You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પે ઈરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાને આ કારણોસર અલગ કર્યું?
- લેેખક, એન્થોની ઝુર્ચર
- પદ, નોર્થ અમેરિકા રિપોર્ટર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પરમાણુ સમજૂતી મામલે પહેલેથી જ તેના વિરોધી ન હતા. વળી અમેરિકી મતદારો માટે તે એટલો મહત્ત્વનો મુદ્દો પણ નથી. તો ટ્રમ્પે શા માટે અમેરિકાને સંધિમાંથી અલગ કરી લીધું?
ખરેખર આ મામલે કેટલાક મહિનાઓથી વિચારણા ચાલી રહી હતી.
જોકે, છેલ્લી ઘડીએ અમેરિકાના સહયોગીઓ અને કરારને સમર્થન આપનારા ઘરેલું પક્ષોએ તેનું પાલન ન કર્યું.
આ તમામ પક્ષોએ રાષ્ટ્રપતિને કરાર યથાવત રાખવા માટે મનાવવાની કોશિશ કરી પણ આખરે અમેરિકા અલગ થઈ ગયું.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવેદનમાં કહ્યું કે તેઓ ઈરાન પરમાણુ કરાર મામલે ફરીથી નવી શરતો સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે અને સફળ કરાર કરવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ મૂકવામાં આવે.
વર્ષ 2015ની વાટાઘાટો વિશે તેમણે કહ્યું કે એક મજબૂત કરાર સરળતાથી થઈ શક્યો હોત પણ એવું ન થયું.
આથી હવે ટ્રમ્પ પાસે તેઓ કેટલી સારી સમજૂતી કરી શકે છે તે દર્શાવવાની તક છે, તો પછી સમજૂતીમાંથી અમેરિકાને અલગ કરી લેવાની શું જરૂર હતી?
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓપિનિયન પૉલ દર્શાવે છે કે મોટાભાગના અમેરિકનો આ કરારની તરફેણમાં છે.
બીજી તરફ ટ્રમ્પ કહી રહ્યા છે કે તેમણે આ મુદ્દે મતદારોને વાયદો કર્યો હતો.
પણ ખરેખર તેમના લોકસમર્થનને અસર કરતા ઇમિગ્રેશન, વેપાર અને અર્થવ્યવસ્થાના મુદ્દા જેવો આ મુદ્દો નથી.
તેમને આ પરમાણુ સમજૂતીથી કેમ નફરત છે અને તેમણે કેમ તેમાંથી અમેરિકાને અલગ કરી લીધું તેની પાછળ ત્રણ કારણો જવાબદાર છે.
ઓબામાના રાજકીય વારસાને ઝાંખો પાડવાની કોશિશ?
ટ્રમ્પને ઈરાન પરમાણુ સમજૂતી અંગે વ્યક્તિગત વાંધો રહ્યો હતો.
આ સમજૂતીમાં સિંહફાળો આપનારા અમેરિકાના ભૂતપૂર્વ સેક્રટરી ઑફ સ્ટેટની ઘણી વખત મજાક ઉડાવી ચૂક્યા છે.
તેમણે સાઇકલ ચલાવતી વખતે જ્હોન કેરીનો અકસ્માત થયો હતો તે મામલે પણ મજાક ઉડાવી હતી.
એક રિપોર્ટ અનુસાર, તાજેતરમાં જ્હોન કેરી સમજૂતી મામલે ઈરાનના સત્તાધિશોની વધુ નિકટ જવાની કોશિશ કરી રહ્યા હતા.
આથી ટ્રમ્પે કરારમાંથી અલગ થઈ જવાનું પગલું ભર્યું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે આ બાબતે ટ્વીટ પણ કર્યું હતું એનો અર્થ કે તેમના મગજમાં આ વાત પહેલાંથી જ હતી.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે,"જ્હોન કેરીને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તેમની પાસે તક હતી અને તેમણે તે ગુમાવી દીધી.
"જ્હોન ઈરાન પરમાણુ સમજૂતીની બાબતોથી અંતર રાખો તમે તમારા દેશનું જ નુકશાન કરી રહ્યા છો."
જ્યારથી ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે, ત્યારથી જ તેઓ તેમના પુરોગામીની નીતિ અને નિર્ણયોને નિશાન બનાવતા રહ્યા છે.
તેમણે શપથ લીધાના કેટલાંક સપ્તાહમાં જ 'ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ' વેપાર સમજૂતીમાંથી અમેરિકાને અલગ કરી લીધું હતું.
વળી ગત વર્ષે જૂન મહિનામાં 'પેરિસ જળવાયુ સમજૂતી'માંથી અમેરિકાને અલગ કરી લીધું.
કેટલાંક ગેરવસાહતીઓને ઓબામા શાસન વખતે રક્ષણ આપવા નિયમ બનાવાયો હતો તેને પણ તેમણે બદલવાની કોશિશ કરી હતી.
ટ્રમ્પ અને અમેરિકી સસંદમાં રિપબ્લિકન સાસંદોએ 'અફૉર્ડેબલ કેર એક્ટ' રદ કરી નાખી.
જેથી આરોગ્ય મામલે વીમા ક્ષેત્રમાં સરકારનું નિયંત્રણ વધી ગયું.
ટ્રમ્પ સરકારના કાર્યકાળના પ્રથમ વર્ષનું આ સૌથી મુખ્ય કામ રહ્યું હતું, જે મહદઅંશે અસફળ રહ્યું હતું.
તેમણે ક્યુબા પર ફરીથી નવા નિયંત્રણો લાદ્યા અને પ્રવાસન મામલે પણ આવું જ કર્યું.
તેમણે પાવર પ્લાન્ટ ઉત્સર્જન અને નવી કારની ઇંધણની કાર્યક્ષમતાના ધારાધોરણો મામલેના પર્યાવરણ સંબંધિત મુદ્દે પણ વિવાદાસ્પદ નિર્ણયો લીધા.
એટલું જ નહીં પણ ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ વખતે આર્થિક સંસ્થાઓ પર લગાવાયેલા નિયંત્રણો હટાવી લેવાની વાતનું પણ સમર્થન કર્યું.
કન્ઝર્વેટિવ વેબસાઇટ 'ધ ફેડરલ'ના સીન ડેવિસે લખ્યું કે,"પેરિસ જળવાયુ સમજૂતીથી લઈને ઇરાન પરમાણુ સમજૂતી બન્નેનું ભાવિ અનિશ્ચિત છે.
"ઓબામાકેર સંબંધિત આરોગ્ય સંબંધિત નીતિ પણ હવે તેના મૂળ સ્વરૂપમાં નથી રહી, આથી લાગી રહ્યું છે કે ઓબામાનો માત્ર એક જ વારસો બાકી રહ્યો છે.
"અને તે વારસો ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ છે."
સમગ્ર બાબતથી એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવું જ ઇચ્છે છે.
ઇઝરાયલ મામલે ટ્રમ્પનું વલણ
ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં ભાષણ આપતા ત્યારે ઈરાન સમજૂતી મામલે આટલા બધા કડક ન હતા.
તેઓ જ્યારે કહેતા કે આ સમજૂતી ભૂલ છે અને તેમાં વાટાઘાટો ઘણી નબળી રીતે થઈ છે, તેનો અર્થ કે તેઓ અમેરિકાના વચનો નિભાવવા માટે કદાચ તૈયાર છે.
વર્ષ 2015મા ઓગસ્ટ મહિનામાં તેમણે એનબીસીને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું,"આ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે, પણ આપણે સારું કરી રહ્યા છીએ.
"પણ હું ઇચ્છું છું કે કરાર ખૂબ જ કડક શરતો સાથે કરવામાં આવે, જેથી ઈરાનને ભવિષ્યમાં કોઈ તક ન મળે.
"સમજૂતી જેટલી નબળી થશે કરાર હું અટલો જ કડક ઇચ્છીશ."
ખરેખર આ કરાર મામલે તેમના વિરોધી મતના પુરાવા ઇઝરાયલના બેન્જામીન નેતાન્યાહૂ અને મધ્યપૂર્વમાં શાંતિ સમજૂતીમાં કટ્ટરવાદી ઇઝરાયલ જૂથની મજબૂત તરફેણમાં જોવા મળે છે.
કેમ કે પહેલાં તેમનું કહેવું હતું કે તેઓ આ સમજૂતીમાં એક નિષ્પક્ષ મધ્યસ્થી બની શકે છે.
ફેબ્રુઆરી-2016માં રિપલ્બિકન ઉમેદવાર માટેની એક ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, " જો હું ઇઝરાયલ તરફી છું એવું કહેવાનું શરૂ કરી દઉં તો તે યોગ્ય નથી."
જોકે, આરબ-ઇઝરાયલ મામલે સ્પષ્ટ નિષ્પક્ષતા બદલ તેમની સેનેટર્સ ટેડ ક્રુઝ અને માર્કો રુબીઓએ ટીકા કરી હતી.
તાજેતરમાં જ ટ્રમ્પે અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટીની વાર્ષિક પરિષદમાં શ્રોતાઓને કહ્યું હતું કે તેમની સૌથી મોટી પ્રાથમિકતા ઇરાન સાથેની સમજૂતી રદ કરવાની છે.
તેમણે ક્ષેત્રમાં પ્રવર્તતી અસ્થિરતનો પ્રભાવ અને બેલિસ્ટિક મિસાઇલના કાર્યક્રમોને આ કરારના ખામી તરીકે દર્શાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સમજૂતી મામલે નૈતિક સમાનતા નથી.
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બનશે ત્યારે ઇઝરાયલને 'સેકન્ડ ક્લાસ સિટીઝન' તરીકે નહીં ગણવામાં આવે.
આથી જ્યારથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી જ તેઓ અમેરિકાની દૂતાવાસને જેરુસલેમ સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
તેમણે પેલેસ્ટાઇન સામે નવા પ્રતિબંધો લાદવાની પણ ચેતવણી આપી છે. વળી તેઓ સતત ઇરાન સરકારની ટીકા કરતા આવ્યા છે.
આમ આખરે ઇરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાને અલગ પણ કરી લીધું. તેમણે નેતાન્યાહૂ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાને પણ આ માટેનું એક જવાબદાર કારણ ગણાવ્યું છે.
ટ્રમ્પ ટીમમાં નવા ચહેરા
ટ્રમ્પે તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં ઈરાન સમજૂતીથી અલગ થવા માટે ઘણી વખત ઔપચારિક રીતે વાતો કરી.
પણ તેમને તમના વરિષ્ઠ સલાહકારો આ સમજૂતી નહીં તોડવા માટે સલાહ આપતા રહ્યા.
વળી તેમના સેક્રેટરી ઑફ સ્ટેટ રેક્સ ટિલરસન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચઆર મૅકમાસ્ટર ઉપરાંત રક્ષા સચિવ જેમ્સ મેટ્ટીસે પણ તેમને આ જ સલાહ આપી હતી.
પણ હવે ટ્રમ્પ ટીમમાં માત્ર મેટ્ટીસ જ એકલા રહ્યા છે. બાકી તમામની જગ્યાએ માઇક પોમ્પીઓ અને જ્હોન બોલ્ટોને લીધી છે.
આ બન્ને ઈરાનનો શિકાર કરવા માટે તત્પર વ્યક્તિ તરીકે ઓળખાય છે, જ્યારે મેટ્ટીસનું એટલું બધું પ્રભુત્વ નથી.
આથી આ વખતે જ્યારે તેમની અંતરાત્માએ સમજૂતીમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમને કોઈ મજબૂત વિરોધાભાસી સલાહ કે ચેતવણી નહોતી મળી.
સલાહકારોનો અભિગમ અને ઈરાન પ્રત્યે ટ્રમ્પનું વલણ બન્ને પરિબળના કારણે આખરે ટ્રમ્પ આ નિર્ણય લઈ લીધો.
પંદર મહિના પછી ટ્રમ્પે એક વિદેશ નીતિ માટે ટીમ બનાવી છે.
આ ટીમ પણ માટોભાગે તેમની મુખ્ય ટીમ જેવી છે. જેમાં તેમના દરેક નિર્ણયોમાં માત્ર સંમતિ જ દર્શાવવામાં આવશે એવી શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો