11 હસ્તધૂનન: હાથ મળ્યા અને સર્જાયો ઇતિહાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયનના કિમ જોંગ-ઉને એકબીજા સાથે સ્મિત સાથે હાથ મિલાવ્યા.

કિમ જોંગ અને ટ્રમ્પ પ્રથમ નેતા બની ગયા જેમણે બન્ને રાષ્ટ્રોના સર્વોચ્ચ પદ પર રહેતા મુલાકાત કરી હોય.

ઘણા લોકો માટે આ ઐતિહાસિક પળ હતી. પણ એવું તો શું છે કે મિત્રતાની આ સામાન્ય પળો એટલે કે હાથ મિલાવવું આટલી મહત્ત્વપૂર્ણ ઘટના બની ગઈ?

દિગ્ગજોમાં હાથ મિલાવવાનું પરિણામ હંમેશાં સારું જ નથી હોતું. પણ તે ઇતિહાસની મહત્ત્વની પળો તો બની જ જાય છે.

એક નજર આવા પ્રસંગો પર જેમાં હાથ મિલાવવામાં આવ્યા અને ઇતિહાસ બની ગયો.

1 - જ્યારે અટલ બિહારી વાજપેયી અને મુશર્રફે હાથ મિલાવ્યા...

વર્ષ 2004ના જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે 12મી સાર્ક શિખર બેઠક યોજાઈ હતી.

સાઉથ એશિયન ઍસોસિએશન ફોર રીજનલ કો-ઑપરેશન (સાર્ક)માં હાજરી આપવા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ત્રણ દિવસના પાકિસ્તાન પ્રવાસે ગયા હતા.

અહીં તેમણે દ્વિપક્ષીય બેઠક દરમિયાન શાંતિ અને આર્થિક પ્રગતિની આશા હેઠળ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.

આ બેઠક ઘણી ઐતિહાસીક ગણવામાં આવી હતી કેમ કે વર્ષ 2002માં ભારત-પાકિસ્તાન લશ્કરનો લાઇન ઑફ કન્ટ્રોલ અને સરહદ પર જમાવડો થઈ ગયો હતો.

એક રીતે બન્ને દેશ યુદ્ધની કગાર પર આવી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

શું તમે આ વાંચ્યું?

વર્ષ 2001માં ભારતની સંસદ પર આતંકી હુમલો થયો હતો. જેને લઈને બન્ને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા હતા.

અત્રે નોંધવું કે 1999માં કારગીલ યુદ્ધના કારણે પહેલાથી જ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં મોટી તિરાડ પડી ગઈ હતી.

તદુપરાંત સંસદ પર હુમલો અને ત્યારબાદ 2002માં સરહદ પર યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.

જોકે, કાઠમંડુમાં વર્ષ 2002માં 11મી સાર્ક શિખર બેઠકમાં વાજપેયી અને મુશર્રફે શાંતિ માટે હાથ મિલાવ્યા હતા.

પણ આ પછી ફરીથી સંબંધોને સુધારવા અને શાંતિ સ્થાપવા માટે વાજપેયીએ ઇસ્લામાબાદનો પ્રવાસ કર્યો હતો.

અહીં વાજપેયી અને મુશર્રફે શાંતિ માટે હાથમિલાવ્યા હતા.

2 - ચેમ્બરલિન અને હિટલર

22 સપ્ટેમ્બર 1938ની આ તસવીરમાં જર્મન સરમુખત્યાર ઍડોલ્ફ હિટલર અને બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન નેવિલ ચેમ્બરલિન જર્મનીમાં બોન પાસે સ્થિત ગોડસર્ગના હોટેલ ડ્રીસેનમાં હાથ મિલાવી રહ્યા છે.

ત્યારે ચેકેસ્લોવાકિયાનો ભાગ રહેલા સૂડટેનલૅન્ડ પર જર્મીનીના કબજા પર ચર્ચા માટે આ બન્ને નેતાઓએ મુલાકાત કરી હતી.

ચેમ્બરલિન એ વિશ્વાસ સાથે બ્રિટનથી પરત આવ્યા હતા કે તેમણે શાંતિ મેળવી લીધી છે પણ એક વર્ષ પછી ફરીથી બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું.

3 - ચર્ચિલ. ટ્રુમેન અને સ્ટાલિન

23 જુલાઈ, 1945ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ હૈરી ટ્રુમેન (વચ્ચે), બ્રિટનના વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલ (ડાબેથી) અને સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન (જમણેથી)એ પોટ્સડામ પરિષદ દરમિયાન એક બીજા સાથે હાથ મિલાવ્યા હતા અને તે પળ ઇતિહાસમાં નોંધાઈ ગઈ હતી.

બીજા વિશ્વ યુદ્ધના અંત પછી ત્રણેય નેતા યુરોપ અને ખાસ કરીને જર્મનીનું ભાવિ નક્કી કરવા મળ્યા હતા.

ફ્રાન્સના નેતા ચાર્લ્સ-દ-ગોલને આ સંમેલનમાં નહીં બોલાવવાની બાબત ચર્ચાનો વિષય રહી હતી.

4 - જોન્સન અને લૂથર કિંગ જુનિયર

2 જુલાઈ - 1964 : વૉશિંગ્ટન ડીસીના વાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન બી જોન્સને સિવિલ રાઇટ્સ એક્ટ પર હસ્તાક્ષર કર્યા બાદ માર્ટિન લૂથર કિંગ જુનિયર સાથે હાથ મિલાવી રહ્યા છે.

આ કાનૂનથી અમેરિકામાં રંગભેદ સમાપ્ત થઈ ગયો હતો અને વંશીય, રંગ, ધર્મ, લિંગ અથવા રાષ્ટ્રીયતાના આધારે રોજગારમાં ભેદભાવને પણ સમાપ્ત કરી દેવાયો હતો.

5 - માઓ અને નિકસન

21 ફેબ્રુઆરી - 1972 : સામ્યવાદી ચીનના નેતા, ચેરમેન માઓ ત્સે લુંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને ચીનની રાજધાની બિજિંગમાં હાથ મિલાવ્યા.

અમેરિકા અને ચીન વચ્ચે 23 વર્ષ સુધી સંબંધો ખરાબ રહ્યા બાદ નિક્સને ચીનનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો.

બન્ને દેશ વચ્ચે સ્થાપિત નવા સંબંધો માત્ર અવિશ્વાસ અને વર્ષોથી ચાલતી દુશ્મનીનો જ અંત નહીં લાવ્યો પરંતુ દાયકાઓ સુધી ચાલનારા વેપાર સમજૂતી માટેનો માર્ગ પણ ખોલી દીધા.

6 - મિખાઇલ ગોર્બાચોવ અને અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન

6 - નવેમ્બર- 1985 : સોવિયેત પ્રીમિયર મિખાઇલ ગોર્બાચોફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને એકબીજા સાથે હાથ મિલાવ્યા.

આ તસવીર સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં તેમની પ્રથમ મુલાકાત વેળા લેવામાં આવી હતી.

આ સમયે શીત યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું.

7 - થેચર અને મન્ડેલા

4 જુલાઈ- 1990 : લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર આફ્રિકાના નેશનલ કોંગ્રેસના નેતા નેલ્સન મન્ડેલા સાથે બ્રિટનના વડાપ્રધાન માર્ગરેટ થેચરે હાથ મિલાવ્યા તે વેળાની તસવીર.

એક સમયે થેચરે મન્ડેલાના એએનસી પક્ષને આતંકવાદી સંગઠન કહ્યું હતું.

1994માં મન્ડેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા.

8 - રોબિન અને અરાફાત

13 સપ્ટેમ્બર - 1993 : પેલેસ્ટાઇનના નેતા યાસિર અરાફાત અને ઇઝરાયલના વડાપ્રધાન યિત્સાક રોબિને વૉશિંગ્ટનમાં હાથ મિલાવ્યા હતા.

બન્ને નેતાઓ ઓસ્લો સમજૂતી પર હસ્તાક્ષર કરવાના સમારોહમાં સામેલ થયા હતા. તેને મધ્ય પૂર્વ શાંતિ સમજૂતી પણ કહેવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન વચ્ચે આ સમજૂતી કરાવી હતી.

9 - મૈકગિનીઝ અને બ્રિટનનાં ક્વીન

27 જૂન - 2012 : ઉત્તરી આયર્લૅન્ડના પ્રવાસ દરમિયાન બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ (દ્વિતિય)એ માર્ટિન મૈકગિનીઝ સાથે હાથ મિલાવ્યાં હતાં. તેઓ ત્યારે ક્ષેત્રિય નાયબ મંત્રી હતા.

ક્વીને બેલ્ફાસ્ટમાં આઈઆરએ કમાન્ડરમાંથી નેતા બનેલા મૈકગિનીઝ સાથે મુલાકાત કરી હતી.

બન્નેએ ગણતરીની સેકન્ડ માટે હાથ મિલાવ્યા હતા પરંતુ તેનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે.

પછીથી મૈકગિનીઝે કહ્યું હતું કે આ બેઠકમાં આયર્લૅન્ડ અને બ્રિટન તથા આયર્લૅન્ડના લોકો પરસ્પર સંબંધોને પરિભાષિત કરવાની ક્ષમતા હતી.

10 - ઓબામા અને કાસ્ત્રો

21 માર્ચ - 2016 : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં અને ક્યૂબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો હવાનાના રેવોલ્યુશન પૅલેસમાં હાથ મિલાવ્યો હતો.

ઓબામાં અમેરિકાના સો વર્ષના ઇતિહાસમાં ક્યૂબાનો પ્રવાસ કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.

બન્ને નેતાઓની મુલાકાત તો સારા રહી પણ રાઉલ કાસ્ત્રોએ ક્યૂબા પર અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો વિરોધ કરતા કહ્યું હતું કે આ પ્રતિબંધો ખતમ થવા જોઈએ નહીં તો તેને સામાન્ય વાત માની લેવામાં આવશે.

11 - સાંતોસ અને ટીમોશેન્કો

23 જૂન - 206 : કોલમ્બિયાના રાષ્ટ્રપતિ હવાન મેનવેલ સાંતોસ ગોરીલો ફાર્કના નેતા ટીમોશેન્કોના નામથી ચર્ચિત ટીમોલિયોન જિમેનેઝ સાથે હાથ મિલાવ્યા.

હનાવામાં આ શાંતિ મંત્રણા થઈ હતી. તેના યજમાન ક્યૂબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો હતા.

52 વર્ષથી ચાલતા સશસ્ર સંઘર્ષ સમાપ્તી માટે મજબૂત સંઘર્ષવિરામ સમજૂતી કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો