યોગીએ ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો, લોકોને મોદી યાદ આવ્યા

મગહરમાં કબીરની સમાધિના સ્થળે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તેમના અભિવાદન માટે આપવામાં આવી રહેલી ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ ઘટના એ સમયે બની હતી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુવારે થયેલા કાર્યક્રમની તૈયારીઓની પૂર્વ-ચકાસણી માટે યોગી આદિત્યનાથે મગહરની મુલાકાત લીધી હતી.

કંઈક આવી જ ઘટના બની હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમણે વર્ષ 2011 માં કરેલા સદ્ભાવના ઉપવાસ સમયે તેમને મુસ્લિમો પહેરે છે તેવી ટોપી પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ, તેમણે એ પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. એ ઘટના રાષ્ટ્રીય સમાચારનો મુદ્દો બની હતી.

જ્યારે હવે યોગીએ પણ ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો છે, ત્યારે તેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુપીના મગહરમાં કબીરની મઝારે પહોંચેલા યોગીને જ્યારે ટોપી પહેરાવવાનો પ્રયાસ કરાયો ત્યારે આ ઘટના બની હતી.

શું તમે આ વાંચ્યું?

આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વહેતો થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મઝારની મુલાકાતે પહોંચેલા યોગીને જ્યારે ખાદિમ (મઝારનો સેવક) ટોપી પહેરાવવા પ્રયાસ કરે છે ત્યારે યોગી એમને અટકાવી દે છે.

કબીરના મૃત્યુના 500 વર્ષ પૂર્વ થવા નિમિત્તે આયોજીક એક કાર્યક્રમમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મગહર પહોંચ્યા હતા.

અહીં મોદી કબીરની મઝારની મુલાકાત લેવાના હોવાથી, મુલાકાત પહેલાંની તૈયારી ચકાસવા માટે યોગી મઝાર પહોંચ્યા હતા.

મોદીએ પણ કર્યો હતો ઇન્કાર

મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે પણ કંઈક આવી જ ઘટના બની હતી.

રાજ્યની જનતાના સીધા સંપર્ક માટે મોદીએ એ વખતે સદ્ભાવના ઉપવાસ કર્યા હતા.

19 સપ્ટેમ્બર 2011ના રોજ જ્યારે એક મુસ્લિમ ધર્મગુરુએ તેમને ટોપી પહેરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મોદીએ એમને અટકાવી દીધા હતા.

મગહર શેના માટે જાણીતું છે?

વારાણસીથી લગભગ બસો કિલો મીટર દૂર આવેલા સંતકબીર નગર જિલ્લાનું નાનકડું ગામ છે મગહર. વારાણસીને પ્રાચીનકાળથી જ જ્યાં લોકો મોક્ષ આપતી નગરી તરીકે ઓળખે છે.

તો મગહર એક અપવિત્ર જગ્યા તરીકે જાણીતું હતું. એવી માન્યતા હતી કે, અહીં મૃત્યુ પામતી વ્યક્તિને આવતા જન્મમાં ગધેડાનો અવતાર મળે છે કે પછી તે નરકમાં જાય છે.

સોળમી સદીનાં મહાન સંત કબીરદાસનો જન્મ વારાણસીમાં થયો.એમણે આખું જીવન કાશીમાં જ વિતાવ્યું, પણ અંતિમ સમયમાં તેઓ મગહર ચાલ્યા ગયા અને પાંચસો વર્ષ પહેલાં વર્ષ 1518માં તેમનું મૃત્યુ થયું.

કબીર સ્વેચ્છાથી મગહર આવ્યા હતા અને 'કાશીમાં મોક્ષ મળે છે અને મગહરમાં નરક' એ માન્યતા તોડવા માગતા હતા. મગહરમાં કબીરની સમાધિ અને મઝાર આજે પણ છે .

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ત્યાં જાહેરસભાને સંબોધી હતી. મોદીએ કહ્યું, "તેઓ (કબીર) વ્યક્તિથી અભિવ્યક્તિ અને તેથી આગળ શબ્દથી બ્રહ્યશબ્દ બની ગયા. તેઓ વિચાર બનીને આવ્યા અને વ્યવહાર બનીને અમર થઈ ગયા."

સોશિયલ મીડિયા પર ચર્ચા

'ગીતાંજલી' નામનાં યૂઝરે ટ્વીટ કર્યું, ''એવા કોઈ હાથ આ સંસારમાં નથી કે જે અમને ટોપી પહેરાવી શકે.''

'લલ્લનટોપ સૌરભ' નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું, ''ટીવી પર બે દિવસ માટેની ચર્ચાનો મુદ્દો મળી ગયો. બાકી આ દેશનું શું થાત?''

'ડૉ. ફૈઝલ ખાન' નામના યૂઝરે લખ્યું, ''આ મુસ્લિમ 'સ્કલ કૅપ' નથી. આ અલીગઢી ટોપી છે. જે મુસ્લિમ કરતાં હિંદુઓ વધુ પહેરે છે.''

'રોશન રાય' નામના યૂઝરે ટ્વીટ કરતાં લખ્યું, ''યોગી આદિત્યનાથે ટોપી પહેરવાનો કરેલો ઇન્કાર મને એ વ્યક્તિની યાદ અપાવે છે જેમણે પણ કંઈક આવું જ કર્યું હતું.''

યૂઝરે ઉમેર્યું, ''એ વ્યક્તિ વડા પ્રધાન પણ બની.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો