જળ વ્યવસ્થાપનમાં અવ્વલ ગુજરાતમાં પાણીની તંગી કેમ?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (નીતિ) આયોગના અહેવાલ અનુસાર ભારત પાણીની ઇતિહાસમાં ક્યારેય જોવી ન પડી હોય તેવી ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

ગુજરાતમાં પણ ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ, જેને પગલે સરકારે ખેડૂતોને સરદાર સરોવર ડેમ(નર્મદા)નું પાણી સિંચાઈ માટે નહીં આપવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

પરંતુ બીજી તરફ નીતિ આયોગના રિપોર્ટમાં જળ વિતરણ વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે છે.

આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશે જળ સંસાધન વ્યવસ્થાપન બાબતે સારું કામ કર્યું છે.

જળ વિતરણ વ્યવસ્થા માટેના કમ્પોઝીટ વૉટર ઇન્ડેક્સની યાદીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રનો ટોચના પાંચ રાજ્યોમાં સમાવેશ થાય છે.

જ્યારે સૌથી નબળું વ્યવસ્થાપન કરનારા પાંચ રાજ્યોમાં ઝારખંડ, હરિયાણા,ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશાનો સમાવેશ થાય છે.

ગુજરાત મોખરે છે તો પાણીની તંગી કેમ?

નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાતનું પ્રથમ સ્થાન છે પણ રાજ્યનું જળસંકટ અલગ ચિત્ર કેમ રજૂ કરે છે?

સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ અને પીપલના હિમાંશુ ઠક્કરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાણીની તંગી માટે મુખ્ય ત્રણ બાબતો જવાબદાર છે.

તેમણે કહ્યું, "ગુજરાતમાં જળ વિતરણ મામલે સરખું મેનેજમેન્ટ થયું નથી. નર્મદા ડૅમમાં પાણી ઓછું હોવા છતાં તેનો ઉપયોગ ચૂંટણીના પ્રચાર સમયે સંબંધિત વિસ્તારના ચૅકડેમ ભરવા માટે થયો હતો."

"ખરેખર આ ડૅમોમાં પાણી ક્યારે ભરવું તેનું માળખુ છે, પણ તેનું પાલન ન થયું. ચૂંટણી પરિણામ પછી તરત જ જાહેર કરવામાં આવ્યું કે નર્મદા ડૅમમાં પાણી ઓછું છે."

"બીજી બાબત 1990થી લોકભાગીદારી અને જનઅભિયાનથી કૂવા રિચાર્જ કરવા અને ચૅકડેમ બાંધવાની કામગીરી રાજ્યમાં થઈ હતી."

"વર્ષ 2002 સુધી આવી કામગીરી ચાલુ રહી પણ પછી તેમાં વિક્ષેપ થયો. ત્યાર પછી કેટલીક નાની-મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી. કેનાલ નેટવર્ક ઊભું કરવાની વાત થઈ."

'શહેરો અને ઉદ્યોગોને પાણી આપી દેવાયું'

"પરંતુ આજે પણ કેનાલનું કામ પૂર્ણ થયું નથી. સુજલામ-સુફલામ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે સીએજીનો રિપોર્ટ પણ આવ્યો હતો."

"ઉપરાંત શહેરો અને ઉદ્યોગોને પાણી આપી દેવાયું અને તેના જળ વિતરણના વ્યવસ્થાપનમાં ચૂક થઈ."

"આથી ગુજરાતમાં પાણીની સમસ્યા શરૂ થઈ. વધુમાં નીતિ આયોગના રિપોર્ટમાં વરસાદના પાણીના વ્યવસ્થાપનનું પરિબળ નથી."

"પાણી માટે વરસાદના પાણીના સંગ્રહ સંબંધિત વ્યવસ્થાપનનું ઘણું મહત્ત્વ હોય છે."

"નીતિ આયોગના રિપોર્ટમાં ઘણાં પાસાં ગણતરીમાં લેવાયાં નથી. તેમાં ખાસ પાણીની ક્વૉલિટી પર કોઈ વાત જ કરવામાં આવી નથી."

શું તમે આ વાંચ્યું?

બીજી તરફ જળ વિતરણ અને તેના કાર્યક્ષમ મેનેજમેન્ટ વિશે વાત કરતા રાજ્ય સરકારના જળ વ્યવસ્થાપન બાબતોના સલાહકાર બી એન નવલાવાલાએ કહ્યું, "રાજ્યમાં પાણીની સમસ્યાની વાત છે, તે સ્રોત સંબંધિત નહીં પણ તેના એક્સેસ(નેટવર્ક) સંબંધિત છે."

વધુમાં સૌરાષ્ટ્ર જળ ધારા ટ્રસ્ટના સ્થાપક મથુર સવાણીનું કહેવું છે કે ગુજરાતમાં કેટલાંક સ્થળોએ પાણીની સમસ્યા સર્જાઈ તેને સમગ્ર રાજ્ય સાથે સરખાવી ન શકાય.

પાણીની તંગીથી સરકાર મુશ્કેલીમાં મૂકાઈ હતી

અત્રે નોંધવું રહ્યું કે સિંચાઈ અને જળ વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન પરબત પટેલે પત્રકાર પરિષદ કરીને સિંચાઈ માટે ખેડૂતોને નર્મદાનું પાણી 15 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરી હતી.

રાજ્યમાં લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી.

જળ વિતરણ વ્યવસ્થામાં અવ્વલ ગુજરાતને આવું કેમ કરવું પડ્યુ? કેમ ગુજરાત તરસ્યું છે? વળી આ પ્રકારની સ્થિતિને સુધારવા માટે શું કરવું તે મહત્ત્વના સવાલ છે.

આયોગના રિપોર્ટમાં જણાવાયું છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વર્ષ 2030 સુધીમાં દેશમાં પીવાનાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે એમ છે.

અહેવાલ અનુસાર લગભગ 60 કરોડ ભારતીયો 'વૉટર સ્ટ્રૅસ'નો સામનો કરે છે. જ્યારે અપૂરતાં અને પ્રદૂષિત પાણીને કારણે દર વર્ષે લગભગ 2 લાખ લોકોનાં મૃત્યુ થાય છે.

રિપોર્ટમાં શું છે?

નીતિ આયોગના રિપોર્ટમાં જળ વિતરણ વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે છે.

રિપોર્ટ અનુસાર ગુજરાતનો કમ્પોઝીટ વૉટર ઇન્ડેક્સ 76 છે. કુલ 17 નોન-હિમાલયન રાજ્યોમાં 9 રાજ્યોનો કમ્પોઝીટ વૉટર ઇન્ડેક્સ સ્કોર 50 ટકાથી ઓછો છે.

જ્યારે હિમાલયન રાજ્યોમાં ત્રિપુરા 59 સ્કોર સાથે મોખરે છે, જ્યારે મેઘાલય 26 સાથે સૌથી તળિયે છે.

રિપોર્ટમાં ગુજરાતની લોક ભાગાદારી દ્વારા ચાલતા વૉટર સપ્લાય કાર્યક્રમને ઉદાહરણરૂપ માનવામાં આવ્યો છે.

જેમાં ગુજરાતના ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં સમુદાય-સરકારની ભાગીદારીથી જળ વિતરણ વ્યવસ્થાને સુગમ બનાવવામાં આવી છે.

રાજ્યના વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશને તેમાં નેતૃત્વ કર્યું છે.

તેમાં જળ વિતરણ સંપત્તિની જાળવણી અને કામગીરી સંબંધિત કાર્યો ગામ કે વિસ્તાર કરે છે. જેમાં તેનો ખર્ચ પણ સમુદાય અને સરકારી વિભાગ દ્વારા સંયુક્ત રીતે વહન કરાય છે.

રિપોર્ટ અનુસાર ગ્રામ્ય અને શહેર બન્નેમાં 100 ટકા ઘરો સુધી પીવાનું પાણી પહોંચ્યું હોવાનું તારણ આપવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં પાણી સમિતિની કામગીરીની ભૂમિકા મહત્ત્વની રહી હોવાનું કહેવાયું છે.

ગુજરાત કેમ મોખરે રહ્યું?

રિપોર્ટમાં ગુજરાત મોખરે કેમ રહ્યું તેના વિશે વાત કરતા મથુર સવાણીએ કહ્યું કે રાજ્યમાં જળ સંચય વિશે ઘણું કામ થયું છે, અને તેના પરિણામે ગુજરાતને રિપોર્ટમાં મોખરાનું સ્થાન મળ્યું છે.

તેમણે કહ્યું, "લોક ભાગીદારીથી જળ સંચય અંગે જાગૃતિ ઉપરાંત ગામડે ગામડે વરસાદના પાણીનો સંચય અને ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ ઘણો ફળદાયી રહ્યો છે."

"હજુ વધુ કામ કરવાની જરૂર છે, પણ સરકારના સહયોગ અને લોક ભાગીદારીથી પરિણામ સારું મળ્યું છે. જે આગળ વધતું રહેવું જોઈએ."

સૌરાષ્ટ્રને પાણીની તંગીથી બચાવવા માટે સૌરાષ્ટ્ર જળ ધારા ટ્રસ્ટના સ્થાપક મથુર સવાણી છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે.

તેમણે હજારો લોકોને આ માટે જાગૃત કરીને ગામે ગામ ખેત તલાવડી બનાવવા અને વરસાદનું પાણી બને તેટલું સંગ્રહ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.

વોટર મેનેજમેન્ટ વિશે તેમણે કહ્યું, "દરેક ખેડૂતને દેશી પદ્ધતિથી સિંચાઈનું પાણી આપવામાં આવે છે તેના કરતાં વ્યવસ્થિત કુંડી બનાવીને પાઇપલાઈન દ્વારા આપવું જેથી ટપક સિંચાઈનો સંપૂર્ણ અમલ કરી શકાય."

પીવાના પાણીની વ્યવસ્થા સુધારવા માટે તેમણે કહ્યું કે સ્થાનિક કક્ષાએ જરૂરી ફેરફાર કરવા જોઈએ. વધુમાં 'વેસ્ટ વૉટર'ને વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાઇકલ કરીને ફરીથી ખેતી-ઉદ્યોગ માટે વાપરવા જોઈએ.

વળી ગત ચોમાસામાં ગુજરાત-મધ્યપ્રદેશના નર્મદા કેચમેન્ટમાં નોંધાયેલા ઓછા વરસાદને કારણે સરદાર સરોવર ડેમના જળસ્તરની સપાટીમાં ઘટાડો થતા આ વખતે ઉનાળામાં સ્થિતિ મુશ્કેલજનક બની હતી.

વધુમાં અન્ય તળાવ, નાના ડૅમ અને જળાશયોમાં પાણી ઓછું થઈ જવું, જળસ્રોત સૂકાઈ જવા સહિતની સમસ્યાઓ રાજ્યમાં જોવા મળી છે.

બીબીસીની ટીમે કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કર્યા હતા જેમાં તળાવો સૂકાવાથી અને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળવાથી ખેડૂતોની સ્થિતિ મુશ્કેલ બની હોવાનું બહાર આવ્યું હતું.

ભૂગર્ભજળ મામલે હવે શુ થઈ શકે?

જળ વિતરણ અને તેના મેનેજમેન્ટ વિશે વાત કરતા બી એન નવલાવાલાએ કહ્યું કે, "જળ વિતરણના વ્યવસ્થાપનમાં ટોચનું સ્થાન એ કાર્યક્ષમ મેનેજમેન્ટ અને પદ્ધતિસરના આયોજનનું પરિણામ છે."

"નર્મદાના વિકલ્પ તરીકે કલ્પસર પર પણ કામ થઈ રહ્યું છે. અને ભવિષ્યમાં ઉદ્યોગ-ઘરોનાં પાણીને ફરીથી રિસાઇકલ કરીને વાપરવાની વ્યવસ્થા ઘણી ઉપયોગી પુરવાર થશે."

રિપોર્ટમાં ગ્રાઉન્ડવોટર (ભૂગર્ભજળ) માટે કોઈ ફ્રેમવર્ક નક્કી કરવા વિશેની ભલામણ વિશે તેમણે કહ્યું,"આ મામલે નિયમન સંબંધિત ફ્રેમવર્ક વિચારણા હેઠળ છે. પરંતુ આ પ્રકારનું જળ જમીનમાલિકના અધિકારમાં આવે છે."

"આથી તેને સંપૂર્ણ પ્રતિબંધિત ન કરી શકાય કે ન તેના પર મર્યાદા નક્કી કરી શકાય. નહીં તો સ્થિતિ વણસવાની શક્યતા રહી શકે."

"પરંતુ જમીનમાંથી પાણી ખેંચનારા લોકોને જાગૃત કરીને આ સમસ્યા નિવારી શકાય છે. ભૂગર્ભજળનો અતિશય ઉપયોગ ન થવો જોઈએ કે તેનાથી જમીનમાંથી પાણી જ ખતમ થઈ જાય."

પાણીની ગુણવત્તાના ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન

બીજી તરફ સમગ્ર ભારતની વાત લઈએ તો રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કુલ 75 ટકા ઘરોના પરિસરમાં પીવાનું પાણી પહોંચાડવાની સુવિધા નથી.

જ્યારે 84 ટકા ગ્રામ્ય ઘરોમાં પીવાના પાણીનું જોડાણ નથી.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દેશમાં 70 ટકા પાણી પ્રદૂષિત છે. પાણીની ગુણવત્તાની ઇન્ડેક્સ મામલે વિશ્વમાં ભારત 122 દેશોમાં 120મું સ્થાન ધરાવે છે.

વળી રિપોર્ટમાં કરવામાં આવેલી આગાહી મુજબ વર્ષ 2030 સુધી 40 ટકા વસતી પાસે પીવાનું પાણી નહીં હોય. જ્યારે વર્ષ 2020 સુધીમાં નવી દિલ્હી, બેંગ્લુરુ. ચેન્નાઈ અને હૈદરાબાદ સહિતના 21 શહેરોમાં ભૂગર્ભજળ ખતમ થઈ જશે.

જીડીપીને નુકસાન?

આ કારણે 10 કરોડ લોકોને તેની અસર થશે. આગાહી મુજબ જળસંકટને પગલે વર્ષ 2050 સુધીમાં જીડીપીમાં 6 ટકાનું નુકસાન થશે.

નવ થીમનું વિષયવાર વિશ્લેષણ, ઇન્ડિકેટર લેવલનું વિશ્લેષણ અને કેસ સ્ટડીઝના આધારે ઇન્ડેક્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કૃષિ સિંચાઈ મામલે જળ વિતરણની વ્યવસ્થાને સારી ગણવામાં આવી છે. જેમાં રાજ્યનો 35 ટકા ખેતી વિસ્તાર માઇક્રો-સિંચાઈ હેઠળ આવરી લેવાયો હોવાનું કહેવામાં આવ્યું હતું.

વળી ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં 100 ટકા લોકો સુધી પીવાનું પાણી પહોંચાડાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો