ટ્રેડ વૉર : અમેરિકાના દિલમાં ભારત માટે પ્રેમ કે ઝેર?

    • લેેખક, સુરંજના તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતની ધમકીઓ, ફરિયાદો અને અમેરિકન વસ્તુઓ પર કરમાં વધારો કરવાના નિર્ણય પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પને જાણે કે કોઈ ફરક પડતો નથી.

તેઓ પોતાના એ નિર્ણય પર અડગ છે, જેમાં તેમણે અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર ટૅક્સમાં વધારો કર્યો હતો.

સોમવારે વ્હાઇટ હાઉસમાં તેમણે સંવાદદાતાઓને કહ્યુ, "અમે બૅન્ક છીએ, જેમાંથી બધાં જ ચોરી કરવા અને લૂંટ કરવા માગે છે."

જાતે સર્જેલા ટ્રેડ વૉરમાં તેમણે ચીન, યુરોપિયન સંઘ અને દક્ષિણ અમેરિકન દેશોને પણ નિશાન પર લીધા છે.

ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધ રહ્યા છે, પણ આર્થિક બાબતોમાં હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ભારતને કોઈ વિશેષ મહત્ત્વ આપવા માગતા નથી.

ટ્રેડ વૉરની ટાટા પર અસર

સોમવારે તેમણે ભારતીય ઉત્પાદનો પર કરમાં વધારો કરવાના નિર્ણયને સાચો ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે અમેરિકન વસ્તુઓ અને ઉત્પાદનો પર 100 ટકા સુધીનો કર લાદી દીધો છે.

તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે અમેરિકાનું પ્રતિનિધિઓ મંડળ ભારતની બે દિવસીય મુલાકાત પર હતું.

વેપારી સંબંધોમાં સર્જાયેલી ગૂંચ ઉકેલવા માટે આ પ્રતિનિધિ મંડળ ભારતીય પ્રતિનિધિઓની મુલાકાત કરવા માટે આવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત કરાતા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ટૅક્સ વધારો કરી દીધો હતો, જેની સામે ભારતે બદામ, અખરોટ જેવા અમેરિકન ઉત્પાદનો પર ઇમ્પૉર્ટ ડ્યૂટી વધારી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજા દેશોની તુલનામાં અમેરિકામાં ભારતના સ્ટીલ અને ઍલ્યુમિનિયમની માગ ઓછી છે, પણ યુરોપિયન સંઘમાં રહીને વેપાર કરતી ટાટા સ્ટીલ જેવી કંપનીઓ ઘણાં અંશે આ નિર્ણયથી પ્રભાવિત થઈ છે.

ટાટાની કારનો વેપાર પણ ટ્રેડ વૉરમાંથી બાકાત નથી. ટ્રમ્પે યુરોપિયન સંઘથી આયાત થતી એસેમ્બલ્ડ કાર પર 20 ટકા ટૅરિફ લગાવવાની ધમકી આપી હતી, ત્યારબાદ એક દિવસમાં જ તેના શૅર 3.9 ટકા ઘટ્યા હતા.

ટાટા પોતાની જૅગ્યુઆર લૅંડ રોવર કારનું નિર્માણ બ્રિટનમાં અને વેંચાણ અમેરિકામાં કરે છે, ત્યારે ટ્રમ્પની ધમકી બાદ કારની નિકાસ પર અસર થશે.

જૅગ્યુઆર લૅંડ રોવર બ્રિટનની સૌથી મોટી ઑટો નિર્માતા કંપની છે, જે ટાટા મોટર્સનો સૌથી મોટો કારોબાર છે. તેની કુલ કમાણીમાં કંપનીનું યોગદાન 77 ટકા છે.

અમેરિકાને વાંધો

ભારત અને અમેરિકા વચ્ચે ફક્ત ટૅરિફના દરોમાં વધારો કરવો એ એકમાત્ર મુદ્દો નથી.

માર્ચમાં અમેરિકાએ ભારતીય નિકાસકારોને આપવામાં આવેલી છૂટનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.

અમેરિકાએ તેની વિરુદ્ધ વિશ્વ વેપાર સંગઠનમાં વાંધો નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે ભારતના સસ્તા સામાનથી અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એચ1બી વીઝાના નિયમોમાં પણ બદલાવ કર્યો છે, એટલે ભારતને ટ્રેડ વૉરની અસર નથી થતી એવું નથી.

ભારત માટે અમેરિકા મોટો વેપારી ભાગીદાર છે, બંને વચ્ચે 2017માં 126 અબજ ડૉલરનો વેપાર થયો હતો.

આવતાં વર્ષે ભારતમાં ચૂંટણી યોજાનાર છે ,એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા સાથે પોતાના સંબંધો મજબૂત જાળવી રાખવા પડશે.

નિકી હેલીની ભારત મુલાકાત

જીડીપીના આંકડા દર્શાવે છે કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ગયા ત્રણ મહિનામાં ચીનને પણ ટક્કર આપી છે.

સમસ્યા એ સર્જાઈ રહી છે કે ટ્રમ્પ અને મોદીએ ઉગ્રવાદીઓને ખતમ કરવાના લક્ષ્ય પર એક સાથે કામ કરવાની વાત કરી હતી.

ગત મહિને અમેરિકન સેનાએ પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કર્યું હતું.

અમેરિકાના અધિકારીઓ પ્રમાણે, આ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોનું પ્રતીક છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્રના અમેરિકન દૂત નિકી હેલી ભારત આવ્યાં હતાં.

તેમણે કહ્યું, "અમે આ સમયે ભારત અને અમેરિકાને સંબંધો સુધરે એ માટેના કારણો જોઈ શકીએ છીએ. હું અહીં ભારત સાથે સંબંધો મજબૂત કરવા માટે આવી છું. અમે ઇચ્છીએ છીએ કે ભારત સાથેનો અમારો સંબંધ વધારે મજબૂત થાય."

નિકી હેલી ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયામાં આ સંબંધનો લાભ પણ લીધો હતો. તેમને પોતાના સહયોગી દેશ ચીન અને ભારતને ઈરાનની મદદ કરવા પર રોક લગાવવા કહ્યું અને નવેમ્બર સુધી ત્યાંથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવા પણ કહ્યું હતું.

ચીન અને ભારત ઈરાનના મોટા આયાતકારો પૈકીના છે. અમેરિકાએ ઈરાન સાથેનો પોતાનો પરમાણુ કરાર રદ કરી દીધો હતો.

ભારતીય વિદેશમંત્રી અને રક્ષામંત્રીની જુલાઈમાં અમેરિકા મુલાકાત નક્કી થઈ હતી જે હવે રદ કરાઈ છે.

હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું ટ્રેડ વૉરના કારણે ભારત અને અમેરિકાના સંબંધો પહેલાં જેવા જ રહેશે કે ફરીથી સમીકરણ બદલાશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો