બળાત્કાર વિરોધી કાર્ટૂન બનાવનાર પત્રકારને મળી ધમકીઓ

આંધ્ર પ્રદેશના પત્રકાર અને કાર્ટૂનિસ્ટ સ્વાતિ વડલામુડીને તેમના એક કાર્ટૂન માટે સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ જણાવ્યું છે કે તે કોઈની સામે ઝૂકશે નહીં.

સ્વાતિ હૈદરાબાદમાં રહે છે અને એક અંગ્રેજી દૈનિક માટે કામ કરે છે. તેઓ કાર્ટૂનિસ્ટ નથી, પરંતુ તેમને જે વિષયો સ્પર્શે તેને સમયાંતરે કાર્ટૂન બનાવતાં રહે છે.

તાજેતરમાં જ સ્વાતિએ એક કાર્ટૂન બનાવ્યું છે, જેમાં ભગવાન રામ અને સીતા વચ્ચેનો એક વાર્તાલાપ દર્શાવ્યો છે.

આ કાર્ટૂનનો હેતુ હાલમાં બનેલી બળાત્કારની કેટલીક ઘટનાઓમાં આરોપીઓનું સમર્થન કરનારા કથિત દક્ષિણપંથી તત્વોની ટીકા કરવાનો હતો.

કાર્ટૂનમાં સીતા અખબારના સમાચારો વાંચીને રામને કહી રહ્યા છે કે તેઓ ખૂશ છે કે, તેમનું અપહરણ રાક્ષસોના રાજા રાવણે કર્યું હતું નહીં કે રામના ભક્તોએ.

વડલામુડીએ કહ્યું છે કે, આ ધમકીઓએ તેમને વધુ મજબૂત બનાવ્યાં છે.

કાર્ટૂન અને તેનો વિવાદ બન્ને વાઇરલ થયાં

આ કાર્ટૂનને સોશિયલ મીડિયામાં હજારો વખત શેર કરવામાં આવ્યું છે.

પરંતુ તેમણે જે રીતે હિંદુ ધાર્મિક ગ્રંથ રામાયણનાં પાત્રોનો ઉપયોગ કર્યો છે. તેનાથી વિવાદ થયો છે.

વડલામુડીએ બીબીસીના સંવાદદાતા પૃથ્વીરાજ સાથે વાત કરતાં કહ્યું કે, આ પ્રકારનાં કાર્ટૂન બનાવવા તેમની આદત છે.

એ કાર્ટૂન ગયા સપ્તાહે સમાચારોમાં રહેલી બળાત્કારની બે ઘટનાઓની ટીકા માટે બનાવવામાં આવ્યું હતું.

ભારતના વહિવટ હેઠળના કાશ્મીરમાં કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના આરોપીઓના સમર્થનમાં આયોજિત રેલીમાં ભાજપના બે મંત્રીઓએ ભાગ લીધા બાદ આખા દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો.

શું તમે આ વાંચ્યું?

એ જ રીતે ઉત્તર પ્રદેશા ઉન્નાવ જિલ્લાની એક યુવતીએ ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી.

સ્વાતિ વડલામુડીએ બીબીસીને કહ્યું છે કે બન્ને ઘટનાઓમાં દેશમાં સત્તાધારી પક્ષ ભાજપનાં જ લોકો શામેલ છે.

પછી ભલે તેના નેતાઓએ અપરાધ કર્યો હોય કે પછી ભાજપના સમર્થકોએ આરોપીઓનું સમર્થન કર્યું હોય.

તેમણે કહ્યું કે, જે લોકોએ આરોપીઓનો બચાવ કર્યો અથવા એ નિર્દોષ હોવાનો દાવો કર્યો એ લોકો પોતાની જાતને રામ ભક્ત કહે છે.

સ્વાતિ વડલામુડી કહે છે કે આ અપરાધોની બિભત્સતાને જોઈ તે વિચારમાં પડી ગયાં હતાં કે આ કહેવાતા રામ ભક્તોએ સીતાનું અપહરણ કર્યું હોય તો શું થયું હોત?

કાર્ટૂન છપાયા બાદ તેમને ઇન્ટરનેટ પર ઘણી ધમકીઓ મળી. ઘણા લોકોએ તેમની ધરપકડ કરવાની પણ માગણી કરી છે.

ધમકીઓમાં ગૌરી લંકેશની હત્યાનો ઉલ્લેખ

કેટલીક ધમકીઓમાં કટ્ટર હિંદુત્વની ટીકા કરવા માટે ચર્ચાસ્પદ બનેલાં પત્રકાર ગૌરી લંકેશનો પણ ઉલ્લેખ હતો, જેમની હત્યા કરી દેવામાં આવી હતી.

સ્વાતિ વડલામુડી કહે છે કે તેમને ધમકીઓ મળ્યા બાદ તેમનો પરિવાર ખૂબ ચિંતિત છે.

તેમણે કહ્યું, "ધમકીઓ મળ્યા બાદ હું રાત્રે ઊંઘી પણ નથી શકતી."

પોલીસે એક દક્ષિણપંથી સમૂહની ફરિયાદ છે કે તેનાથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓ ઘવાઈ છે.

મહિલા સંગઠનો અને ભારતીય પત્રકાર સંઘે સ્વાતિને મળતી ધમકીઓને પ્રેસ ઉપર થતો હુમલો ગણાવ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કટ્ટર હિંદુત્વની ટીકા કરનારા પત્રકારોને સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો છે.

કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ નામની એક બિન સરકારી સંસ્થા અનુસાર, ભારતમાં વર્ષ 1992થી અત્યાર સુધી પોતાનું કામ કરી રહેલા 27 પત્રકારોની હત્યા થઈ ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો