You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સંસદને સૌથી વધુ હસાવનારા ઇંદિરા ગાંધી વખતના મોદી!
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
સીત્તેરના દાયકામાં પીલૂ મોદીએ ભારતીય સંસદને જેટલી હસાવી હતી એટલી કદાચ બીજા કોઈએ હસાવી નહીં હોય.
કોંગ્રેસના સંસદસભ્ય કે. સી. જૈનને પીલૂ મોદીના વકતવ્ય દરમ્યાન વારંવાર ખલેલ પાડવાની આદત હતી.
એક દિવસ પીલૂ મોદી તેમના પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે જૈનને કહ્યું હતું, "સ્ટોપ બાર્કિંગ." મતલબ કે ભસવાનું બંધ કરો.
પીલૂ મોદીએ આટલું કહેતાંની સાથે જ જૈન રોષે ભરાયા હતા અને બરાડ્યા હતા, "અધ્યક્ષ મહોદય, પીલૂ મોદી મને કૂતરો કહી રહ્યા છે. આ અસંસદીય ભાષા છે."
એ સમયે હિદાયતઉલ્લાહ ગૃહના અધ્યક્ષ હતા. તેમણે આદેશ આપ્યો હતો કે પીલૂ મોદીએ જે પણ કહ્યું છે તેને રેકોર્ડ પર લેવાશે નહીં.
તેમ છતાં ચૂપ રહે તે પીલૂ મોદી નહીં. તેમણે કહ્યું હતું, "ઓલરાઈટ. ધેન સ્ટોપ બ્રેયિંગ." એટલે કે (ગધેડાની માફક) ભૂંકવાનું બંધ કરો.
જૈનને બ્રેયિંગ શબ્દના અર્થની ખબર ન હતી. તેથી તેઓ ચૂપ રહ્યા હતા અને એ શબ્દ રાજ્યસભાની કાર્યવાહીની નોંધમાંથી આજે પણ કાઢવામાં આવ્યો નથી.
સીત્તેરના દાયકામાં ભારતમાં જે કંઈ પણ ખોટું થતું હતું એ માટે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ પર દોષારોપણ કરવાની ફેશન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીલૂ મોદી આગળપાછળનો વિચાર કર્યા વિના પોતાના ગળામાં એક પ્લેકાર્ડ લટકાવીને પહોંચ્યા હતા. તેમાં લખ્યું હતું, "હું સીઆઈએનો એજન્ટ છું."
પીલૂ મોદીને નજીકથી ઓળખતા ભૂતપૂર્વ પ્રધાન આરિફ મોહમ્મદ ખાન કહે છે, "પીલૂની ખૂબી એ હતી કે તેઓ તેમની જાત પર પણ મજાક કરતા હતા."
"પોતાને પણ બાકાત રાખવામાં ન આવે એ અસલી હાસ્ય હોય છે."
"પોતે સીઆઈએના એજન્ટ હોવાનું પ્લેકાર્ડ ગળામાં પહેરીને પીલૂ મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા તેની પાછળનું કારણ આ જ હતું."
'ઝિંદાદિલ માણસ'
જોકે, પીલૂ મોદીના મજાકિયા સ્વભાવનો અર્થ એવો નથી કે તેમનામાં ગંભીરતા ન હતી.
પીલૂ મોદી સાથે ગાઢ સંબંધ ધરાવતા પત્રકાર વિજય સંઘવીએ કહે છે, "હું પીલૂ મોદીને ઝિંદાદિલ માણસ ગણું છું. તેઓ બહેતર વિનોદી વ્યક્તિ હતા, પણ રાજકારણ બાબતે ગંભીર હતા."
"તેમણે તેમના પક્ષનો લોકદળમાં વિલય કર્યો ત્યારે ચૌધરી ચરણસિંહને કહ્યું હતું કે ચૌધરી સાહેબ આપણે સૌથી પહેલાં તો ગામડાંઓમાં જાહેર સંડાસ બનાવવાં જોઈએ."
"એ સાંભળીને ચરણસિંહ હસવા લાગ્યા હતા અને તેમણે કહ્યું હતું કે પીલૂ, તમે કેવી વાત કરી રહ્યા છો?"
"પીલૂ મોદીએ તેમને કહ્યું હતું કે ચૌધરીસાહેબ, તમે ગામમાં મોટા જરૂર થયા છો પણ જાહેર સંડાસના અભાવે ભારતની ગરીબ મહિલાઓનો શારીરિક બાંધો નબળો હોય છે, જે તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે."
"એ સાંભળીને ચૌધરી ચરણસિંહને લાગ્યું હતું કે પીલૂ મોદી બહુ ગંભીર વ્યક્તિ છે."
"ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન બન્યા ત્યારે પીલૂ મોદીએ તેમને એકવાર કહી દીધું હતું કે તમારા માટે તો હિંદુસ્તાન માત્ર ઝાંસી સુધીનું જ છે. તેનાથી આગળની તમને કંઈ ખબર નથી."
રાજકીય રીતે ઇંદિરા ગાંધીના વિરોધી હોવા છતાં વ્યક્તિગત સ્તરે પીલૂ મોદી અને ઇંદિરા ગાંધી એકમેકને બહુ પસંદ કરતા હતા.
વિજય સંઘવી કહે છે, "ઇંદિરા અને પીલૂ બહુ સારા દોસ્ત હતા. પીલૂ મોદી સંસદમાં ભાષણ કરવાના હોય ત્યારે ઇંદિરા અચૂક હાજર રહેતાં હતાં."
"ભાષણ સાંભળ્યા બાદ ઇંદિરા જાતે ચિઠ્ઠી લખીને પીલૂ મોદીને જણાવતાં હતાં કે તમે બહુ સારું ભાષણ કર્યું."
"પીલૂ મોદી એ ચિઠ્ઠીનો પ્રત્યુત્તર પાઠવતા હતા અને અંતે લખતા હતા-પીએમ."
એક વખત પીલૂ મોદી અને ઇંદિરા ગાંધી વચ્ચે નોંકઝોંક ચાલતી હતી. એ વખતે પીલૂ મોદીએ તેમને કહ્યું હતું કે "આઈ એમ અ પર્મનન્ટ પીએમ (પીલૂ મોદી), બટ યુ આર ઑન્લી ટેમ્પરરી પીએમ (પ્રાઈમ મિનિસ્ટર)."
એ સાંભળીને ઇંદિરા હસવા લાગ્યાં હતાં.
'ઇંદિરા જાતે ચા બનાવી મોદીને આપતાં'
આરિફ મોહમ્મદ ખાન કહે છે, "1969માં કોંગ્રેસમાં ભાગલા પડ્યા એ વખતે ઇંદિરા પીલૂ મોદીને વારંવાર બોલાવતાં હતાં."
"પીલૂ મોદીએ મને જણાવ્યું હતું કે ઇંદિરા ગાંધીએ તેમને અઠવાડિયામાં ત્રણ વખત સ્લીપ મોકલીને સંસદમાંની વડાપ્રધાનની ઓફિસે મળવા બોલાવ્યા હતા."
"એ વખતે ઇંદિરા ગાંધીની સરકાર લઘુમતીમાં હતી. કોંગ્રેસમાં વિભાજનને કારણે ઇંદિરા કેટલાક વિરોધ પક્ષનો ટેકો મેળવવા ઇચ્છતાં હતાં."
"તેઓ જાતે ચા બનાવીને પીલૂ મોદીને આપતાં હતાં."
"ઇંદિરા ગાંધીએ ત્રીજીવાર મળવા બોલાવ્યા ત્યારે પીલૂ મોદીએ ઇન્કાર કર્યો હતો."
"એ પછી મુલાકાત થઈ ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે પીલૂ તમે મળવા કેમ ન આવ્યા?"
"એ સવાલના જવાબમાં પીલૂ મોદીએ જણાવ્યું હતું કે તમારું વ્યક્તિત્વ એટલું આકર્ષક છે કે ત્રીજીવાર તમને મળવા આવ્યો હોત તો તમને ટેકો આપવા લાગ્યો હોત."
"ઇંદિરા ગાંધીને આ વાત માત્ર પીલૂ મોદી જ કહી શકે."
સંસદમાં મહત્ત્વના મુદ્દે ચર્ચા ચાલતી હોય ત્યારે ઇંદિરા ગાંધી ક્રૉસવર્ડ પઝલ ઉકેલતાં હોય છે એ વાતની ખબર એક દિવસ પીલૂ મોદીને પડી હતી.
એ વિશે વાત કરતાં વિજય સંઘવી કહે છે, "ઇંદિરા ગાંધી ચાર વાગ્યે સંસદમાં પ્રવેશતાં ત્યારે તેમના હાથમાં ઇવનિંગ ન્યૂઝની ક્રૉસવર્ડ પઝલ અચૂક જોવા મળતી હતી."
"સંસદમાં ઇંદિરા જ્યાં બેસતાં હતાં તેની બરાબર સામે જ પત્રકારો માટેની ગેલેરીમાં મારી બેઠક હતી. ઇંદિરા શું કરી રહ્યાં છે એ હું સ્પષ્ટ જોઈ શકતો હતો."
"મને ઇંદિરા ગાંધીની બહુ ઈર્ષા થતી હતી કારણ કે મને પણ ક્રૉસવર્ડ પઝલ ઉકેલવાનો શોખ હતો, પણ હું પત્રકારોની ગેલેરીમાંથી ચાર વાગ્યે બહાર જઈ શકતો ન હતો."
"મેં આ વાત પીલૂ મોદીને જણાવી હતી. તેમણે મને કહ્યું હતું કે ઇંદિરા હવે પછી સંસદમાં ક્રૉસવર્ડ પઝલ ઉકેલતાં હોય ત્યારે તમે મને જણાવજો."
ઇંદિરાની ક્રોસવર્ડ પઝલ બંધ કરાવી
"એ પછી એક વખત ઇંદિરા ગાંધીએ સંસદમાં ક્રૉસવર્ડ પઝલ ઉકેલવાનું શરૂ કર્યું, ત્યારે મેં પીલૂ મોદીને ઇશારા મારફત જણાવ્યું હતું."
"પીલૂ મોદી તરત જ ઊભા થયા હતા અને કહ્યું હતું કે સર, પૉઇન્ટ ઑફ ઑર્ડર."
"એ સાંભળીને સ્પીકર સંજીવ રેડ્ડીએ કહ્યું હતું કે વૉટ પૉઇન્ટ ઑફ ઑર્ડર? ગૃહમાં અત્યારે કોઈ બાબતની ચર્ચા ચાલતી નથી."
"પીલૂ મોદીએ સ્પીકરને સવાલ કર્યો હતો કે કોઈ સંસદસભ્ય સંસદમાં ક્રૉસવર્ડ પઝલ ઉકેલી શકે?"
"એ સાંભળીને ઇંદિરા ગાંધી ક્રૉસવર્ડ પઝલ ઉકેલતાં અટકી ગયાં હતાં."
"ત્યાર બાદ ઇંદિરા ગાંધીએ પીલૂ મોદીને ચિઠ્ઠી લખીને પૂછ્યું હતું કે તમને ખબર ક્યાંથી પડી? જવાબમાં પીલૂ મોદીએ જણાવ્યું હતું કે મારા જાસૂસ દરેક જગ્યાએ છે."
1975માં કટોકટી વખતે વિરોધપક્ષના અન્ય નેતાઓની માફક પીલૂ મોદીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રોહતક જેલમાં મોકલી દેવાયા હતા.
રોહતક જેલમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે ત્યાં પીલૂ મોદીને અનુકૂળ હોય એવું ટૉઇલેટ ન હતું.
પીલૂ મોદીને નજીકથી ઓળખતાં 'સેમિનાર' સામયિકનાં તંત્રી માલવિકા સિંહે 'પર્પેચ્યૂઅલ સિટી-અ શોર્ટ બાયૉગ્રાફી ઓફ દિલ્હી' નામનું પુસ્તક લખ્યું છે.
માલવિકા સિંહે એ પુસ્તકમાં લખ્યું છે કે "પીલૂ મોદીને 1975ની 26 જૂને રોહતક જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલમાં પશ્ચિમી શૈલીનું કમોડ ન હતું અને પીલૂ મોદી માટે એ મોટી સમસ્યા હતી."
"તેમણે ઇંદિરા ગાંધીને સંદેશો મોકલીને પોતાની તકલીફની વાત જણાવી હતી."
"ઇંદિરા ગાંધીને એ સંદેશો મળ્યાની સાંજે જ સંડાસમાં બન્ને બાજુ સિમેન્ટનું પ્લેટફૉર્મ બનાવવામાં આવ્યું હતું, જેથી પીલૂ મોદીને ટૉઇલેટ જવામાં તકલીફ ન થાય."
"ઇંદિરા ગાંધીના વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલવા છતાં તેઓ તેમની સાથે સંપર્કમાં રહેતાં હતાં."
રોહતક જેલનો એક રસપ્રદ કિસ્સો વિજય સંઘવીએ પણ સંભળાવ્યો હતો.
યજમાનીમાં ઉત્તમ
વિજય સંઘવી કહે છે, "પીલૂ મોદીને જેલમાં ગોંધવામાં આવ્યા ત્યારે તેમના ત્રણ કૂતરાઓને તેમને મળવા લઈ જતો હતો."
"એ ત્રણ પૈકીના સૌથી નાના કૂતરાનું નામ છોટુ હતું. ત્રણેય કૂતરાનો દેખાવ ખતરનાક હતો. તેમને જોઈને જેલના પહેરેદારો નાસી જતા હતા. પછી હું અને પીલૂ એકલા બેસીને વાતો કરતા હતા."
"મને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે બહાર જે કંઈ ચાલતું હતું તેની ખબર પીલૂ અને અન્ય કેદીઓ સુધી પહોંચતી હતી."
"હું પીલૂ મોદી માટે ખાદ્યસામગ્રી અને બહુ બધાં પુસ્તકો પણ લઈ જતો હતો."
પીલૂ મોદી ઉત્તમ યજમાન હતા. તેમની પાર્ટીઓમાં સામેલ થવા મળે એ બાબતને લોકો પોતાનું સદભાગ્ય માનતા હતા.
વિખ્યાત પત્રકાર સુનીલ સેઠી એવા સદભાગીઓ પૈકીના એક છે.
સુનીલ સેઠી કહે છે, "કટોકટીની જાહેરાત કરવામાં આવી એ પહેલાં હું સંસદની કાર્યવાહીનું રિપૉર્ટિંગ કરતો હતો."
"મેં પીલૂ મોદીનો અનેકવાર ઇન્ટર્વ્યૂ કર્યો હતો. એક-બે વખત તેમણે મને તેમના ઘરે જમવા પણ બોલાવ્યો હતો."
"તેઓ સફેદ ઝભ્ભો-લેંઘો કાયમ પહેરતા હતા અને તેના પર શાલ ઓઢતા હતા. તેમની મહેમાનગતિને કોઈ ભૂલી ન શકે. "
"પારસી હોય, યુરોપિયન હોય કે હૈદરાબાદી હોય, તેઓ અદભૂત ભોજન જમાડતા હતા. તેમને ખાવાના શોખીન હતા."
"ટૂંકમાં તેઓ શોખીન અને રંગીન મિજાજના માણસ હતા. તેમણે દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી આર્કિટેક્ચરના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા."
ભુટ્ટો સાથેની મિત્રતા
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પીલૂ મોદીના ગાઢ દોસ્ત હતા. તેઓ મુંબઈમાં સાથે મોટા થયા હતા અને અમેરિકામાં સાથે ભણ્યા પણ હતા.
ઝુલ્ફિકાર અલી ભુટ્ટો 1972ના જુલાઈમાં સિમલા કરાર પર સહી કરવા ભારત આવ્યા ત્યારે તેમણે પીલૂને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પીલૂ તેમને મળવા સિમલા પહોંચ્યા હતા. સિમલા વાતચીતની દિલચસ્પ બાબતોની વાતો પીલૂએ તેમના પુસ્તક 'ઝુલ્ફિ માય ફ્રેન્ડ'માં જણાવી છે.
પુસ્તકમાં પીલૂ મોદીએ લખ્યું છે, "બિલિયર્ડઝ રૂમનો દરવાજો એક ક્ષણ માટે થોડો ખુલ્યો ત્યારે જોવા મળેલું દૃશ્ય કેમેરામાં કેદ કરવા જેવું હતું."
"એ વખતે અનેક ફોટોગ્રાફરો ત્યાં હાજર હોવા છતાં કોઈ એ ક્ષણને કેમેરામાં કેદ કરી શક્યું ન હતું."
"મેં જોયું હતું કે જગજીવન રામ બિલિયર્ડ્ઝ ટેબલ પાસે બેઠા હતા અને ઇંદિરા ગાંધી સિમલા કરારના મુસદ્દાને ઝીણવટપૂર્વક વાંચતાં હતાં."
"યશવંતરાવ ચવાણ અને ફકરુદ્દીન અલી અહમદ ટેબલ પર ઝૂકેલા હતા અને એ બધાને અમલદારો ઘેરી વળ્યા હતા."
"ભુટ્ટો અને ઇંદિરા ગાંધી પોણા અગિયાર વાગ્યે કરાર પર સહી કરવા તૈયાર થયાં ત્યારે ખબર પડી હતી કે હિમાચલ ભવનમાં એકેય ઇલેક્ટ્રૉનિક ટાઇપરાઇટર નથી."
"ઓબરોય ક્લાર્કસ હોટેલમાંથી ઉતાવળે ઇલેક્ટ્રૉનિક ટાઇપરાઇટર લાવવામાં આવ્યું ત્યારે ખબર પડી હતી કે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ પાસે તેમની સરકારી મહોર નથી."
"એ સરકારી મહોર પાકિસ્તાનના એક પ્રતિનિધિ મંડળના સામાન સાથે અગાઉ પરત મોકલી દેવામાં આવી હતી."
"આખરે સરકારી મહોર માર્યા વિના સિમલા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા."
"કરાર થયા એ પહેલાં કેટલાક અધિકારીઓને મેં ટેબલક્લૉથ બિછાવવાનો પ્રયાસ કરતા નિહાળ્યા હતા. દરેક અધિકારી ટેબલક્લૉથને પોતાની દિશામાં ખેંચી રહ્યો હતો."
"અધિકારીઓએ તમામ વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી વારંવાર કરી હતી, પણ સહી કરવાનો સમય આવ્યો, ત્યારે ભુટ્ટોની પોતાની કલમ ચાલી ન હતી. તેમણે કોઈ અન્યની કલમ વડે કરાર પર સહી કરી હતી."
પીલૂ મોદી સંસદમાં પ્રવચન કરતા ત્યારે તેમના વિરોધીઓ પણ તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. મજાક-મશ્કરી કરવાની તેમની આદત સૌને ગમતી હતી.
વિજય સંઘવી કહે છે, "અમે ઉપર પ્રેસ ગેલેરીમાં બેસતા હતા અને બૅન્ચ પછાડીને સંસદસભ્યોનું ધ્યાન ખેંચતા હતા."
"સંસદસભ્યો અમારા ભણી નજર કરે ત્યારે ઇશારા વડે વાત કરી લેતા હતા."
"એક વખત ડિપ્લૉમેટિક ગેલેરીમાં એક અત્યંત સુંદર કન્યા આવી હતી. એ વેનેઝુએલાની રાજદ્વારી અધિકારી હતી."
"ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શ્યામનંદન મિશ્રા સતત એ કન્યાને નિહાળતા હતા. પીલૂ મોદી દિનેશ સિંહ સાથે કંઈક વાત કરી રહ્યા હતા."
"મેં બૅન્ચ પછાડીને તેમનું ધ્યાન ખેંચ્યું હતું અને પહેલાં શ્યામનંદન મિશ્રા તરફ પછી ડિપ્લૉમેટિક ગેલેરી ભણી ઇશારો કર્યો હતો."
"પીલૂ મોદીએ બૂમ પાડીને કહ્યું હતું કે, શ્યામ, તમે શું કરી રહ્યા છો? શ્યામનંદન મિશ્રા શરમાઈ ગયા હતા."
"પછી તેમણે પીલૂ મોદીને પૂછ્યું હતું કે તમને કેવી રીતે ખબર પડી? પીલૂએ તેમને કહ્યું હતું કે એ હું તમને નહીં કહું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો