You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાણીની અછતનું નિવારણ લાવનારી ઈરાનની એ પ્રાચીન કારીગરી જેની દુનિયા ઋણી છે
- લેેખક, જુબિન બેખરાદ
- પદ, બીબીસી ટ્રાવેલ
ઈરાન વિશે તમે ઘણી વાતો સાંભળી હશે. ઈરાનને પ્રાચીન સંસ્કૃતિના ખૂબ જૂના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.
એક વખતે તમામ આર્ય જનજાતિઓએ અહીં આશરે લીધો હતો. જરથૃષ્ટ્ર પણ ઈરાનમાં જ જનમ્યા હતા.
પારસી ધર્મના સમયગાળા અને એ પહેલાંના સમયથી ઈરાને માનવીય સંસ્કૃતિના વિકાસમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે.
એક સમય એવો હતો કે ઈરાનના રાજાઓનું શાસન યૂનાનથી હિંદુસ્તાન સુધી ફેલાયેલું હતું. રાજા દારા અને સાઇરસે વિશાળ રાજ્યો સ્થાપિત કર્યાં હતાં.
આજે તમને ઈરાનની એક એવી ઉપલબ્ધિ વિશે જણાવીશું કે જેને વાંચીને કદાચ તમને શરૂઆતમાં વિશ્વાસ ન પણ આવે.
એવું કહી શકાય કે ઈરાનને પ્રકૃતિનું વરદાન પ્રાપ્ત છે. આમ છતાં અહીંયાં એક ઊણપ રહી ગઈ છે.
અન્ય દેશોની માફક અહીંયાં ખળખળ વહેતી નદીઓ અને ઝરણાં નથી. જોકે, જમીનની નીચે પુષ્કળ પાણી છે.
પાણીની અછતનું આ રીતે લાવ્યા સમાધાન
એક સમયે ઈરાનમાં પાણીની ખૂબ જ તંગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાંના સમયમાં ઈરાનમાં વિજ્ઞાને એટલી પ્રગતિ કરી હતી કે આ દેશે પાણીની મુશ્કેલીનું સમાધાન એન્જિનિયરિંગની મદદ વડે શોધી કાઢ્યું હતું.
ઈરાનમાં ઘણા પહાડ છે અને એની તળેટીઓમાં મોટા પ્રમાણમાં ભૂગર્ભજળ સંગ્રહાયેલું છે.
લગભગ ત્રણેક હજાર વર્ષ પહેલાં ઈરાનીઓએ ભૂગર્ભજળને દૂરદૂર સુધી પહોંચાડવાનો માર્ગ શોધ્યો હતો.
જમીનમાંથી પાણી કાઢવાની ઈરાની ટેકનિકનો પ્રયોગ ઈરાનના શહેર ઇસ્ફાનથી માંડીને યાઝ્દ અને બીજા વિસ્તારોમાં પણ જોવા મળે છે.
પાણી પહોંચાડવાના આ ઉમદા એન્જિનિયરિંગને ફારસી ભાષામા 'કારિઝ' કહેવાય છે. જોકે, એનું અરબી નામ 'કનાત' વધારે જાણીતું છે.
પહાડોની તળેટીમાંથી પાણી કાઢી એને દૂર-દૂર સુધી પહોંચાડવાની પદ્ધતિ આજે પણ ચલણમાં છે.
2016થી યૂનેસ્કોએ આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરી લીધી છે.
પર્વતોમાં કનાત બનાવવા માટે સૌ પહેલાં કાંપવાળી જમીન પસંદ કરવામાં આવતી હતી.
જ્યાં એક મોટો ખાડો ખોદી ભૂગર્ભજળ મેળવવામાં આવતું હતું.
પાણી મેળવવાની રીત
ઉપરથી જોતા આ ખાડા એવા જ દેખાય છે જાણે ભીની માટીમાં કીડીઓએ દર બનાવ્યાં હોય. એ વખતે અણસાર આવવો પણ મુશ્કેલ હોય છે કે અંદર પાઇપોની જાળ પથરાયેલી છે.
હવાના આવનજાવન માટે આવા ખાડા બનાવવામાં આવતા. એના થકી અંદર કામ કરતા મજૂરોને તાજી હવા મળી રહેતી.
સહજ છે કે ઘણી વખત થોડું ખોદકામ કરતા જ પાણી મળી રહેતું હોય છે જ્યારે ક્યાંક કેટલાય મિટર સુધી ખોદકામ કરવું પડતું હોય છે.
કનાતની અંદર એવી રીતે ઢાળ તૈયાર કરવામાં આવતો કે સરળતાથી અને ઝડપથી પાણી વહી શકે.
કનાતની સંરચના સંકુલ હોવા છતાં ઈરાન સૈકાઓ સુધી પોતાના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડી શક્યું.
દક્ષિણ-પૂર્વમાં આવેલા ફાર્સ પ્રાંતમાં આનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે.
ઈ.સ. પૂર્વે 550થી 330 વર્ષ પહેલાં અહીં એકેમેનિડ વંશના રાજાઓએ 'પર્સિપોલિસ' નામનું શહેર વસાવ્યું હતું. એ શહેરને 'ઝારગોસ' પર્વતોની ખીણમાં વસ્યું હતું.
એ વખતે અહીંનાં મેદાનો સૂકાં હતાં અને હવા ગરમ હતી. રણવિસ્તારોની માફક અહીંના લોકોને પણ પાણીની અછત ભોગવવી પડતી હતી.
જોકે, કનાત જેવી ટેકનિકને કારણે પર્સિપોલિસ એકેમેનિડ વંશના રાજાઓની સત્તાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું હતું.
આ રાજાઓએ અહીંથી જ પોતાનું સામ્રાજ્ય યૂનાનથી માંડી હિંદુસ્તાન સુધી વિસ્તાર્યું હતું.
જોતજોતામાં આ શહેર દુનિયાનું સૌથી સુંદર શહેર બની ગયું. મોટામોટા ઉપવનો આ શહેરની સુંદરતામાં ઉમેરો કરતાં હતાં.
ઍરકંડિશનિંગની કમાલની પદ્ધતિ
સમય જતાં પાણીપુરવઠાની આ કનાતની પદ્ધતિ દુનિયાભરમાં ફેલાઈ.
એની પાછળ બે પરિબળો કારણભૂત હતાં, એક ઈરાનના બાદશાહો અને બીજું અહીં આવતા પ્રવાસીઓ.
અહીં જે પણ આવ્યા તેમણે પરત ફરીને પોતાના પ્રદેશમાં આ ઈરાની પદ્ધતિનો અમલ કર્યો.
એક ઇતિહાસકારે તો એ પણ દાવો કર્યો કે કનાત પદ્ધતિથી ઇજિપ્તના શાસકો એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફારસના રાજા દારા મહાનને ફેરોની ઉપાધિથી નવાજ્યા હતા.
કનાત પદ્ધતિ વડે પીવાનું પાણી તો મળતું જ હતું પણ આ પ્રણાલી ઍરકંડિશનિંગનું કામ પણ કરતી હતી.
કનાતમાં શાફ્ટ દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાંથી ગરમ હવા જમીનની અંદર જાય છે અને પાણીના સંપર્કમાં આવતા ઠરી જાય છે.
યાઝ્દનાં જૂનાં ઘરોમાં આજે પણ ઍરકંડિશનિંગની આ પ્રથા ચલણમાં છે.
બરફ માટેનાં ભોંયરાં
કનાતનો બીજો પણ એક ઉપયોગ કરાતો હતો.
અહીંની ઠંડી દીવાલો વચ્ચે પાણી જામી જતું અને બરફમાં ફેરવાઈ જતું. આવી રીતે બરફ જમાવવાનાં ભોંયરાંને 'યખચાલ' કહેવામાં આવતાં.
'યખચાલ' ફારસી શબ્દ છે એનો અર્થ થાય છે 'બરફના ખાડા'.
ઈ.સ. પૂર્વે 400માં એટેલે કે લગભગ અઢી હજાર વર્ષ પહેલાં બરફ જમાવવાની આ રીત વિકસાવવામાં આવી હતી.
'યખચાલ'માં જામતો બરફ આસપાસનું તાપમાન સંતુલિત રાખતો હતો.
કનાત પદ્ધતિ ઈરાનીઓની પાણીની જરૂરિયાત તો પૂરી કરે જ છે, સાથે જ કુદરતી સૌંદર્યમાં પણ ઉમેરો કરે છે.
કનાતને કારણે અહીં બનેલાં ઉપવનોનો સમાવેશ યુનેસ્કોની યાદીમાં પણ કરવામાં આવ્યો છે.
આ બગીચાઓમાં લીલાછમ ઘાસની ચાદરો છવાયેલી રહે છે, જેને 'ચહાર બાગ' કહેવામાં આવે છે.
બાગ-એ-ખોશનેવિસાન
આ બાગ ચાર ભાગમાં બનેલા છે એ જ કારણસર એને 'ચહાર બાગ' અર્થાત 'ચાર બાગ' તરીકે ઓળખવામાં આવે છે.
આ બાગને જોઈને એવું લાગે છે કે પારસી લોકો કુદરતને બહુ પ્રેમ કરતા હશે.
એમાં કોઈ શંકા નથી કે ઇબ્રાહીમ ધર્મોમાં (ઇસ્લામ, ઈસાઈ અને યહૂદી)માં જે જન્નતની કલ્પના કરવામાં આવી છે તેનો વિચાર આ ચાર બાગથી પ્રેરિત છે.
ફારસી લોકો એને 'પરીદાઇદા' નામથી ઓળખે છે. જન્નત (સ્વર્ગ) માટે અંગ્રેજી શબ્દ 'પેરેડાઇઝ' પણ ફારસી શબ્દ પરથી આવ્યો છે.
ઈરાનની રાજધાની તહેરાનનો જાણીતો બાગ છે 'બાગ-એ-ખોશનેવિસાન' એટલે કે 'તસવીર બનાવનારા માટેનો બાગ'.
'બાગ- એ-મુઝેહ' એટલે કે 'મ્યુઝિયમ ગાર્ડન'. 'બાગ-એ-ફિરદૌસ' એટલે કે 'પેરેડાઇઝ ગાર્ડન.'
કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે આ બાગોની સુંદરતાએ જ જાણીતા શાયર હાફિઝ અને શેખ સાદીને શાયરી માટેની પ્રેરણા આપી હશે.
ઈરાનના ચહાર બાગની ફિલૉસૉફીની અસર દુનિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.
મોરક્કોના શહેર મરાકશના મહેલો, સ્પેનના કિલે અલહમરાના સહનમાં બનેલા બગીચા અને ફ્રાંસનો રાષ્ટ્રપતિ નિવાસ અર્થાત વર્સૅ પૅલેસના આર્કિટેક્ચર પર ફારસી કળા અને સંસ્કૃતિની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.
જેને અરબોએ દૂર-દૂર સુધી ફેલાવી હતી.
ફારસના ચહારબાગથી પ્રેરિત છે મુગલ ગાર્ડન
મુગલ બાદશાહ ફારસી ભાષા અને સંસ્કૃતિને દુનિયામાં અવ્વલ ગણતા હતા.
મુગલોએ ઈરાનની ફારસી ભાષા અને તેમની વાસ્તુકળાને પણ અપનાવી હતી.
ઈરાનીઓના ચહારબાગ પરથી પ્રેરણા લઈ મુગલ બાદશાહોએ કાશ્મીરથી માંડી દિલ્હી અને લાહોર સુધી બાગ બનાવડાવ્યા હતા.
આપણા રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન પણ ફારસની ચહારબાગ પરંપરાથી પ્રેરિત છે.
હુમાયુનો મકબરો, તાજમહાલની આસપાસના ગાર્ડન, લાહોર અને કાશ્મીરના મુગલ ગાર્ડન પણ ભારત પર ફારસી સંસ્કૃતિના પ્રભાવનું ઉદાહરણ છે.
મુગલ કાળમાં એને ભારતમાં પણ ચહાર બાગ જ કહેવામાં આવતો હતો.
જોકે નવી પદ્ધતિઓ આવ્યા બાદ ઈરાનીઓની કનાત પરની નિર્ભરતા ઘટી પણ ગામડાંમાં આજે પણ કનાત દ્વારા જ પાણી પહોંચાડવામાં આવે છે.
સાઇરસ મહાને પોતાના જોરે ઈરાનમાં બેસીને દૂર-દૂર સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું.
વિચારો તો ખરા ઈરાનના સૂકા વાતાવરણમાં જો કનાત જેવી પદ્ધતિ વિકસિત થઈ ન હોત તો ઈરાનનું આટલું મોટું સામ્રાજ્ય કઈ રીતે ફેલાયું હોત?
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો