You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતનો ખેડૂત હવે મજૂરી શોધી રહ્યો છે
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
સાઠ વર્ષના જીભુભાઇ કોળી પટેલ છેલ્લા ચાલીસ વર્ષોથી ખેતીની આવક પર નિર્ભર છે, પરંતુ આજકાલ તેઓ બીજાના ખેતરોમાં મજૂરી કરતા કે પછી કડિયાકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા નજરે પડે છે.
જીભુભાઇ અને તેમના જેવા અનેક ખેડૂતોએ આ વખતે ગુજરાતના દેવાદાર ખેડૂતો બની ચૂક્યા છે.
કારણ, રવિપાક માટે કેનાલોમાં પાણી નથી. ગામડાંઓમાં ખેડૂતોનાં નિરાશ ચહેરાઓ હરહંમેશ કોઈ મજૂરીની શોધ કરતા નજરે પડે છે.
પાનનો ગલ્લો હોય, કે પછી ટાયર પંક્ચર રીપેર કરવાનું કાઉન્ટર, ટ્રેક્ટર ડ્રાઇવિંગ હોય કે પછી ફેક્ટરીના ચોકીદારની નોકરી હોય, ગુજરાતના ખેડૂતો આજકાલ આવા તમામ કામો કરતા નજરે પડે છે.
અમદાવાદના ગામડાંઓમાં ખેતીની સીઝન વખતે જે ધંધા રોજગાર વધે છે, તેની જગ્યાએ મોટાભાગના ખેડૂતો હવે શહેર તરફ મજૂરી કરવા માટે રીક્ષાઓ અને છકડાઓ ભરી ભરીને જતા જોવા મળે છે.
'મજૂરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી'
બાવળા તાલુકાના બલદાણા ગામના એક ખેડૂત ઘનશ્યામભાઈ વેગડા કહે છે કે, "પહેલા ક્યારેય ન થઈ હોય, તેવી ખરાબ પરિસ્થિતિ આ વર્ષે ખેડૂતોની થઈ છે.
"જગતનો તાત હવે મજૂરી શોધી રહ્યો છેખેડૂતોને પાક કરવા માટે પાણી નથી અને મજૂરી કરવા માટે કોઈ કામ નથી.
"અમારે શહેર જઈ મજૂરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
ઘનશ્યામભાઈ પાસે દસ વીઘાથી વધુ જમીન છે, પરંતુ તેમનો પાક પાણી ન હોવાને કારણે બળી ગયો છે.
જીભુભાઈ એક સામાન્ય ખેડૂત છે, તેમની પાસે એક વીઘો જમીન છે.
ચાલીસ વર્ષથી માત્ર ખેતીની આવક પર નભી રહેલા જીભુભાઈ એક માટીનાં ઝુંપડામાં રહે છે અને આજકાલ બીજા સમૃધ્ધ ખેડૂતોના ખેતરોમાં પાકને બોરથી ખેંચેલું પાણી આપવાનું કામ કરે છે.
દિવસના બસો રુપિયા કમાવવા પણ મુશ્કેલ
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમુક મોટા ખેડૂતો પાસે પોતાનો બોર કરવાના પૈસા હોય તો તેઓ બોરથી પાણી લઈ ખેતી કરે છે.
પરંતુ તમામ નાના ખેડૂતો પાસે તો દિવસના બસો રુપિયા કમાવવા પણ મુશ્કેલ છે.
ગુજરાત સરકારે ખેડૂતોને અપીલ કરી હતી કે ગુજરાતમાં પાણીની અછત હોવાને કારણે ખેડૂતોએ આ વર્ષે રવિપાક લેવો નહીં.
કેનાલોમાં પાણીની આવક જોઈ ઘણાં ખેડૂતોએ પાક લઈ લીધો હોત, પણ પાણીની આવક બંધ થતા પાક સૂકાઇ ગયા છે.
જીભુભાઈ અને ઘનશ્યામભાઈ જેવા અનેક ખેડૂતો હવે દેવાદાર થઇ ગયા છે.
જીભુભાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું. "અમારે હવે બેંકની લોન કેવી રીતે ભરવી, તે અમારા માટે એક મોટો પ્રશ્ન છે."
મુખ્યમંત્રી વિજય રુપાણીએ શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પત્રકારો સાથેની તેમની વાતચીત વખતે થોડા સમય પહેલાં કહ્યું હતું કે નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની અછત હોવાને કારણે આ વખતે નર્મદાનું પાણી ખેતી માટે મળી શકશે નહીં.
જો કે ખેડૂત નેતાઓ અને ખુદ ખેડૂતો આ વાતને તદ્દન ખોટી માની રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા, ખેડૂત નેતા સાગર રબારી કહે છે કે, "ચૂંટણી વખતે લોકોમાં ફીલ ગુડ ફેક્ટર લાવવા માટે અને ચૂંટણીનો પ્રચાર કરવા માટે ભાજપ સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો રાજકીય દુરુપયોગ કર્યો છે."
સાગર રબારી જેવા અનેક ખેડૂત નેતાઓ સરકાર પાસેથી પાણીનો હિસાબ માંગી રહ્યાં છે.
પાણીનો બેફામ ઉપયોગ
સાગર રબારીની વાત સાથે સહમત થતા જીભુભાઈ કહે છે કે, જ્યાં સુધી ચૂંટણી હતી, ત્યાં સુધી તેમના ખેતર પાસેથી નીકળતી ફતેહવાડી કેનાલમાં પાણી હતું, પણ ચૂંટણી પરિણામનાં બીજા જ દિવસથી પાણી બંધ થઈ ગયું હતું.
સાગર રબારી કહે છે કે જરુર ન હોવા ઉપરાંત ભાજપ સરકારે સાબરમતી રીવરફ્રન્ટમાં, તળાવોમાં, રણમાં, તેમજ સૌની યોજના માટે પાણીનો બેફામ ઉપયોગ કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનું કહેવું છે કે પાણીના મુદ્દા પર રાજકારણ રમાઈ રહ્યું છે.
પંડ્યા કહે છે કે, "ખેડૂતોની જરુરીયાત પ્રમાણે જ અગાઉ પાણી છોડવામાં આવ્યું હતું, આ પાણીનો ઉપયોગ અગાઉ ખેડૂતોએ સારો એવા પાક મેળવવા માટે કર્યો છે, અને આ પાણી વેડફાયું નથી."
તેઓ વધુમાં કહે છે ગુજરાતમાં હવે ખેડૂતો ત્રણ પાક લઈ શકે છે.
તળાવો સૂકાઈ ગયા
જો કે બીબીસી ગુજરાતીએ જ્યારે બાવળા તાલુકાના આદરોડા, રાણીયાપર, અમીપુરા, સભાસર, નાન્દ્રોડા, દેહગામડા, મટોડા જેવા ગામડાંઓની મુલાકાત લીધી હતી, તો દ્રશ્ય કંઇક જુદો હતો.
દરેક ગામડામાં ખેડૂતો શહેરોમાં મજૂરી પર જાય છે. તેમના ખેતરો સુકાંભઠ્ઠ પડ્યા છે.
તળાવો સુકાઈ ગયા છે, અને ઘરવપરાશના પાણીની પણ ખૂબ તંગી છે. બલદાણા ગામમાં દર ત્રીજા દિવસે ઘર-વપરાશ માટે પાણી મળે છે.
સામાન્ય રીતે આ વિસ્તારમાં ખેડૂતો રવિ પાક સ્વરુપે ઘઉંની ખેતી કરતા હોય છે.
જો કે જીભુભાઈનું કહેવું છે કે, આ વર્ષે તો ખેડૂતને જ માર્કેટમાંથી ઘઉં ખરીદીને લાવવા પડશે. બલાદાણા ગામના બસસ્ટેન્ડ ઉપર સવાર સાંજ મોટી સંખ્યામાં ખેડૂતો ટીફિન લઇને શહેર તરફ મજૂરીની શોધમાં જતા હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો