કાશ્મીર અંગે UN રિપોર્ટ: ભારતે પૂછ્યું, 'ઇરાદો શું છે?'

સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીરમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને તેની તપાસની વાત કહી છે. UNના રિપોર્ટ મુજબ ભારતની સાથેસાથે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પણ માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોના ઉચ્ચાયુક્ત ઝાયદ બિન રાદ અલ-હુસૈને કહ્યું કે તેઓ માનવાધિકાર કાઉન્સિલમાં તપાસ પંચની રચવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવશે.

જો આ તપાસ પંચ બને છે, તો કાશ્મીરમાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘનની સ્વતંત્ર તપાસ કરવામાં આવશે.

બીજી તરફ, ભારતે સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટને સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે અને રિપોર્ટના ઇરાદા અંગે સવાલ ઉઠાવ્યા છે.

'આ તદ્દન ખોટું વર્ણન છે'

ભારતના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ, 'પુષ્ટિ કર્યા વગરની સૂચનાઓ પર આધારિત અને પક્ષપાતપૂર્ણ' હોવાનું જણાવ્યું છે.

ભારતે કહ્યું કે આ તદ્દન ખોટું વર્ણન છે, જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કાશ્મીરમાં કથિત માવનાધિકારોના ઉલ્લંઘન પર સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને આવકાર્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતે કાશ્મીરમાં સૌથી વધુ સુરક્ષા દળો તહેનાત કર્યા છે અને વર્ષ 2016 ઘણા નાગરિકોના મૃત્યુ થયા છે.

અત્રે નોંધવું કે 1947માં વિભાજન બાદ કાશ્મીર મામલે બન્ને દેશો વચ્ચે વિવાદ છે અને ઘણી વખતે યુદ્ધની સ્થિતિનું પણ નિર્માણ થયું છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે કે તે આતંકવાદ વિરોધી કાનૂનનો દુરૂપયોગ શાંતિપૂર્ણ વિરોધ અને અસહમતિને ખતમ કરવા માટે નહીં કરે.

'સુરક્ષા દળોએ વધુ પડતો બળ પ્રયોગ કર્યો'

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, યુએનનો રિપોર્ટ મોટાભાગે ભારતના જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીત છે.

તેમાં જુલાઈ-2016થી એપ્રિલ-2018ની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ કાશ્મીરમાં 130થી 145 નાગરિક સુરક્ષા દળોના હાથે માર્યા ગયા છે.

આ દરમિયાન ચરમપંથીના હાથે 20 નાગરિકો માર્યા ગયા.

તેમાં લખ્યું છે કે 2016 બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોમાં સુરક્ષા દળોએ વધુ પડતો બળ પ્રયોગ કર્યો.

શું તમે આ વાંચ્યું?

રિપોર્ટ જાહેર કરવા પાછળનો ઈરાદો શું છે?

યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સુરક્ષા દળો પર કોઈ કેસ નથી ચાલતો, કેમ કે જમ્મુ-કાશ્મીરમાં તેમને 1990ના નિયમ હેઠળ વધુ અધિકારો પ્રાપ્ત છે.

ઝાયદે કહ્યું કે કથિત રૂપે જમ્મુ-કાશ્મીરમાં સામૂહિક કબરોની તપાસ થવી જોઈએ.

પરંતુ ભારતે આ તમામ બાબતો સમાવતા રિપોર્ટને ફગાવી દેતા કહ્યું કે આ રિપોર્ટ ખોટો છે, તે બદઈરાદાથી પ્રેરિત છે.

ભારતે સવાલ કર્યો છે કે આખરે આ રિપોર્ટ જાહેર કરવા પાછળનો ઇરાદો શું છે?

ભારતનું કહેવું છે કે પાકિસ્તાન ઉગ્રપંથીઓને તાલીમ આપીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવે છે.

પાકિસ્તાને શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે માનવાધિકારોનું ઉલ્લંઘન બન્ને તરફ થઈ રહ્યું છે.

પાકિસ્તાને કહ્યું કે તે પહેલાંથી જ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવતા માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે.

જ્યારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન પર યુએનના રિપોર્ટ પર પાકિસ્તાને કહ્યું કે તેના દ્વારા પ્રશાસિત કાશ્મીર સાથે ભારતીય કાશ્મીરની સરખામણી ન કરી શકાય.

કાશ્મીરના માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝે રિપોર્ટને આવકાર્યો છે. તેમણે રૉયટર્સને કહ્યું કે યુએનનો રિપોર્ટ કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની પુષ્ટિ કરે છે.

કાશ્મીરના અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારુખે પણ રિપોર્ટને આવકાર્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, "કાશ્મીરના લોકો સંયુક્ત રાષ્ટ્રના આભારી છે. ખાસકરીને માનવાધિકાર ઉચ્ચાયુક્ત ઝાયદ રાદ અલ હુસૈનનું આ સાહસપૂર્ણ પગલું પ્રશંસનીય છે. આશા છે કે આ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવશે."

ભારતે યુએનના રિપોર્ટ પર કહ્યું,"આ ઘણું તકલીફદાયક છે કે યુએનના રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુએને જેને પ્રતિબંધિત કર્યા છે, તેને હથિયારબંધ સમૂહ કહેવામાં આવ્યા છે અને ઉગ્રપંથીઓને લીડર્સ ઠેરવવામાં આવ્યા છે."

"આવું ત્યારે થયું છે જ્યારે યુએન આતંકવાદના વિરોધ કડક કાર્યવાહીની માગ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો