દૃષ્ટિકોણઃ મોદી કર્ણાટક ચૂંટણી માટે છેલ્લા તબક્કાનો પ્રચાર નેપાળમાંથી કરશે

    • લેેખક, અનિલ ચમડિયા
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કર્ણાટકમાં 12 મેએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હશે ત્યારે રાજ્યના મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળમાં હિંદુ મંદિરોમાં દર્શન કરતા હોય તેના સમાચાર મીડિયામાં મોટાપાયે જોવા મળશે.

વડાપ્રધાનની 11 મેની મુલાકાત બાબતે નેપાળના ગૃહ પ્રધાન રામ બહાદુર થાપાએ સ્પષ્ટ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી નેપાળના ધાર્મિક તથા સાંસ્કૃતિક યાત્રાએ આવી રહ્યા છે.

ભારતીય ચૂંટણી પંચે દેશના કોઈ પણ વિસ્તારમાં મતદાન યોજાવાના 48 કલાક પહેલાંથી ચૂંટણી પ્રચાર બંધ કરવાનો નિયમ તમામ રાજકીય પક્ષો માટે બનાવ્યો છે.

જોકે, આ નિયમને પ્રભાવહીન કરવા માટે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ ચૂંટણી પ્રચારનું પોતાનું આગવું મોડેલ બનાવ્યું છે. 2014ની ચૂંટણી પછીની અનેક ચૂંટણીમાં આવું જોવા મળ્યું છે.

મતદાન પહેલાં વડાપ્રધાનનું ભાષણ

2014ની સાતમી એપ્રિલે આસામ અને ત્રિપુરાની લોકસભાની છ બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું હતું.

બીજી તરફ ન્યૂઝ ચેનલો બીજેપી દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરી રહી હતી.

ન્યૂઝ ચેનલો પર લાઇવ ટેલિકાસ્ટમાં ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ અને વચનોને બ્રેકિંગ ન્યૂઝ દરમ્યાન પણ દેખાડવામાં આવ્યાં હતાં.

મુરલી મનોહર જોશીએ ચૂંટણી ઢંઢેરા વિશે વિગતવાર માહિતી આપવાની સાથે ઉતર-પૂર્વનાં રાજ્યો સંબંધે બીજેપી દ્વારા આપવામાં આવેલાં વચનોની વાત પણ જણાવી હતી.

'મોદીમય અને કમળમય'

2014ની 10 એપ્રિલે દિલ્હીના તમામ સાત સંસદીય મતવિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું હતું.

જનસત્તાના સંવાદદાતા પ્રિયરંજને ત્યારે લખ્યું હતું, "જાહેરાતના ઓઠા તળે આચારસંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન.

"મતદાતાઓને મદદ કરવા માટે અનેક બૂથો બહાર ટેબલ-ખુરશી લગાવીને બેઠેલા કાર્યકરોમાં અખબાર વાંચવાની હરિફાઈ ચાલતી હોય તેવું લાગતું હતું.

"દરેક વ્યક્તિ પહેલું પેજ ખોલતો જોવા મળ્યો ત્યારે તો હદ થઈ ગઈ હતી.

"વાસ્તવમાં ચૂંટણી ચિહ્નના પ્રદર્શન સામે ચૂંટણી પંચની મનાઈ સામે અખબારી જાહેરાતનો તોડ કાઢવામાં આવ્યો હતો.

"તેનું કારણ એ હતું કે દિલ્હીથી પ્રકાશિત થતાં તમામ અખબારોનું પહેલું પાનું એ ગુરુવારે મોદીમય અને કમલમય બની ગયું હતું.

"ટોપી-બેનર-પેમ્ફેલટ્સ પર ચૂંટણીચિહ્ન દર્શાવવાનું રોકી શકાય પણ કોઈને અખબાર વાંચતા કેમ રોકી શકાય? તેથી બહુ જોવા મળ્યું હતું કમળ.

"અનેક ઝૂંપડપટ્ટીઓમાં પાસેના મતદાન કેન્દ્રો નજીક પણ કાર્યકરો કલાકો સુધી અંગ્રેજી અખબારો વાંચતા જોવા મળ્યા હતા.

"10 એપ્રિલે દેશની કુલ 92 સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું."

ચૂંટણી પંચે આપવો પડ્યો આદેશ

મતદાનના દિવસે અખબારોમાં બીજેપીની આખા પાનાની જાહેરાત પ્રકાશિત કરાવવાની આ વ્યૂહરચનાની ફરિયાદ ચૂંટણી પંચને સતત મળી હતી.

એ પછી આ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધનો આદેશ ચૂંટણી પંચે 2018ની ચોથી મેએ બહાર પાડ્યો હતો.

ચૂંટણી પંચે રાજકીય પક્ષોના પ્રમુખોને આદેશ આપ્યો છે કે મતદાનની પૂર્વસંધ્યાએ પ્રચારના હેતુસર જાહેરાતો પ્રકાશિત કરાવી શકાશે નહીં.

આવી જાહેરાતોના પ્રકાશનથી સંપૂર્ણ ચૂંટણીપ્રક્રિયા દૂષિત થાય છે.

ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરવાના પ્રયાસો વિશેની ફરિયાદો મળે એ પછી ચૂંટણી પંચ આ સંબંધે નિર્ણય લેતું હોય છે.

બીજેપીની નવી તરકીબ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 11 તથા 12 મેએ અખબારોમાં ચૂંટણીપ્રચાર સંબંધી જાહેરાતોના પ્રકાશન પર ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો છે.

જોકે, ચૂંટણીપ્રચારને દૂષિત કરતા દરેક ઇરાદાને નિષ્ફળ બનાવવાની જોગવાઈ ચૂંટણી પંચ પાસે નથી.

નરેન્દ્ર મોદી તેમની નેપાળ યાત્રા દરમ્યાન મંદિરોમાં દર્શન કરવા જાય તેને મીડિયા સમાચાર માને છે, પણ તેનો હેતુ મતદાન વખતે પ્રચારનો છે અને તેને રોકવાની કોઈ વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે નથી.

પૌરાણિક ગ્રંથ રામાયણના મર્યાદા પુરુષોત્તમ રામનાં પત્ની સીતાના જન્મસ્થાન જનકપુરની મુલાકાત પણ નરેન્દ્ર મોદી લેવાના છે.

નેપાળના ગૃહ પ્રધાનના નિવેદન અનુસાર, જનકપુરની મુલાકાત પછી નરેન્દ્ર મોદી મુક્તિનાથ મંદિર અને પશુપતિનાથ મંદિરે દર્શન કરવા પણ જશે.

અલગ પ્રકારનો પ્રચાર, અલગ વ્યૂહરચના

અહીં એ નોંધવું જોઈએ કે કર્ણાટકમાં હિંદુત્વના મુદ્દે આક્રમક પ્રચાર કરવાનો આક્ષેપ બીજેપી પર કરવામાં આવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં 2017ની આઠમી માર્ચે પણ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

દેશના કોઈ પણ પ્રદેશમાં મતદાન હોય ત્યારે તેની આસપાસનાં મંદિરોની વડાપ્રધાનની યાત્રાનો રોચક અભ્યાસ કરી શકાય તેમ છે.

મતદાન વખતે મતદાતાઓને પ્રભાવિત કરવાની બીજેપીની વ્યૂહરચનાનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે આ પક્ષ પ્રચાર માટે અનેક સ્તરે વ્યૂહરચના બનાવે છે.

દાખલા તરીકે, 2014ની 17 એપ્રિલે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સૌથી વધુ 122 બેઠકો માટે મતદાનના બે દિવસ પહેલાં એક પ્રતિષ્ઠિત ચેનલે એક ઓપિનિયન પોલનું પરિણામ જાહેર કર્યું હતું.

બીજા દિવસે દેશનાં અનેક અગ્રણી અખબારોમાં હેડલાઇન પ્રકાશિત કરવામાં આવી હતી કે બીજેપીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(એનડીએ)ને લોકસભા ચૂંટણીમાં બહુમતિ મળશે એવું કોઈ ઓપિનિયન પોલમાં પહેલીવાર બહાર આવ્યું છે.

નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી ત્યારે

ઓપિનિયન પોલમાં જાહેર કરવામાં આવ્યું હતું કે એનડીએને કુલ 543માંથી 275 બેઠકો મળશે. તેમાંથી માત્ર બીજેપીને જ 226 બેઠકો મળશે.

14 એપ્રિલે ટીવી ચેનલોએ પ્રસારિત કરેલા ઓપિનિયન પોલના તારણ વિશે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેમાં લોકસભાની જે 111 બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું હતું તેનું સંભવિત પરિણામ પણ સામેલ હતું.

તે એક રીતે એક્ઝિટ પોલના પરિણામનો પ્રસાર કરે છે, જે લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમક્રમાંક 126નું ઉલ્લંઘન છે.

24 એપ્રિલે 117 સંસદીય મતવિસ્તારોમાં મતદાન થતું હતું ત્યારે પ્રચારની વ્યૂહરચનાનો બીજો પ્રકાર જોવા મળ્યો હતો.

એ દિવસે વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનું આયોજન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

બીજેપીના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામાંકન સમારંભની ભવ્યતાનું પ્રસારણ ટીવી ચેનલોએ આખો દિવસ કર્યું હતું.

કોઈ ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવવાના કાર્યક્રમનું પ્રસારણ આટલા લાંબા સમય સુધી કરવામાં આવ્યું હોય એવું વિશ્વમાં ત્યારે કદાચ પહેલીવાર બન્યું હતું.

મતદાનના સમયે મંદિરોમાં દર્શને જવાનો કાર્યક્રમ ચૂંટણી ક્ષેત્રોની જરૂરિયાતના હિસાબે નક્કી કરવામાં આવતો હોય એવું લાગે છે. કર્ણાટકમાં ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં સાંપ્રદાયિકતા છે.

(આ લેખકના અંગત વિચાર છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો