બીબીસીના નામે સોશિયલ મીડિયા પર ફરતો કર્ણાટકનો ફેક સર્વે

કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું 12મી મેના રોજ મતદાન યોજાશે અને 15મી મેના રોજ તેનું પરિણામ આવશે.

પરંતુ આ પહેલાં સોશિયલ મીડિયા પર કેટલાક ફેક સર્વે શેર થઈ રહ્યા છે. જેમાંનો એક સર્વે બીબીસીના નામે વૉટ્સએપ પર શેર કરાઈ રહ્યો છે.

લોકો આ સર્વેને બીબીસીના નામ અને તેની લિંક સાથે શેર કરી રહ્યાં છે. પરંતુ આ ફેક ન્યૂઝ છે.

બીબીસી ભારતમાં ચૂંટણીઓ પહેલાં કે ચૂંટણી બાદ આવા કોઈ પણ પ્રકારના સર્વે કરતું નથી. તેથી જો તમારી પાસે બીબીસીના નામે કોઈ પણ આવો ચૂંટણીલક્ષી સર્વે આવે તો તેને સાચો ગણવો નહીં.

શું છે આ ફેક સર્વેમાં?

આ સર્વેમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે આવાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થશે.

ભાજપ કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી મેળવશે અને રાજ્યમાં સરકાર બનાવશે.

હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને ભાજપને આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે.

સર્વેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 'જનતા કી બાત' દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 10 લાખ લોકો સાથે વાત કરવામાં આવી હતી.

આ સર્વેમાં એક લિંક આપવામાં આવી છે. જેના પર ક્લિક કરતાં બીબીસી ઇંગ્લીશનું પેજ ઓપન થાય છે.

આથી તમામ વાચકોને અમે જણાવીએ છીએ કે બીબીસીના નામથી વૉટ્સએપ પર ફરી રહેલો આ સર્વે ફેક છે.

બીબીસી ગુજરાતી પર કર્ણાટકની ચૂંટણી અંગે વાંચવા માટે તમે નીચેની લિંક પર ક્લિક કરી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો