કઠુઆ, ઉન્નાવ મામલે બોલ્યા મનમોહનસિંહ, 'મને સલાહ આપી હતી તેનો ખુદ અમલ કરે મોદી'

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર મામલે વડાપ્રધાન મોદીના મૌન પર સવાલો કર્યા છે.

તેમણે કહ્યું છે કે મોદીએ તેમને ક્યારેક જે સલાહ આપી હતી તેના પર ખુદ અમલ કરે અને આવા મુદ્દાઓ પર કંઈક બોલે.

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ વાત કરી હતી.

તેમણે કહ્યું, "તેમને એ વાત પર ખુશી છે કે લાંબા સમય સુધી મૌન ધારણ કર્યા બાદ વડાપ્રધાન મોદી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર કશુક બોલ્યા. "

13 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતની દીકરીઓને ન્યાય મળશે અને દોષીતોને છોડવામાં નહીં આવે.

ભાજપની મજાક પર શું કહ્યું?

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે મનમોહન સિંહને પૂછવામાં આવ્યું કે ભાજપ તેમની 'મૌનમોહન સિંહ' કહેતો હતો.

તેના જવાબમાં મનમોહન સિંહે કહ્યું, "તેમને આ ટિપ્પણીનો તેમના સમગ્ર જીવન દરમિયાન કરવો પડ્યો હતો."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું, "વડાપ્રધાન મોદી જે મને સલાહ આપતા હતા, તેના પર હવે ખુદે અમલ કરવો જોઈએ. તેમણે આવા મુદ્દાઓ પર બોલવું જોઈએ."

"મીડિયા દ્વારા મને જાણવા મળ્યું કે મારા ના બોલવા પર મોદી મારી ટીકા કરતા હતા. તેમણે હવે મને ખુદને આપેલી સલાહ પર અમલ કરવો જોઈએ."

તેમણે કહ્યું કે આ મામલે મોદી વહેલા બોલ્યા નહીં તેથી લોકો માનવા લાગ્યા કે દોષીતો સામે કડક પગલાં લીધા વિના જવા દેવાશે.

નિર્ભયા કાંડ મામલે શું કહ્યું?

નિર્ભયા કાંડ મામલે વાત કરતાં તેમણે કહ્યું કે 2012માં થયેલા નિર્ભયા બળાત્કાર વખતે તેમની સરકાર અને કોંગ્રેસ પક્ષે તાત્કાલિક પગલાં લીધા હતા અને બળાત્કારના કાયદામાં જરૂરી સંશોધન પણ કર્યું હતું.

કઠુઆ મામલે બોલતા તેમણે કહ્યું, "જમ્મૂ-કશ્મીરના મુખ્યમંત્રીએ આ મામલાને વધારે ગંભીરતાથી લેવો જોઈતો હતો."

"તેમણે શરૂઆતથી જ આ મામલો પોતાના હાથમાં રાખવો જોઈતો હતો. બની શકે કે તેમના પર સહયોગી ભાજપનું દબાણ રહ્યું હશે. ખાસ કરીને એ વાતે કે ભાજપના બે પ્રધાનો બળાત્કારીઓના સમર્થનમાં આવ્યા હતા."

તેમણે કહ્યું કે ભાજપની સરકાર કાયદા વ્યવસ્થા, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા, મુસ્લિમોની હત્યા અને દલિતોના ઉત્પીડન મામલે કંઈ કરી રહી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો