ઉત્તર કોરિયાઃ કિમ જોંગ-ઉનના જૂતાંમાં એવી શું ખાસ વાત છે

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને તેમના દેશની સરહદ પાર કરી દક્ષિણ કોરિયાની જમીન પર પગ મૂકીને ઇતિહાસ રચી નાખ્યો છે.

સંઘર્ષ, દુષ્પ્રચાર, પ્રતિબંધો, ધમકીઓ, સૈન્ય અભ્યાસો, કેસ, પરમાણુ ખતરાથી ભરપૂર છેલ્લા 70 વર્ષોમાં આ પહેલો અવસર હતો કે જ્યારે ઉત્તર કોરિયાના કોઈ નેતા પોતાના સૌથી કટ્ટર દુશ્મનને ત્યાં ગયા હતા.

કિમ જોંગ-ઉનના પગલાં જ્યારે સરહદ પાર દક્ષિણ કોરિયાની જમીન પર પોતાના સમકક્ષ મૂન જે-ઇનના સ્વાગત માટે પડ્યા તો મીડિયાથી માંડીને વિશેષજ્ઞોની નજર દરેક બારીકમાં બારીક વસ્તુ પર હતી.

કિમ જોંગ-ઉનના જૂતાં પણ લોકોની નજરોમાં હતા.

અત્યાર સુધી કિમ જોંગ-ઉનની જેટલી તસવીરો દુનિયા સમક્ષ આવતી હતી, તે ઉત્તર કોરિયાની મીડિયા તરફથી જ જાહેર થતી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

નિષ્ણાતોનું એ માનવું હતું કે આ તસવીરો પર કામ કરવામાં આવતું હતું.

કદાચ એ જ કારણ છે કે કિમ જોંગ-ઉનના જૂતાંને લઈને પણ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ગઈ. ઘણી વાતો કહેવા- સાંભળવા મળી.

તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે દક્ષિણ કોરિયાના એક પ્રસિદ્ધ દૈનિકે કિમ જોંગ-ઉનના જૂતા પર અધ્યયન માટે સાત વિશેષજ્ઞોની ટીમ બનાવી નાખી.

મહત્ત્વનો સવાલ

મીડિયા માટે કોઈ નેતાના હાવ-ભાવ અને પહેરવેશથી માંડીને જૂતાં જેવી વાતો મહત્ત્વની હોય છે. ખાસ કરીને વાત જ્યારે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની હોય તો આ દેશની અલગ વિશિષ્ટતાઓને કારણે પણ આ વાતો મહત્ત્વની છે.

કેટલાક દક્ષિણ કોરિયાઈ અને અમેરિકન વિશેષજ્ઞોનું માનવું છે કે આ વાતો કોઈ નેતાના સ્વાસ્થ્ય અને તેમની માનસિક હાલતનું અનુમાન આપે છે.

કિમ જોંગ-ઉન વિશે દુનિયાને વધારે કોઈ વાત ખબર નથી અને જે વાતો ખબર પણ છે, તે ઉત્તર કોરિયાની પ્રૉપેગેન્ડા સિસ્ટમથી ચળાઈને આવી છે.

અમેરિકાના દૈનિક વોશિંગટન પોસ્ટે લખ્યું છે કે આ વિવરણના આધારે કોઈ દેશને લઈને નીતિઓ બનાવી શકાય છે.

ઉદાહરણ તરીકે જો કિમ જોંગ-ઉન કોઈ ગંભીર બીમારીથી પીડાય છે તો તેમના નેતૃત્વ અને ઉત્તર કોરિયામાં સત્તાના ઉત્તરાધિકારને લઈને સવાલ ઊભા થઈ શકે છે.

પરંતુ વાત અહીં આવીને અટકતી નથી કે હવે એવી કઈ નવી વાત સામે આવી છે અને કિમ જોંગ-ઉનના જૂતાં આટલા ખાસ કેમ બની ગયા છે?

નવી તસવીરો, ઊંચા જૂતાં

જોકે, ઉત્તર કોરિયાએ કિમ જોંગ ઉન વિશે ઘણી વાતોને સાત પડદાની અંદર જ રાખી છે, પરંતુ તે છતાં જાહેર કરવામાં આવેલી તસવીરોથી નિષ્ણાતોએ તેમના સ્વાસ્થ્ય અંગે ઘણા અનુમાન લગાવ્યા છે.

વિશેષજ્ઞો જે વાત પર સહમત થયા છે, તે એ છે કે કિમ જોંગ ઉનનું વજન વધારે છે અને તેમને ચાલવામાં તકલીફ છે.

વર્ષ 2014માં એક રેકોર્ડિંગ સામે આવી હતી જેમાં કિમ જોંગ ઉનને ચાલવામાં આવતી મુશ્કેલીનો સામનો કરતા જોઈ શકાતા હતા.

કિમ જોંગ-ઉનની ઔપચારિક તસવીરો જોઈને વિશેષજ્ઞોએ તેમના ડાબા કાનથી માંડીને પાસે પડેલી એશટ્રે સુધીની વસ્તુથી એ અંદાજો લગાવવામાં આવ્યો કે કિમ સિગરેટ ખૂબ પીવે છે.

જોકે, ઉત્તર કોરિયાની સરકાર પોતાના નાગરિકોને ધૂમ્રપાનથી બચવા અપીલ કરે છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે કિમની મુલાકાતની જે તસવીર સામે આવી છે, તેનાથી વિશેષજ્ઞોએ અંદાજો લગાવ્યો છે કે કિમ જોંગ-ઉનની ચાલવાની તકલીફ ફરી શરૂ થઈ ગઈ છે.

થોડા સમયથી એવું પણ લાગે છે કે તેમને કદાચ શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા પણ છે. જોકે, વિશેષજ્ઞોએ આ અંગે વિગતવાર માહિતી આપી નથી.

કિમના જૂતાંનું રહસ્ય

રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે કિમની મુલાકાતની શરૂઆતથી જ વિશેષજ્ઞોની નજર ઉત્તર કોરિયાના નેતાના જૂતાં પર છે.

કિમ સામાન્યતઃ ઢીલું પેન્ટ પહેરે છે જેનાથી તેમના જૂતાં ઢંકાઈ જાય. કેટલાક લોકોનું એવું માનવું છે કે કિમ જોંગ-ઉન કદાચ આ પ્રકારનું પેન્ટ કદાચ કંઈક છુપાવવા માટે પહેરે છે.

કિમ જોંગ-ઉન અને મૂન જે-ઇનની મુલાકાતની જે તસવીરો સામે આવી, તેનાથી એવું લાગ્યું કે કિમના જૂતાંની હિલ કંઈક વધારે ઊંચી છે.

પુરુષો સામાન્યપણે આટલી ઊંચી હિલવાળ જૂતાં પહેરતા નથી.

દક્ષિણ કોરિયાના દૈનિક 'ચોસુન ઇલ્બો'એ વિશેષજ્ઞોના હવાલાથી કહ્યું છે કે વર્ષો સુધી ઉત્તર કોરિયા પોતાના નેતાઓની છબી આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રોજેક્ટ કરતું રહ્યું છે.

કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ-બીજા પણ હાઈ હિલના જૂતાં પહેરતા હતા.

ઘણા વિશેષજ્ઞોએ તેનો મતલબ એવો માન્યો હતો કે તેઓ પોતાને લાંબુ કદ ધરાવતા નેતા તરીકે રજૂ કરવા માગે છે. આ વાત કિમ જોંગ-ઉન પર પણ લાગુ પડી શકે છે.

કિમ જોંગ-બીજાની લંબાઈ 157 સેન્ટીમીટર હતી જ્યારે કિમ જોંગ-ઉન 170 સેન્ટીમીટર લાંબા છે.

ટ્રમ્પનો વ્યંગ

પરંતુ દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ સાથે મુલાકાતના સમયે આ અનુમાનની વિરોધાભાસી વાતો સામે આવી.

હાઈ હિલના જૂતાં પહેર્યા બાદ પણ તેઓ 167 સેન્ટીમીટર લાંબા મૂન જે-ઇનથી લંબાઈમાં નાના દેખાઈ રહ્યા હતા.

દક્ષિણ કોરિયાઈ વિશેષજ્ઞોનું કહેવું છે કે કિમ જોંગ-ઉન મૂન જે-ઇન કરતાં પાંચ સેન્ટીમીટર નાના છે.

પરંતુ ઉત્તર કોરિયાના નેતાઓ માટે લાંબુ હોવું મહત્ત્વનું કેમ છે?

કેટલાક લોકો માને છે કે સત્તા સાથે જોડાયેલી છબીને લઈને બનેલી ધારણાઓ મામલે ઉત્તર કોરિયા કોઈ અલગ દેશ નથી.

ત્યાં પણ લાંબા કદને સત્તા અને આદરનું પ્રતિક માનવામાં આવે છે.

કિમને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ક્યારેક 'લિટલ રૉકેટ મેન' કહીને વ્યંગ કર્યો હતો.

નવેમ્બર 2017માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું હતું, "કિમ જોંગ-ઉને મને વૃદ્ધ કહીને મારું અપમાન કેમ કર્યું. મેં તો તેમને ક્યારેય ઠીંગણા અને જાડા કહ્યા નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો