલે ફિલ્મને દ્વેષપૂર્ણ અને પક્ષપાતી ગણાવી છે.
તેણે ટિપ્પણી કરી હતી કે નિર્માતાઓ ખ્યાતિ મેળવવા માંગે છે પરંતુ ફિલ્મ મુસ્લિમ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને ધાર્મિક તણાવનું વાતાવરણ સર્જે છે.
દરમિયાન 'સિનેવર્લ્ડે' જણાવ્યું હતું કે બ્રિટનમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા વિરોધપ્રદર્શનને પગલે તમામ થિયેટરોમાં ફિલ્મનું પ્રદર્શન રદ કરી દેવાયું છે.
1,20,000થી વધુ લોકોએ ફિલ્મ 'ધ લેડી ઑફ હેવન'ને બ્રિટનના થિયેટરમાંથી હટાવવાની માગ કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા છે.
'બૉલ્ટન કાઉન્સિલ ઑફ મૉસ્ક' દ્વારા આ ફિલ્મને 'ઈશનિંદા' અને સાંપ્રદાયિક ગણાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, નિર્માતા મલિક શિલિબાએ કહ્યું, "બ્રિટિશ લોકોએ શું જોવું અને શું ન જોવું જોઈએ, તેઓ શું ચર્ચા કરી શકે છે, તેઓએ શું ચર્ચા ન કરવી જોઈએ તે કોઈએ નક્કી કરવું જોઈએ નહીં."
'સન્માનિત લોકોનો અનાદર'
'લેડી ઑફ હેવન' યુકેના સિનેમાઘરોમાં 3 જૂને રિલીઝ થઈ હતી. તેમાં ફાતિમાનું કથાનક હોવાનો દાવો કરવામાં આવે છે.
ફાતિમા પયગંબર મહમદનાં પુત્રી હતાં.
કેટલાંક જૂથો દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી છે, કારણ કે તેમાં મહમદસાહેબને દર્શાવવામાં આવ્યા છે. ઇસ્લામમાં તેને પાપ ગણવામાં આવે છે.
જોકે, ફિલ્મની વેબસાઈટ જણાવે છે કે, "ફિલ્મમાં કોઈ પણ વ્યક્તિને પવિત્ર તરીકે દર્શાવવામાં આવી નથી. અભિનેતા-અભિનેત્રીઓ, ઇન-કૅમેરા ઇફેક્ટ્સ, લાઇટિંગ અને વિઝ્યુઅલ્સના અનોખા સંયોજન થકી રજૂઆત કરવામાં આવી છે."
ધાર્મિક જૂથોએ સુન્ની ઇસ્લામનાં મહત્ત્વપૂર્ણ પાત્રોને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂક્યો છે.
વિરોધને પગલે બ્રિટનમાં બૉલ્ટન, બર્મિંઘમ અને શેફિલ્ડામા રહેલા સિનેવર્લ્ડના થિયેટરમાંથી ફિલ્મ દૂર કરવામાં આવી હતી.
મુસ્લિમ ન્યૂઝ સાઇટ 5 પિલર્સે પણ તેના ટ્વીટમાં એક તસવીર શૅર કરી છે, જે મુજબ 'સિનેવર્લ્ડ'ની બર્મિંઘમ શાખાની બહાર 200 લોકોએ આ ફિલ્મના સ્ક્રિનિંગનો વિરોધ કર્યો હતો.
'ધમકી સામે ઝૂકી ગયા'
નિર્માતા શિલિબાએ સિનેવર્લ્ડના થિયેટરમાંથી ફિલ્મને દૂર કરવાના નિર્ણયની ટીકા કરી હતી.
ધમકી અને વિરોધીઓની માગણીઓ સામે ઝૂકી જવા બદલ કંપનીની ટીકા કરાઈ હતી.
તેમણે બીબીસીને કહ્યું, "હવે તેઓ જ્યારે પણ નારાજ કે ગુસ્સે થાય ત્યારે આવું જ કરે છે."
મહત્ત્વપૂર્ણ છે કે બ્રિટનમાં મુસ્લિમોની સંખ્યા લાખોમાં છે.
"આપણે ડરીને શરણાગતિ ન સ્વીકારી લેવી જોઈએ. આપણે તેમને કહેવું પડશે કે અમે સહિષ્ણુ છીએ, અમે જુદાંજુદાં મંતવ્યો અને વલણોને સ્વીકારીએ છીએ અને તમે અસંમત થાવ તો તેને અમે ખુશીથી સ્વીકારીશું, પરંતુ સેન્સરશિપ એ કોઈ વિકલ્પ નથી."
પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે તેઓ ફિલ્મને સાવ પાછી ખેંચી લેવામાં નિષ્ફળ જશે.
"બ્રિટનમાં ઘણા લોકોએ આ ફિલ્મ વિશે પહેલીવાર સાંભળ્યું છે. તે હકીકતને ધ્યાનમાં લેવી આવશ્યક છે."
'સૌથી ખતરનાક માર્ગ'
સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવેદે પણ બ્રિટનના સિનેવર્લ્ડ થિયેટરમાંથી ફિલ્મને હટાવવાના નિર્ણયની ટીકા કરી છે.
તેમણે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ''કોઈ જે કહે તે તમને ભલે ન ગમે પરંતુ તેમને એ કહેવાનો અધિકાર છે."
તેમણે યાદ અપાવ્યું કે બ્રિટનમાં ઈશનિંદાનો કોઈ કાયદો નથી. સાથે ટિપ્પણી કરી હતી કે "આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ તે માર્ગ અત્યંત જોખમી છે."
'ધ ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર'ના વોશિંગ્ટન બ્યુરોના વડા ડેવિડ કૂકે જણાવ્યું હતું કે, "આપણા દેશમાં વાણીની સ્વતંત્રતા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તે મૂળભૂત અધિકારો છે."
બ્રિટનની મુસ્લિમ કાઉન્સિલે આ ફિલ્મને 'વિભાજનકારી' ગણાવી છે.
વિરોધનું મુખ્ય કારણ શું છે?
બીબીસીના ધર્મ સંપાદક અલીમ મકબૂલે જણાવ્યું હતું, "ફિલ્મનો વિરોધ મુખ્યત્વે પયગંબર મહમદના ચિત્રણ વિશેનો નથી."
ફિલ્મના લેખક શિયા મુસ્લિમ યાસર અલ-હબીબ છે. ટીકા મુખ્યત્વે પ્રારંભિક સુન્ની ઇસ્લામના કેટલાક સૌથી આદરપાત્ર અને પ્રખ્યાત લોકોના ચિત્રણ પર કેન્દ્રિત કરવામાં આવી છે.
હબીબ કહે છે કે આ ફિલ્મમાં પ્રારંભિક સુન્ની ઇસ્લામના જાણીતા લોકોના વર્તનને ઇસ્લામિક સ્ટેટ જૂથના વર્તનની સંમાંતર દર્શાવવામાં આવ્યું છે.
બ્રિટનમાં વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કરનારા લોકોનું કહેવું છે કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની તેમની પ્રબળ ઈચ્છા હોવા છતાં તેમનું પ્રદર્શન શાંતિપૂર્ણ હતું.
જોકે, થિયેટર કંપનીઓને લાગ્યું કે વર્તન ધમકીવાળુ છે અને ફિલ્મ બતાવવાનું બંધ કરવું યોગ્ય નથી.
ફિલ્મ પાછી ખેંચવાના આ વલણને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ લોકોમાં મુસ્લિમો પણ સામેલ છે.
તેઓ ગુસ્સે છે કે આટલા ઓછા લોકો ઈશનિંદાના નામે સેન્સરશીપ લાદીને પોતાનું ધાર્યું કરાવવામાં સફળ થયા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો