You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પતિની હત્યા કરનાર પત્ની, જેની ફાંસીની સજા માફ થઈ ગઈ
સુદાનની ઉપરી કોર્ટે પતિની હત્યા કરનાર યુવતીની ફાંસીની સજા માફ કરી દીધી છે. હવે તેમને ફાંસીના બદલે કેદની સજા કરાઈ છે.
19 વર્ષનાં નૌરા હુસેને પોતાના પતિની હત્યા કરી હતી. જેમને દોષિત માનીને નીચલી કોર્ટે ફાંસીની સજા કરી હતી.
નૌરાની આ સજા વિશ્વભરમાં તેમના સમર્થનમાં ચાલેલા કેમ્પેઇન બાદ ચર્ચામાં આવી હતી.
પરંતુ માત્ર 19 વર્ષની નૌરાએ તેમના પતિની હત્યા શા માટે કરી હતી?
સુદાનમાં રહેતી નૌરાનાં માત્ર 16 વર્ષની વયે તેમના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કરાવી દેવાયાં હતાં.
પતિની હત્યા બાદ નૌરાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે પતિએ તેમના પર બળાત્કાર કર્યો હતો.
જ્યારે તેમના પતિએ બીજી વખત બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોતાના બચાવમાં તેમણે પતિની હત્યા કરી નાખી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં તેમના માતા ઝૈનાબ અહેમદે કહ્યું હતું કે પતિ દ્વારા જ બળાત્કાર કરાતાં નૌરા ખુદને જ નફરત કરવા લાગી હતી.
આ ઘટના બાદ કોઈ બદલો લેવા માટે આવે એ બીકથી તેમના પિતા પરિવારને લઈને સુરક્ષા માગવા માટે પોલીસ સ્ટેશને પણ પહોંચી ગયા હતા.
ઝૈનાબ અહમદ કહે છે, "નૌરા પોતાનો જીવ લેવા માટે પોતાની પાસે ચાકુ રાખતી હતી. કદાચ ફરી કોઈ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરે તો તે આત્મહત્યા જ કરી લેશે."
હવે પાંચ વર્ષની કેદની સજા
ફાંસીની સજા જાહેર કરાયા બાદ માનવ અધિકાર સંગઠનોએ નૌરાને બચાવવા માટે અભિયાન ચલાવ્યું હતું.
તેમને થયેલી ફાંસીની સજા માફ કરવાની પણ માગણી કરવામાં આવી હતી.
#JusticeforNoura હેઠળ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓએ પણ સજા માફ કરવાની માગ કરી હતી.
જે બાદ નૌરાના આ કેસ માટે ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
હવે ઉપરી અદાલતે ફાંસીની સજાને ઘટાડીને તેમને પાંચ વર્ષની કેદની સજા કરી છે.
ફાંસીના બદલે કેદની સજાની જાહેરાત કરાતાં જ સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલી હતી.
નેઓમી કૅમ્પબેલ અને એમ્મા વૉટ્સને ટ્વીટ કરીને ટેકો જાહેર કર્યો હતો.
'ચેરિટી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ' સંસ્થાએ આ સમાચારને આવકાર્યા હતા પણ પાંચ વર્ષની કેદની સજાને અસમાન ગણાવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો