રજનીકુમાર પંડ્યાની કલમે બકુલ બક્ષીને શબ્દાંજલિ

    • લેેખક, રજનીકુમાર પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જૂના ફિલ્મ સંગીતના ઘાયલ લોકોને સારા કે માઠા કોઈ પણ પ્રસંગે પીડાની અભિવ્યક્તિ માટે ઉત્તમ હિંદી ગીતોનો આખો શબ્દભંડાર મનના આંગણમાં ઠલવાઈ જતો હોય છે.

આપણી દુઃખતી રગની ચાંપ એ શબ્દો બરાબર દબાવી દે છે અને એ સંદર્ભમાં મારા મનમાં આજે જે શબ્દ મનમાં ઉતરી આવ્યા તે છે 1952ની ફિલ્મ 'દાગ'ના ગીત 'કોઈ નહીં મેરા ઇસ દુનિયામેં" ગીતના ગાયક તલત મહમૂદના દર્દીલા સ્વરમાં પેશ થયેલા 'મૌસમ દુઃખોંકા' જેવા શબ્દો !

એ શબ્દો કાલે સાંજે મિત્ર બકુલ બક્ષીના અવસાનના સમાચાર એક મિત્રે આપ્યા, ત્યારે વીજળીના એક કડાકાની સાથે ચિત્તના આકાશમાં છવાઈ ગયા.

સવા-દોઢ વર્ષ પહેલાં દોસ્ત ચીનુ મોદીના અવસાનની ઘટના સાથે આ દુઃખની મોસમ બેસી ગઈ હતી (એ પહેલાં લાભશંકર ઠાકર પણ ગયા હતા).

એ પછી બહુ થોડા સમયે જ પરમ સખા તારક મહેતા અને પછી આ મેની 23 મીએ ગાઢ અને સમવયસ્ક મિત્ર વિનોદ ભટ્ટ લાંબી સફરે ઉપડી ગયા, વચ્ચે લેખક ઉજમશી પરમાર અને બીજા એક બે મિત્રોએ પણ ઉડાન ભરી.

નિરંજન ભગત પણ એ દિવસોમાં જ ગયા. મૃત્યુ સૌ કોઈને માટે અવિનાભાવી ઘટના છે પણ એનો શોક થવો એ પણ એવી જ અવિનાભાવી ઘટના છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સંગીતકાર સ્વ. અનિલ બિશ્વાસ વાતે વાતે કવિવર ટાગોરની એક પંક્તિ ટાંકતા હતા એનો અર્થ કંઈક એવો હતો કે 'ડાળી પરથી એક પીળું પર્ણ ખરે છે, ત્યારે એની બાજુમાં રહેલું એના જેવું જ બીજું પાંદડું પણ થર થર કંપે છે.'

બકુલ બક્ષી તો મારાથી ચારેક વર્ષ નાના હતા ( 'છે' લખવાના દિવસો ગયા!) અને તેથી મારું પાંદડું પણ થર થર ધ્રૂજી ઉઠે તે સ્વાભાવિક છે. પણ એની વાત કરવાની આ જગ્યા નથી.

હું યાદ કરું છું કે જ્યારે કોઈની પણ ઓળખાણ લીધા વગર એ ઇન્કમ ટેકસના સર્વોચ્ચ અમલદાર હોવા ઉપરાંત એક લેખક પણ છે એ જાણીને એમને મારા પાસપોર્ટના એક કામ માટે એમને મળવા ગયો હતો.

ચંદ્રકાંત બક્ષી સાથે મારી કોઈ જ દોસ્તી નહોતી એટલે એમનું નામ લેવાનો તો કોઈ સવાલ જ નહોતો પરંતુ કેવળ અક્ષરની ઓળખાણે જ પહોંચી ગયો હતો.

ચંદ્રકાંત બક્ષીના જલદ મિજાજથી હું જાણકાર એટલે આ નાનાભાઈનો મિજાજ પણ મેં એવો જ ચિંતવ્યો હતો અને એને માટે માનસિક બખ્તરી પણ ધારણ કરી લીધી હતી

પરંતુ આશ્ચર્ય, અને સુખદ આશ્ચર્ય એ વાતનું થયું કે એ તો દિવાલોને પણ કાન હોય તેમ માત્ર મને જ સંભળાય તેટલું ધીમું, ધીરું અને સૌમ્ય બોલતા હતા!

એમના સવાલો હતા પણ ઉલટતપાસ નહોતી. એક ડૉક્ટરની સમભાવી પૃચ્છા હતી. મારું કામ 'જીન્યુઇન' તો હતું જ એટલે એ થશે એ અંગે મને ચિંતા નહોતી, મારી એક માત્ર ચિંતા એની ધીમી ગતિ અંગે હતી. એમણે એ બરાબર સમજી લીધું.

સતત રણકતા ફોનની દે-માર વચ્ચે પણ એમણે પોતાની મદદનીશને બોલાવીને જરૂરી સૂચનાઓ આપી. બે જ દિવસમાં મારું કામ થઈ ગયું.

પરંતુ માત્ર આટલા મારા અંગત અને સ્વાર્થી અનુભવથી એમના વ્યક્તિત્વ વિષે કાયમી છાપ બાંધી લેવી યોગ્ય ના ગણાય.

એમની ખરી પરખ મને સાતેક વર્ષ પહેલાં શરૂ થયેલા મધુ રાયના 'મમતા' વાર્તા માસિક્ની પ્રારંભની બેઠકો વખતે થઈ.

અમારા એકબીજાની નજીક આવવાની ખરી શરૂઆત એ ગાળાથી થઈ.

સામયિક મધુ રાયની માલિકીનું હતું અને બધા અંતિમ નિર્ણયો એની મુન્સફી પર હતા પરંતુ એ લેતા પહેલા એમણે અમને બધાને મોકળે મને ચર્ચા કરવા દીધી.

મારા અને બકુલભાઈ ઉપરાંતના બીજા મિત્રો પણ એ મીટિંગોમાં હતા અને સૌ પોતપોતાના અભિપ્રાયો પૂરતા શાબ્દિક વજન સાથે વહેતા મુકતા.

હું પણ એમાં આવી જતો હોઇશ અને ક્યારેક બીજાની જેમ અકળાઈ પણ જતો હોઇશ, પણ બકુલભાઈ આ બધામાં નોખા તરી આવતા. એ સૌમ્યભાષી અને અનાગ્રહી હતા.

કોઈના મતનો વિરોધ કરવાનો હોય તો તે પણ એ એવી નજાક્તથી, કોઈને વાગી ના જાય તેની કાળજી રાખીને કરતા.

એમની સ્ટાઇલને હું 'બકુલીશ' સ્ટાઇલ કહેતો અને એ સ્વીકારીને એ બહુ મીઠું સ્મિત આપતા.

એમનું સાહિત્યિક પ્રદાન ઓછું નહોતું પણ મોટાભાઈ ચંદ્રકાંત બક્ષીના ઉત્તાપી તેજ આગળ એમના સૌમ્ય શીતળ તેજની પૂરતી નોંધ લેવાઈ નહીં.

તે પણ એટલે સુધી કે ગુજરાતી સાહિત્ય સભા જેવી 114 વર્ષ જૂની માતબર સાહિત્ય સંસ્થા દ્વારા અસલમાં તૈયાર થયેલા 'ગુજરાતના સારસ્વતો'ના બે અધિકૃત ડિરેક્ટરી કહેવાય તેવા લેખકોના પરિચય કોશમાં તેમના વિષે વિસ્તૃત નોંધ તો ઠીક પણ તેમનું નામ સુદ્ધાં નથી! બાકી તેમનું પ્રદાન નાનુંસુનું નથી.

તેમણે 160થી વધુ ગુજરાતી પુસ્તકો આપ્યાં છે, જેમાં કલ્ચર ફંડા, માર્કેટ ફંડા, અંજુમન, શબ્દોની સોનોગ્રાફી, ભાષા પશ્ચિમની-શબ્દો પૂર્વના, 1857, વિરાસત, કાંરવા, પડાવ, સરગમ, સંસ્કાર ગાથા, પ્રતિબંધ, અનેક રંગ, અવસર, બા-અદબ, રાગ અતીત, અસ્મિતાનો ચહેરો, રાજ દરબાર, તસવીર, મોનાલિસા, મજલિસ, વાર્તા સંગ્રહ 'ઑટોગ્રાફ' છે.

ઉપરાંત જીવન બદલી નાંખે તેવા પ્રેરણાત્મક 75 જેટલાં પુસ્તકો અને નિષ્ફળતાના ભયથી મુક્તિ અપાવે તેવા પ્રેરણાદાયી પુસ્તકોનો સમાવેશ થાય છે.

અંગ્રેજીમાં પણ 'ચાણકય સ્ટ્રેટેજી' નામનું પુસ્તક તેમણે આપ્યું છે. શબ્દ અને શબ્દવ્યુત્પત્તિ એ તેમનો પ્રિય વિષય હતો.

ચિત્રલેખામાં તેમની 'શબ્દોની સોનોગ્રાફી' કોલમ અતિ લોકપ્રિય બની રહી. તેઓ માનતા કે ગુજરાતી કે કોઈ પણ ભાષા બંધિયાર ના બની રહેવી જોઇએ.

તેઓ કહેતા કે જે ભાષા બહુ શુદ્ધ રહેવા માંગે તે મરી જાય, અંગ્રેજીએ વિશ્વભરના શબ્દો અપનાવ્યા છે તેના કારણે વિશ્વભાષા થઈ છે.

પંડિત, જંગલ, અવતાર, ગુરૂ, કર્મ, યોગા, મસાલા મુવિ શબ્દો અંગ્રેજી ભાષામાં હવે સ્વીકારાઈ ગયા છે એ તેમની આવી આવકારનીતિને આભારી છે.

1941ના જુનની બાવીસમીએ પાલનપુરમાં જન્મેલા આવા આપણા પ્રિય બકુલ કેશવલાલ બક્ષી કશી પણ લાંબી કષ્ટદાયક માંદગી વેઠ્યા વગર 14મી જુન 2018ના રોજ બ્રાહ્મમૂહુર્તે પરોઢે સાડા ચાર વાગ્યે હ્રદયરોગના હુમલાથી અવસાન પામ્યા.

તેઓ સદેહે હવે આપણી વચ્ચે નથી. પણ કવિ શોભિત દેસાઈની આ બે પંક્તિઓ એમના સંદર્ભે યથાર્થ નિવડે તેવી છે.

'સ્મરણના પર્દા ઉપર આજેય આવો છો તમે, ચક્ષુ દ્વારા તમને જોવાના દિવસ ચાલી ગયા'

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો