શું ભારત ખરેખર મહિલા માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે?

થોમસન રોયટર્સ ફાઉન્ડેશને હાથ ધરેલા સર્વેક્ષણમાં ભારતને મહિલાઓ માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવવામાં આવ્યો છે. તેમાં યુદ્ધગ્રસ્ત સીરિયા અને આપખુદ સાઉદી અરેબિયાને ઓછા ખતરનાક ગણાવવામાં આવ્યાં છે, પણ આ તારણ ખરેખર સાચું છે?

આ સર્વેક્ષણ માટે આરોગ્ય સંભાળ, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરા, જાતીય તથા બિન-જાતીય હિંસા અને માનવ તસ્કરી એમ છ બાબતો વિશે 548 નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘના 193 સભ્ય દેશોમાંથી પાંચ સૌથી ખતરનાક દેશના નામ સૌપ્રથમ પૂછવામાં આવ્યાં હતાં.

એ પછી દરેક કેટેગરીમાં સૌથી ખતરનાક દેશનું નામ તેમને પૂછવામાં આવ્યું હતું. તેમાં સાંસ્કૃતિક પરંપરા, જાતીય હિંસા અને માનવ તસ્કરીની બાબતમાં ભારત ટોચ પર રહ્યું હતું.

સાત વર્ષ પહેલાં આવાં જ એક સર્વેક્ષણમાં ભારત ચોથા ક્રમે રહ્યું હતું, જ્યારે અફઘાનિસ્તાન ટોચ પર રહ્યું હતું. તાજા સર્વેક્ષણની ભારતમાં ઝાટકણી કાઢવામાં આવી રહી છે.

મહિલાઓને ઓછા અધિકાર આપતા સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોની સ્થિતિ બહેતર કેવી રીતે હોઈ શકે એવો સવાલ ઘણા લોકો કરી રહ્યા છે.

આ સર્વેક્ષણનાં તારણને દેશનાં રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષે ફગાવી દીધાં હતાં અને જણાવ્યું હતું કે જે દેશોમાં મહિલાઓ બોલી શકતી નથી એમને બહેતર દરજ્જો આપવામાં આવ્યો છે.

શું તમે આ વાંચ્યું?

તેમણે એવું પણ જણાવ્યું હતું કે બળાત્કાર, સતામણી તથા મહિલાઓ વિરુદ્ધની અન્ય સ્વરૂપની હિંસાના મુદ્દે જાગૃતિ વધી હોવાથી આવા કિસ્સાની ફરિયાદો અગાઉની સરખામણીએ હવે વધુ નોંધાય છે.

મહિલા અને બાળવિકાસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું, "જનમત સર્વેક્ષણનાં તારણોનો ઉપયોગ ભારતને મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ જાહેર કરવાનું કૃત્ય દેશને બદનામ કરવાનો અને તાજેતરનાં વર્ષોમાં થયેલા વાસ્તવિક સુધારા તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ છે."

કઈ રીતે કાઢ્યું આવું તારણ?

માત્ર અને માત્ર 548 નિષ્ણાતોના અભિપ્રાયને આધારે જ આ તારણ કાઢવામાં આવ્યું છે. નિષ્ણાતોમાં શિક્ષણશાસ્ત્રીઓ, નીતિ ઘડવૈયાઓ, પત્રકારો અને આરોગ્યસંભાળ કે વિકાસનાં અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશનનાં વડાં મોનિક વિલ્લાએ બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવ્યું હતું કે નિષ્ણાતો પૈકીના 41 ભારતના છે.

જોકે, અન્ય નિષ્ણાતોની રાષ્ટ્રીયતા બાબતે અને અન્ય દેશોના પ્રતિનિધિત્વની વ્યાપકતા બાબતે કોઈ સ્પષ્ટતા થતી નથી.

એ ઉપરાંત અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમણે 759 નિષ્ણાતોનો સંપર્ક સાધ્યો હતો, પણ માત્ર 548 નિષ્ણાતોએ જ પ્રત્યુત્તર આપ્યો હતો. આ સંબંધે બીજી કોઈ માહિતી પણ ઉપલબ્ધ નથી.

સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલોપિંગ સોસાયટીઝ (સીએસડીએસ) ભારતનું અગ્રણી સ્વતંત્ર સંશોધન સંગઠન છે.

સીએસડીએસના ડિરેક્ટર સંજય કુમારે કહ્યું હતું, "પારદર્શકતાનો આ અભાવ અત્યંત ચિંતાજનક છે. નિષ્ણાતોની પસંદગી કઈ રીતે કરવામાં આવી હતી? તેમાં કેટલાં સ્ત્રી-પુરુષો હતા? તેઓ કોણ હતાં?”

"આ બધું જાણવું અત્યંત જરૂરી છે, પણ એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી."

જોકે, કોલેજમાં પ્રોફેસર તરીકે પણ કાર્યરત સામાજિક કાર્યકર રૂપરેખા વર્માએ અહેવાલને આવકાર્યો હતો.

રૂપરેખા વર્માએ કહ્યું હતું, "હું આ અહેવાલ અને તેના તારણોથી નાખુશ નથી. એ આપણને વિચારતા કરવા માટે પૂરતાં છે.

"સઘન માહિતીને આધારે વધુ સારી પદ્ધતિનો ઉપયોગ નિશ્ચિત રીતે થઈ શક્યો હોત, પણ 500થી વધુ નિષ્ણાતોના અભિપ્રાયની ગંભીર નોંધ લેવી જોઈએ. આ શેરીમાંના લોકોનો અભિપ્રાય નથી, માહિતગાર નિષ્ણાતોનું મંતવ્ય છે."

આવા સર્વેક્ષણમાં 'મંતવ્ય'નો ઉપયોગ કેટલો વાજબી?

સંજય કુમાર તેને તદ્દન ગેરવાજબી ગણે છે. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રોને ક્રમાંકિત કરવા માટે જે માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પૈકીના ઘણાંની માહિતી ઉપલબ્ધ છે.

ચોક્કસ મંતવ્યની તરફેણ કરવા માટે એ માહિતીની અવગણના કરવી એ તો "જોખમી શોર્ટકટ" ગણાય.

સંજય કુમારે કહ્યું હતું, "ડેટા ભરોસાપાત્ર ન હોય તો પણ કોઈ પણ રેન્કિંગનો આધાર હોવા જોઈએ. કોઈ ડેટા ઉપલબ્ધ ન હોય ત્યારે જ મંતવ્ય રેન્કિંગનો આધાર બનવું જોઈએ."

સંજય કુમારે ઉમેર્યું હતું કે આ સર્વેક્ષણમાં મિશ્ર પદ્ધતિનો (વ્યક્તિગત મુલાકાત, ઓનલાઈન અને ફોન ઇન્ટરવ્યૂઝ) ઉપયોગ કરવામાં આવ્યાનું સ્વીકારાયું છે. એ પણ શંકાસ્પદ છે.

સંજય કુમારે કહ્યું હતું, "ઇન્ટરવ્યૂની અલગ-અલગ પદ્ધતિથી અલગ-અલગ પરિણામ મેળવી શકાય એ હું તમને અનુભવના આધારે કહી શકું તેમ છું.

"આ કિસ્સામાં અનુકૂળતાને આધારે ઇન્ટર્વ્યૂ કરવામાં આવ્યા હોય એવું લાગે છે. કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી એટલે આવું ધારી શકાય.”

"ખાસ કરીને તમે જોરશોરથી તારણોની જાહેરાત કરતા હોવ, ત્યારે સર્વેક્ષણની આ સાચી પદ્ધતિ નથી. આ તો શોર્ટકટ છે અને તેની ગંભીર નોંધ લેવી ન જોઈએ."

"ભારત હારી ચૂક્યું છે દૃષ્ટિકોણનું યુદ્ધ"

ગીતા પાંડે

બીબીસી ન્યૂઝ, દિલ્હી

ભારત મહિલાઓ માટે વિશ્વનો સૌથી વધારે ખતરનાક દેશ છે? અફઘાનિસ્તાન કે સીરિયા કે સાઉદી અરેબિયા કરતાં પણ વધુ ખતરનાક?

રોયટર્સના સર્વેક્ષણ સામે સરકારે ઝડપભેર શંકા વ્યક્ત કરી હતી, પણ ભારતે ગળું ફૂલાવવાનું કોઈ કારણ નથી.

2016ના ગુનાખોરીના સત્તાવાર આંકડા જણાવે છે કે દેશમાં દર 13 મિનિટે એક મહિલા પર બળાત્કાર થાય છે. દરરોજ છ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થાય છે.

દર 69 મિનિટે દહેજ માટે એક પરણિતાની હત્યા કરવામાં આવે છે અને દર મહિને 19 મહિલાઓ પર એસિડ ઍટેક કરવામાં આવે છે.

એ ઉપરાંત જાતીય સતામણી, પીછો કરવાની, લૈંગિક વિકૃતિની અને ઘરેલુ હિંસાની હજારો ફરિયાદો નોંધાય છે.

નોંધપાત્ર ખામીઓ હોવા છતાં ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં કાયદાનું શાસન (મહદઅંશે) ચાલે છે.

હંમેશા ભારતમાં જ કાર્યરત રહેલી વ્યક્તિ તરીકે હું જાણું છું કે ભારતમાં મહિલાઓ વ્યાપક અર્થમાં સ્વતંત્ર છે.

અફઘાનિસ્તાન તથા સીરિયા અને થોડા દિવસ પહેલાં સુધી જ્યાં ડ્રાઇવિંગ કરવા બદલ મહિલાઓને કારાવાસની સજા કરવામાં આવતી હતી એ સાઉદી અરેબિયા સાથે તો ભારતની સરખામણી કરી જ ન શકાય.

અફઘાનિસ્તાન, સીરિયા અને સાઉદી અરેબિયા સાથે ભારતની સરખામણી પથરા સાથે સફરજનની તુલના જેવી ગણાય.

તેથી આ રેન્કિંગનો ખરેખર કોઈ અર્થ છે ખરો? હા છે, કારણ કે એ દર્શાવે છે કે ભારત દૃષ્ટિકોણનું યુદ્ધ હારી ચૂક્યું છે. ક્યારેક દૃષ્ટિકોણ મહત્ત્વનો હોય છે.

તેથી સર્વેક્ષણના તારણને ફગાવી દેવાને બદલે મહિલાઓની પરિસ્થિતિ કઈ રીતે બહેતર બનાવી શકાય એ વિશે ભારતે આત્મનિરિક્ષણ કરવું જોઈએ તથા વિશ્વને ખાતરી કરાવવી જોઈએ કે મહિલાઓ માટે ભારત ખતરનાક દેશ નથી.

આ લિસ્ટમાં બીજા ક્યા-ક્યા દેશ છે?

વર્ષોથી યુદ્ધને કારણે તબાહ થઈ ગયેલા અફઘાનિસ્તાન તથા સીરિયાને આ લિસ્ટમાં બીજો અને ત્રીજો ક્રમ મળ્યો છે, જ્યારે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનને પાંચમો તથા છઠ્ઠો ક્રમ મળ્યો છે.

અમેરિકાને આશ્ચર્યજનક રીતે દસમો ક્રમ આપવામાં આવ્યો છે, પણ જાતીય હિંસાની બાબતમાં એ ત્રીજા ક્રમે છે.

આ સર્વેક્ષણમાં ભાગ લઈ ચૂકેલાં મહિલા અધિકાર કાર્યકર્તા ઝાકિયા સોમણે બીબીસીને કહ્યું હતું, "મુદ્દો રેન્કિંગનો નથી. આપણો સમાજ પુરુષપ્રધાન અને સ્ત્રીદ્વેષી છે.”

"આપણે આ સર્વેક્ષણને તારણને ખરા અર્થમાં સમજવું જોઈએ. આપણે એક સમાજ તરીકે ખોટું શું કર્યું એ વિચારવું જોઈએ."

ઝાકિયા સોમણે ઉમેર્યું હતું કે સોમાલિયા કે સાઉદી અરેબિયા જેવા દેશોમાં મહિલાઓનું જીવન આસાન હોય એવી કોઈને અપેક્ષા નથી, પણ ભારત પાસેથી તેમને વધારે અપેક્ષા જરૂર છે.

પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં લેવાઈ છે?

સાઉદી અરેબિયામાં મહિલાઓને જાહેરમાં જવાની છૂટ નથી ત્યારે એ દેશની સાથે ભારતની સરખામણી કરવી યોગ્ય ગણાય?

રૂપરેખા વર્માએ કહ્યું હતું, "અધિકારોની સંદર્ભમાં સાઉદી અરેબિયામાં મહિલાઓને જાહેરમાં આવવા બાબતે ખાસ છૂટ નથી એ જાણીતી વાત છે.”

"જોકે, ત્યાં મહિલાઓને થોડા દિવસ પહેલાં ડ્રાઈવિંગની છૂટ આપવામાં આવી છે તેને હું આશાનું કિરણ ગણું છું. એ દર્શાવે છે કે સાઉદી અરેબિયા બદલાઈ રહ્યું છે અને પ્રગતિ કરી રહ્યું છે.”

"તેમ છતાં તેની સરખામણી ભારત સાથે યોગ્ય નથી, પણ આપણે આત્મનિરિક્ષણ કરીએ તો સમજાશે કે ખાસ કશું બદલાયું નથી."

સંજય કુમારે જણાવ્યું હતું કે વિશ્વના દેશોને આ સંદર્ભમાં વર્ગીકૃત કરવા માટે બહેતર અને વધારે ભરોસાપાત્ર પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો